સ્પેનના કૈટલોનિયામાં જનમત માંગનારા અને પોલીસ વચ્ચે સંઘર્ષ

ખુશ થયેલી મહિલા Image copyright Getty Images

કૈટલોનિયામાં આઝાદી માટે જનમત માંગનારાઓ તથા પોલીસની વચ્ચે હિંસક અથડામણો થઈ હતી. જેમાં લગભગ આઠસો લોકો ઘાયલ થયા હતા.

હજારો લોકો જનમત સંગ્રહમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. ત્યારે પોલીસ સાથે સંઘર્ષ થયો હતો.

આ પહેલા પોલીસે સ્થાનિક તંત્રનું ટેલિકમ્યુનિકૅશન સેન્ટર કબજામાં લીધું.

બંધારણીય બેન્ચના આદેશ બાદ પોલીસને કબજામાં લેવાયેલી શાળાઓને ખાલી કરાવવાનો આદેશ અપાયો હતો.

Image copyright AFP/Getty Images

કૈટલોનિયામાં પોલીસને કોઈ પણ ઇમારતનો ઉપયોગ મતદાન માટે ન થવા દેવાના આદેશ અપાયા હતા.

જેના કારણે મતદાન કરવા પહોંચનારા લોકો તથા પોલીસ વચ્ચે સંઘર્ષ થયો હતો.

પોલીસે દેખાવકારોને વિખેરવા માટે લાઠીચાર્જ તથા રબર બુલેટનો પ્રયોગ કર્યો હતો.

કૈટલોનિયાની સરકારે જનમત સંગ્રહ માટે 2000થી વધારે મતદાન કેન્દ્ર ઊભા કર્યા હતા.

કોર્પોરેશનનું કહેવું છે કે તેઓ માત્ર બંધારણીય બેન્ચના આદેશોનું પાલન કરી રહ્યા છે.

સ્પેનના કૈટલોનિયામાં જનમત સંગ્રહને લઈને શનિવારે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે જનમત સંગ્રહના સમર્થનમાં દેખાવો કર્યા હતા.

પ્રાંતિય રાષ્ટ્રપતિ કાર્લ્સ પુજિમૉન્ટે જનમત સંગ્રહનો કાયદો પાસ કરી દીધો છે. જો કે સ્પેનની સરકાર દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે.

કૈટલોનિયાના રાષ્ટ્રપતિએ ભીડને સંબોધિત કરતા કહ્યું કે તેમને વિશ્વાસ છે કે કૈટલોનિયા સ્વતંત્ર રાષ્ટ્ર બનવા માટે પહેલુ પગલું ચોક્કસથી ભરશે.

Image copyright Getty Images
ફોટો લાઈન બાર્સેલોનામાં શુક્રવારે લોકો ઝંડા લઈને રેલી કરતા જોવા મળ્યા હતા.

સ્પેનની કેન્દ્ર સરકારે આ જનમત સંગ્રહને ગેરકાયદેસર ગણાવી તેને અટકાવવા તૈયારીઓ કરી હતી. સ્પેનની સરકારે જનમત સંગ્રહ દરમિયાન સ્થાનિક પોલીસ વ્યવસ્થાને પોતાના હાથમાં લઈ લીધી.

દરમિયાન ગુગલે જનમત સંગ્રહ માટે બનાવાયેલી એક એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી હટાવી દીધી.

જે લોકો એપ્લીકેશન ડાઉનલોડ કરવા પ્રયાસ કરી રહ્યા છે તેમને મેસેજ મળે છે કે આ એપ્લીકેશન વિસ્તારમાં ઉપલબ્ધ નથી. જો કે જે લોકો પાસે પહેલેથી આ એપ્લીકેશન છે તેઓ તેને વાપરી શકે છે.

શુક્રવારે કૈટલોનિયાના રાષ્ટ્રપતિએ સ્પીચમાં કહ્યું હતું, "મિત્રો, રવિવારે આપણી જીત નક્કી છે. રવિવારે જનમત સંગ્રહના રંગમાં રંગાઈને આવો અને તમારા ઘરને પણ નવા બદલાવ માટે તૈયાર રાખજો."

વક્તવ્ય બાદ રાષ્ટ્રપતિ પોતાના પ્રણેતા અર્તુર માસ સાથે બાર્સેલોનાની રેલીમાં પહોંચ્યા હતા કે જ્યાં મોટુ સ્ટેજ સજાવવામાં આવ્યું હતું. અને લખવામાં આવ્યું હતું કે 'જનમત સંગ્રહ લોકતંત્ર છે.'

Image copyright PAU BARRENA/AFP/Getty Images
ફોટો લાઈન બાર્સેલોનામાં મોટી સંખ્યામાં ટ્રેક્ટર લાવી મતદાન કેન્દ્ર નજીક સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો

શુક્રવારે બાર્સેલોનામાં મોટી સંખ્યામાં ટ્રેક્ટર લાવવામાં આવ્યા હતા અને મતદાન કેન્દ્ર નજીક સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો.

કાર્યકર્તાઓ બેનર હવામાં ન ઉડાવી શકે તે માટે બાર્સેલોનામાંનાના એરક્રાફ્ટ અને હોલિકોપ્ટર ઉડાવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

એ વાત મહત્વની છે કે ઘણા તણાવ છતાં વિસ્તારમાં શાંતિ છે.

પુઈગડેમોન્ટે કહ્યું, "મને નથી લાગતું કે લોકો પોતાની માગ પુરી કરવા હિંસાને હથિયાર બનાવશે કે પછી લોકોની ઉશ્કેરણી કરશે. કેમ કે તેનાથી કૈટલોનિયાના સ્વતંત્રતા અભિયાનની છબી ખરાબ થશે."


સ્પેન અને કૈટલોનિયા વિશે જાણીએતો,

  • સ્પેનની 16% વસતિ કૈટલોનિયામાં રહે છે.
  • સ્પેનમાં 25.6% માલ સામાનની નિકાસ કૈટલોનિયાથી થાય છે.
  • સ્પેનના 19% GDPનું ઉત્પાદન કૈટલોનિયામાં થાય છે.
  • સ્પેનનું 20.7% વિદેશી રોકાણ કૈટલોનિયામાં જાય છે.

કૈટલોનિયાની સ્વાયત્તતાનો ઇતિહાસ

Image copyright David Ramos/Getty Images
ફોટો લાઈન સ્પેનની સરકારનું કહેવું છે કે કૈટલોનિયાને પહેલેથી સ્વાયત્ત શાસન મળેલું છે.

કૈટલોનિયા ઉત્તર-પૂર્વ સ્પેનમાં 75 લાખની આબાદી ધરાવતું ક્ષેત્ર છે. અહીં લોકો પોતાની અલગ ભાષા બોલે છે અને પોતાની સંસ્કૃતિ ધરાવે છે. પણ સ્પેનના બંધારણ હેઠળ આ વિસ્તારને અલગ દેશ નથી માનવામાં આવતો.

કૈટલોનિયા સ્પેનના સૌથી સંપન્ન પ્રદેશોમાંથી એક છે. એક હજાર વર્ષ જૂનો તેનો ઇતિહાસ છે.

1939થી 1975 વચ્ચે જનરલ ફ્રાંસિસ્કો ફ્રેંકોના નેતૃત્વમાં કૈટલોનિયાની સ્વાયત્તતા રદ કરાઈ હતી. જેમના મૃત્યુ બાદ રાષ્ટ્રવાદને ફરી હવા મળી.

1978ના સંવિધાન પ્રમાણે ફરી સ્વાયત્તતા અપાઈ. 2006ના અધિનિયમ પ્રમાણે વધારે તાકાત આ પ્રદેશને મળી. ત્યારથી તેને એક અલગ રાષ્ટ્રના રૂપમાં જોવામાં આવ્યું.

પરંતુ 2010માં સ્પેનની સંવૈધાનિક કોર્ટે બધી જ તાકાત પાછી લઈ લીધી. ત્યારથી સ્થાનિક તંત્ર નારાજ છે અને ધીમે ધીમે લોકોનો ગુસ્સો પણ વધતો ગયો.

નવેમ્બર 2014માં પણ એક ગેરકાયદેસર રીતે મતદાનનું આયોજન કરાયું હતું. જેમાં 80% લોકો આઝાદીના પક્ષમાં હોવાનું બહાર આયું હતું. જેમાં જોકે 54 લાખ યોગ્ય મતદાતાઓમાંથી 20 લાખ સામેલ થયા હતા.

2015ની ચૂંટણીમાં અલગાવવાદીઓને જીત મળતા તેઓએ આ જનમત સંગ્રહ કરાવવાનો વાયદો કર્યો હતો.

કૈટલન સંસદે 6 સપ્ટેમ્બરે મતદાનથી એક કાયદો બનાવ્યો. બૈલેટ પેપર પર એક જ સવાલ છે: શું આપ ગણતંત્રના રૂપમાં કૈટલોનિયાને સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવા માંગો છો?

આ વિવાદિત કાયદા મુજબ જેવા પરિણામ આવે, તેના 2 દિવસ બાદ સ્વતંત્ર દેશની ઘોષણા કરવી પડશે.


મેડ્રિડ શા માટે વ્યક્ત કરે છે વિરોધ ?

Image copyright Getty Images
ફોટો લાઈન શુક્રવારે યોજાયેલી રેલીમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો.

સ્પેનના પ્રધાનમંત્રીએ મતદાન રોકવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે બંધારણના આધારે જનમત સંગ્રહ માત્ર એ જ મુદ્દાઓ પર કરી શકાય છે જે કેન્દ્રીય સરકાર દ્વારા પાસ કરવામાં આવ્યા હોય.

સ્પેનની સરકારનું કહેવું છે કે કૈટલોનિયાને પહેલેથી સ્વાયત્ત શાસન મળેલું છે. આ જ સ્વાયત્ત શાસન બાસ્ક કંટ્રી અને ગેલિશિયામાં પણ આપવામાં આવેલું છે.

સ્પેનની સરકારના પ્રવક્તા કહે છે કે કૈટલોનિયાની સરકાર જીદ્દી બની રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો