અંગ્રેજોએ જ્યારે મુગલ શાહજાદાઓનાં કપડાં ઊતરાવી ગોળીઓ મારી દીધી

  • રેહાન ફઝલ
  • બીબીસી સંવાદદાતા

ઈ.સ. 1857માં અંગ્રેજોએ ફરી દિલ્હી પર કબજો કરી લીધો ત્યારે કૅપ્ટન વિલિયમ હૉડસન લગભગ 100 સૈનિકો સાથે બાદશાહ બહાદુરશાહ ઝફરને પકડવા શહેરની બહાર નીકળ્યા.

હૉડસન જ્યારે હુમાયુના મકબરા તરફ જતા હતા ત્યારે દિલ્હીના માર્ગો પર એ સમયે પણ ઊભેલા વિદ્રોહીઓમાંથી કોઈએ એમની ટુકડી પર ગોળી ન છોડી.

હૉડસનને એ વાતની ચિંતા જરૂર હતી કે ખબર નહીં હુમાયુના મકબરામાં ઉપસ્થિત લોકો એમની સાથે કેવો વ્યવહાર કરશે, તેથી તેઓ સૌથી પહેલાં તો મકબરા પાસેના ખંડેરોમાં છુપાઈ ગયા.

તાજેતરમાં જ 1857ના વિપ્લવ વિશે 'ધ સીજ ઑફ ડેલ્હી' પુસ્તક લખનારા અને હાલ લંડનમાં રહેતા અમરપાલસિંહે જણાવ્યું કે, "હૉડસને મહારાણી ઝીનતમહલને મળવા અને બાદશાહને આત્મસમર્પણ કરવા સમજાવવા માટે પોતાના બે પ્રતિનિધિ મૌલવી રજબ અલી અને મિર્ઝા ઇલાહી બખ્શને મકબરાના મુખ્ય દરવાજેથી અંદર મોકલ્યા."

મુઘલ બાદશાહ બહાદુરશાહ ઝફરની છેલ્લી તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

મુગલ બાદશાહ બહાદુરશાહ ઝફરની છેલ્લી તસવીર

"બાદશાહ ઝફર હજુ સુધી હથિયાર મૂકી દેવા માટે તૈયાર નહોતા થયા. બે કલાક સુધી કંઈ પણ ન થયું."

"હૉડસન એટલે સુધી વિચારવા લાગ્યા હતા કે કદાચ મકબરાની અંદર એમના પ્રતિનિધિઓની હત્યા કરી દેવાઈ છે, પરંતુ એટલામાં તો હૉડસનના પ્રતિનિધિઓ એવા સંદેશ સાથે બહાર આવ્યા કે ઝફર માત્ર હૉડસનની સમક્ષ જ આત્મસમર્પણ કરશે અને એ પણ ત્યારે જ્યારે હૉડસન ખુદ જનરલ આર્ચડેલ વિલ્સન દ્વારા કરાયેલો વાયદો એમની સામે ફરી વાર કહેશે કે એમને જીવતદાન અપાશે."

line

બાદશાહે પુરાના કિલ્લામાં શરણ લીધી

જનરલ આર્ચડેલ વિલ્સન

ઇમેજ સ્રોત, Harper Collins

ઇમેજ કૅપ્શન,

અમરપાલસિંહે લખેલું પુસ્તક ધ સીજ ઑફ ડેલ્હી

અંગ્રેજ છાવણીમાં એ મુદ્દે અવઢવ હતી કે બહાદુરશાહ ઝફરને એમના જીવનનું રક્ષણ કરવાનું વચન કોણે અને ક્યારે આપ્યું હતું?

આ વિશે ગવર્નર જનરલના પહેલાંથી જ સ્પષ્ટ આદેશ હતા કે વિદ્રોહી ભલે ને ગમે તેટલા મોટા કે નાના હોય, જો તેઓ આત્મસમર્પણ કરવા માગતા હોય તો એમની સામે કશી શરત કે મર્યાદા રાખવામાં ન આવે.

શરૂઆતમાં જ્યારે અંગ્રેજ દિલ્હીમાં ઘૂસ્યા ત્યારે બાદશાહે કિલ્લાની અંદર પોતાના મહેલમાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો.

16 સપ્ટેમ્બર, 1857એ સમાચાર આવ્યા કે અંગ્રેજ સૈન્યએ કિલ્લાથી અંદાજે 100 ગજ દૂરના વિદ્રોહી છાવણીને કબજે કરી લીધી છે અને તેઓ માત્ર એટલા માટે કિલ્લામાં પ્રવેશ નથી કરતા કેમ કે એમની પાસે સૈનિકો ખૂબ ઓછી સંખ્યામાં છે.

19 સપ્ટેમ્બરે બાદશાહે પોતાના આખા પરિવાર અને ચાકરોની સાથે મહેલ છોડીને અજમેરી ગેટના રસ્તે પુરાના કિલ્લામાં જવાનો નિર્ણય કર્યો.

મેં અમરપાલસિંહને પૂછ્યું કે એક બાજુ તો અંગ્રેજો વિદ્રોહીઓને બેરહેમીથી જાહેરમાં ફાંસીએ લટકાવી રહ્યા હતા, પરંતુ બાદશાહને જીવતદાન દેવા તૈયાર હતા, એનું કારણ શું હતું?

એમનો જવાબ હતો કે, "એક તો બાદશાહ ખૂબ ઘરડા હતા અને તેઓ આ વિપ્લવના માત્ર નામમાત્રના નેતા હતા. બીજું, દિલ્હીમાં બીજી વાર ઘૂસવામાં અંગ્રેજો ચોક્કસ સફળ થયા હતા પરંતુ ઉત્તર ભારતના બીજા ભાગોમાં લડાઈ હજી પણ ચાલતી હતી અને અંગ્રેજોને કદાચ એવી બીક હતી કે જો બાદશાહને મારી નાખવામાં આવશે તો વિદ્રોહીઓની લાગણી ઉશ્કેરાશે. તેથી વિલ્સન એ મુદ્દે તૈયાર થઈ ગયા કે જો બાદશાહ આત્મસમર્પણ કરે તો એમને જીવતદાન આપી શકાય એમ છે."

line

બહાદુરશાહ ઝફરે પોતાનાં હથિયાર હૉડસનને સોંપ્યાં

બહાદુરશાહ ઝફર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

અંગ્રેજ છાવણીમાં એ મુદ્દે અવઢવ હતી કે બહાદુરશાહ ઝફરને એમના જીવનનું રક્ષણ કરવાનું વચન કોણે અને ક્યારે આપ્યું હતું?

વિલિયમ હૉડસને પોતાના પુસ્તક 'ટ્વેલ્વ યર્સ ઑફ ધ સોલ્જર્સ લાઇફ ઈન ઇન્ડિયા'માં નજરે જોનારા એક બ્રિટિશ ઑફિસર દ્વારા એમના ભાઈને લખેલા પત્રને ટાંકીને લખ્યું છે કે, "મકબરામાંથી બહાર આવનારાઓમાં સૌથી આગળ હતાં મહારાણી ઝીનતમહલ. એમના પછી પાલખીમાં બાદશાહ બહાદુરશાહ ઝફર આવતા હતા."

"હૉડસને આગળ વધીને બાદશાહને હથિયાર મૂકી દેવા કહ્યું."

"ઝફરે એમને પૂછ્યું, શું આપ જ હૉડસનબહાદુર છો? શું આપ મને અપાયેલો વાયદો મારી સામે ફરીથી કરશો?"

"કૅપ્ટન હૉડસને જવાબ આપ્યો કે, 'જી હા. તમને એ જણાવતાં સરકારને અત્યંત ખુશી થઈ રહી છે કે જો તમે હથિયાર મૂકી દેશો તો તમે, ઝીનતમહલ અને એમના પુત્રને જીવતદાન આપવામાં આવશે. પરંતુ જો તમને બચાવવાની કોશિશ કરવામાં આવશે તો હું આ જ જગ્યાએ તમને કૂતરાની જેમ ગોળીથી મારી નાખીશ.'"

"ત્યારે વૃદ્ધ બાદશાહે પોતાનાં હથિયાર હૉડસનને સોંપી દીધાં, જેને એણે પોતાના ઓર્ડરલીને પકડાવી દીધાં."

line

બહાદુરશાહ ઝફરની નજર જમીન પર જડાઈ ગઈ હતી

જનરલ આર્ચડેલ વિલ્સન

ઇમેજ સ્રોત, PENGUIN BOOKS

ઇમેજ કૅપ્શન,

જનરલ આર્ચડેલ વિલ્સન

શહેરમાં પ્રવેશ્યા પછી બાદશાહ ઝફરને પહેલાં બેગમ સમરુના ઘરમાં રાખવામાં આવ્યા અને HM61ના 50 સૈનિકોને એમની પર નજર રાખવા માટે પસંદ કરવામાં આવ્યા.

કૅપ્ટન ચાર્લ્સ ગ્રિફિથ એ અધિકારીઓમાંના એક હતા જેમને બહાદુરશાહ ઝફર પર નજર રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

પછીથી એમણે પોતાના પુસ્તક 'ધ નરેટિવ ઑફ ધ સીજ ઑફ ડેલ્હી'માં લખ્યું કે, "મુગલ રાજવંશના છેલ્લા પ્રતિનિધિ એક વરંડામાં એક સામાન્ય ખાટલા પર પાથરેલા ગાદલા પર પલાંઠી વાળીને બેઠા હતા. એમના દેખાવામાં કશું ભવ્ય નહોતું સિવાય કે એમની સફેદ દાઢી, જે એમના કમરપટ્ટા સુધી પહોંચતી હતી."

"મધ્યમ કદ અને 80ની ઉંમર વટાવી ગયેલા બાદશાહે સફેદ રંગનો પોશાક પહેર્યો હતો અને એવા જ કપડાની એક પાઘડી એમના માથા પર હતી. એમની પાછળ એમના બે સેવકો મોરપીંછથી બનાવાયેલા પંખાથી એમને હવા નાખી રહ્યા હતા. એમના મોંએથી એક પણ શબ્દ નીકળતો નહોતો. એમની નજર જમીન પર ચોંટેલી હતી."

"એમનાથી ત્રણ ફૂટ દૂર એક બીજા પલંગ પર એક અંગ્રેજ અધિકારી બેઠા હતા. એમની બંને તરફ સંગીનવાળા બે અંગ્રેજ સૈનિક ઊભા હતા. અધિકારીને સૂચના અપાયેલી કે જો બાદશાહને છોડાવવાની કોશિશ થાય તો એ પોતાના હાથે બાદશાહને ત્યાં જ ગોળી મારી દે."

line

હૉડસન શાહજાદાની ઓળખ કરવા માટે શાહી પરિવારના સભ્યોને લઈ ગયા

મહારાણી ઝીનતમહલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

મહારાણી ઝીનતમહલ

બીજી તરફ, બાદશાહના પકડાયાના એક દિવસ પછી, 22 સપ્ટેમ્બર સુધી જનરલ આર્ચડેલ વિલ્સન નક્કી નહોતા કરી શક્યા કે એ સમય સુધી જીવિત શાહજાદાઓનું શું કરવું જોઈએ, જે હુમાયુના મકબરાની અંદર હતા.

કૅપ્ટન હૉડસનનું માનવું હતું કે તેઓ ભાગવાની કોશિશ કરે એ પહેલાં એમને કેદ કરી લેવા જોઈએ.

એ શાહજાદાઓમાં વિદ્રોહી સેનાના પ્રમુખ મિર્ઝા મુગલ, મિર્ઝા ખિઝ્ર સુલતાન અને મિર્ઝા મુગલના પુત્ર મિર્ઝા અબૂબક્ર સામેલ હતા.

જનરલ વિલ્સનની સંમતિથી હૉડસને 100 સૈનિકોનું એક ધરપકડ દળ બનાવ્યું જેમાં એમને લેફ્ટનન્ટ મેકડૉવલ મદદ કરતા હતા.

એ આખી ટુકડી ઘોડાઓ પર સવાર થઈને ધીમે ધીમે હુમાયુના મકબરાએ જવા રવાના થઈ.

હૉડસને પોતાની સાથે શાહી પરિવારના એક સભ્ય, બાદશાહના ભત્રીજાને લઈ જવાની સમયસૂચકતા દાખવી હતી. એને વચન અપાયું હતું કે જો તે એમના પ્રતિનિધિ તરીકે કામ કરે અને શાહજાદાઓને આત્મસમર્પણ કરી દેવા સમજાવી લેશે તો એને જીવતદાન અપાશે.

એને શાહજાદાઓને ઓળખવાનું કામ પણ સોંપાયું હતું, કેમ કે હૉડસન પોતે એક પણ શાહજાદાને ઓળખતા નહોતા.

line

ઘણા પ્રયત્નોના અંતે શાહજાદા આત્મસમર્પણ કરવા તૈયાર થયા

બહાદુરશાહ ઝફર આત્મસમર્પણ કરવા તૈયાર થયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

વિલિયમ હૉડસન સમક્ષ આત્મસમર્પણ કરતા બહાદુરશાહ ઝફર

હૉડસન મકબરાથી અડધો માઈલ દૂર રોકાઈ ગયા. એમણે બાદશાહના ભત્રીજા અને પોતાના મુખ્ય જાસૂસી અધિકારી રજબ અલીને એક સંદેશા સાથે શાહજાદાઓ પાસે મોકલ્યા કે તેઓ કોઈ પણ શરત મૂક્યા વગર આત્મસમર્પણ કરી દે, નહીંતર પરિણામ ભોગવવા તૈયાર રહે.

હૉડસને પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, શાહજાદાઓને હથિયાર મૂકી દઈને આત્મસમર્પણ કરવા સમજાવવામાં એમના પ્રતિનિધિઓને ઘણા પ્રયત્ન કરવા પડ્યા.

અડધા કલાક પછી શાહજાદાઓએ હૉડસનને સંદેશો મોકલીને પુછાવ્યું કે શું તેઓ એમને મારી નહીં નાખવાનું વચન આપે છે?

હૉડસને આ પ્રકારનો કોઈ વાયદો કરવાનો ઇનકાર કરી દીધો અને ફરીથી કોઈ પણ શરત વગર આત્મસમર્પણની વાત કહી.

ત્યાર બાદ હૉડસને શાહજાદાઓને એમના સુધી લઈ આવવા માટે દસ સૈનિકોની એક ટુકડી મોકલી.

પછીથી લેફ્ટનન્ટ મેકડૉવલે લખ્યું કે, "થોડી વાર પછી ત્રણે શાહજાદા બળદો વડે ખેંચાતા નાના ગાડામાં બેસીને બહાર આવ્યા. એમની બંને તરફ પાંચ સૈનિક ચાલતા હતા. એમની બરાબર પાછળ બેથી ત્રણ હજાર લોકોનું ટોળું હતું."

"એમને જોતાં જ હું અને હૉડસન અમારા સૈનિકોને ત્યાં જ ઊભા રાખીને એમને મળવા અમારા ઘોડા પર આગળ વધ્યા. એમણે હૉડસન સામે પોતાનાં મસ્તક નમાવ્યાં. હૉડસને પણ માથું નમાવી જવાબ આપ્યો અને ચાલકોને કહ્યું કે તેઓ આગળ વધતા રહે. એમની પાછળના ટોળાએ પણ સાથે જવાની કોશિશ કરી પરંતુ હૉડસને હાથના ઇશારે એમને રોકી દીધા. મેં અમારા સૈનિકો તરફ ઇશારો કર્યો અને ક્ષણવારમાં એમણે ભીડ અને ગાડી વચ્ચે પોતાની પૉઝિશન લઈ લીધી."

line

હૉડસને સિગારેટ પીને બેફિકર હોવાનો આભાસ કરાવ્યો

દિલ્હીમાં બેગર સમરુનું મકાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

બેગમ સમરુનું ઘર, જ્યાં બહાદુરશાહ ઝફરને પકડી લીધા પછી રાખવામાં આવ્યા હતા

શાહજાદાઓની સાથે એમનાં હથિયાર અને બાદશાહનાં હાથી, ઘોડા અને વાહન પણ બહાર લવાયાં હતાં, જે અગાઉ બહાર નહોતાં લાવી શકાયાં.

શાહજાદાઓએ એક વાર ફરી પૂછ્યું કે, શું અમને જીવતદાન અપાય છે?

હૉડસને લખ્યું છે કે, "મેં એનો જવાબ આપ્યો, 'બિલકુલ નહીં' અને એમને અમારા સૈનિકોની દેખરેખ હેઠળ શહેર બાજુ રવાના કરી દીધા. મેં વિચાર્યું કે જ્યારે શાહજાદાઓએ આત્મસમર્પણ કરી દીધું છે તો મકબરામાં તપાસ કેમ ના કરી લઈએ. ત્યાં અમને સંતાડાયેલી લગભગ 500 તલવારો મળી. એ ઉપરાંત ત્યાં ઘણી બંદૂકો, ઘોડા, બળદો અને બગી પણ હતાં."

"મેકડૉવલે કહ્યું કે ત્યાં રોકાવું એમના માટે જોખમ ભરેલું છે. તો પણ અમે ત્યાં લગભગ બે કલાક રોકાયા. એ દરમિયાન હું સતત સિગારેટ પીતો રહ્યો, જેથી એ લોકોને એવું લાગે કે હું જરા પણ પરેશાન નથી."

થોડી વારમાં હૉડસન અને મેકડૉવલ પોતાના સૈનિકોની સાથે થઈ ગયા જેઓ શાહજાદાઓને પોતાની દેખરેખ હેઠળ શહેર તરફ લઈ જતા હતા.

line

હૉડસને ત્રણે શાહજાદાઓને બબ્બે ગોળી મારી

બહાદુરશાહ ઝફર

ઇમેજ સ્રોત, PENGUIN BOOKS

ઇમેજ કૅપ્શન,

શાહજાદાઓની સાથે એમનાં હથિયાર અને બાદશાહનાં હાથી, ઘોડા અને વાહન પણ બહાર લવાયાં હતાં, જે અગાઉ બહાર નહોતાં લાવી શકાયાં.

પછીથી હૉડસન અને મેકડૉવલ બંનેએ લખ્યું કે, જ્યારે તેઓ શહેર બાજુ જઈ રહ્યા હતા ત્યારે એમને જોખમ જેવું લાગ્યું.

અમરપાલસિંહે જણાવ્યું કે, "જ્યારે તેઓ દિલ્હીથી પાંચ માઈલ દૂર હતા, હૉડસને મેકડૉવલને પૂછ્યું, આ શાહજાદાઓનું શું કરીએ? મેકડૉવલે જવાબ આપ્યો, 'હું માનું છું કે, આપણે એમને અહીં જ મારી નાખવા જોઈએ.' હૉડસને બગીઓને ત્યાં અટકાવવાનો આદેશ કર્યો. હૉડસને એ ત્રણે શાહજાદાઓને ઊતરવા અને પોતાનાં ઉપરનાં કપડાં કાઢી નાખવા કહ્યું."

"કપડાં ઉતાર્યાં બાદ એમને ફરીથી બગીમાં બેસાડી દેવાયા. એમની પાસે એમના દાગીના, વીંટીઓ, બાજુબંધ અને રત્નો જડેલી તલવારો પણ લઈ લેવામાં આવ્યાં. હૉડસને બગીની બંને તરફ પાંચ પાંચ સૈનિકો ઊભા કરી દીધા. તરત જ હૉડસન પોતાના ઘોડા પરથી ઊતર્યા અને પોતાની કૉલ્ટ રિવૉલ્વરથી દરેક શાહજાદાને બબ્બે ગોળી મારી. એ બધાનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું."

line

શાહજાદાઓના મૃતદેહોને સાર્વજનિક સ્થળે રાખવામાં આવ્યા

કૅપ્ટન વિલિયમ હૉડસન

ઇમેજ સ્રોત, PENGUIN BOOKS

ઇમેજ કૅપ્શન,

કૅપ્ટન વિલિયમ હૉડસન

જ્યારે શાહજાદાઓને બગીમાંથી નીચે ઊતરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓ ખૂબ આત્મવિશ્વાસ સાથે નીચે ઊતર્યા હતા. એમની એવી ધારણા હતી કે હૉડસન માત્ર પોતાના દમ પર એમને મારવાની હિંમત નહીં કરી શકે.

એવું કરવા માટે એમણે જનરલ વિલ્સનની મંજૂરી લેવી પડશે. એમણે પોતાનાં કપડાં પણ એવો વિચાર કરતાં કરતાં ઉતાર્યાં કે કદાચ અંગ્રેજો દિલ્હીના માર્ગો પર કપડાં વગર ફેરવીને એમનું અપમાન કરવા માગે છે.

કૅપ્ટન વિલિયમ હૉડસન પોતાના સૈનિકો સાથે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

કૅપ્ટન વિલિયમ હૉડસન પોતાના સૈનિકો સાથે

થોડી વાર પછી બાદશાહના એક કિન્નર અને જેના પર અનેક લોકોની હત્યાનો આરોપ હતો એવા બીજા એક શખ્સે ત્યાંથી ભાગવાની કોશિશ કરી, પરંતુ મેકડૉવલ અને એમના ઘોડેસવારોએ એમનો પીછો કરીને એમને મારી નાખ્યા.

પછીથી મેકડૉવલે લખ્યું છે કે, "ત્યાં સુધીમાં 4 વાગી ગયા હતા. હૉડસન શાહજાદાઓના મૃતદેહોને બગીમાં મૂકીને શહેરમાં પ્રવેશ્યા. એમને એક સાર્વજનિક સ્થળે લઈ જઈને એક ચબૂતરા પર સુવડાવી દીધા જેથી સામાન્ય જનો એમની હાલત જોઈ શકે. એમનાં શરીર પર કપડાં નહોતાં. માત્ર ચીંથરાથી એમનાં ગુપ્તાંગો ઢાંકી દેવાયાં હતાં. એમના મૃતદેહો ત્યાં 24 સપ્ટેમ્બર સુધી પડ્યા રહ્યા. ચાર મહિના પહેલાં એ જ જગ્યાએ એમણે અમારી મહિલાઓની હત્યા કરી હતી."

line

હૉડસને પત્ર લખીને સ્વીકાર્યું કે એમણે જ શાહજાદાઓની હત્યા કરી છે

ઈ.સ. 1857નો ચાંદની ચોક, જ્યાં શાહજાદાઓના મૃતદેહો રાખવામાં આવ્યા હતા

ઇમેજ સ્રોત, Penguin Books

ઇમેજ કૅપ્શન,

ઈ.સ. 1857નો ચાંદની ચોક, જ્યાં શાહજાદાઓના મૃતદેહો રાખવામાં આવ્યા હતા

પછીથી હૉડસને પોતાના ભાઈને પત્ર લખીને જણાવ્યું કે, "મેં ભીડને કહ્યું કે આ એ જ લોકો છે જેમણે અમારાં મજબૂર મહિલાઓ અને બાળકોની હત્યા કરી હતી. સરકારે એમને એમણે કરેલા કામની સજા આપી છે."

"મેં જાતે એક એક કરીને એમને ગોળી મારી અને આદેશ કર્યો કે એમના મૃતદેહોને ચાંદની ચોકમાં 'કોતવાલી' સામેના ચબૂતરા પર ફેંકી દેવામાં આવે. હું નિર્દયી નથી પરંતુ હું માનું છું કે એ લોકોને જાનથી મારી નાખવામાં મને ખૂબ આનંદ થયો."

પછીથી રેવરેન્ડ જૉન રૅટિને પોતાના પુસ્તક 'ધ ચૅપલેન્સ નરેટિવ ઑફ ધ સીજ ઑફ ડેલ્હી'માં લખ્યું કે, "સૌથી મોટા શાહજાદાનો બાંધો ઘણો મજબૂત હતો. બીજો ઉંમરમાં એનાથી થોડોક જ નાનો હતો. ત્રીજા શાહજાદાની ઉંમર વીસ વરસ કરતાં વધારે નહીં હોય."

"કોક રાઇફલના એક ગાર્ડને એમના મૃતદેહોની દેખરેખ માટે મૂકી દેવાયો હતો. એમના મૃતદેહ 'કોતવાલી'ની બહાર ત્રણ દિવસ સુધી પડ્યા રહ્યા. પછી એમને ખૂબ અપમાનજનક રીતે કબ્રસ્તાનમાં દફનાવી દેવાયા. કદાચ એનું કારણ બદલો રહ્યું હશે, કેમ કે ત્રણ મહિના પહેલાં વિદ્રોહીઓએ અંગ્રેજોના મૃતદેહોને પણ એ જ જગ્યાએ એવી જ હાલતમાં રાખ્યા હતા જેથી દિલ્હીના લોકો એમને જોઈ શકે."

line

બાકીના શાહજાદા પણ પકડાઈ ગયા

27 સપ્ટેમ્બરે બ્રિગેડિયર શૉવર્સને દળ-બળ સાથે જીવતા બચી ગયેલા બાકીના શાહજાદોઓને પકડવા માટે મોકલી દેવાયા.

એ દિવસે શૉવર્સે બીજા ત્રણ શાહજાદાઓ મિર્ઝા બખ્તાવરશાહ, મિર્ઝા મેંડૂ અને મિર્ઝા જવાન બખ્તને કેદ કરી લીધા.

ઑક્ટોબરની શરૂઆતમાં બાદશાહના બીજા બે પુત્રને પકડીને ગોળી મારીને મારી નખાયા. એ બંનેએ અંગ્રેજો વિરુદ્ધ વિદ્રોહીઓની સેનાનું નેતૃત્વ કર્યું હતું અને એમના પર અંગ્રેજોની હત્યાઓના આરોપ હતા.

દરમિયાનમાં એક અજબ જેવી ઘટના બની. જ્યારે આ શાહજાદાઓને ફાયરિંગ સ્ક્વૉડ દ્વારા ગોળી મારવામાં આવી રહી હતી ત્યારે 60 રાઇફલના સૈનિકો અને કેટલાક ગોરખા સૈનિકો દ્વારા છોડવામાં આવેલી ગોળીઓ શાહજાદાઓને કાં તો વાગી નહીં અથવા એમને માત્ર ઘાયલ કરી શકી.

પરંતુ ત્યાર બાદ એક પ્રોવોસ્ટ સાર્જન્ટે એ શાહજાદાઓના માથામાં ગાળી મારીને એમને મારી નાખ્યા.

પરંતુ કર્નલ ઈ.એલ. ઓમનીએ પોતાની ડાયરીમાં લખ્યું છે કે, "ગોરખા સૈનિકોએ જાણીબૂઝીને શાહજાદાઓનાં શરીરના નીચલા ભાગમાં ગોળીઓ મારી જેથી એમને વધારે તકલીફ થાય અને તેઓ દર્દનાક મૃત્યુ પામે."

એ વખતે એમને ગંદાં કપડાં પહેરવા માટે મજબૂર કરવામાં આવ્યાં હતાં પરંતુ એમણે પોતાનાં મૃત્યુનો સામનો બહાદુરીથી કર્યો.ૉ

line

બે શાહજાદાને શીખ રિસાલદારે બચાવ્યા

પરંતુ બહાદુરશાહ ઝફરના બે પુત્ર મિર્ઝા અબ્દુલ્લા અને મિર્ઝા ક્વૈશ અંગ્રેજોની ચુંગાલમાંથી ભાગી જવામાં સફળ થયા હતા.

દિલ્હીની મૌખિક પરંપરાની વાર્તાઓ જેને ઉર્દૂ લેખક અર્શ તૈમૂરીએ વીસમી સદીના આરંભમાં પોતાના પુસ્તક 'કિલા એ મુઅલ્લા કી ઝલકિયોં'માં નોંધી હતી, એમાં જણાવાયું હતું કે, "બંને મુઘલ શાહજાદાઓને એક શીખ રિસાલદારની દેખરેખમાં હુમાયુના મકબરામાં રાખવામાં આવ્યા હતા."

"એ રિસાલદારને એ શાહજાદાઓ પર દયા આવી ગઈ. એમણે એમને પૂછ્યું કે તમે અહીંયા કેમ ઊભા છો? એમણે જવાબ આપ્યો કે સાહિબે અમને ત્યાં ઊભા રહેવાનું કહ્યું છે."

"એ શીખે એમને તાકતાં કહ્યું કે તમારા જીવન પર દયા કરો. જ્યારે એ અંગ્રેજ પાછો આવશે ત્યારે ચોક્કસ તમને મારી નાખશે. તમે જે દિશામાં ભાગી શકો એમ હો, ભાગો અને શ્વાસ લેવા પણ ના રોકાઓ. એમ કહીને એ રિસાલદારે પોતાની પીઠ એમની તરફ ફેરવી લીધી."

"બંને શાહજાદા અલગ અલગ દિશામાં દોડવા લાગ્યા." પાછળથી મીર ક્વૈશ ફકીરના વેશમાં કોઈક રીતે ઉદયપુર પહોંચવામાં સફળ થયા, ત્યાંના મહારાજાએ એમને સુરક્ષા આપતાં બે રૂપિયા રોજના વેતનથી પોતાને ત્યાં રાખી લીધા. હૉડસને ક્વૈશને શોધવા માટે બધા પ્રયત્નો કરી જોયા પરંતુ એને સફળતા ન મળી.

બહાદુરશાહ ઝફરના બીજા પુત્ર અબ્દુલ્લા પણ અંગ્રેજોના હાથમાં ના આવ્યા અને એમણે અત્યંત ગરીબીમાં પોતાની આખી જિંદગી ટોંક રજવાડામાં પસાર કરી દીધી. બહાદુરશાહના બાકીના પુત્રોને કાં તો ફાંસી અપાઈ, કાં તો કાળાપાણીની લાંબી સજા ભોગવવા મોકલી દેવાયા.

કેટલાક શાહજાદાને આગ્રા, કાનપુર અને અલાહાબાદની જેલોમાં ખૂબ કઠિન પરિસ્થિતિઓમાં રાખવામાં આવ્યા, જ્યાં બે વર્ષની અંદર જ એમાંના ઘણા મૃત્યુ પામ્યા. અંગ્રેજોએ બહાદુરશાહ ઝફરને મારી નહીં નાખવાનું પોતાનું વચન પાળ્યું. એમને દિલ્હીથી ઘણા દૂર બર્મામાં મોકલી દેવાયા, જ્યાં 7 નવેમ્બર, 1862ના પરોઢિયે પાંચ વાગ્યે એમણે અંતિમ શ્વાસ લીધા.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન