પાકિસ્તાનના સિંધમાં હિંદુઓ શા માટે શીખ ધર્મ અંગીકાર કરી રહ્યા છે ?

કૃષ્ણસિંહ
ફોટો લાઈન કૃષ્ણસિંહ અને તેમના કેટલાંક પરિવારજનોએ શીખ ધર્મ અંગીકાર કર્યો છે

ગુરૂ ગ્રંથ સાહિબની પાલખી સામે કૃષ્ણ સિંહ ભાવપૂર્વક કરતાલ વગાડી રહ્યા છે અને તેમને ઢોલકની થાપનો સાથ પણ મળી રહ્યો છે. તેમની સાથે લગભગ દસ-બાર લોકો 'સતનામ વાહે ગુરૂ' ગાઈ રહ્યા છે.

કાળી પાઘડીમાં દેખાઈ રહેલા પહેલાં કૃષ્ણ સિંહ શ્રી રામના ભક્ત હતા પરંતુ થોડાં સમય અગાઉ તેમણે શીખ ધર્મ અંગીકાર કર્યો છે.

કરાચીના નજીક આવેલા તેમના ગામની વસતિ પહેલા હિન્દુ ધર્મ પાળતી હતી પરંતુ હવે અહીં લગભગ 40 શીખ પરિવાર રહે છે. આ પરિવારોએ પણ કૃષ્ણ સિંહની જેમ જ હિંદુ ધર્મ છોડી શીખ ધર્મ અંગીકાર કર્યો છે.

તેમાંથી મોટાભાગના લોકો 'બાગડી' સમુદાયના છે. આ સમુદાયને તરબૂચની ખેતીમાં પારંગત માનવામાં આવે છે, પરંતુ સિંચાઈના પાણીની અછતના કારણે આ લોકો સમયાંતરે શહેર તરફ આગળ વધતા રહ્યા.

કૃષ્ણ સિંહના ચાર ભાઈ, બે પુત્ર અને બે ભત્રીજાઓએ પણ શીખ ધર્મ અંગીકાર કરી લીધો છે. તેઓ કહે છે કે, શીખોને 'સરદાર' કહેવમાં આવે છે, જ્યારે હિંદુઓમાં અમને સાધારણ લોકો ગણવામાં આવતા હતા.


'સરદાર, અમારી સાથે બેસીને જમો'

ફોટો લાઈન પાકિસ્તાનમાં હવે વધુ ગુરૂદ્વારાઓ બની રહ્યા છે

કૃષ્ણ સિંહ કહે છે. 'જ્યારે અમે શહેરમાં નીકળીએ ત્યારે ઘણાં લોકો લસ્સીનો ગ્લાસ લઈને સામે આવે છે અને કહે છે કે ખાઈ લો સરદાર, અમારી સાથે બેસો' અને ખૂબ પ્રેમથી વાત કરે છે. આ જ કારણોસર અમે શીખ બન્યા.'

આ હિંદુ ગામમાં એક મોટું ગુરૂદ્વારા બની રહ્યું છે, જેના માટે પાકિસ્તાનના અને વિદેશના શીખ સમુદાય તરફથી આર્થિક મદદ મળી રહી છે.

ગરૂદ્વારામાં પાંચસો લોકો બેસી શકે તેટલી જગ્યા છે, જો કે ગામમાં બે નાનાં મંદિર પણ છે.

દુરૂ સિંહ આ ગુરૂદ્વારાના સંરક્ષક છે. તેઓ કહે છે, 'હિન્દુ સમુદાયના લોકો બહોળા પ્રમાણમાં નનકાના સાહિત જતા હોય છે તેમજ લંડન, ફ્રાંસ, અમેરિકા અને અન્ય દેશોથી આવનારાં શીખ સમુદાય તરફથી જે સાથ અને પ્રેમ મળતો રહે છે તેના કારણે લોકો શીખ ધર્મ અંગીકાર કરી લે છે.'

Image copyright Getty Images
ફોટો લાઈન કરાચીમાં આવેલા આરામબાગ ગુરૂદ્વારાને 24 વર્ષ લાંબી કાનૂની લડાઈ બાદ ફરી ખોલવામાં આવ્યું છે.

ભૂતકાળમાં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિ પર આસપાસના લોકો પથ્થરમારો કરતા રહેતા, એકવાર મૂર્તિઓનું અપમાન પણ થયું છે, પરંતુ હવે આવું નથી થતું.

દુરૂ સિંહના મતે આ પરિવર્તન ગુરૂદ્વારાના અસરના કારણે છે. ગત દિવસોમાં ગુરૂ ગોવિંદ સિંહની વર્ષીના અવસરે શીખ સમુદાયની સુરક્ષા માટે ચાર પોલીસ અને બે રેન્જર ફાળવવામાં આવ્યા હતા.

કરાચી શહેરના મધ્યમાં આવેલા આરામબાગ ગુરૂદ્વારાને 24 વર્ષ લાંબી કાનૂની લડાઈ બાદ ફરી ખોલવામાં આવ્યું છે.

પાકિસ્તાનના અસ્તિત્વ પહેલાં કરાચી શહેરમાં છ ગુરૂદ્વારા હતા, પરંતુ વિભાજન પછી શીખો મોટા પ્રમાણમાં ભારતમાં સ્થળાંતરિત થવાના કારણે આ ગુરૂદ્વારાઓ વેરાન બન્યા હતા, બાદમાં કેટલાંક લોકોએ તેના પર કબજો કરી લીધો હતો, પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે.

કેટલાંક શીખ નેતાઓનું માનવું છે કે જો જૂનાં ગુરૂદ્વારા ખોલી ફરી દેવામાં આવે અને ધાર્મિક સ્વતંત્રતાનું વાતાવરણ હોય તો શીખોની સંખ્યા ઝડપથી વધશે.


'હિન્દુઓ ગ્લાસમાં પાણી પણ નહોતા આપતા'

ફોટો લાઈન સરદાર હીરસિંહ લોકોને શીખ ધર્મ વિશે સમજ આપે છે

સરદાર હીરા સિંહ વ્યવસાયે વકીલ છે. તેમનો દાવો છે કે અગિયારસો લોકો તેમના માધ્યમથી શીખ ધર્મ અંગીકાર કરી ચૂક્યા છે.

તેમણે કહ્યું, 'હું તેમને ગુરૂદ્વારામાં બોલાવી ગુરૂ ગ્રંથ સાહિબનો અનુવાદ વાંચીને સંભળાવુ છું. ગુરૂ સાહિબે ક્યા-ક્યા આદેશો આપ્યા છે તેની વાત પણ કરુ છું. ગુરૂની કોઈ સાચી વાત તેમના હૃદયને સ્પર્શી જાય તો તેઓ સ્વીકારે છે કે આ વાત સાચી છે."

ૅઆવી રીતે અહીં અગિયારસો લોકો શીખ બન્યા છે. તેઓ ગરીબ હતા, જેમને કોઈ મહત્વ પણ નહોતું આપતું. હિંદુભાઈઓ તેમને ગ્લાસમાં પાણી પણ નહોતા આપતા.'

સિઁધ પ્રાંતમાં હિન્દુ સમુદાયની મોટી વસતિ ગુરૂ નાનકની અનુનાયી છે. અહીં તેમને નાનકપંથી કહેવામાં આવે છે.

અહીંના મંદિરોમાં સામા ન્ય રીતે ગુરુગ્રંથ સાહિબ રાખવામાં આવે છે પરંતુ હવે શીખ લોકો તેમનું અલગ ગુરૂદ્વારા બનાવી રહ્યા છે, જ્યાં અન્ય કોઈ પૂજા નથી કરવામાં આવતી.

સરદાર હીરા સિંહ કહે છે, "ગુરૂ નાનક કહે છે કે મૂર્તિ પૂજા ન કરો, તેઓ ગુરૂની વાત નથી સાંભળતા. આ વાત તેમની શિક્ષાથી વિપરિત છે તો અમને તેમનો સ્વીકાર શા માટે કરીએ ? "


'શીખો વધુ સ્વીકૃત છે'

Image copyright Getty Images
ફોટો લાઈન કેટલાંક લોકોના મતે આ ધર્મપરિવર્તનનું કારણ રાજકીય પણ છે

પાકિસ્તાન હિન્દુ કાઉન્સિલના નેતા મંગલા શર્માના મતે લોકોના ધર્માંતરણ પાછળ રાજકીય કારણો પણ છે.

તેમનું કહેવું છે કે 20થી 25 વર્ષ પહેલાં અહીં શીખ લોકોની વસતિ જૂજ હતી. નેશનલ એસેમ્બલીમાં લઘુમતીની બેઠકોમાં શીખ સમુદાય માટે એક પણ બેઠક નહોતી.

મંગલા શર્મા કહે છે, "વર્ષ 2000 બાદ કેટલાંક રાજકીય લોકોએ ધર્મ પરિવર્તનના મુદ્દા પર લક્ષ્ય સેવ્યું હતું. આ હિંદુ સમુદાય આર્થિકરૂપે નબળાં હતા, જ્યારે તેમણે શીખ ધર્મ અપનાવ્યો ત્યારે તેનો રાજકીય લાભ પણ મેળવવામાં આવ્યો."

મંગળા શર્માનું કહેવું છે,"પાકિસ્તાની હિન્દુઓને વૈશ્વિક સમર્થન કે સહાયતા નથી મળતી. તેઓ ભારત પાસેથી આર્થિક મદદ નથી મેળવવા માગતા કારણ કે પાકિસ્તાન સાથે ભારતના ઘણાં વિવાદો છે. તેનાથી વિપરિત વૈશ્વિક સમુદાયમાં શીખોને સ્વીકૃતિ વધારે છે. તેઓ આર્થિકરૂપે મજબૂત છે અને તેમનો સહકાર પણ સારો છે. પૈસા અને અન્ય પરિબળોના કારણે પણ લોકોએ તેમનો ધર્મ બદલ્યો છે."

સિંધ હાઈકૉર્ટમાં બે મામલાને કારણે શીખોને વધુ સફળતા મળી છે. પહેલીવાર જ્યારે રાજ્યમાં દારૂબંધીનું કેટલાંક શીખ નેતાઓએ સમર્થન કર્યું અને બીજીવાર ત્યારે જ્યારે વસતિ ગણતરીમાં શીખો માટે અલગથી કોઈ કોમલ રાખવામાં ન આવી, બન્ને બાબતોમાં તેમને સફળતા મળી.

મંગળા શર્મા કહે છે, "શીખ સમુદાય વૈશ્વિક સ્તર પર પાકિસ્તાનને પોતાનો સારો મિત્ર સમજે છે. જેના કારણે શીખ સમુદાયને અહીં સામાજિક, રાજકીય અને ધાર્મિક સ્વીકૃતિ વધુ મળે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો