વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબેએ લીધી મુલાકાત

ઇમેજ સ્રોત, AFP
જાપાનીઝ મહેમાનો માટે, બૂટીક હેરિટેજ હોટલ હાઉસ ઑફ મંગળદાસ ગિરધરદાસમાં ખાસ રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.
1924માં બનેલી આ ઇમારત એક સમૃદ્ધ મિલમાલિકનું ઘર હતું. તેને હવે હોટેલનું સ્વરૂપ અપાયું છે. અહીં જતા પહેલા મોદી અને એબે તેની બરોબર સામે જ આવેલી સીદી સૈયદની મસ્જિદમાં જશે.
મુલાકાત માટે સીદીસૈયદની મસ્જિદ શા માટે પસંદ કરવામાં આવી?
ઇમેજ સ્રોત, Twitter
વડાપ્રધાને એબેનાં કાર્યક્રમમાં આ મસ્જિદને પસંદ કરી છે, કારણ કે, તેની ઘણી વિશિષ્ટતાઓ છે. આ મસ્જિદનું નામકરણ તેને બંધાવનારા સીદી આગેવાનનાં નામ પરથી કરવામાં આવ્યું છે. સીદી સૈયદ યમનથી આવ્યા હતા. તેમણે સુલતાન નસીરુદ્દીન મહમૂદ ત્રીજા અને સુલતાન મુજફ્ફર શાહ ત્રીજાના દરબારમાં કામ કર્યું હતું.
ગુજરાતનાં પ્રવાસન વિભાગની વેબસાઈટમાં જણાવ્યા અનુસાર અમદાવાદ નેહરૂ બ્રિજના પૂર્વ છેડે પર આવેલી આ મસ્જિદ 1573માં બનાવવામાં આવી હતી. તે મુઘલ કાળમાં બનેલી અમદાવાદની સૌથી મોટી મસ્જિદોમાં એક છે.
ઇમેજ સ્રોત, Getty Images
તેની વિશિષ્ટતા પથ્થર પર કોતરાયેલી સુંદર જાળી પ્રખ્યાત છે?
તેની પશ્ચિમી દિવાલની બારીઓ પર કોતરાયેલી જાળીઓ વિશ્વપ્રસિદ્ધ છે. પથ્થરમાં વૃક્ષની એક બીજાને વળગેલી શાખાઓનું કોતરકામ તૈયાર કરેલું છે. તેને સીદી સૈયદની જાળી પણ કહેવામાં આવે છે. આ મસ્જિદ અમદાવાદના લાલ દરવાજાની નજીક છે.
સીદી મુસલમાન કોણ છે?
ઇમેજ સ્રોત, Gujarat Tourism
ગુજરાતના ઇતિહાસકાર ડૉ. રિઝવાન કાદરીએ બીબીસીને કહ્યું કે જે લોકો આફ્રિકામાંથી ભારત આવ્યા હતા, તેમને સીદી તરીકે ઓળખવામાં આવે છે.
આ લોકો શરૂઆતમાં ગુલામો તરીકે આવ્યા હતા, પરંતુ બાદમાં તેઓ શક્તિશાળી થઈ ગયા.
ખાસ વાત એ છે કે, જેણે આ મસ્જિદનું નિર્માણ કર્યું તે સીદી સૈયદને સમ્રાટ અકબર દ્વારા અમીરુલ હજ બનાવીને મોકલવામાં આવ્યા હતા.
સીદીસૈયદનું અવસાન
ઇમેજ સ્રોત, Getty Images
મસ્જિદનું બાંધકામ ચાલતું હતું ત્યારે જ 1583 માં સૈયદનું અવસાન થયું અને તેનું નિર્માણ અપૂર્ણ રહ્યું. હાલ મસ્જિદની એ જ સ્થિતિ યથાવત છે.
કાદરીએ કહ્યું કે સીદીને અહીં જ દફન કરવામાં આવ્યા હતા. જો કે, અહીં કોઈ મકબરો નથી. આ મસ્જિદમાં કોઈ મિનારા નથી, એની ખ્યાતી તેના સ્થાપત્યને કારણે નથી. મસ્જિદની ખાસિયત તેની જાળી છે, કારણ કે અમદાવાદમાં તેનું ખાસ મહત્વ છે.
જહાંગીરે અમદાવાદ માટે શું કહ્યું હતું ?
ઇમેજ સ્રોત, IIM-A
ઇતિહાસકારો કહે છે કે મુઘલ બાદશાહ જહાંગીરે અમદાવાદને ધૂળીયું નગર કહ્યું હતું, પણ સીદી સૈયદની મસ્જિદ આ શહેરની ઓળખ છે. આ જાળીની વિશિષ્ટતા એ છે કે, તે એક જ પથ્થરમાંથી નથી કોતરવામાં આવી.
કાદરીએ કહ્યું કે આ જાળીને પથ્થરના નાના નાના ટુકડા જોડીને બનાવવામાં આવી છે. નવ બાય દસ ફૂટના આકારની આ જાળી દૂરથી એક જ પથ્થરમાંથી કોતરાયેલી હોય તેમ લાગે છે. આ જાળી અમદાવાદની ઓળખ છે. અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટનું પ્રતિક પણ આ જાળી જ છે.
મસ્જિદનો ઉપયોગ ઘોડાના તબેલા તરીકે પણ થયો હતો
ઇમેજ સ્રોત, Gujarat Tourism
એમ કહેવાય છે કે, મરાઠી શાસન વખતે આ મસ્જિદનો ઉપયોગ ઘોડાના તબેલા તરીકે થતો હતો. જો કે, અંગ્રેજોના સમયમાં લૉર્ડ કર્ઝને લાવેલા નવા કાયદા બાદ તેની જાળવણીની શરૂઆત થઈ.
કાદરીએ જણાવ્યા અનુસાર રશિયાના છેલ્લા પાટવી રાજકુમાર હોય કે, 1969માં બ્રિટનની રાણી એલિઝાબેથ સાથે આવેલા પ્રિન્સ, આ તમામ મહાનુભાવો આ મસ્જિદના ચાહકો રહ્યાં છે. પ્રિન્સને જ્યારે આ જાળીની ચાંદીની પ્રતિકૃતિ ભેટમાં આપવામાં આવી ત્યારે તેમણે જાળી વિશે પૂછ્યું હતુ. એમને એમાં રસ પડ્યો અને તે સાબરમતી આશ્રમથી જાળી જોવા માટે ખાસ અહીં આવ્યા હતા.
સીદીનો ઇતિહાસ અને વારસો
ઇમેજ સ્રોત, Gujarat Tourism
ઇતિહાસકારો મુજબ, આ મસ્જિદ ઉપરાંત સીદી બશીરની મસ્જિદ પ્રખ્યાત છે. હવે ત્યાં માત્ર મિનારા જ બાકી રહ્યા છે. તેને “ઝુલતા મિનારા” તરીકે પણ ઓળખાય છે.