સ્પેનથી કૈટલોનિયાને અલગ દેશ બનાવવાની ઘોષણા ટળી

સ્થાનિક સંસદ સંબોધતા કાર્લસ પુજિમોંટ Image copyright Getty Images
ફોટો લાઈન કાર્લસ પુજિમોંટના સંસદમાં સંબોધનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી

સ્પેનના ઉત્તર-પૂર્વીય સ્વાયત્ત વિસ્તાર કૈટલોનિયાના રાષ્ટ્રપતિ કાર્લસ પુજિમોંટે સ્થાનિક સંસદને સંબોધિત કરી.

પુજિમોંટના સંબોધનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી.

આશા રખાઈ રહી હતી કે તેઓ સંસદમાં આ સંબોધનમાં કૈટલોનિયાને સ્વતંત્ર દેશ બનાવવાની ઘોષણા કરશે.

જોકે તેમના સંબોધનમાં પુજિમોંટે આવી કોઈ ઘોષણા નથી કરી.

રાષ્ટ્રપતિ પુજિમોંટે કહ્યું તે તેઓ આઝાદ કૈટલોનિયાના પક્ષમાં મળેલા જનમત સંગ્રહનું પાલન કરશે.

પરંતુ સમસ્યાના સમાધાન માટે પહેલા સ્પેન સાથે વાતચીત જરૂરી છે.

તેમણે કૈટલોનિયાના નાગરિકોથી શાંતિપૂર્ણ પ્રદર્શનની અપીલ કરી. પુજિમોંટે બધા જ પક્ષોથી તણાવ ઓછો કરવાનો આગ્રહ કર્યો.

પુજિમોંટે કહ્યું "કૈટલોનિયાએ સ્વતંત્ર દેશ બનવાનો અધિકાર મેળવી લીધો છે. હું કૈટલોનિયાના નાગરિકોની સ્વતંત્રતાના પક્ષમાં જ રહીશ."

કૈટલોનિયાની સ્વતંત્રતાના મામલે તણાવ ઓછો કરવાની જરૂર છે તેમ પણ તેમણે કહ્યું. તેમના જણાવ્યા મુજબ સંવાદ પણ થવો જોઇએ.

Image copyright Getty Images
ફોટો લાઈન પુજિમોંટે સંવાદ અને સહિષ્ણુતાની અપીલ કરી

સ્થાનિક સંસદને સંબોધતા પુજિમોંટે કહ્યું કે કૈટલોનિયા હવે દેશનો આંતરિક મુદ્દો નથી રહ્યો પરંતુ યૂરોપનો મુદ્દો બની ગયો છે.

તેમણે કહ્યું કે કોઈના માટે જોખમકારક બનવાની કે કોઈને અપમાનિત કરવાની તેમની યોજના નથી.

આ સાથે જ તેમણે જનમત સંગ્રહ સમયે સ્પેનિશ સરકારની કાર્યવાહીની નિંદા કરી.

પુજિમોંટે સ્પેનિશ સરકાર પર આક્રમક વલણ અપનાવવાનો અને શક્તિઓના કેંદ્રીયકરણનો આરોપ લગાવ્યો.

તેમણે સંવાદ અને સહિષ્ણુતાની અપીલ કરી. તેમના સંબોધનને લઈ કૈટલોનિયામાં ઘણો ગરમાવો હતો.

જો સ્વતંત્રતાની ઘોષણા કરવામાં આવી હોત તો હિંસક તણાવ વધવાની આશંકા સેવવામાં આવી રહી હતી..


કૈટેલોનિયાની સ્વાયત્તતાનો ઇતિહાસ

Image copyright Getty Images
ફોટો લાઈન કૈટેલોનિયા સ્પેનના સૌથી સંપન્ન પ્રદેશોમાંથી એક છે

કૈટેલોનિયા ઉત્તર-પૂર્વીય સ્પેનમાં 75 લાખની આબાદી ધરાવતું ક્ષેત્ર છે.

અહીં લોકો પોતાની અલગ ભાષા બોલે છે અને પોતાની સંસ્કૃતિનું પાલન કરે છે.

પણ સ્પેનના બંધારણ હેઠળ આ વિસ્તારને અલગ દેશ માનવામાં નથી આવતો.

કૈટેલોનિયા સ્પેનના સૌથી સંપન્ન પ્રદેશોમાંથી એક છે. એક હજાર વર્ષ જૂનો તેનો ઇતિહાસ છે.

1939થી 1975 વચ્ચે જનરલ ફ્રાંસિસ્કો ફ્રેંકોના નેતૃત્વમાં કૈટેલોનિયાની સ્વાયત્તતા રદ કરાઈ હતી. જેમના મૃત્યુ બાદ રાષ્ટ્રવાદને ફરી હવા મળી.

1978ના બંધારણ પ્રમાણે ફરી સ્વાયત્તતા અપાઈ. 2006ના અધિનિયમ પ્રમાણે આ પ્રદેશને વધારે સત્તાઓ મળી.

ત્યારથી તેને એક અલગ રાષ્ટ્રના રૂપમાં જોવામાં આવ્યું.


કેમ કૈટલોનિયા માંગે છે સ્વતંત્રતા

Image copyright Getty Images
ફોટો લાઈન પહેલી ઑક્ટોબરે કરવામાં આવેલા જનમતસંગ્રહમાં કુલ 40 ટકા લોકોએ ભાગ લીધો

2010માં સ્પેનની બંધારણીય કોર્ટે બધી જ તાકાત પાછી લઈ લીધી ત્યારથી સ્થાનિક તંત્ર નારાજ છે અને ધીમે ધીમે લોકોનો ગુસ્સો પણ વધતો ગયો.

નવેમ્બર 2014માં પણ ગેરકાયદેસર રીતે મતદાનનું આયોજન કરાયું હતું.

જેમાં 80% લોકો આઝાદીના પક્ષમાં હોવાનું બહાર આવ્યું હતું. જેમાં જોકે 54 લાખ યોગ્ય મતદાતાઓમાંથી 20 લાખ સામેલ થયા હતા.

પહેલી ઑક્ટોબરે ફરી કૈટલોનિયામાં સ્પેનથી અલગ થવા અંગે જનમતસંગ્રહ યોજાયો.

આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણો થઈ. જેમાં 800થી વધુ લોકો ઘાયલ થયા.

જનમત સંગ્રહમાં કુલ 40 ટકા લોકોએ ભાગ લીધો. જેના 90 ટકા લોકોએ કૈટલોનિયાની સ્વતંત્રતા તરફી મતદાન કર્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો