ટોચના રિપબ્લિકન નેતાઓએ ટેક્સ સુધારાની રૂપરેખા રજૂ કરી

ડોનાલ્ડ ટ્રમ્પ Image copyright Getty Images

અમેરિકામાં રિપબ્લિકન નેતાઓએ દેશના ઇતિહાસમાં ટેક્સ સુધારા માટે સૌથી મોટી યોજના રજૂ કરી છે.

ટોચના રિપબ્લિકન નેતાઓએ ટેક્સ સુધારાની રૂપરેખા રજૂ કરી છે. આ યોજના અંતર્ગત કૉર્પોરેટ ક્ષેત્ર માટે ટેક્સ દરને 35 ટકાથી ઘટાડીને 20 ટકા કરવા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

ઉપરાંત બીજા કેટલાક પ્રસ્તાવનો સમાવેશ થાય છે. જો કે તે અંગે વધુ વિગતો આપવામાં આવી નથી.

રિપબ્લિકન નેતાઓએ કહ્યું છે કે વ્હાઇટ હાઉસ અને કોંગ્રેસમાં જ્યાં સુધી તેમનું નિયંત્રણ છે, ત્યાં સુધી તેઓ ટેક્સના માળખામાં ફેરફાર કરશે.

ટેક્સાસના પ્રતિનિધિ કેવિન બ્રૈડીએ કહ્યું, "અમે આ ગતિને યથાવત રાખવા તૈયાર છીએ અને કર વ્યવસ્થામાં સુધારા લાવીશું."

ડેમોક્રેટ્સે રિપબ્લિકનના પ્રસ્તાવને ફગાવી દીધો છે. તેમનું કહેવું છે કે તેનાથી મધ્યમવર્ગીય પરિવારો પર ભાર વધશે જ્યારે શ્રીમંતોને મોટી રાહત મળશે.

એક દાયકામાં 2.2 ટ્રિલિયન ડૉલરની છૂટ

Image copyright Getty Images

ડેમોક્રેટ્સનું કહેવુ છે કે ટેક્સના દર ઓછા કરી દેવાથી નુકસાન થશે અને સ્વાસ્થ્ય સેવાઓ તેમજ સામાજિક સુરક્ષા નીતિઓ ખતરામાં પડી શકે છે.

જ્યારે નિષ્પક્ષ થિંક ટેંક કમિટી ફોર અ રિસ્પોન્સિબલ ફેડરલ બજેટે કહ્યું છે કે આ પ્રસ્તાવથી એક દાયકામાં ટેક્સમાં 2.2 ટ્રિલિયન ડૉલરનો ઘટાડો થશે.

ટ્રમ્પ સરકારનું કહેવુ છે કે ટેક્સના માળખામાં ખામીઓને દૂર કરવાથી રાજસ્વમાં થવા વાળા નુકસાનની ભરપાઈ કરી શકાશે. જો કે રિપબ્લિકન યોજનામાં એ વાત સ્પષ્ટ નથી કે કઈ સુવિધાઓ આપવાની બંધ કરી દેવાશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે વેપારીઓ માટે ટેક્સના દરમાં ઘટાડાથી આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન મળશે. તેનાથી જ ટેક્સમાં ઘટાડાની ભરપાઈ કરી શકાશે.

પરંતુ અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ટેક્સ દરમાં ઘટાડો કરવાથી આર્થિક વૃદ્ધિ થશે તે માનવું અઘરું છે.

અર્થશાસ્ત્રી આ યોજનાથી અમેરિકા પર નાણાંકીય નુકસાન વધવાની પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે. આ નુકસાન અત્યારે 20 ટ્રિલિયન ડૉલરને પાર કરી ચૂક્યું છે.

કમેટી ફોર અ રિસ્પોન્સિબલ ફેડરલ બજેટે કહ્યું છે, "એ સ્પષ્ટ છે કે અત્યારે આ ટેક્સ સુધારાને નાણાકીય સુધારા તરીકે જવાબદાર બનાવવા માટે ઘણું કામ કરવું બાકી છે."

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)