UP Election : કાશી વિશ્વનાથમંદિરની જાહેરાતમાં નરેન્દ્ર મોદી છે, યોગીનો ફોટો કેમ ગાયબ?

  • અનંત પ્રકાશ
  • બીબીસી સંવાદદાતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે કાશી વિશ્વનાથમંદિર કૉરિડોરના લોકાર્પણ માટે વારાણસી પહોંચ્યા. આ પ્રસંગે કાશી વિશ્વનાથમંદિરપરિસરથી માંડીને ગંગાના ઘાટ અને બનારસની ગલીઓમાં સમાચાર એજન્સીઓ, અખબારો અને ટીવી ચૅનલો બધાંના કૅમેરા હાજર હતા.

ઇમેજ સ્રોત, TWITTER/KHARGE

સાથોસાથ, એમની સાથે વાત કરવા બનારસમાં જગ્યા-જગ્યાએ બીજેપી સમર્થકો, કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપસ્થિત હતા.

બીજેપી અને ઉત્તર પ્રદેશ સરકાર માટે આ કાર્યક્રમ કેટલો મહત્ત્વનો હતો એની સાબિતી એ વાતથી મળે છે કે ચૂંટણીના માહોલમાં પહેલી વાર બીજેપીના આટલા બધા નેતા એક જ જગ્યાએ એકઠા થયા હતા.

બીજેપી અધ્યક્ષ જે.પી. નડ્ડાથી માંડીને તમામ સાંસદ અને ઘણાં રાજ્યોના મુખ્ય મંત્રી બનારસ પહોંચ્યા હતા.

પરંતુ કૅમેરામાંથી પ્રગટતી તસવીરોથી એક વાત સ્પષ્ટ થાય છે કે, 'આ શોના હીરો'એકમાત્ર નરેન્દ્ર મોદી હતા.

સોમવારે બધાં છાપાંના પહેલા પેજ પર અપાયેલી જાહેરખબરથી માંડીને મંદિરપરિસરમાં લગાડેલાં હૉર્ડિંગ્સમાં એકલા પીએમ મોદી નજરે પડ્યા.

કાશી વિશ્વનાથમંદિરમાં આરતીથી લઈને બનારસના ઘાટોથી માંડી સાંકડી ગલીઓમાં માત્ર મોદી જ મોદી છવાયેલા રહ્યા.

જોકે, કાર્યક્રમમાં વડા પ્રધાન મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી ઘણી જગ્યાએ એકસાથે જોવા મળ્યા. અખબારોમાં અંદરના પાને છપાયેલી જાહેરખબરોમાં યોગી આદિત્યનાથના નામે એક નિવેદન પણ છપાયું, પણ જાહેરખબરમાં ક્યાંય એમની તસવીર નથી.

ઉત્તર પ્રદેશ સરકારમાં એક ઉચ્ચ અધિકારી એસીએસ (હોમ) અવનીશ અવસ્થીએ પણ આને યોગી સરકારની પરિયોજના ગણાવી છે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, એમણે કહ્યું છે કે આ પરિયોજના વર્ષ 2018માં શરૂ થઈને હવે પૂરી થશે.

આ બધું જોતાં સવાલ એ છે કે, જો કાશી વિશ્વનાથમંદિર કૉરિડોર પરિયોજના યોગી આદિત્યનાથ સત્તા પર આવ્યા ત્યાર પછી શરૂ થઈ, તો પોસ્ટરોમાં યોગી આદિત્યનાથ ગાયબ કેમ છે?

હિન્દુ હૃદયસમ્રાટની છબિ

ઇમેજ સ્રોત, TWITTER/SHEHZAD_IND

આ સવાલ ઊભો થવાનું એક કારણ એ પણ છે કે ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલાં આયોજિત થયેલા શિલાન્યાસ અને લોકાર્પણ સાથે જોડાયેલા તમામ કાર્યક્રમોની જાહેરખબરોમાં યોગી આદિત્યનાથ અને પીએમ મોદી એકસાથે દેખાતા રહ્યા છે.

ગઈ 11 ડિસેમ્બરે બધાં છાપાંના પહેલા પાને છપાયેલી આખા પાનાની જાહેરખબર એનું ઉદાહરણ છે, જેમાં પીએમ મોદી અને યોગી, બંને સાથે જોવા મળ્યા હતા.

આની પહેલાં 7 ડિસેમ્બર, 6 ડિસેમ્બર, 25 નવેમ્બર અને 16 નવેમ્બરે છપાયેલી આખા પાનાની જાહેરખબર પણ આનાં ઉદાહરણ છે.

આ જોતાં સવાલ એ ઊભો થાય છે કે કાશી વિશ્વનાથમંદિર કૉરિડોરની જાહેરખબરમાંથી યોગી આદિત્યનાથનો ફોટો ગાયબ કેમ થયો?

બીજેપીની રાજનીતિને ઊંડાણપૂર્વક સમજનાર વરિષ્ઠ પત્રકાર શરત પ્રધાન માને છે કે એનું કારણ પીએમ મોદીની ખાસ છબિ છે, જેને તેઓ જાળવી રાખવા માગે છે.

તેમણે કહ્યું, "જો આ વિજ્ઞાપન કેન્દ્ર સરકાર તરફથી અપાયું હોત તો એનાથી એવું જાહેર થાત કે એ નરેન્દ્ર મોદીના ઇશારે થયું હશે. કેમ કે વડા પ્રધાન એવું ના ઇચ્છે કે એમના સિવાય અન્ય કોઈ વ્યક્તિને પ્રોજેક્ટ કરવામાં આવે, અને એ પણ ખાસ કરીને કાશી વિશ્વનાથધામની બાબતે."

"કેમ કે યોગી આદિત્યનાથ તો ભગવાધારી છે, એ કારણે, તેઓ હિન્દુત્વના સૌથી પ્રબળ દાવેદાર બની જાય છે. એ બધાં કારણે લાગે છે કે આ ચૂંટણીમાં મોદીજી પોતાની હિન્દુત્વવાળી છબિને મજબૂત રાખવા ઇચ્છે છે. અને એમાં તેઓ કોઈ બીજાની દખલ નથી ઇચ્છતા."

પણ, આ કંઈ પહેલો પ્રસંગ નથી કે જેમાં પીએમ મોદી આ રીતના કાર્યક્રમની આન-બાન-શાન રહ્યા હોય.

આ તથ્યને રેખાંકિત કરીને પ્રધાને કહ્યું કે, "તેઓ એ સુનિશ્ચિત કરવા ઇચ્છે છે કે એમને સૌથી પ્રખર હિન્દુ હૃદયસમ્રાટ રૂપે જોવામાં આવે. એ વાત સાચી કે એમનો એક કલ્ટ ફૉલોઇંગ (ચોક્કસ અનુયાયી વર્ગ-જૂથ) છે. લોકો એમને પસંદ કરે છે."

"તેઓ વિકાસની વાતો પણ કરે છે. પણ હવે એમને લાગે છે કે હિન્દુ હૃદયસમ્રાટની છબિથી જ નાવ પાર થઈ શકે એમ છે. એમાં તેઓ એ દેખાડવા ઇચ્છે છે કે એમનાથી વધુ મોટા હિન્દુ હૃદયસમ્રાટ કોઈ ન હોઈ શકે."

"મને લાગે છે કે અમુક હદ સુધી યોગી આદિત્યનાથની છબિ પણ જવાબદાર છે. એમને એમ લાગે છે કે યોગી આદિત્યનાથ આવી છબિ સાથે એમની સાથે સ્પર્ધામાં છે. અને આ તેઓ સહન કરી શકતા નથી કે આ મામલામાં કોઈ એમની સાથે સ્પર્ધા કરવાનો પ્રયાસ કરે."

શરત પ્રધાન માને છે કે આ મામલે, હાલ પૂરતું, યોગી આદિત્યનાથ પીએમ મોદીને ટક્કર આપી શકે એમ નથી.

તેઓ કહે છે, "યોગી આદિત્યનાથ હમણાં તો કોઈ પણ રીતે પડકારવાની સ્થિતિમાં નથી. પણ યોગી આદિત્યનાથની છબિ ઊભરી રહી છે. અને આવનારા સમયમાં વર્ષ 2024 પછી એમના (પીએમ મોદી) માટે પરેશાની ઊભી થઈ શકે છે."

"કેમ કે જો હિન્દુ-મુસ્લિમના રાજકારણથી જ ચૂંટણી જીતવી છે તો એમાં તો યોગી, મોદીજી કરતાં આગળ નીકળી જવાની કોશિશ કરશે અને યોગી આદિત્યનાથ ખૂબ જ મહત્ત્વાકાંક્ષી છે. ભગવાં પહેરે છે અને મોદીજીનાં પગલે ચાલે છે. એ બધાંને લીધે હાલ તો નહીં પણ આગળ જતાં પડકાર બની શકે છે. એટલે મોદી અત્યારે એમને સ્પર્ધાથી દૂર રાખવા ઇચ્છે છે."

યોગીની તસવીર ગાયબ થવા પાછળનો રાજકીય અર્થ

ઇમેજ સ્રોત, SANJAY KANOJIA / AFP

બીજેપી, ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલાં આ મહાઆયોજનને ઓપ આપી રહી છે.

મંદિરપરિસરમાં નજર દોડાવો તો તમને ખબર પડશે કે ઘણી જગાએ હજુ પણ નિર્માણકાર્ય ચાલુ છે.

એવામાં પ્રશ્ન એ ઊભો થાય છે કે બીજેપીએ આટલી ઉતાવળે આ કાર્યક્રમનું આયોજન કેમ કર્યું? આ પ્રશ્નનો જવાબ તો અમિત શાહ, જે.પી. નડ્ડા કે બીજા કોઈ નેતા જ આપી શકે.

પણ એ વાતનો સંકેત પણ મળે છે કે બીજેપી આ કાર્યક્રમનો ઉપયોગ યુપીની ચૂંટણીમાં કરશે.

યુપીની રાજનીતિને ઊંડાણથી સમજનારા વરિષ્ઠ પત્રકાર યોગેશ મિશ્ર માને છે કે જે સ્તરે આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે અને જેના કેન્દ્રમાં પીએમ મોદી છે, એ જ દર્શાવે છે કે યુપીની ચૂંટણી માટે બીજેપી પોતાની વ્યૂહરચનામાં ફેરબદલ કરી રહી છે.

તેમણે દાવો કર્યો કે, "ઉત્તર પ્રદેશની ચૂંટણી માટે અત્યારે જે સ્થિતિ છે એ જોતાં બીજેપી ચૂંટણી જીતે એમ લાગતું નથી. કેમ કે યોગી આદિત્યનાથ એક હિન્દુ નેતા હતા, પણ, એમની કે એમની આસપાસના લોકોની ભૂલોના કારણે હવે તેઓ એક જાતિના નેતા બની ગયા છે."

મિશ્ર પોતાની વાતનો વિસ્તાર કરતાં કહે છે કે, "સરકાર ચાહે વિકાસના કેટલાય પણ દાવા કરતી હોય પણ એવા કોઈ વિકાસનાં કામ નથી કરાયાં જેનાથી સરકાર માટે લોકોના માનસ પર સકારાત્મક અસર થઈ હોય."

"ત્યાર બાદ, યુપી સરકારના 95 ટકા મંત્રીઓએ સાર્વજનિક કામો નથી કર્યાં. એવામાં નરેન્દ્ર મોદીને ઓવર ઑલ એવા ફિડબૅક મળ્યા હશે કે આ સરકારનાં કામકાજના જોર પર ચૂંટણી જીતવી મુશ્કેલ છે. એવી સ્થિતિમાં મને લાગે છે કે તેઓ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કોઈ પણ રીતે જીતવા માગે છે અને જીત માટે તેઓ પોતાનું બધું જ દાવ પર મૂકી દેવા ધારે છે."

"કેમ કે, જ્યારે નરેન્દ્ર મોદી પોતાને જ દાવ પર મૂકી દેશે તો જાતિગત રાજનીતિની સીમાઓમાં ભંગાણ પડશે. પછી ચૂંટણી, બહુસંખ્યક વિરુદ્ધ અલ્પસંખ્યક એવી થઈ જશે. આવા સંજોગોમાં બીજેપી હંમેશાં જીતે છે. જ્યારે પણ જાતિ આધારિત રાજનીતિ ખેલાય છે ત્યારે પ્રાદેશિક પાર્ટીઓ જીતે છે."

"હજુ હમણાં, થોડા દિવસો પહેલાં જ અખિલેશ યાદવે સારી રેલીઓ યોજી, જેમાં ઘણા લોકો એકઠા થતા હતા. મને લાગે છે કે આવા બધા સંજોગોમાં નરેન્દ્ર મોદીએ એવું નક્કી કર્યું હશે કે આ ચૂંટણી તેઓ પોતાના જોરે લડશે, કેમ કે એમના ધારાસભ્યો પણ એવું જ ઇચ્છે છે."

પીએમ મોદીનો ખાસ અંદાજ

ઇમેજ સ્રોત, TWITTER/BJP4INDIA

પણ આટલાં બધાં છાપાંમાં છપાયેલી જાહેરખબરોમાં યોગીની ગેરહાજરીને શું માત્ર એક સંયોગ જ માની શકાય?

શરત પ્રધાને જણાવ્યું કે, "આને માત્ર એક સંયોગ તે જ માની શકે જે અંધ ભક્તની શ્રેણીમાં આવે છે. આ વાતનો સીધો અર્થ છે અને એ માટે પીએમ મોદી જાણીતા પણ છે. એમને પ્રસિદ્ધિ વહેંચવી ગમતી નથી."

તો, યોગેશ મિશ્ર પણ કહે છે કે આને માત્ર સંયોગ ન માની શકાય. "કેમ કે ગુજરાતથી લઈને આજે કાશી સુધી, વડા પ્રધાનનો આ જ અંદાજ રહ્યો છે. એમની પ્રસિદ્ધિની ફ્રેમમાં ક્યારેય કોઈ બીજી વ્યક્તિ આવતી નથી. અને કાશી વિશ્વનાથમંદિરમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીનું કશું યોગદાન નથી અને પીએમ મોદી આ દર્શાવવા માગે છે કે જે કંઈ છે, એ જ છે."

"અને હવે એ સ્પષ્ટ થતું જાય છે કે ચૂંટણી હવે મોદીના નામ પર લડાશે. આની પહેલાં આના સંકેતો જેવર રેલીમાં મળ્યા હતા, જેમાં પીએમ મોદીએ ભાષણ આપતી વેળા એક પણ વાર મુખ્ય મંત્રી આદિત્યનાથનો ઉલ્લેખ નહોતો કર્યો. એમનાં વખાણ ન કર્યાં. એમણે બીજેપી સરકારની વાત કરી, પણ મુખ્ય મંત્રીની વાત ન કરી."

"આની પહેલાં એક્સપ્રેસ વેનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં યોગી આદિત્યનાથ પીએમ મોદીની ગાડીની પાછળ ચાલતા દેખાતા હતા. આ બધા સંકેતો છે."

"એ પહેલાં અયોધ્યામાં પણ આપણે એ જ જોયેલું કે ત્યાં જ્યારે શિલાન્યાસ કરતા હતા ત્યારે બધા જ કૅમેરા એમના પર જ મંડાયલા હતા અને એમના સિવાય કૅમેરામાં બીજું કોઈ દેખાતું નહોતું. તસવીરોથી માંડી કવરેજમાં માત્ર તેઓ જ દેખાય છે. એ જોતાં કહી શકાય કે, આ એમની સ્ટાઇલ પણ છે અને તેઓ જે કામ કરે છે એનું શ્રેય તેઓ બીજા કોઈને શા માટે લેવા દે?"

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો