ગાંધીજીના અહિંસા આંદોલનથી ઉત્તર કોરિયાની આઝાદીની લડતને મદદ મળી હતી!

કિમ અલ સંગ સાથે સેના Image copyright Getty Images
ફોટો લાઈન ઉત્તર કોરિયાના સ્થાપક કિમ અલ સંગ (જમણી બાજુ)

ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે મિસાઈલનો વિવાદ ચાલી રહ્યો છે. તેવામાં ઉત્તર કોરિયા એટલે કે DPRK (ડેમોક્રેટિક પિપલ્સ રિપબ્લિક ઑફ કોરિયા)ને એક સરમુખત્યારના દેશ તરીકે જોવાઈ રહ્યો છે.

પરંતુ ઉત્તર કોરિયાના સ્થાપક કિમ અલ સુંગ માનતા હતા કે મહાત્મા ગાંધીના અહિંસા આંદોલનથી કોરિયાના સ્વાધિનતા સંગ્રામને મદદ મળી હતી.

કિમ અલ સુંગે તેમનાં પુસ્તક ‘વિથ ધ સેન્ચ્યુરી’માં લખ્યું છે, "મને એ વાતનું આશ્ચર્ય થયું કે કોરિયાનાં એક પહાડી ગામમાં ગાંધીની પૂજા કરવાનારા એક વૃદ્ધ અનુયાયી પણ છે."

તમને આ વિગતો પણ ગમશેઃ

તેમણે લખ્યું કે, "મને લાગે છે કે તેને કોઈએ કોરિયાઈ છાપામાં છપાયેલા ગાંધીના પત્રને દેખાડ્યો હતો. એ પછી તે અહિંસાથી સ્વતંત્રતા મેળવવાની વાતને લોકો સુધી પહોંચાડી રહ્યો છે."


ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતથી ફાયદો થયો

Image copyright Getty Images
ફોટો લાઈન કોરિયાઈ સ્વાધિનતા સંગ્રામ ગાંધીના વિચારોથી પ્રભાવિત હતો.

પુસ્તકમાં વધુ લખવામાં આવ્યું છે, "જિલિનમાં વિતાવેલા એ દિવસો દરમિયાન ગાંધીનો પત્ર વાંચીને મેં પાર્ક સો સિમમાં અહિંસાના સિદ્ધાંતની ટીકા કરી હતી.

જિલિનમાં રહેતા કોઈ કોરિયાઈ યુવાને ગાંધીની વિચારધારાનો સ્વીકાર કર્યો ન હતો."

તેમણે લખ્યું, "કોઈ એટલું મૂર્ખ નહોતું કે એ વાતની કલ્પના કરે કે જાપાનીઓ અહિંસાના રસ્તા પર ચાલવાથી અમને ચાંદીની પ્લેટમાં સ્વતંત્રતા આપી દેશે."

તેમણે વધુમાં જણાવ્યું, "પરંતુ આ વિચારધારાથી એટલો ફાયદો ચોકક્સ થયો કે હિંસક આંદોલન અને સ્વાધિનતા સંગ્રામ છોડી ચૂકેલા કેટલાક રાષ્ટ્રવાદી નેતાઓ પાસેથી અમને સહાનુભૂતિ અને સમર્થન મળ્યું હતું."

નાલંદા યુનિવર્સિટીના ડીન પ્રોફેસર પંકજ મોહન પણ આ વિશે કહે છે, "કોરિયાઈ સ્વાધિનતા સંગ્રામ ગાંધીના વિચારોથી પ્રભાવિત હતો. ગાંધીની જેમ તેમણે પણ અસહયોગ અને સ્વદેશી આંદોલનની શરૂઆત કરી હતી.”

તેમણે વધુમાં કહ્યું, “આ આંદોલનના નેતા ચો મન સિકને કોરિયાના ગાંધી કહેવામાં આવે છે. સિક ગાંધીના વિચારોથી પ્રભાવિત હતા."


કોરિયાના વિભાજન બાદ...

Image copyright Hulton Archive
ફોટો લાઈન ડીપીઆરકેના સંસ્થાપક કિમ અલ સંગ

પ્રોફેસર પંકજ મોહન જણાવે છે, "એક કોરિયાઈ સમાચારપત્રના સંપાદક કિમ સંગ સૂએ ગાંધીને પત્ર લખી કોરિયાઈ લોકોને સંદેશ આપવા કહ્યું હતું.

જેના જવાબમાં ગાંધીએ એક લાઈનમાં લખ્યું હતું, હું બસ એ કહી શકું છું કે હું આશા રાખું છું કોરિયા અહિંસાના રસ્તે ચાલીને સ્વતંત્રતા પ્રાપ્ત કરશે."

આ પત્ર કોરિયાઈ સમાચારપત્ર ડોંગા-ઈલ્બોમાં છપાયો હતો. કોરિયાના ગાંધી ચો મન સિકનો જન્મ દક્ષિણી પ્યોંગયાંગમાં થયો હતો, જે આજે ઉત્તર કોરિયાની રાજધાની છે.

બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હાર બાદ કોરિયાને બે ભાગમાં વિભાજીત કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી.

એ નક્કી થયું કે કોરિયાના દક્ષિણી વિસ્તારમાં અમેરિકાનું રાજ રહેશે.

તો બીજી તરફ ઉત્તર કોરિયાની સત્તા સોવિયત સંઘના હાથમાં જશે.


કોરિયાઈ યુદ્ધ

Image copyright korea.Net
ફોટો લાઈન કોરિયાના ગાંધી તરીકે ઓળખાતા ચો મન સિક

પરંતુ શીત યુદ્ધ બાદ બદલાયેલા શક્તિ સંતુલનના પગલે અમેરિકાએ વર્ષ 1947ના સપ્ટેમ્બર મહિનામાં કોરિયા પર શાસનના મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પહોંચાડ્યો હતો.

વર્ષ 1948માં યુએનની સામાન્ય સભાએ કોરિયાઈ ગણતંત્રને માન્યતા આપી દીધી હતી.

ત્યારબાદ વર્ષ 1950માં થયેલું ઈતિહાસના સૌથી ભયાનક યુદ્ધોમાંથી એક મનાતું કોરિયાઈ યુદ્ધ કોરિયાના વિભાજન સાથે સમાપ્ત થયું હતું.

વિભાજન બાદ પણ દક્ષિણ કોરિયામાં ગાંધીનું મહત્વ જળવાઈ રહ્યું હતું. પછી એવું શું થયું કે ઉત્તર કોરિયામાં ગાંધીનું મહત્વ ધીરે ધીરે ઓછું થઈ ગયું?

પ્રોફેસર પંકજ મોહન આ મુદ્દે પ્રકાશ પાડતા કહે છે, "વિભાજન બાદ ઉત્તર કોરિયામાં ડાબેરી વિચારધારાનો વિકાસ થયો, તો દક્ષિણ કોરિયામાં લોકતાંત્રિક વિચારધારાએ સ્થાન લીધું હતું."

"તેવામાં ઉત્તર કોરિયાની વિચારધારાથી ગાંધીના વિચાર અલગ પડી ગયા અને ગાંધીનું મહત્વ ઓછું થતું ગયું."


કોરિયાઈ પ્રાયદ્વીપમાં હતું ગાંધીનું મહત્વ

Image copyright AFP/Getty Images
ફોટો લાઈન પ્યોંગયાંગના ગાંધીવાદી નેતા ચો મન સિક અહિંસાના સિદ્ધાંતના આધારે જાપાન વિરૂદ્ધ આંદોલન ચલાવી રહ્યા હતા, પરંતુ હવે પ્યોંગયાંગને દુનિયામાં સરમુખત્યારશાહીનું પ્રતિક માનવામાં આવે છે

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી(જેએનયુ)માં કોરિયાઈ વિભાગનાં પ્રોફેસર વૈજયંતિ રાઘવન માને છે, "1926ના જમાનામાં એ સંભવ છે કે કિમ અલ સંગ ગાંધીના વિચારો સાથે સંમત ન હોય."

"કેમ કે તે જમાનામાં તેમને સોવિયત સંઘની રેડ આર્મી દ્વારા ગોરિલ્લા વૉર ફેર માટે પ્રશિક્ષિત કરવામાં આવી રહ્યા હતા."

"પરંતુ દેશની વાત કરવામાં આવે તો એવું નથી. કારણ કે ત્યાં ગાંધીજીનું દુનિયાભરમાં સન્માન થઈ રહ્યું હતું એટલે કોરિયાઈ પ્રાયદ્વીપમાં પણ ગાંધીજીનું સન્માન કરવામાં આવતું હતું."

ઉત્તર કોરિયાના મહાત્મા ગાંધી સાથે સંબંધ વિશે કહેવાય છે કે પ્યોંગયાંગના ગાંધીવાદી નેતા ચો મન સિક અહિંસાના સિદ્ધાંતના આધારે જાપાન વિરૂદ્ધ આંદોલન ચલાવી રહ્યા હતા.

પરંતુ હવે પ્યોંગયાંગને દુનિયામાં સરમુખત્યારશાહીનું પ્રતિક માનવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ