પાકિસ્તાનમાં જીતી કુલસુમ પરંતુ ચર્ચામાં હાફિઝ સઈદ

પરિણામ બાદ ઉત્સાહમાં લોકો Image copyright Getty Images

હાલ પાકિસ્તાની મીડિયામાં લાહોર પેટાચૂંટણીની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. અહીંથી જ નવાઝ શરીફ ત્રણ વખત વડાપ્રધાનના સિંહાસન સુધી પહોંચ્યા હતા.

આ વખતે તેમની પત્ની બેગમ કુલસુમ નવાઝે પાલા મારા અને તહરીક-એ-ઈન્સાફની ઉમેદવાર યાસ્મિન રાશિદને લગભગ 15 હજાર મતોથી હરાવ્યા છે.

પરંતુ આ ચૂંટણીના પરિણામોથી પણ મહત્ત્વની વાત જેના તરફ મીડિયાનું ધ્યાન બહું ઓછું ગયું છે તે છે મુસ્લિમ લીગ અને તહરીક-એ-ઈન્સાફ પછી ત્રીજા નંબરે આવેલા એક એવા અપક્ષ ઉમેદવાર. જેને પાંચ હજાર મત મળ્યા અને લશ્કર-એ-તોયબા ઉર્ફે જમાત-ઉદ-દાવાના લીડર હાફિઝ સઈદનું સર્મથન મળ્યું હતું.

જ્યારે આસિફ અલી ઝરદારીની પાર્ટીને માત્ર અઢી હજાર મત જ મળ્યા. શેખ મોહમ્મદ યાકૂબનો ચૂંટણી પ્રચાર જમાત-ઉદ-દાવાના પેટમાંથી દોઢ મહિના પહેલાં જ નીકળેલી મિલ્લી મુસ્લિમ લીગના કાર્યકરોએ કર્યો.

એવું સમજો કે જે સંબંધ ભાજપનો આરએસએસ સાથે છે તેવો જ સંબંધ મિલ્લી મુસ્લિમ લીગનો હાફિઝ સઈદના જમાત-ઉદ-દાવા સાથે છે.

પરંતુ મિલ્લી મુસ્લિમ લીગ હજી સુધી ચૂંટણી પંચમાં નોંધાઈ નથી એટલે તેના ઉમેદવારે અપક્ષ તરીકે ચૂંટણી લડી. મિલ્લી મુસ્લિમ લીગે ચૂંટણી પ્રચારમાં ઘણા રૂપિયા પણ ખર્ચ્યા.

તેમની રેલીઓમાં હાફિઝ સઈદના પોસ્ટર પણ નજર આવતાં. જો કે ચૂંટણી પંચે કડકાઈથી મનાઈ કરી હતી કે જે લોકો પર ઉગ્રવાદી હોવાનો આરોપ છે તેમના નામનો ઉપયોગ ચૂંટણી પ્રચારમાં કરી શકાશે નહીં.

Image copyright Getty Images

ખુદ હાફિઝ સઈદ જાન્યુઆરીથી પોતાના ઘરમાં કેદ છે. મિલ્લી મુસ્લિમ લીગનું પોતાના જન્મના કેટલાંક સપ્તાહ બાદ જ ચૂંટણીમાં ભાગ લેવો અને ત્રીજા નંબર પર આવવું એટલા માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે જ્યારથી રાષ્ટ્રપતિ ટ્રંપ અને બેઈજિંગમાં બ્રિક્સ નેતાઓની બેઠક તરફથી પાકિસ્તાનને કહેવામાં આવ્યું છે કે તે પોતાને ત્યાં એના સંગઠનોને રોકે જેના પર ઉગ્રવાદ ફેલાવવાનો આરોપ છે.

ત્યારથી પાકિસ્તાન સરકારમાં બે પ્રકારની દલીલો ચાલી રહી છે. સિવિલિયન સરકાર ઈચ્છે છે કે વિદેશ નીતિમાં ધરમૂળથી ફેરફારો કરવામાં આવે, કારણ કે હવે એવું માત્ર કહેવાથી દુનિયા માનશે નહીં કે પાકિસ્તાનને ઉગ્રવાદી સંગઠનો સાથે કોઈ લેવા-દેવા નથી.

બીજી તરફથી એવી દલીલ કરવામા આવે છે કે જો ઉગ્રવાદીઓને રાષ્ટ્રની રાજનૈતિક ધારામાં સામેલ કરી લેવામાં આવે તો આપણે દુનિયાને કહી શકીએ કે અમે આ લોકોને એક નવો રસ્તો બતાવ્યો છે જેમાં ઉગ્રવાદની કોઈ શક્યતા નથી.

Image copyright Getty Images

પરંતુ મુશ્કેલી એ છે કે જો કાલના ઉગ્રવાદીઓ આજની લોકશાહી રાજનીતિનો હિસ્સો પોતાના એ જ દૃષ્ટિકોણની સાથે બને છે જેનાથી દુનિયાને ચિંતા છે તો આવી સ્થિતિમાં તેમને મુખ્યધારામાં લાવવાથી ખુદ દેશને શું લાભ થશે?

એક જાણીતા ટીકાકાર ખાલિદ અહેમદનું માનવું છે કે જો હાફિઝ સઈદ લોકશાહીનો ભાગ બને તો પણ એવું નહીં બને કે હાફિઝ સાહેબ પોતાનો ઉગ્રવાદી દૃષ્ટિકોણ છોડી દેશે.

પરંતુ આવા લોકોના આવવાથી દેશની રાજનીતિ પણ ઉગ્રવાદના રસ્તે જઈ શકે છે. અને ત્યારે હાફિઝ સઈદની પાછળ લાખો વોટ હશે.

ત્યારે તેને કોણ અને કેવી રીતે નિયંત્રિત કરશે? આ વિચાર સિંહની પીઠ પર સવારીની સાથે જીવલેણ પણ બની શકે છે. એવી પણ નોબત આવી શકે છે કે સરકાર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોથી બચવા માટે કોઈ ખાઈમાં પડી ના જાય.