વાનર પોતે જ પોતાની સેલ્ફીનો કેસ હારી ગયો

વાનર સાથે ડેવિડ સેલ્ટર

ઇમેજ સ્રોત, @DAVIS J SLATER

ઈન્ડોનેશિયાના દ્વીપના એક વાનરની સેલ્ફીની ચર્ચાએ ભારે જોર પકડ્યું હતું.. જી હાં.. વાનરની સેલ્ફી. હવે માત્ર અમે, તમે, ફિલ્મ સ્ટાર્સ જેવા લોકો જ સેલ્ફી નથી લેતા, પણ આ શોખ તો પ્રાણીઓમાં પણ જોવા મળી રહ્યો છે. તેવા જ એક વાનરની સેલ્ફીએ એક નવા વિવાદને જન્મ આપ્યો હતો જેનો આખરે અંત આવ્યો છે.

કેમેરામાં દાંત બતાવતા અને આંખ ચમકાવતા એ વાનરની પ્રખ્યાત સેલ્ફી તો તમને યાદ હશે. એ સેલ્ફીને લઈને ફોટોગ્રાફરે એક પશુ અધિકાર સંગઠન સાથે ચાલેલી 2 વર્ષ સુધી ચાલેલી કાયદાકીય લડાઈને જીતી લીધી છે.

ઘટના કંઈક એવી છે, કે વર્ષ 2011માં ન્યૂ સાઉથ વેલ્સના મોનમાઉથશરના રહેવાસી ડેવિડ સ્લેટર નામના એક ફોટોગ્રાફર જંગલમાં મકૉક પ્રજાતિના વાનરોની તસવીર લઈ રહ્યા હતા. ત્યાં જ નારૂતો નામના એક વાનરે હાથમાંથી કેમેરા છીનવી લીધો અને પોતાની તસવીરો ખેંચી લીધી હતી. તે તસવીરોમાં કેટલીક તસવીરો ખુબ અદ્ભૂત હતી, જેમાંથી એક સેલ્ફી ખુબ લોકપ્રિય થઈ હતી.

અમેરિકી જજે કહ્યું છે કે વાનરને કૉપીરાઈટ કાયદાના અંતર્ગત અધિકાર નહીં મળે, તો પેટાએ કહ્યું છે કે વાનરને પણ ફાયદો પહોંચવો જોઈએ.

વાનર તરફથી દાખલ કરવામાં આવેલી પેટાની અરજીને રદ્દ કરી દેવામાં આવી છે પરંતુ સ્લેટર ભવિષ્યમાં આ તસવીરથી થવા વાળી કમાણીનો 25 % ભાગ દાન કરવા તૈયાર થઈ ગયા છે.

ઇમેજ સ્રોત, WILDLIFE PERSONALITIES/DAVID J SLATER

સ્લેટર અને પેટા તરફથી આવેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તસવીર વેંચાવાથી જે કમાણી થશે, તેનો એક ચતુર્થાંશ ભાગ નારૂટો અને તેમના રહેણાંકની રક્ષા કરવા વાળી ચેરિટી સંસ્થાઓને દાન કરી દેવામાં આવશે.

પેટાના વકીલ જેફ કર્રે કહ્યું છે કે પેટાના આ કેસ બાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર પશુઓના અધિકારોને લઈને ચર્ચા થઈ હતી. તો સ્લેટરનું કહેવુ હતું કે તેમણે ઘણી મહેનત કરી હતી અને આ તસવીર તેમના કૉપીરાઈટના દાવા માટે પુરતી હતી.

સ્લેટરે એવું પણ કહ્યું કે તેઓ સ્વયં સંરક્ષણવાદી છે અને તસવીરમાં તેમની રૂચિના કારણે ઈન્ડોનેશિયાના પશુઓને ફાયદો પહોંચ્યો છે.

આ કેસને નારૂટો Vs ડેવિડ સ્લેટર નામ આપવામાં આવ્યું હતું. જો કે વાનરની ઓળખ પર પણ વિવાદ છે.

પેટાનું કહેવું છે કે તસવીરમાં જે વાનર જોવા મળી રહ્યો છે તે સ્ત્રીલિંગ છે અને તેનું નામ નારૂટો છે. જ્યારે સ્લેટરનું કહેવું છે કે તે મૈકૉક પ્રજાતિનો નર વાનર છે.