હવે ઉપગ્રહો પર થશે જીવનની ખોજ

  • રિચાર્ડ હોલિંગ્મ
  • સાયન્સ લેખક અને બ્રોડકાસ્ટર
ગુરૂનો ઉપગ્રહ યુરોપા
ઇમેજ કૅપ્શન,

ગુરૂના ઉપગ્રહ યુરોપા પર જીવન છે

આપણાં તારામંડળને પાર પણ કોઈ દુનિયા છે? વિશ્વભરના વૈજ્ઞાનિકો સમગ્ર માનવજાત માટે આ સવાલનો જવાબ શોધી રહ્યા છે કે શું બ્રહ્માંડમાં અન્ય કોઈ જગ્યાએ જીવન છે? અને જો છે તો ક્યાં છે ?

બ્રહ્માંડનો તો કોઈ છેડો નથી, એટલે જ આપણાં સૌરમંડળમાં પૃથ્વી સિવાય ક્યાંય જીવન છે કે નહીં તેની શોધ વધુ ઝડપથી થઈ રહી છે.

હાલ તો આપણાં સૌરમંડળમાં પણ એવા ઘણાં રહસ્યો છે જે વણઉકેલ્યા છે, એટલે જ વૈજ્ઞાનિકોને આશા છે કે સૌરમંડળમાં બીજે ક્યાંક પણ જીવન છે.

સૌથી પહેલાં તો આ શોધ તમામ ગ્રહો પર કરવામાં આવી.

તમને આ વાંચવું પણ ગમશે

મંગળ ગ્રહ પરનું વાતાવરણ પૃથ્વીના વાતાવરણ જેવું લાગી રહ્યું હતું, તેથી મંગળ પર જીવનની શોધ કરવા માટે ઘણાં અવકાશયાન મોકલવામાં આવ્યા.

પરંતુ મંગળ પર જીવન હોવાની સંભાવના હવે ધૂંધળી થઈ રહી છે. તમામ માર્સ મિશન એવા સંકેતો આપી રહ્યા છે કે મંગળ પર જીવન હોવાની શક્યતાઓ ઓછી છે.

ચંદ્ર પર પાણી હોવાના પુરાવાઓ

ઇમેજ કૅપ્શન,

કેસિની મિશનને 'નાસા'એ પૂર્ણ કર્યું

મંગળ સિવાય આપણાં સૌરમંડળમાં જે ગ્રહો છે તે સૂર્યથી ખૂબ દૂર હોવાના કારણે ખૂબ જ ઠંડા છે, તેથી તેમાં જીવન અંકુરિત થવાની શક્યતાઓ ખૂબ ઓછી છે.

આ પરિસ્થિતિના કારણે વૈજ્ઞાનિકોનું ધ્યાન ગુરૂ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુનના ઉપગ્રહો પર જીવન શોધવામાં લાગ્યું છે.

જ્યારે 'નાસા'નું અવકાશ યાન વોયેજર શનિના ઉપગ્રહ એન્સેલાડસ નજીકથી પસાર થયું ત્યારે તેને ત્યાં પાણી હોવાના પુરાવાઓ મળ્યા હતા.

બર્ફીલા વાતાવરણમાં કેટલાંય કિલોમીટર સુધી પાણી હોવાની આશા વોયેજરે જન્માવી, તો બીજી તરફ નાસાએ બીજું સ્પેસ મિશન કેસિની-હ્યૂજેંસ શનિ ગ્રહ વિશે સંશોધન કરવા રવાના કર્યું.

હવે તો કેસિની મિશન પણ નાસાએ પૂર્ણ કરી દીધું છે અને આ યાન શનિના વાતાવરણમાં બળીને રાખ થઈ ચૂક્યું છે.

શનિના ઉપગ્રહ એન્સેલાડસ પર હવે જીવનની શક્યતાઓ શોધવી હોય તો ત્યાં નવું યાન મોકલવું પડશે.

ગ્રહના ઉપગ્રહ પર જીવનની શોધ

ઇમેજ કૅપ્શન,

શનિ ગ્રહ

નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી તેની તૈયારીઓ પણ કરી રહ્યા છે.

ઓછામાં ઓછા ચાર એવા મિશન ચર્ચાઈ રહ્યાં છે, જે આપણાં સૌરમંડળમાં જીવનની શોધ માટે મોકલવામાં આવશે.

નાસાના વૈજ્ઞાનિક ક્રિસ મેક્કે કહે છે કે, હવે મંગળ ગ્રહ સિવાયના અન્ય ગ્રહોના ઉપગ્રહો પર જીવવની શોધ પર વધુ ધ્યાન આપવામાં આવશે.

આ સંશોધનનો પહેલો ઉમેદવાર શનિનો એન્સેલાડસ ઉપગ્રહ છે. કેસિનીએ સંશોધન કર્યું છે કે એન્સેલાડસ પર ઊંડાણવાળું પાણી હોઈ શકે છે.

ત્યાંના વાતાવરણમાં જીવન અંકુરિત થવા જરૂરી કાર્બન, નાઈટ્રોજન અને હાઈડ્રોજન પણ છે.

તેથી જ એન્સેલાડસની તપાસ માટે આવનારાં વર્ષોમાં નવું યાન મોકલવાની યોજના પર વિચાર થઈ રહ્યો છે.

આ ઉપરાંત અમેરિકન સ્પેસ એજન્સી 'નાસા' કેટલાક ધૂમકેતુઓ, એસ્ટેરોઈડ અને ગ્રહોની તપાસ માટે અંતરિક્ષ યાન મોકલવા પર વિચાર કરી રહ્યું છે.

ક્રિસ મેક્કેને લાગે છે કે આ તપાસમાં એન્સેલાડસ જ મેદાન મારશે.

જો કે માત્ર એન્સેલાડસ જ એવો ઉપગ્રહ નથી જેના પર વૈજ્ઞાનિકોની નજર હોય.

ગુરૂના ઉપગ્રહ યુરોપા, કેલિસ્ટો અને ગૈનીમેડ પર પણ જીવનના શક્યતા હોવાની આશા છે.

નેપ્ચ્યુનના ઉપગ્રહ ટ્રાઈટન વિશે પણ વૈજ્ઞાનિકો આવી જ અટકળો લગાવી રહ્યા છે.

ગુરૂના ઉપગ્રહ પર મિશન

વર્તમાન પરિસ્થિતિ અનુસાર ગુરૂનો ઉપગ્રહ યૂરોપા ભવિષ્યના સ્પેસ મિશનનું સૌથી મોટું લક્ષ્ય હશે.

60ના દાયકામાં જ કહેવાતું હતું કે યુરોપા પર જીવન સંભવિત છે.

કાલ્પનિક લેખન માટે પ્રખ્યાત લેખક આર્થર સી. ક્લાર્કે પોતાના એક પુસ્તકમાં બરફના મોટા પડ નીચે વ્યવસ્થિત દુનિયા વસેલી હોવાની કલ્પના કરી હતી.

યુરોપા વિશે કહેવાય છે કે બરફના કેટલાંય કિલોમીટર જાડા પડની નીચે પાણીના સમુદ્ર અને તળાવો છે.

'નાસા'ના યાન 'ગેલીલિયો'એ 90ના દાયકામાં જ આપણને વાકેફ કર્યા હતા કે યુરોપામાં 15-20 કિલોમીટરના ઊંડાણમાં પાણી છે.

ભલે એન્ડેસલાડસ વિશે સંશોધન કરવા માટે મિશન મોકલવા માટે કેટલાંક વર્ષ રાહ જોવી પડે પરંતુ યુરોપિયન સ્પેસ એજન્સીએ 'જૂસ' નામના એક અંતરિક્ષ યાનને યુરોપા પર મોકલવાની તૈયારી શરૂ કરી છે.

આ સ્પેસ મિશન 2022માં ગુરૂના ઉપગ્રહ યુરોપા, કેલિસ્ટો અને ગૈનીમંડની તપાસ માટે રવાના કરવામાં આવશે.

આવી જ રીતે 'નાસા' પણ યુરોપા ક્લિપર નામનું એક યાન યુરોપાની તપાસ માટે મોકલવાનું છે.

આવા મિશન માટે સૌથી જરૂરી વસ્તુ એક ખાસ પ્રકારનો રોબોટ છે, એવો રોબોટ છે બરફના મોટા પડ નીચે ઉતરી પાણી અને જીવનની શોધ કરી શકે.

બરફમાં કામ કરનારા રોબોટ

ઇમેજ કૅપ્શન,

બરફમાં કામ કરી શકે તેવા રોબોટ બનાવવા પડશે.

'નાસા' અને યુરોપિયન સ્પેસ એજન્સી આ દિશામાં કામ કરી રહ્યા છે.

ઘણાં મૉડલ ટેસ્ટ કરાઈ રહ્યા છે, જે જાડાં બરફના પડ આરપાર જઈ શકે.

'નાસા'ના વૈજ્ઞાનિક હરિ નાયર કહે છે કે, 'નાસા'ની પાસાડેના સ્થિત જેટ પ્રપલ્શન લેબમાં કેટલાંક વૈજ્ઞાનિકો એવો રોબોટ રોવર તૈયાર કરી રહ્યા છે, જે બર્ફીલા વાતાવરણમાં કામ કરી શકે.

નાયર કહે છે કે, કેટલાંક એવા અંતરિક્ષ યાન બનાવવાની તૈયારી કરી છે જે ઠંડા ઉપગ્રહ પર ઉતરીને ખોદકામ કરી શકે.

ઠંડા વાતાવરણમાં કામ કરી શકે તેવા રોબોટ તૈયાર કરવા મોટો પડકાર છે.

તેના માટે એટોમિક બેટરીથી ચાલનારા રોબોટનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે.

નાયર માને છે કે આ પ્રકારના રોબોટ તૈયાર કરવામાં 15થી 20 વર્ષનો સમય લાગી શકે છે.

સદીઓથી માનવજાતનું સપનું રહ્યું છે કે આપણાં સૌરમંડળમાં કે બ્રહ્માંડમાં એવી જગ્યાઓ શોધવી જ્યાં જીવન આકાર લઈ રહ્યું હોય.

જો કોઈ સ્પેસ મિશન આ શોધ કરી શકશે તો આ બહુ મોટી સફળતા હશે.

ક્રિસ મેક્કે કહે છે કે, અમે જ્યારે પણ બ્રહ્માંડમાં બીજે ક્યાંય જીવનની શોધ વિશે વિચારીએ ત્યારે અમને લાગે છે કે તેવું શક્ય છે, પરંતુ તે શક્ય હોય તે જરૂરી નથી.

હાલ તો આવા કોઈ પુરાવાઓ નથી મળ્યા. હા, એક આશા છે જેના આધારે માનવી ક્યારેક સૌર મંડળમાં તો ક્યારેક તેની બહાર બીજી દુનિયાની શોધમાં લાગેલો હોય છે.

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)