સંયુક્ત રાષ્ટ્ર સંઘે ઉત્તર કોરિયા પર નવા પ્રતિબંધો મૂક્યા

Image copyright KCNA
ફોટો લાઈન પરીક્ષણ ટુકડી સાથે પરિસ્થિતિનો જાયઝો લઇ રહેલા ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ

સંયુક્ત રાષ્ટ્ર સંઘ પરિષદે ઉત્તર કોરિયા પર નવા બે પ્રતિબંધો મૂક્યા છે. ચીન અને રશિયાએ પણ નવા પ્રતિબંધનો પર સર્વસમંતિ દાખવી હતી. હવે ઉત્તર કોરિયાની વિરુદ્ધમાં નવા પ્રતિબંધો સર્વસંમતિથી મૂકાયા છે.

ત્રણ સપ્ટેમ્બરે ઉત્તર કોરિયાએ છઠ્ઠું અને સૌથી મોટું પરમાણુ પરીક્ષણ કર્યું હતું. આ કારણે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી પરિષદે તેના પર નવા પ્રતિબંધો લાદ્યા છે.

ઉત્તર કોરિયાનો દાવો છે કે તેણે પરમાણુ બૉમ્બ વિકસિત કર્યો છે. જેને મિસાઈલ પર લોડ કરી શકાય છે.

હાલમાં લદાયેલા તાજા પ્રતિબંધોના મુદાઓ અમેરિકાએ તૈયાર કર્યા છે. જેને સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી પરિષદમાં અતિ મહત્વનું સ્થાન ધરાવતા સભ્ય રાષ્ટ્રો ચીન અને રશિયા સહીતના અન્ય ૧૫ સભ્ય રાષ્ટ્ર સભ્યોએ પણ મંજૂરીની મહોર મારી છે.

નવા પ્રતિબંધો દ્વારા ઉત્તર કોરિયાના આવકના સ્ત્રોત બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ઉત્તર કોરિયાથી કપડાંની નિકાસ પર અટકાવવાની મંજૂરી આપવામાં આવી છે, તદુપરાંત ઉત્તર કોરિયા હાલની નક્કી થયેલી સીમા મર્યાદા સુધી જ કાચ્ચું તેલ આયાત કરી શકશે.

૨૦૦૬ની સાલથી સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા પરિષદે ઉત્તર કોરિયાની વિરુદ્ધમાં નવ પ્રસ્તાવોને એકમત થઇને મંજૂરી આપી દીધેલી હતી.

Image copyright KCNA

સતત પરીક્ષણ

તાજેતરમાં ઉત્તર કોરિયાએ ઘણાં મિસાઈલ પરીક્ષણો કર્યા છે અને એવા હથિયારોનું પણ પરીક્ષણ કર્યું છે જેની પહોંચ અમેરિકા સુધી છે.

હાલમાં જ ઉત્તર કોરિયાએ જાપાન ઉપરથી એક મિસાઇલ તાકી હતી અને જાપાનના વડાપ્રધાન શીન્ઝો અબેએ આ પરિસ્થિતિને એક અભૂતપૂર્વ ભયસ્થાન ગણાવ્યું હતું.

ઉત્તર કોરિયાએ પૅસિફિક મહાસાગર સ્થિત અમેરિકન વિસ્તાર ગુઆમ પર પણ મિસાઈલ હુમલાની ધમકી આપી છે.

ઓગસ્ટમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા ઉત્તર કોરિયાના વિનાશની ધમકી આપવામાં આવી છે.