લંડનમાં કોફીના કચરામાંથી પેદા થતા ઇંધણ પર લાલ બસ દોડશે

ડબલ ડેકર બસ Image copyright PA
ફોટો લાઈન લંડન શહેરની લાલ બસો કોફીના કચરામાંથી પેદા થતા ઇંધણ પર દોડી શકશે

હરિત ક્રાંતિમાં માનનારા લંડનના ઉદ્યોગસાહસિક આર્થર કે ઈચ્છે છે કે લંડનની સીમાચિહ્ન બની ચુકેલી લાલ બસો કોફીના કચરામાંથી તૈયાર થતાં ઇંધણ પર દોડે.

આર્થર કે, બાયોબીન નામના એક સ્ટાર્ટ-અપના પ્રણેતા છે, જે કોસ્ટા અને અન્ય બીજી કોફી ચેઇન્સ પરથી કચરો એકઠો કરી તે કચરાને પ્રવાહી ઇંધણમાં રૂપાંતરિત કરે છે.

આગામી દિવસોમાં કોફીના કચરામાંથી તૈયાર થયેલા ઇંધણથી બસ ચલાવવાનો પ્રયોગ આ સ્ટાર્ટ-અપ કરશે.

કે માને છે કે, રસ્તાનું જટીલ નેટવર્ક અને બહુમાળી ઇમારતોને કારણે લંડન યુકેનાં સૌથી વધુ પ્રદુષિત શહેરોમાંથી એક છે, અને અહીં ચોખ્ખી હવાની ખૂબ જરૂર છે.

સમગ્ર વિશ્વ અને આપણો સમાજ આજે અશ્મિભૂત ઇંધણ (ફોસિલ ફ્યુલ)થી બીજા અન્ય ઇંધણના વિકલ્પો શોધી રહ્યો છે, ત્યારે આ પરિસ્થિતિમાં બાયો-ફ્યુલ બહ નિર્ણાયક સાબિત થશે.

જે બાયો-કેમિકલ પદ્ધતિથી કોફીના કચરામાંથી આ ઇંધણ મેળવવામાં આવે છે, તેની પેટન્ટ કેની કંપનીએ મેળવી લીધી છે.

કોફીનાં કચરાના ઢગલામાંથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા ઇંધણ એકઠું કરવામાં આવે છે, તે હેક્ઝેન એકત્રીકરણ પ્રક્રિયા તરીકે ઓળખાય છે.

Image copyright Getty Images

આ હેક્ઝેન એકત્રીકરણ પ્રક્રિયા દ્વારા ૧૫-૨૦% ઇંધણ એકત્ર કરવામાં આવે છે.

જ્યારે બાકી વધેલા કચરાને બાયો-માસ પેલેટ્સ (ગોળીઓ)માં રૂપાંતરિત કરી લાકડાનું બળતણ વાપરતા ચૂલામાં ઇંધણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

કે એ કહ્યું, "જ્યાં સુધી લોકો કોફી પીવે છે, ત્યાં સુધી કચરો મળી રહેશે. આથી કોફીમાંથી ઉત્પાદિત ઇંધણ માટેની જરૂરી સામગ્રી પુષ્કળ પ્રમાણમાં મળી રહેશે."

તેમણે વધુમાં કહ્યું, "એકલા યુકેમાં જ લોકો પાંચ લાખ ટન (પચાસ કરોડ કિલોગ્રામ) પ્રતિ વર્ષ કોફી પીવે છે.

જો આ સંપૂર્ણ જથ્થો આપણે ઉપયોગમાં લઇ શકીયે, તો આખા માન્ચેસ્ટર માટે જરૂરી ઉર્જા મેળવવા માટે આ જથ્થો ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે એમ છે."

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)