મેક્સિકો ભૂકંપઃ શાળા પડતાં 21 બાળકોનાં મોત, બચાવ કામગીરી પુરજોશમાં

ધરાશાયી થયેલી શાળા Image copyright AFP

મેક્સિકોની રાજધાનીમાં મંગળવારે આવેલા ભૂકંપમાં એક પ્રાથમિક શાળા ધરાશાયી થવાને કારણે 21 બાળકોનાં મોત થયાં છે. સરકાર તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે આ દુર્ઘટનામાં 5 વયસ્ક વ્યક્તિનાં પણ મોત થયાં છે. આ વચ્ચે 13 વર્ષની ફ્રિડા સોફિયાનો શાળામાંથી બચાવ કરવામાં આવ્યો છે.

મેક્સિકો શહેરમાં આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે 225થી વધુ લોકોનાં મોત થયાં છે અને ડઝનબંધ બિલ્ડિંગ ધરાશાયી થઈ છે.

બચાવદળ કાટમાળ નીચે દબાયેલા જીવિત લોકોને શોધવાનું અભિયાન ચલાવી રહ્યું છે.

શિક્ષણ મંત્રીના જણાવ્યા પ્રમાણે મેક્સિકો શહેરના દક્ષિણમાં કોઆપા જિલ્લામાં આવેલી એક પ્રાથમિક શાળા ભૂકંપને કારણે ધરાશાયી થઈ ગઈ. તેમણે કહ્યું કે 11 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે અને ત્રણ લોકો લાપતા છે. તેમાં બે બાળકો પણ સામેલ છે.

તમને આ પણ વાંચવું ગમશે

Image copyright Getty Images

આ પહેલાં સ્થાનિક મીડિયાએ આ શાળામાં મરનારની સંખ્યા ઘણી વધારે દર્શાવી હતી.

મેક્સિકોના વર્તમાનપત્ર મિલેનિયોના અહેવાલ પ્રમાણે સેના અને નેવીના 500થી વધુ જવાનો, 200 પોલીસ ઓફિસર અને સ્વયંસેવકો ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્યમાં જોડાયા છે.

મેક્સિકોના રાષ્ટ્રપતિ એનરિક પેના નિએટોએ ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ કહ્યું, "જ્યારે હું ત્યાં હતો, તો મેં જોયું કે અનેકવાર લોકોને શાંત રહેવા માટે કહેવું પડ્યું કારણ કે કાટમાળની નીચેથી આવતા અવાજોને સાંભળી શકાય."

આ ભૂકંપમાં મેક્સિકોમાં 209 શાળાઓ અસરગ્રસ્ત થઈ છે. જેમાં 15 શાળાઓને વધારે નુકસાન થયું છે.


અહીં થયું વધારે નુકસાન

ભૂકંપનું કેન્દ્ર પ્લેબલા રાજ્યમાં એટેનકિનગોની પાસે 51 કિલોમીટર જમીનની અંદર હતું. આ જગ્યા મેક્સિકોની રાજધાનીથી 120 કિલોમીટર દૂર છે.

આ શક્તિશાળી ભૂકંપમાં સૌથી વધારે મોત રાજધાની મેક્સિકોમાં થયાં છે. સરકારના જણાવ્યા પ્રમાણે મોતના આંકડા આ પ્રમાણે છે.

  • મેક્સિકો શહેર: 94
  • મૉરેલૉસ રાજ્યઃ 71
  • પ્વેબલા રાજ્યઃ 43
  • મેક્સિકો રાજ્યઃ 12
  • ગેરેરૉઃ 4
  • વાહાકાઃ 1

ચર્ચ ધરાશાયી થવાથી 11નાં મોત

Image copyright EPA

ભૂકંપને કારણે પ્વેબલામાં એક ચર્ચ ધરાશાયી થઈ ગયો. જેમાં 11 લોકો મોતને ભેટ્યાં હતાં.

મેક્સિકોના પોપકાટેપેટલ જ્વાળામુખીની પાસે આવેલો ચર્ચ પણ ધરાશાયી થયું હતું. ભૂકંપને કારણે જ્વાળામુખીમાં પણ નાનો વિસ્ફોટ જોવા મળ્યો હતો.


દબાયેલાં જીવિત લોકોની શોધ

7.1ની તીવ્રતાના આવેલા આ ભૂકંપમાં અત્યારસુધી 225 લોકોનાં મોતના સમાચાર છે. ડઝનો બિલ્ડિંગ્સ ભૂકંપના આંચકા સામે ટકી ના શકી અને જમીનદોસ્ત થઈ ગઈ. જેમાં કેટલાંક ચર્ચ પણ સામેલ છે, જ્યાં આવેલા લોકો પણ માર્યાં ગયાં છે.

મધ્ય મેક્સિકોના ઘણાં રાજ્યોમાં તબાહી મચી છે. હાલ કાટમાળ નીચે ફસાયેલાં લોકોને શોધવા માટે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

મેક્સિકો શહેરમાં અનેક લોકોએ પોતાનાં બાળકો સાથે ઘરની બહાર રસ્તા પર જ રાત પસાર કરી હતી.

આ ભૂકંપ એ સમયે આવ્યો જ્યારે 32 વર્ષ પહેલાં આવેલા ભૂકંપની વર્ષગાંઠ પર એક મૉકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. 1985માં આવેલા ભૂકંપમાં હજારો લોકોનાં મોત થયાં હતા.

આ મહિને જ મેક્સિકોમાં 8.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં લગભગ 90 લોકોનાં મોત થયાં હતાં.

બીબીસી સંવાદદાતા જૉનથન અમોસ જણાવે છે કે ભલે આ ભૂકંપ એક જ વિસ્તારમાં આવ્યો હોય, પરંતુ તેનો 7 સપ્ટેમ્બરે આવેલા ભૂકંપ સાથે કોઈ સંબંધ નથી. છેલ્લો ભૂકંપ આ વખતના ભૂકંપની સરખામણીએ 30 ગણો વધારે શક્તિશાળી હતો.