ખિલજી-કાફૂર વચ્ચેના સંબંધો ઇતિહાસકારોની નજરે

  • ભરત શર્મા
  • બીબીસી દિલ્હી

સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત' ઘણાં વિવાદો બાદ આખરે 25 જાન્યુઆરીએ મોટા પડદા પર રજૂ થશે.

ફિલ્મ વિવાદમાં આવ્યા બાદ ફિલ્મ નિર્માતાએ આ ફિલ્મનું નામ 'પદ્માવતી'માંથી 'પદ્માવત' કર્યું છે.

આ દરમિયાન એવા અહેવાલ છે કે ફિલ્મમાં ભણસાલીએ માત્ર અલાઉદ્દીન ખિલજી અને રાણી પદ્માવતીની પ્રેમ કથા પર ધ્યાન કેન્દ્રિત નથી કરી રહ્યાં.

એનો મતલબ કે તેમાં ખિલજી અને મલિક કાફૂરના સંબંધની પણ ચર્ચા હોય શકે છે.

તમને આ પણ વાંચવું ગમશે

બાયસેક્સ્યુઅલના રોલમાં રણવીરસિંહ?

ભણસાલીએ કથિત રીતે ફિલ્મમાં ખિલજી અને તેના ગુલામ-જનરલ મલિક કાફૂરના સંબંધોનું નિરૂપણ કર્યું છે.

તેનો મતલબ એ થયો છે કે ફિલ્મમાં ખિલજી બનેલા રણવીરસિંહ બાયસેક્સ્યુઅલ ભૂમિકા ભજશે.

ફિલ્મમાં મલિક કાફૂરની ભૂમિકા જીમ સરભ ભજવી રહ્યા છે.

મલિક કાફૂર કોણ હતા? ખિલજી સાથે તેનો શું સંબંધ હતો? તેમની કથા આટલી રસપ્રદ શા માટે છે? તે વિશે જાણવા માટે ઇતિહાસનાં કેટલાંક પાનાંઓ ફંફોસવા પડશે.

ગુલામથી સૈનિકથી કમાન્ડર સુધી

ખિલજીના જનરલ નુસરતખાને ગુજરાત પર આક્રમણ દરમિયાન મલિક કફુરને પકડીને ગુલામ બનાવ્યા હતા.

જોકે, ખિલજીના રાજમાં કાફૂરે સડસડાટ પ્રગતિ કરી હતી.

અલાઉદ્દીન ખિલજીના સૈન્યના કમાન્ડર તરીકે મલિક કાફૂરે મંગોલિયન આક્રમણકારોને હરાવ્યાં અને ત્યારબાદ દક્ષિણ ભારતમાં પોતાના સુલતાનના વિજયનો ધ્વજ ફરકાવ્યો હતો.

તે સિવાય ઘણાં પુસ્તકોમાં ખિલજી અને કાફૂર વચ્ચે 'ખાસ' સંબંધ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આર. વનિતા અને એસ. કિદવઈ દ્વારા સંપાદિત પુસ્તક 'સેમ-સેક્સ લવ ઇન ઇન્ડિયા: રીડિંગ્સ ઇન ઇન્ડિયન લિટરેચર'માં કાફૂરનો ઉલ્લેખ છે.

જે મુજબ, મલિક કાફૂરને ગુલામ તરીકે અલાઉદ્દીન ખિલજીની સેનામાં સામેલ કરવામાં આવ્યા હતા.

તેને હજાર દિનારી(એક હજારમાં વેચાનાર) કહેવામાં આવતા.

આ પુસ્તક પ્રમાણે ખિલજીએ કાફૂરની મલિક-નાયબ તરીકે પસંદગી કરી.

કેમ હજારદિનારી કહેવામાં આવ્યું?

એક ગુલામ કઈ રીતે આટલો ઝડપથી સફળ થયો? શું કાફૂર ટ્રાન્સજેન્ડર હતો? વાસ્તવમાં ખિલજી અને કાફૂર વચ્ચે શારીરિક સંબંધ હતા?

આ વિશે બીબીસીએ ઇતિહાસકારો સાથે વાતચીત કરી.

ભારતના પ્રખ્યાત મુઘલકાળના ઇતિહાસકાર હરબંસ મુખિયાનું કહેવું છે કે તે સમયે કોઈ ગુલામનું આટલું શક્તિશાળી બનવું તે કોઈ નવાઈ પમાડે તેવી વાત ન હતી.

મુખિયાએ કહ્યું, ''કાફૂર ગુલામ હતો, પરંતુ ત્યારે ગુલામનો મતલબ આજ જેવો નહોતો.''

તેમણે કહ્યું, ''બાદશાહના ગુલામ હોવું તે ખૂબ જ પ્રતિષ્ઠાની વાત હતી. એ સમયગાળા દરમિયાન દરબારો ખુદને બંદા-એ-દરગાહ કહેતા, એટલે કે દરગાહના ગુલામ.''

''દરગાહનો અર્થ અહીં કોર્ટ કે દરબાર તરીકેનો છે.''

શારીરિક સંબંધ હતો કે નહીં?

ઇતિહાસકારે જણાવ્યું, ''બહાદુર હોવું અને વફાદારીને ગુલામોનાં શ્રેષ્ઠ ગુણ માનવામાં આવતા.''

''કાફૂરમાં આ ગુણો હતા. ખિલજી માટે તે ખૂબ જ મહત્વનો થઈ ગયો હતો, કેમ કે કાફૂરે જ દક્ષિણ ભાગમાં સુલતાન માટે ઘણા યુદ્ધો લડ્યા હતા અને વિજય પણ મેળવ્યા હતા.''

અનેક જગ્યાએ કાફૂર ટ્રાન્સજેન્ડર હોવાની વાત નોંધાયેલી છે. જેના અંગે મુખિયાએ જણાવ્યું, ''ના, એ તેમના વિશે ન હતું.''

શું ખિલજી-કાફૂર વચ્ચે શારીરિક સંબંધ હતા?

મુખિયાના કહેવા પ્રમાણે, ''તેઓ વચ્ચે શારીરિક સંબંધની વાત થાય છે, પરંતુ સૌથી વધારે ખિલજીના પુત્ર મુબારક ખિલજી અને ખુસરોખાન વચ્ચે આવા સંબંધની વાત થાય છે. ખુસરો ખાન થોડા સમય માટે બાદશાહ પણ રહ્યો હતો. અમીર ખુસરોએ તેનો ઉલ્લેખ કર્યો છે.''

ફિલ્મોમાં કંઈ પણ દેખાડવામાં આવે છે?

મુખિયાએ જણાવ્યું, ''ના તો કાફૂર ટ્રાન્સજેન્ડર હતો અને ના તો ખિલજી સાથે તેના સજાતીય સંબંધ હતા.''

ફિલ્મમાં આવું હોવાના અહેવાલો છે.

આ અંગે તેમણે જણાવ્યું, ''ફિલ્મમાં તો કશું પણ દેખાડવામાં આવે છે. જોધા-અકબર પર ફિલ્મ બની છે, પરંતુ જોધા હતી જ નહીં. ફિલ્મોમાં જે દેખાડવામાં આવે છે, તેનો ઇતિહાસ સાથે કોઈ સંબંધ હોતો નથી.''

આવો જ મત બીજા ઇતિહાસકારોએ પણ વ્યક્ત કર્યો છે.

સંબંધ હતો પણ રોમૅન્ટિક નહીં

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં મુઘલકાલીન ઇતિહાસના પ્રોફેસર નઝફ હૈદર કહે છે કે સુલતાનના સમયના કૉમેન્ટેટર જિયાદ્દીન બરનીએ ખિલજી વિશે ખૂબ જ કડક શબ્દોમાં લખ્યું છે.

છતાં તેમની વચ્ચે આવા સંબંધ વિશેની કોઈ વાત તેમના લખાણોમાં જોવા મળતી નથી.

તેમણે કહ્યું, ''બંને વચ્ચે અંગત સંબંધ હતા, પરંતુ તે રોમૅન્ટિક સંબંધ ન હતા.''

કાફૂરના ટ્રાન્સજેન્ડર હોવાની બાબતમાં હૈદરનો મત અલગ છે. તેમણે કહ્યું, ''કાફૂર વ્યંઢળ હતો અને આ વાત સાચી છે.''

શું કાફૂર વ્યંઢળ હતો?

ઇમેજ કૅપ્શન,

દીપિકા પાદુકોણ 'પદ્માવતી' અને રણવીર સિંહ ખલનાયક ખિલજીની ભૂમિકામાં છે

હૈદરના કહેવા પ્રમાણે, ''આ સમયગાળા દરમિયાન કાફૂર નામ વ્યંઢળોનું જ રાખવામાં આવતું હતું. ત્યારે જે લોકોને લિંગોચ્છેદન દ્વારા વ્યંઢળ બનાવવામાં આવતા હતા. તેની ત્રણ શ્રેણીઓ હતી અને શ્રેણી મુજબ આવું નામ મળતું હતું.''

મલિક કાફૂરે ગુલામથી શૂરવીર યૌદ્ધા સુધીની સફર કઈ રીતે પૂર્ણ કરી?

તેના અંગે હૈદર કહે છે, ''આ તે સમયની પ્રથા હતી, ગુલામને ખરીદીને તેને તૈયાર કરવામાં આવતા હતા. વફાદારી ખૂબ જ મહત્વની હતી અને મલિક કાફૂર વફાદાર હતો.''

કેટલાકનું અલગ માનવું

જોકે, ભંવરલાલ દ્વિવેદીનાં પુસ્તક ઇવોલ્યૂશન ઑફ એજ્યુકેશનલ થૉટ્સ ઇન ઇન્ડિયામાં ખિલજી અને કાફૂરના સંબંધ વિશે ખૂબ જ આકરી ભાષામાં વાત કરવામાં આવી હતી.

તેમાં લખ્યા મુજબ, ''કે. એમ. અશરફ જણાવે છે કે સુલતાન અલાઉદ્દીન ખિલજી અને મલિક કાફૂર, ખિલજીના પુત્ર મુબારક અને ખુસરોખાન વચ્ચે શારીરિક સંબંધ હતા.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો