ડ્રાઇવિંગના અધિકાર માટે ચળવળ ચલાવી રહેલી મહિલાઓએ નિર્ણયને આવકાર્યો છે

સાઉદી અરેબિયાના સુલતાન સલમાને આદેશ બહાર પાડ્યો છે. જેમાં મહિલાઓને ગાડી ચલાવવવાની મંજૂરી આપવામાં આવી છે.
આ આદેશનો જૂન 2018થી અમલ શરૂ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
સાઉદી પ્રેસ એજન્સીના અહેવાલ પ્રમાણે, સરકારી મંત્રાલયોને ત્રીસ દિવસની અંદર રિપોર્ટ તૈયાર કરવા જણાવવામાં આવ્યું છે.
સાઉદીમાં ડ્રાઇવિંગના અધિકાર માટે ચળવળ ચલાવી રહેલી મહિલાઓએ આ નિર્ણયને આવકાર્યો છે.
તમને આ પણ વાંચવું ગમશે.
- કઈ રીતે મહિલાઓ મલ્ટિનેશનલ કંપની સામે લડી અને જીતી?
- એવી મહિલા જે બેલે ડાન્સ પણ કરે છે અને પ્લેન પણ ઉડાવે છે
વિશ્વમાં માત્ર સાઉદી અરેબિયા જ એવું રાષ્ટ્ર છે, જ્યાં મહિલાઓને વાહન ચલાવવા પર પ્રતિબંધ છે.
વર્તમાન વ્યવસ્થા પ્રમાણે, માત્ર પુરુષોને જ ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવે છે. જે મહિલાઓ જાહેરમાં વાહન ચલાવે છે, તેમની ધરપકડ કરવામાં આવે છે અને તેમને દંડ કરવામાં આવે છે.
આ કાયદાને કારણે ઘણા પરિવારોએ મહિલા પરિવારજનોના પરિવહન માટે ડ્રાઇવર રાખવા પડે છે. વર્ષોથી કાર્યકરો સાઉદી અરેબિયામાં મહિલાઓને ડ્રાઇવિંગનો અધિકાર મળે તે માટે અભિયાન ચલાવી રહ્યા હતા.
કેટલીક મહિલાઓને આ નિયમનો ભંગ કરવા માટે જેલની સજા પણ કરવામાં આવી હતી.
અમેરિકા ખાતે સાઉદી અરેબિયાના રાજદૂત પ્રિન્સ ખાલિદ બિન સલમાને કહ્યું હતું, "ઐતિહાસિક અને મોટો દિવસ છે." તથા "યોગ્ય સમયનો યોગ્ય નિર્ણય છે."
તેમણે ઉમેર્યું હતું કે હવે મહિલાઓએ ડ્રાઇવિંગ શીખવા માટે પુરુષ ગાર્ડિયનની મંજૂરી નહીં લે પડે. તેઓ ઇચ્છશે ત્યાં ડ્રાઇવિંગ કરી શકશે.
શું છે પ્રતિક્રિયા?
ચાલુ વર્ષે સાઉદી કાર્યકર્તા લાઉજૈન અલ-હાથલોઉલે ડ્રાઇવિંગ અંગેના નિયમનું ઉલ્લંઘન કરવા બાદલ ૭૩ દિવસનો કારાવાસ ભોગવ્યો હતો. તેમણે ટ્વિટર પર લખ્યું, "થેન્ક ગોડ."
વુમન-ટુ-ડ્રાઇવના નેજા હેઠળની આ નિયમના વિરુદ્ધમાં ચળવળ કરનાર મનલ અલ-શરીફે ટ્વિટર હેન્ડલ પર લખ્યું, " હવે, સાઉદી અરેબિયા પહેલાં જેવું નહીં રહે".
તેમને પણ ડ્રાઇવિંગના નિયમનું ઉલ્લંઘન કરવા બદલ કારાવાસમાં જવું પડ્યું હતું.
જેદ્દાહમાં બીબીસી સાથે વાતચીતમાં ચળવળકર્તા સહાર નસિફે કહ્યું કે તેઓ 'ખૂબ, ઉત્સાહિત છે. ઉછળી રહ્યાં છે, કૂદી રહ્યાં છે અને હસી રહ્યાં છે.'
તેમણે ઉમેર્યું, "હું હવે મારી એક ડ્રીમ-કાર ખરીદીશ. જે કાળા અને પીળા રંગની કન્વર્ટિબલ મુસ્તાંગ હશે."
સાઉદી સમાજમાં વ્યાપક પરિવર્તન
આદેશનું બીબીસીના સિક્યુરિટી સંવાદદાતાએ વિશ્લેષણ કરતા જણાવ્યું કે સાઉદી અરેબિયાના સમાજ પર આ આદેશની વ્યાપક અસરો થશે. સાઉદી મહિલાઓ શિક્ષિત અને મહત્વકાંક્ષી છે.
આ નિર્ણય માટે તેમણે દાયકાઓ સુધી રાહ જોઈ છે. દેશના અર્થતંત્રમાં સંપૂર્ણપણે પ્રદાન આપવા સજ્જ છે.
એક અંદાજ મુજબ હાલમાં સાઉદી મહિલાઓને લાવવા તથા લઈ જવા માટે આઠ લાખ વિદેશી ડ્રાઇવર કાર્યરત છે.
ધાર્મિક રૂઢિવાદીઓ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા. જેના કારણે આ નિર્ણય લેવામાં વાર લાગી છે. કેટલાકે એવા અભિપ્રાય વ્યક્ત કર્યા હતા, "ડ્રાઇવિંગ કરવા માટે મહિલાઓ ખૂબ જ મંદબુદ્ધિની છે."
સાઉદી સલ્તનના યુવરાજ મોહમ્મદ બિન સલમાન દ્વારા સાઉદી સમાજમાં આધુનિક્તા લાવવા માટે વિઝન 2030 રજૂ કર્યું હતું.
જેનો હેતુ વિશ્વ સાથે તાલ મિલાવવાનો છે. આ આદેશને કાર્યક્રમના એક ભાગ તરીકે જોવામાં આવે છે.
સાઉદી મહિલાઓ પર નિયંત્રણો
સાઉદી કાયદા દ્વારા સુન્ની ઇસ્લામના કડક એવા વહાબી સ્વરૂપનો અમલ કરવામાં આવે છે. જે લિંગ આધારિત ભેદભાવ માટે પ્રચલિત છે.
મહિલાઓનાં કપડાં પહેરવાં પર વ્યાપક નિયંત્રણો છે. તે પરપુરુષ સાથે હળી મળી ન શકે.
જો તેમણે પ્રવાસ કરવો હોય, કામ કરવું હોય કે આરોગ્ય સેવાનો લાભ લેવો હોય તો પુરુષ સંબંધી સાથે હોવો જોઇએ. અન્યથા તેની લેખિત મંજૂરી હોવી જોઇએ.
(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)