શું પાકિસ્તાનમાં ઇશ્વર નિંદાના કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે?

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
પાકિસ્તાનમાં ઇશ્વર નિંદાના આરોપ હેઠળ મૃત્યુદંડની સજાની જોગવાઈ છે.

પાકિસ્તાનમાં ધર્મનિંદા સંબંધી કાયદાનો ઉપયોગ અંગત વેર વાળવા માટે થતો હોવાનું તેની ટીકા કરતા લોકો કહે છે ત્યારે આ કાયદામાં ક્યારેય સુધારા થશે ખરા?

એક યુનિવર્સિટી સ્ટુડન્ટની આ વર્ષના આરંભમાં હત્યા કરવામાં આવી પછી સત્તાવાળાઓ કાયદાકીય પ્રક્રિયા શરૂ કરશે તેવી આશા બંધાઈ હતી, પણ છ મહિના બાદ તેમાં ખાસ કોઇ પ્રગતિ થઈ નથી.

બીબીસીનાં શુમૈલા જાફરી પાકિસ્તાનના ધર્મનિંદાના બે બહુ ગાજેલા કેસની વાત જણાવે છે.

ઈસ્લામાબાદની ઉત્તર-પશ્ચિમ દિશામાં આવેલા નાનકડા હરિપુર ગામે હું તાજેતરમાં ઈકબાલ ખાનને મળવા ગઈ હતી.

તમને આ વાંચવું પણ ગમશે

તેમના દીકરા મશાલ પર ધર્મનિંદાનો આરોપ મૂકીને એક ટોળાએ એપ્રિલમાં તેના યુનિવર્સિટી કેમ્પસમાં મશાલની હત્યા કરી હતી.

મશાલના પિતા સાથે મારી એ પહેલી મુલાકાત હતી.

ભયાનક અને પીડાદાયક અનુભવમાંથી પસાર થયેલા એક પિતાને મળવા માટે હું ભારોભાર સહાનુભૂતિ અને માનવતા સાથે ગઇ હતી.


દીકરા પર મૂકાયેલા આરોપ સામે પિતાની લડત

Image copyright Getty Images
ફોટો લાઈન પાકિસ્તાનમાં એક યુનિવર્સિટીના વિદ્યાર્થી મશાલ ખાનની ઇશ્વર નિંદાના આરોપસર હત્યા કરી નાખવામાં આવી હતી

હું એ પણ જાણતી હતી કે ઈકબાલ ખાન અસાધારણ હિંમત ધરાવતી વ્યક્તિ છે.

તેમના તેજસ્વી પુત્રની હત્યા થઈ એ દિવસે એક સેકન્ડ માટે પણ તેમણે હિંમત છોડી ન હતી કે ગુસ્સે થયા ન હતા.

એ દિવસે મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે એક પણ આંસુ પાડ્યા વિના જે સ્વસ્થતા જાળવી હતી તેનાથી હું કેટલી પ્રભાવિત થઈ હતી એ મને આજે પણ યાદ છે.

હું ઈકબાલ ખાનને હરિપુર જેલની બહાર મળી હતી.

ફોટો લાઈન મશાલ ખાનની હત્યાના કેસમાં કાયદાકિય લડાઈ લડી રહેલા તેના પિતા ઇકબાલ ખાન

તેઓ ત્યાં તેમના પુત્રની હત્યાના કેસની છ મહિના પછી પહેલી વખત થઇ રહેલી સુનાવણીમાં હાજરી આપવા આવ્યા હતા.

આ કેસમાં 57 લોકોને આરોપી ગણાવવામાં આવ્યા છે, પણ કેસનો ચૂકાદો આવવામાં વર્ષો લાગી જશે. ઈકબાલ ખાન તેમના પુત્રને કોઇ પણ ભોગે ન્યાય અપાવવા પ્રતિબદ્ધ છે.

તેમણે કહ્યું હતું કે ''આ દેશના ઈતિહાસમાં કોઈને ક્યારેય ન્યાય મળ્યો નથી. ન્યાયની મશાલની માફક હત્યા થવી ન જોઇએ એ હવે હું સુનિશ્ચિત કરવા ઈચ્છું છું. સરકાર અને કોર્ટ માટે આ એક ટેસ્ટ કેસ છે.''

તેમણે ઉમેર્યું હતું કે ''આ વખતે ન્યાય તોળવામાં આવશે તો એનાથી નવો દાખલો બેસશે. તેનાથી દેશની છાપ નિશ્ચિત રીતે સુધરશે.''


આઘાતજનક આંકડાઓ

Image copyright Getty Images
ફોટો લાઈન પાકિસ્તાનના સિંધના સંખ્યાબંધ સમાજસેવી સંગઠનોએ મશાલ ખાનની હત્યાના વિરોધમાં પ્રદર્શનો કર્યા હતા

1991માં મૃત્યુદંડની સજાની જોગવાઇ કરવામાં આવી ત્યારથી પાકિસ્તાનમાં ધર્મનિંદા સંબંધી હિંસામાં આશરે 2,500 લોકોનાં મોત થયાં છે.

આ કાયદાની ટીકા કરતા લોકો કહે છે કે પોતાના પાડોશીઓ સાથેના અણબનાવનો હિસાબ પતાવવા માટે લોકો આ કાયદાનો દુરુપયોગ કરી રહ્યા છે.

ઈકબાલ ખાન તેનું તાજું ઉદાહરણ છે. તેઓ દબાણ સામે ઝૂકવા તૈયાર નથી. તેમણે કાયદા સામે અવાજ ઉઠાવ્યો છે અને તેમાં સુધારાની માગણી કરી રહ્યા છે.

પાકિસ્તાનનો ઈતિહાસ જણાવે છે કે આ લડાઈ લાંબી ચાલવાની છે. એ ભાવનાત્મક અને શારીરિક રીતે થકવી નાખનારી તથા સંભવતઃ ઘાતક હશે.


કાયદાનો દુરુપયોગ

ફોટો લાઈન આસિયા બીબી સામે છેલ્લાં નવ વર્ષથી ઇશ્વર નિંદા કરવાનો કેસ ચાલી રહ્યો છે જેમાં તેને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી છે

કોર્ટમાં છેલ્લા નવ વર્ષથી ચાલી રહેલો બીજો બહુ ગાજેલો ધર્મનિંદાનો કેસ ખ્રિસ્તી મહિલા આસિયા બીબીનો છે.

પાંચ બાળકોની માતા આસિયા બીબી તેના ગામમાં ફળોના એક ખેતરમાં કામ કરતી હતી. એક દિવસે એક જ ગ્લાસમાં પાણી પીવા બાબતે આસિયા બીબીનો તેના સાથી કર્મચારીઓ સાથે ઝઘડો થયો હતો.

થોડા દિવસ પછી સ્થાનિક મસ્જિદના એક મૌલવીએ આસિયા બીબી પર મહમ્મદ પયગંબર વિરુદ્ધ અયોગ્ય શબ્દો કહેવાનો આરોપ મૂક્યો હતો અને તેની સામે ઇશ્વરનિંદાની ફરિયાદ નોંધાવી હતી.

મહમ્મદ પયગંબરની નિંદા પાકિસ્તાનમાં કાયદા હેઠળ મૃત્યુદંડની સજાને પાત્ર ગુનો ગણાય છે.

આસિયા બીબીને સ્થાનિક કોર્ટે મૃત્યુદંડની સજા ફરમાવી હતી. તેની સામે આસિયા બીબીએ લાહોર હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને હાઈકોર્ટે નીચલી અદાલતના ચૂકાદાને યોગ્ય ઠરાવ્યો હતો.

એ પછી આસિયા બીબીએ સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી, જ્યાં તે છેલ્લા બે વર્ષથી પેન્ડિંગ છે.

ન્યાય વ્યવસ્થા ધીમી ગતિએ આગળ વધી રહી છે ત્યારે આસિયા બીબી કારાગારમાં કેદ છે, જ્યારે તેમનો પરિવાર છૂપાઇને જીવન પસાર કરી રહ્યો છે.


પતિનો દ્રઢનિર્ધાર

ફોટો લાઈન છેલ્લાં નવ વર્ષથી પત્ની માટે કાયદેસરની લડત આપતા આસિયા બીબીના પતિ આશિક મસિહ સરકારના વલણથી નિરાશા અનુભવે છે

આસિયા બીબીના પતિ આશિક મસિહને હું છેલ્લે 2015ના જાન્યુઆરીમાં મળી હતી.

એ વખતે તેઓ સાવધાનીપૂર્વક વાત કરતા હતા. શબ્દોની પોતાની પત્નીના જીવન પર સંભવીત માઠી અસર થવાનો તેમને ભય હતો, પણ હવે એ ભયે હતાશાનું સ્વરૂપ લઈ લીધું છે.

અમે એક ગુપ્ત સ્થળે મળ્યા ત્યારે તેમણે મને કહ્યું હતું કે “નવ વર્ષમાં કંઈક તો થવું જોઈતું હતું. બહુ લાંબો સમય ગયો. તમારી વાત કોઇ ન સાંભળે ત્યારે બહુ પીડા થાય અને થાકી જવાય.”

વારંવારની ધમકીઓ છતાં આશિક મસિહ તેમના પરિવારને એક રાખવામાં સફળ થયા છે, પણ સરકારના વલણથી તેઓ નિરાશા અનુભવે છે.

તેમણે કહ્યું હતું “આ કેસમાં જાણી જોઈને વિલંબ કરવામાં આવતો હોય એવું અમને લાગે છે. ખરેખર કાયદાકીય કારણોસર વિલંબ થઇ રહ્યો છે કે સરકાર પર મૌલવીઓનું દબાણ છે એ બાબતે હું સમજી શકતો નથી.”

ઈકબાલ ખાન અને આશિક મસિહ એક જ પ્રકારની લડાઇ લડી રહ્યા છે, પણ તેમના બન્નેના કેસ એકમેકથી એકદમ અલગ છે.

Image copyright Getty Images
ફોટો લાઈન પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટમાં આસિયા બીબીનો કેસ અંતિમ તબક્કામાં છે, પરંતુ નિર્ણય આપવામાં વિલંબ થઈ રહ્યો છે

પાકિસ્તાનના પંજાબના ભૂતપૂર્વ ગવર્નર સલમાન તાસીરે આસિયા બીબીને 2011માં ટેકો આપવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની તેમના જ રક્ષકોએ હત્યા કરી હતી.

સાત વર્ષ પછી પણ પાકિસ્તાનના નાગરિક સમાજને મશાલ ખાનની હત્યા સ્વીકાર્ય નથી અને તેઓ તેઓ ધર્મનિંદાના આરોપીની તરફેણમાં શેરીઓમાં પ્રદર્શનો કરી રહ્યા છે.

મરદાન યુનિવર્સિટી કેમ્પસમાં બનેલી દૂર્ઘટનાથી સત્તાધિશોને પણ આઘાત લાગ્યો હતો. ધર્મનિંદા સંબંધી કાયદામાં સુધારાની જરૂરિયાત બાબતે સંસદસભ્યોએ પહેલીવાર સંસદ ગૃહમાં ચર્ચા કરી હતી.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફએ આકરા શબ્દોમાં નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે તેમને '' ટોળાના ન્યાયના બેવકૂફીભર્યા પ્રદર્શનથી આઘાત લાગ્યો છે અને દુઃખ થયું છે.''

મૌલવીઓના ટેકાની માગણી કરી ચૂકેલા વિરોધ પક્ષના નેતા ઈમરાન ખાન મશાલ ખાનની હત્યાને વખોડી ચૂકેલા લોકોમાં મોખરે હતા.


સર્વત્ર ભયનું વાતાવરણ

Image copyright Getty Images
ફોટો લાઈન મશાલ ખાનની હત્યાનો વિરોધ કરી રહેલા પાકિસ્તાનના યુવાનો

જોકે, છ મહિના પછી પણ કાયદામાં સુધારાની બધી વાતો નકામી સાબિત થઇ રહી છે. માનવાધિકારના અગ્રણી કાર્યકર્તા હુસૈન નકવીને તેનાથી જરાય આશ્ચર્ય થયું નથી.

તેમણે કહ્યું હતું કે “લોકોને પોતાનો જીવ જવાનો ડર હોય છે એટલે ઇશ્વર નિંદાના કેસ વર્ષો સુધી ખેંચાતા રહે છે.”

તેમણે ઉમેર્યું હતું કે “અદાલતોને પણ ડર લાગે છે. સૌથી મજબૂત સુરક્ષા સંસ્થાઓમાં પણ (અંતિમવાદીઓના) ટેકેદારો અને તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લોકો હોય છે. તેઓ તેમના અભિપ્રાય ખુલ્લેઆમ વ્યક્ત કરે છે અને તેમની સામે કશું થઇ શકતું નથી.”

ધાર્મિક લઘુમતીઓ કાયદા સામે વર્ષોથી વિરોધ પ્રદર્શિત કરતી રહી છે, પણ એ બધું બહેરા કાને અથડાયું છે.

ઇશ્વર નિંદાના આરોપસર કોઈને હજુ સુધી ફાંસીની સજા આપવામાં આવી નથી, પણ સંખ્યાબંધ આરોપીઓ વર્ષોથી જેલમાં સબડી રહ્યા છે.

મશાલની હત્યા કરી નાખવામાં આવી હતી, જ્યારે આસિયાને કરવામાં આવેલી સજા સંબંધે વિવાદ ચાલી રહ્યો છે.

મશાલ ખાનની હત્યા બાબતે વ્યાપક લોકરોષ જોવા મળ્યો હતો, પણ એ કિસ્સો પાકિસ્તાની સમાજમાં ટર્નિંગ પોઈન્ટ બનશે એવો એકેય સંકેત અત્યાર સુધી મળ્યો નથી.

મશાલ ખાનના પિતા ઈકબાલ ખાન જાણે છે કે તેમનો પુત્ર ક્યારેય પાછો ફરવાનો નથી.

તેઓ મર્યાદિત સ્રોત ધરાવતા વૃદ્ધ છે, પણ તેઓ તેમના પુત્રના વારસાને ક્યારેય મરવા દેશે નહીં.

તેઓ અન્ય અનેક 'મશાલ'નું સલામત ભવિષ્ય સુનિશ્ચિત કરવા એકલે હાથે લડાઈ લડી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ