આમના નામ પરથી ઓળખાય છે મોંધું થયેલું ડીઝલ

રૂડોલ્ફ ડીઝલ

ઇમેજ સ્રોત, Diesel Engine Company via Science Photo Library

ઇમેજ કૅપ્શન,

થર્મોડાયનેમિક્સના લેક્ચર બાદ ડીઝલનું જીવન બદલાયું

અમદાવાદમાં ડીઝલના ભાવ 80 રૂપિયા લિટરે પહોંચવા પર છે, ભાજપ સરકાર પર તેના ભાવો ઘટાડવા વિપક્ષનું દબાણ છે. ત્યારે તેના જેના નામ પર આ ઈંધણને નામ મળ્યું, તેના વિશે આપ જાણો છો?

ડીઝલ એન્જિનના શોધક રૂડોલ્ફ ડીઝલે તેમની વિવિધ શોધ દ્વારા યંત્રો, ઉદ્યોગો અને અર્થતંત્રમાં ઘણાં પરિવર્તનો પ્રેર્યા.

તમામ વર્ગને ફાયદાકારક નીવડે તેવી શોધ કરવાનો તેમના હેતુ વિશે બહુ ઓછાં લોકોને જાણ છે.

એક સમયે ઉદ્યોગો પર સ્ટીમ એન્જિન રાજ કરતા હતા. આ એન્જિન ઉપરાંત આંતરિક દહન ધરાવતા ઇન્ટરનલ કમ્બશન એન્જિન પણ અસ્તિત્વમાં હતા.

આ એન્જિનની તે સમયની આવૃત્તિઓમાં પેટ્રોલ, વાયુ અથવા ગનપાવડરનો ઉપયોગ થતો હતો.

પરંતુ રૂડોલ્ફ ડીઝલ જ્યારે વિદ્યાર્થી હતા, ત્યારે આ બન્ને પ્રકારના એન્જિન જોઈએ તેટલા કાર્યક્ષમ નહોતા. તેમાં ઉત્પાદિત ઉષ્માનો 10 ટકા જથ્થો જ વપરાતો હતો.

યુવાન ડીઝલનું જીવન થર્મોડાયનેમિક્સના એક લેક્ચરમાં બદલાયું.

જ્યારે તે મ્યુનિચની રોયલ બેવેરિયન પૉલિટૅકનિકમાં અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે તેમણે શીખ્યું કે સૈદ્ધાંતિક રીતે ઇન્ટરનલ કમ્બશન એન્જિનમાં ઉત્પાદિત થતી તમામ ઉષ્માનો ઉપયોગ થઈ શકે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ડીઝલ જીવનના અંત સુધી દેવામાં ડૂબ્યા રહ્યા

ડીઝલે આ સિદ્ધાંતને પ્રાયોગિક સ્વરૂપ આપવાનું નક્કી કર્યું. બાદમાં તેણે બનાવેલું પહેલું એન્જિન 25 ટકા ઉષ્માનો ઉપયોગ કરતું હતું, જ્યારે વર્તમાન ડીઝલ એન્જિન પણ 50 ટકા ઉષ્માનો જ ઉપયોગ કરે છે.

જોકે પહેલાંની પરિસ્થિતિ કરતાં કંઈક સારું કરવામાં ડીઝલ અંશતઃ સફળ રહ્યા હતા.

ડીઝલ એન્જિનમાં સ્પાર્કની જરૂરિયાત ન હોવાના કારણે તે વધુ કાર્યક્ષમ છે. પેટ્રોલ એન્જિનમાં ઈંધણ અને હવાનું મિશ્રણ કામ કરે છે, અને સ્પાર્ક પ્લગ દ્વારા તેનું દહન શરૂ કરવામાં આવે છે.

ડીઝલની શોધમાં હવાનું કમ્પ્રેશન વધુ પ્રમાણમાં કરવામાં આવતું, જેથી ઈંધણનો ઓછો ઉપયોગ થાય.

પ્રારંભિક તબક્કામાં ડીઝલના એન્જિનની કાર્યક્ષમતા વિશે કોઈને વિશ્વાસ નહોતો આવ્યો જેના કારણે તેમના નાખુશ ગ્રાહકો પૈસા પરત માગતા હતા.

આ દેવું ડીઝલ પર એટલા પ્રમાણમાં વધ્યું હતું કે તેઓ જીવનના અંત સુધી આ દેવામાં ડૂબેલા રહ્યા.

છતાં તેમણે એન્જિન પર કામ કરવાનું ચાલુ રાખ્યું અને એન્જિનની ગુણવત્તામાં દિવસે-દિવસે વધારો થતો ગયો.

આ એન્જિનનો બીજો લાભ એ હતો કે તેમાં પેટ્રોલથી ભારે ઈંઘણનો ઉપયોગ થઈ શકે છે. આ ભારે ઈંધણ બાદમાં 'ડીઝલ' તરીકે ઓળખાયું.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ડીઝલે બનાવેલા એન્જિનનો ફ્રાંસની સબમરીનમાં ઉપયોગ થતો હતો

ઉપરાંત ક્રૂડ ઑઈલમાંથી તેને રિફાઇન કરવામાં પેટ્રોલ કરતા ઓછો ખર્ચ આવે છે.

તે ઓછો ધુમાડો ઉત્પન્ન કરતું હોવાથી તેના દ્વારા વિસ્ફોટ થવાનો ડર પણ રહેતો નથી.

જેના કારણે આ ઈંધણ સૈન્ય અને સંરક્ષણના વાહનોમાં વપરાવા લાગ્યું. ઈ.સ. 1904 સુધીમાં ડીઝલે બનાવેલા એન્જિનનો ફ્રાંસની સબમરીનમાં ઉપયોગ થવા લાગ્યો હતો.

આ ઘટનાઓ રૂડોલ્ફ ડીઝલના મૃત્યુના કારણની પ્રથમ સંભાવના તરફ દોરી જાય છે. ઈ.સ. 1913માં યુરોપમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા.

આર્થિક સંકડામણમાં ફસાયેલા આ જર્મન શોધક જળમાર્ગે બેલ્જિયમથી અંગ્રેજી ખાડી દ્વારા લંડનનો પ્રવાસ કરી રહ્યા હતા.

તેઓ એસ.એસ. ડ્રેસ્ડેન નામની સ્ટીમરમાં પ્રવાસ દરમિયાન તેમનું અગમ્ય કારણોસર મૃત્યુ થયું હતું.

તેમના મૃત્યુ બાદ વર્તમાનપત્રોમાં જાહેરાતો કંઈક આવી રીતે આવી 'બ્રિટિશ સરકારને પેટન્ટ વેચી ન શકે તે માટે શોધકને દરિયામાં ફેંકી દેવામાં આવ્યો'

પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ડીઝલની શોધનું આર્થિક સામર્થ્ય સામે આવ્યું. ઈ.સ. 1920થી ટ્રકમાં ડીઝલ એન્જિનનો ઉપયોગ થવા લાગ્યો.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

મોટા જહાજોએ પણ અંતે ડીઝલ એન્જિનનો સહારો લીધો હતો

ટ્રેનમાં પણ ઈ.સ. 1930થી ડીઝલનો ઉપયોગ થવા લાગ્યો અને ઈ.સ. 1939 સુધીમાં દરિયાથી થતા કુલ વેપારમાં 25 ટકા વેપાર ડીઝલના ઉપયોગથી ચાલતો હતો.

દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ મોટા જહાજોમાં પણ ડીઝલ એન્જિનનો ઉપયોગ થવા લાગ્યો હતો. દરિયાઈ માર્ગે થતી હેરફેરના કુલ ખર્ચનો 70 ટકા ભાગ ઈંધણ પાછળ ખર્ચાય છે.

જો રૂડોલ્ફ ડીઝલ વધુ શોધ કરી શક્યા હોત તો વૈશ્વિક અર્થતંત્ર આજે મગફળીના આધારે ચાલી રહ્યું હોત.

ડીઝલે બનાવેલા એન્જિનમાં અત્યારે ભલે ક્રૂડ ઑઈલના વિવિધ ઉત્પાદનોનો ઉપયોગ થતો હોય પરંતુ ડીઝલે તેમનું એન્જિન તે રીતે બનાવ્યું હતું કે તેમાં ઘણાં ઈંધણોનો ઉપયોગ થઈ શકે.

કોલસાની રજથી લઈ વનસ્પતિ તેલનો ઉપયોગ થઈ શકે તેવું એન્જિન તેમણે તૈયાર કર્યું હતું. ઈસ. 1900ના પેરિસ વર્લ્ડ ફેરમાં તેમણે મગફળીના તેલ પર ચાલતા એન્જિનનું પ્રદર્શન કર્યું હતું.

મૃત્યુના એક વર્ષ પહેલાં ઈ.સ. 1912માં ડીઝલે એવું અનુમાન વ્યક્ત કર્યું હતું કે ઈંધણ માટે વનસ્પતિ તેલ પણ પેટ્રોલિયમ ઉત્પાદનો જેટલા જ મહત્ત્વના સાબિત થઈ શકે છે.

દેખીતી રીતે આ બાબત તેલક્ષેત્રોના માલિકો કરતા મગફળીનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે વધુ ફાયદાકારક હતી.

આ વાત તેમના મૃત્યુના કારણની બીજી સંભાવના તરફ દોરી જાય છે. તે સમયે અન્ય એક વર્તમાનપત્રમાં હેડલાઈન હતી 'મોટા ઑઈલ સંગઠનોના એજન્ટો દ્વારા તેની હત્યા કરવામાં આવી.'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ડીઝલ તેના પ્રયત્નોમાં સફળ ગયા હોત તો આજનું વિશ્વ કેવું હોત?

હાલ થોડાં સમયથી બાયોડીઝલના મહત્ત્વ વિશે ચર્ચા ચાલી રહી છે. ક્રૂડ ઉત્પાદનો કરતા તે ઓછું પ્રદૂષણ કરે છે પરંતુ તેના માટે વધુ ખેતીલાયક જમીનની જરૂર છે.

જો તેનું વધુ ઉત્પાદન થવા માંડે તો ખાદ્યપદાર્થોની કિંમત વધી શકે છે. રૂડોલ્ફના સમયમાં આ તમામ મુદ્દાઓ પર વધુ ચિંતા નહોતી. તે સમયે વસતિ ઓછી હતી અને સંસાધનો વધુ હતા.

પોતે બનાવેલું એન્જિન કૃષિ અર્થતંત્ર અને ગરીબોના વિકાસ માટે લાભદાયી નીવડી શકે તેમ છે તે વિચારથી જ ડીઝલને ઘણો ઉત્સાહ હતો.

જો ડીઝલ તેના પ્રયત્નોમાં સફળ ગયા હોત તો આજનું વિશ્વ કેવું હોત? જ્યાં પાછલી એક સદીથી સૌથી મૂલ્યવાન જમીન ક્રૂડ ઑઈલનું ઉત્પાદન કરનારી નહીં, પરંતુ મગફળીનું ઉત્પાદન કરનારી હોત.

હવે તો આપણે માત્ર ધારણાં જ કરી શકીએ છીએ, ઉપરાંત તે પણ નથી જાણી શકતા કે રૂડોલ્ફ ડીઝલ સાથે કઈ ઘટના ઘટી હતી. દસ દિવસ બાદ તેમનો મૃતદેહ અન્ય એક બોટ નજીક તરતો જોવા મળ્યો હતો.

મૃતદેહમાં કોહવાણના કારણે તેની ઓટોપ્સી થઈ શકે તેમ નહોતી ઉપરાંત તેને બોટમાં લઈ જનારા લોકો માટે પણ તેની હેરફેર મુશ્કેલ હતી. તેમના જેકેટમાંથી નીકળેલા પાકીટ, પૉકેટ નાઇફ, ચશ્માનું કેલ વગેરેની ઓળખ તેમના પુત્ર દ્વારા કરવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો