ચાર હજાર સૈનિકો બચાવ કાર્યમાં જોડાયા

રડતા લોકો Image copyright Reuters/henry romero

મેક્સિકો શહેરમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં લગભગ 200થી વધુ લોકોનાં મોત થયાં છે તો અનેક બિલ્ડિંગ્સ ધરાશાયી થઈ છે.

ચાર હજાર સૈનિકો રાહત અને બચાવકાર્યમાં જોડાયા છે. જ્યારે હજારો લોકો સ્વયંસેવક તરીકે સેવા આપવા આગળ આવ્યા છે.

મેક્સિકોના રાષ્ટ્રપતિના કહેવા પ્રમાણે એક સ્કૂલ ધરાશાયી થવાથી 20થી વધુ બાળકોનાં મોત થયાં છે અને 30 જેટલા બાળકો ગૂમ છે.

રાહતકર્મીઓ કાટમાળમાં ફસાયેલા જીવિત લોકોને શોધી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.

7.1 રિક્ટર સ્કેલના ભૂકંપે મેક્સિકો શહેર, મોરલિયોસ શહેર અને પુએબ્લા પ્રાંતમાં ભારે તબાહી મચાવી છે.

મેક્સિકોના રાષ્ટ્રપતિએ ટીવી પર આપેલા એક સંદેશમાં જણાવ્યું છે કે સેનાને બોલાવવામાં આવી છે અને રાહત અને બચાવ કામગીરી રાતભર ચાલુ રહેશે.

Image copyright AFP

મેક્સિકો ભૂકંપ સંવેદનશીલ વિસ્તાર છે. આ મહિનામાં જ 8.1 રિક્ટર સ્કેલની તિવ્રતા વાળા ભૂકંપે દેશના દક્ષિણ વિસ્તારમાં ભારે નુકસાન કર્યું હતું. જેમાં 90 લોકોનાં મોત થયાં હતા.

મંગળવારે મેક્સિકો શહેરમાં લોકો ભૂકંપ સમયે કેવી રીતે બચવું તેની ડ્રિલ કરી રહ્યાં હતા ત્યારે જ આ ભૂકંપનો આંચકો આવ્યો હતો.

મેક્સિકો શહેરમાં એરપોર્ટ પર થોડીવાર વિમાની સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી તો શહેરની અનેક બિલ્ડિંગ્સ ખાલી કરાવવામાં આવી હતી.

મેક્સિકોમાં 32 વર્ષ પહેલાં આવેલા એક ભૂકંપે ભારે તબાહી સર્જી હતી. જેમાં 10,000 લોકોનાં મોત થયાં હતા.

મંગળવારે આવેલા ભૂકંપનુ કેન્દ્ર પુએબ્લા પ્રાંતના એન્ટેસિગોની પાસે હતું. આ વિસ્તાર મેક્સિકો શહેરથી 120 કિલોમીટર દૂર આવેલો છે. અમેરિકી જિયોલોજિકલ સર્વેના જણાવ્યા પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનમાં 51 કિલોમીટર ઊંડે હતું.

Image copyright YURI CORTEZ/AFP/GETTY IMAGES

માત્ર મોરલિયોસ રાજ્યમાં 54 લોકો માર્યાં ગયા છે અને પુએબ્લોમાં 26 લોકોનાં મોતના સમાચાર છે. મેક્સિકો શહેરમાં 30 લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે જ્યારે મેક્સિકો પ્રાંતમાં 9 લોકોનાં મોત થયા છે.

ભૂકંપ સ્થાનિક સમય પ્રમાણે 1 વાગીને 14 મિનિટે આવ્યો હતો.

દેશના રાષ્ટ્રપતિ એનરિક પેના નિએટોએ લોકોને અપીલ કરી છે કે તેઓ રસ્તા પર એકઠાં ના થાય જેથી ઈમરજન્સી સેવાઓ સરળતાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી શકે.

Image copyright Getty Images

રાજધાનીમાં કેટલાંક વિસ્તારોમાં ફોન સેવા બંધ થઈ ગઈ છે તો વીજળી બંધ થઈ જવાથી 40 લાખ લોકો પ્રભાવિત થયા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યું છે, "ભગવાન મેક્સિકો શહેરનાં લોકોનો ખ્યાલ રાખે. અમે તમારી સાથે છીએ અને રહીશું"

સંબંધિત મુદ્દા