માનવતા શરમાઈ : ઘાયલોની વસ્તુઓ ચોરાઈ, મહિલાઓની છેડતી થઈ

મુંબઈ એલ્ફિન્સ્ટન રેલવે સ્ટેશન હોનારત Image copyright Getty Images

મુંબઇના એલફિન્સ્ટન રેલવે સ્ટેશન પર થયેલી દુર્ઘટનામાં માણસાઈ શરમાઈ જાય તેવા કેટલાં વિડિયો સોશિઅલ મીડિયા પર વાઇરલ થયા છે.

નાસભાગ થઈ ત્યારે લેવાયેલા આ વિડિયોઝમાં લોકો ભોગ બનેલાંઓની મદદ કરવાને બદલે તેમના પર્સ અને બેગ્સ લૂંટતા જોવા મળ્યાં.

કેટલાંક વિડિયોમાં ઘાયલ મહિલાઓને બચાવવાને બદલે તેમની સાથે બિભત્સ વર્તનનાં દ્રશ્યો પણ કેદ થયાં છે.

એક વીડિયોમાં એક પુરુષ ઘાયલ થયેલી એક મહિલાની છેડતી કરતો જોવા મળે છે. લાશોની નીચે દબાયેલી મહિલા મદદનો પોકાર કરી રહી હતી, પણ એ પુરુષ તેને બચાવવાને બદલે તેની સાથે અશ્લીલ કૃત્ય કરી રહ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે પુલનાં પગથિયાંના કિનારે દબાયેલી મહિલા અંતિમ શ્વાસ ગણી રહી હતી અને થોડી વાર પછી તેનું મોત થયું હતું.

એલફિન્સ્ટન દુર્ધટનાના બીજા એક વીડિયોમાં ઘાયલોના પર્સ તથા ઘરેણાં ચોરવામાં આવ્યાની ઘટના બહાર આવી છે.

તમને આ વાંચવું પણ ગમશે

સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા એ વીડિયોમાં લોકો ઘાયલોને મદદ કરવાને બહાને તેમનો સામાન ચોરતા નજરે પડે છે.

આ ઘટનાના સાક્ષી ધનંજય સાહનીએ પણ ઘાયલોના સામાનની ચોરીની શંકા વ્યક્ત કરી હતી. બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે એ સમયે સ્થિતિ ભયાનક હતી. કોણ, શું કરી રહ્યું છે તેના પર કોઈનું ધ્યાન ન હતું.

તેમણે કહ્યું હતું કે “લોકોને બેગો અને પર્સ ફેંકતા મેં જોયા હતા. ફેંકવામાં આવતાં બેગ-પર્સને કોણ લઇ રહ્યું છે એના પર મારું ધ્યાન ન હતું. મારી નજર માર્યા ગયેલા લોકો પર જ હતી.”

Image copyright Getty Images

તેમણે ઉમેર્યું, “બેગો અને પર્સને નીચે તથા બાજુમાં ફેંકવામાં આવી રહ્યાં હતાં. એ સામાનનું શું થઈ રહ્યું છે તેના પર કોઈનું ધ્યાન નહોતું.”

રેલવે પોલીસ કમિશનર નિકેત કૌશિકે બીબીસીને જણાવ્યું હતું કે ઘટનાના સંબંધિત વીડિયો વિશે સ્થાનિક પોલીસ ચોકીને માહિતી આપવામાં આવી છે અને કાર્યવાહી કરવા પણ જણાવવામાં આવ્યું છે.


'તપાસ ચાલુ છે'

બીજી તરફ દાદર પોલીસે આ માહિતીને આધારે ગુનો નોંધ્યો છે. પોલીસ સબ-ઈન્સ્પેક્ટર કદમે બીબીસીને જણાવ્યું હતું કે વીડિયોને આધારે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની તપાસ ચાલી રહી છે.

તેમણે કહ્યું હતું કે ''અમે વીડિયોની સચ્ચાઈની તપાસ કરી રહ્યા છીએ. વીડિયોના સ્રોત બાબતે માહિતી મેળવવામાં આવી રહી છે. એ સમયે ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોને પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.''

સબ-ઇન્સ્પેક્ટર કદમે જણાવ્યું હતું કે શું સાચું છે અને શું ખોટું છે એ અત્યારે કહેવું મુશ્કેલ છે. તપાસ પુરી થયા બાદ જ સ્થિતી સ્પષ્ટ થશે.

Image copyright Getty Images

એલફિન્સ્ટન અને પરેલ સ્ટેશનને જોડતા પુલ પર ગયા શુક્રવારે થયેલી નાસભાગમાં 22 લોકોનાં મોત થયાં હતાં.

એ દુર્ઘટનામાં ત્રીસેક લોકો ઘાયલ થયા હતા. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ