લાસ વેગાસના માંડલૅ કસીનોમાંથી મ્યુઝિક કૉન્સર્ટ પર ગોળીબાર

ડરી ગયેલા યુવક યુવતીની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન ગોળીબારને કારણે કાર્યક્રમમાં આવેલા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

અમેરિકાના લાસ વેગાસની માંડલૅ કસીનોમાંથી હાર્વૅસ્ટ 91 કંટ્રી મ્યુઝિકલ ફેસ્ટિવલ પર ગોળીબાર થયો હતો.

જેમાં ઓછામાં ઓછાં 59 મોત થયાં છે. જ્યારે 500થી વધુ લોકો ઘાયલ થયાં છે.

64 વર્ષીય સ્ટિફન પેડોકે માંડલૅ હોટલના 32મા માળેથી ઓપન-એર મ્યુઝિક ફેસ્ટિવલ પર ફાયરિંગ કર્યું હતું.

પોલીસની વળતી કાર્યવાહીમાં આધેડ 'ઠાર મરાયો' હતો. પોલીસને તેની હોટલમાંથી દસ બંદૂકો મળી આવી હતી.

અમેરિકાના તાજેતરના ઇતિહાસમાં આ સૌથી વધુ ખુંવારી કરનારો ગોળીબાર છે.

કથિત રીતે ઇસ્લામિક સ્ટેટે હુમલાની જવાબદારી સ્વીકારી છે.

પોલીસે સહ-આરોપી મહિલા મેરિલૂ ડેનલીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

Image copyright Getty Images
ફોટો લાઈન લાસ વેગાસ ગોળીબાર દરમિયાન વૃદ્ધને બચાવવા માટે પ્રયાસરત યુવતી

સ્થાનિક સમય પ્રમાણે, આરોપી સ્ટિફને રાત્રે 1030 કલાકે (જી.એમ.ટી. 5.30 કલાક) ગોળીબાર કર્યો હતો.

હુમલા સમયે લગભગ 22 હજાર લોકો કૉન્સર્ટમાં હાજર હતા.

હુમલા બાદ લાસ વેગાસની ઘણી હોટલ્સ પોલીસે બંધ કરાવી દીધી હતી.

નાગરિકોએ હોટલ્સ, રેસ્ટોરાં તથા મેકકરાન એરપોર્ટમાં આશરો લીધો હતો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગોળીબાર અંગે શોક પ્રગટ કર્યો છે. તેમણે હુમલાને 'ભયજનક' ગણાવ્યો.

ટ્વિટર પર ટ્રમ્પે લખ્યું કે પીડિતો તથા તેમના પરિવારજનો પ્રત્યે 'શોક અને સહાનુભૂતિ.'

મેં જિંદગી જીવી લીધી

Image copyright Getty Images
ફોટો લાઈન લાસ વેગાસમાં મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓને ઉતારવામાં આવ્યા

કૉન્સર્ટ સાંભળવા પહોંચેલા માઇક મેકગેરીએ રૉયટર્સને તેમની વાત કહી.

તેમણે કહ્યું ગોળીબાર સંભળાતા જ તેમણે સંતાનોને પોતાની નીચે ઢાંકી દીધા.

મેકગેરીએ કહ્યું, "તેઓ 20 વર્ષના છે, હું 53 વર્ષનો છું, મેં મારી જિંદગી જીવી લીધી છે." તેઓ બચી ગયા હતા.

ગાયક જેસન અલડિયનના કહેવા પ્રમાણે, તેઓ સલામત છે. પરંતુ બનાવથી દુઃખી છે.

Image copyright Getty Images
ફોટો લાઈન મ્યુઝિક ફેસ્ટિવલમાં ગોળીબારથી લોકોમાં નાસભાગ મચી

પોલીસને ટાંકતા શહેરના શેરિફના કહેવા પ્રમાણે હુમલાખોર 'લોન વુલ્ફ' હોય શકે છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે હુમલાખોરે સેંકડો ગોળીઓ છોડવામાં આવી હતી.

શેરિફે ઉમેર્યું હતું કે પોલીસ મેરીલૂ ડેનલી નામની એશિયન મહિલાને શોધી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો