સરસ રીતે લાંબુ જીવવું છે? આ પાંચ દેશોમાં સ્થાયી થઈ જાવ

જાપાનીઝ લોકો ડિનર લઈ રહ્યા છે. Image copyright SKYE HOHMANN/ALAMY
ફોટો લાઈન જાપાનીઝની લાંબી ઉંમરનું રહસ્ય પોષક ખોરાક અને એકબીજા સાથેના સુમેળભર્યા સંબંધો છે.

દુનિયાનો કોઈ પણ વ્યક્તિ નથી ઇચ્છતો કે તે મૃત્યુ પામે. જીવનની મોહમાયા વૃદ્ધાવસ્થામાં પણ મોટા ભાગના લોકોની ઓછી નથી થતી.

પરંતુ અમર થવાની જડીબુટ્ટી તો આજ સુધી કોઈને પણ મળી શકી નથી. જડીબુટ્ટી તો ન મળી, પણ કોઈ કોઈ દેશ એવા છે કે જ્યાંના લોકોનું જીવન લાંબુ હોય છે.

લાંબા જીવનનો અર્થ છે, સરેરાશ 71 વર્ષનું આયુષ્ય. આ પાંચ દેશોમાં જેમ ખુશ થવાના કારણ જેટલાં જુદાં છે, એટલાં જ જુદા કારણો તેમનાં દીર્ઘાયુ હોવાનાં છે.

BBCએ 2017ની વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટની યાદીમાં સમાવિષ્ટ જુદા જુદા દેશના લોકો સાથે વાત કરી જ્યાંના લોકો સૌથી વધુ આવરદા ભોગવે છે.

સાથે-સાથે એ જાણવાનો પણ પ્રયત્ન કર્યો કે આખરે લોકોને આટલું લાંબુ આયુષ્ય મળે છે કેવી રીતે.


જાપાન

Image copyright WIDBOWO RUSLI/GETTY IMAGES
ફોટો લાઈન સરેરાશ 83 વર્ષ જીવતા જાપાનીઝ લોકો દુનિયામાં સૌથી લાંબુ આયુષ્ય ધરાવે છે.

જાપાનીઝ લોકો સૌથી લાંબુ જીવે છે. અહીંનું સરેરાશ આયુષ્ય 83 વર્ષ છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે, અહીંના લોકોનાં લાંબા જીવનનું કારણ તેમનો ખોરાક છે.

જાપાનીઝ લોકો ખોરાકમાં મુખ્યત્વે ટોફુ, શક્કરીયા અને માછલી લે છે.

ભોજન ઉપરાંત તણાવમુક્ત જીવન અને એકબીજાનો સાથ આપવાની ભાવના, તેમને લાંબુ આયુષ્ય અને જીવનનો આનંદ આપે છે.


સ્પેન

Image copyright Jeremy Horner/Getty Images
ફોટો લાઈન સ્પેનમાં રહેતા લોકો વાહન ચલાવવા કરતા ચાલવાનું પસંદ કરે છે, આથી તેઓ સ્વસ્થ રહે છે અને લાંબુ જીવે છે.

ઓલિવ ઓઇલના ગુણ સાથેનું ભૂમધ્ય સમુદ્રના પ્રદેશનું ખાનપાન, શાકભાજી અને સાથે વાઈન.

આ એ તત્વો છે જે સ્પેનના લોકોને લાંબુ જીવન આપે છે. સ્પેનના લોકો સરેરાશ 82 વર્ષની ઉંમર સુધી પહોંચે છે.

ખાવા પીવા સિવાય સ્પેનના લોકોની લાંબી ઉંમરનું બીજું એક સિક્રેટ પણ છે. તે છે ભોજન પછી ટૂંકા સમયની નિદ્રા.

બાર્સિલોનાના સ્થાનિક અને ગ્રે લાઈનના ટૂર ગાઈડ માઈકલ એંજલ ડિએઝ બેસોરા કહે છે "બધા જ સ્પેનવાસીઓની બપોરે બેથી પાંચ વાગ્યા સુધી દુકાનો બંધ હોય છે ત્યારે ટૂંકી નિદ્રા લઈ લે છે.”

“સ્પેનમાં લોકોની કામ કરવાની શિફ્ટ એ રીતે જ ગોઠવવામાં આવે છે. જો તમે સતત કામ કરો છો અને અડધા કલાકનો લંચ બ્રેક મળે છે. તો તમે ફટાફટ જમી લો છો અને કામ કરવા લાગો છો.”

“પણ જો તમને ફરજિયાતપણે બે થી ત્રણ કલાક બ્રેક આપવામાં આવે તો તમે તમારા ઘરે અથવા તો રેસ્ટોરેન્ટ જઈ શકો છો. ત્યાં બેસીને આરામથી જમી શકો છો. તેનાથી તમારી પાચનક્રિયાને પણ સારો એવો સમય મળે છે. આ પદ્ધતિથી સ્વાસ્થ્ય સારૂ રહે છે."

તમને આ વાંચવું પણ ગમશે:

સ્પેનમાં લોકોના સ્વાસ્થ્ય પાછળ વધુ એક સિક્રેટ છે કે તે લોકો વધારે ચાલવાનું પસંદ કરે છે.

બાર્સિલોના ઇટ લોકલ ફૂડ ટૂર્સના કો-ફાઉન્ડર મરીના જણાવે છે, "હું જ્યારે મોસ્કોથી બાર્સિલોના આવી હતી ત્યારે મેં જોયું કે લોકો ચાલવાનું તેમજ સાઈકલ કે બાઈક ચલાવવાનું વધુ પસંદ કરે છે.”

“પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધાનો ઉપયોગ કરવા માટે માટે પણ લોકો પોતાના ઘરેથી ચાલીને જાય છે અને વાહનનો ઉપયોગ ઓછો કરે છે."


સિંગાપોર

Image copyright john s lander/getty images
ફોટો લાઈન સિંગાપોરમાં ગાર્ડનની સંખ્યા ખૂબ વધારે છે જ્યાં લોકો કસરત કરવાનું ખૂબ પસંદ કરે છે.

સિંગાપોરના લોકો સરેરાશ 83 વર્ષની ઉંમર સુધી પહોંચે છે. આ દેશમાં પ્રસૂતા મહિલા તેમજ નવજાત બાળકોના મૃત્યુદરનું પ્રમાણ દુનિયામાં સૌથી ઓછું છે.

આ દેશમાં સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માટે સૌથી વધારે પગલાં પણ લેવામાં આવે છે. સિંગાપોરની સંસ્કૃતિ ત્યાંના લોકોને દિર્ઘાયુ આપે છે.

સિંગાપોરના સ્થાનિક અને ટ્રાવેલ બ્લોગર બિનો ચૂઆ કહે છે, "તમે જોશો કે ઘણા લોકો જીમમાં કે પાર્કમાં જઈને કસરત કરે છે. જે ખૂબ સારું છે."

હાલમાં જ અહીં એક થેરાપ્યૂટીક પાર્ક ખુલ્લો મુકવામાં આવ્યો છે જેને તણાવ ઓછો કરવા અને માનસિક સ્થિરતા જાળવી રાખવા લોકો માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. આ

સિવાય સિંગાપોરમાં સિગરેટ તેમજ આલ્કોહોલ ખરીદી પર ભારે ટેક્સ લાગે છે જેના કારણે તેની કિંમત બાકીના દેશ કરતા ખૂબ વધારે છે. આ કારણે લોકો આ વસ્તુઓની ખરીદી ઓછી કરે છે જેનાથી લોકોનું સ્વાસ્થ્ય જળવાયેલું રહે છે.


સ્વિત્ઝરલેન્ડ

Image copyright Frank Bienewald/Getty Images
ફોટો લાઈન સ્વિત્ઝરલેન્ડ જેવો દેશ ભલે કારકિર્દી પર વધારે ભાર આપે. પણ સ્વિત્ઝરલેન્ડની આલ્પ્સ પર્વતમાળામાં જીવન ખુબ સારૂ વિતે છે અને લોકો ખુશ રહે છે.

સ્વિત્ઝરલેન્ડની વાત કરવામાં આવે તો અહીંના લોકો સરેરાશ 81 વર્ષ જીવે છે. સ્વિત્ઝરલેન્ડ યુરોપનો સૌથી ધનવાન દેશ છે.

અહીં લોકોને સારી હેલ્થકેર સુવિધા, સલામતી અને એકબીજાનો સાથ મળી રહે છે.

આ તરફ કેટલાક સંશોધનો જણાવે છે કે દેશમાં લોકો સૌથી વધારે ચીઝ અને ડેરી પ્રૉડક્ટનો ઉપયોગ કરે છે જેના કારણે લોકોની ઉંમર વધે છે.

આ દેશમાં ઘણી બધી કંપનીઓનાં આંતરરાષ્ટ્રીય મુખ્યમથક હોવાથી અહીં વિવિધ દેશોના લોકો રહે છે.

તેમનું મુખ્ય ધ્યાન તેમની કારકિર્દી તરફ જ હોય છે. જો કે, તે ઘણા બધા દેશોની નજીક હોવાને કારણે વ્યસ્ત કામકાજમાંથી થોડા સમય માટે ફરવા માટે અહીં વિકલ્પો ઉપલબ્ધ છે.

અહીં રહી ચૂકેલા ડેનિએલ ગેટ્ટી કહે છે, "સ્વિત્ઝરલેન્ડમાં કામ કરવું એ કારકિર્દીના શિખર પર હોવા જેવું છે. ભૌગોલિક દૃષ્ટીએ પણ તમે અહીં રહેતા હોવ તો શનિ-રવિની રજાઓમાં યુરોપના કોઇપણ દેશમાં ફરીને પાછા આવી શકાય છે. અહીં આલ્પ્સની મનમોહક પર્વતમાળામાં પણ સમય ગાળી શકાય."

તેમના મતે સ્વિત્ઝરલેન્ડમાં વિશ્વની શ્રેષ્ઠ ખાનગી સ્કૂલ્સ છે, જેથી યુવાન પરિવારો અહીં રહેવા આકર્ષાય છે.


દક્ષિણ કોરિયા

Image copyright Otto Ferdinand/Getty Images
ફોટો લાઈન દક્ષિણ કોરિયાના લોકો આથેલો ખોરાક વધુ પસંદ કરે છે. તેમાં કોલેસ્ટ્રોલ ઓછું હોય છે. તેમનો ખોરાક રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને કેન્સર જેવા રોગથી બચાવે છે.

તાજેતરના સંશોધનો જણાવે છે કે દુનિયાનો એવો દેશ કે જ્યાંના લોકો સૌથી વધુ નેવું વર્ષ સુધી જીવે છે તે દેશનું નામ છે દક્ષિણ કોરિયા.

તેનું કારણ છે સતત આગળ વધતું અર્થતંત્ર, હેલ્થકેર પોલિસી અને પશ્ચિમના દેશો કરતાં લો બીપીના ઓછા દર્દીઓ.

દક્ષિણ કોરિયાના લોકો આથો લાવેલા ખાદ્ય પદાર્થો વધુ ખાય છે. જેમાં કલેસ્ટરૉલ ઓછું હોય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે હોય છે અને કૅન્સર પર અંકુશ રાખે છે.

કોરિયન ફૂડની વાત કરવામાં આવે તો તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે.

વેલનેસ ટુરિઝમ વર્લ્ડવાઇડના સ્થાપક કેમેલી હોહેબ કહે છે કે "કોરિયાન ભોજન ફાયબર અને પોષક તત્વોથી ભરપૂર હોય છે."

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
આ માર્કેટમાંથી ટ્રેનને પસાર થતી જોવા દેશવિદેશથી પર્યટકો અહીં આવે છે

કોરિયાનાં રહિશો કહે છે કે અહીંના ગુણવત્તાસભર રોજિંદા જીવનમાં સમાજમાં વણાયેલી સાંસ્કૃતિક પરંપરાઓનો ફાળો છે.

હોહેબ કહે છે કે "અહીં જીવનનો અભિગમ સ્વકેન્દ્રી નથી, પણ એકબીજાને સહકાર આપવાની સંસ્કૃતિ છે. દક્ષિણ કોરિયામાં બૌદ્ધ ધર્મના પ્રભાવને કારણે વિચારશીલતાની સૂઝ સમાજમાં બરાબર વિકસેલી જોવા મળે છે.”

“અહીં જિમ્જિલબેન્ગ તરીકે ઓળખાતા જાહેર સ્નાનાગારને કારણે લોકો એકબીજાને સામાજિક રીતે અને આનંદ-પ્રમોદ માટે મળતાં રહે છે, જેને કારણે તણાવ ઘટાડવામાં મદદ મળે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો