યૂનેસ્કોના ઈઝરાયેલ વિરોધી વલણથી અમેરિકા અને ઇઝરાયેલ નારાજ

ઈઝરાયેસનું અક સ્થળ Image copyright AFP
ફોટો લાઈન યૂનેસ્કોના 'ઈઝરાયેલ વિરોધી' વલણથી અમેરિકા અને ઈઝરાયેલ નારાજ

અમેરિકા બાદ હવે ઇઝરાયેલ પણ સંયુક્ત રાષ્ટ્રના સાંસ્કૃતિક સંગઠન યૂનેસ્કોમાંથી બહાર નીકળવાની તૈયારીમાં છે.

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે તેમણે યૂનેસ્કોમાંથી બહાર નીકળવા માટેની તૈયારીઓ શરૂ કરવા માટે વિદેશ મંત્રાયલને સુચના આપી દીધી છે.

અત્રે નોંધવું કે આ પહેલાં અમેરિકા યૂનેસ્કો પર 'ઇઝરાયેલ વિરોધી' વલણ અપનાવવાનો આરોપ લગાવી યૂનેસ્કોમાંથી બહાર નીકળી ગયું છે.

અમેરિકાએ યૂનેસ્કો પર માત્ર પક્ષપાતના જ આરોપો નથી લગાવ્યા પણ સંગઠન પર વધી રહેલા આર્થિક બોજ અંગે ચિંતા વ્યક્ત કરતા તેમાં સુધારા લાવવાની જરૂર પર પણ ભાર મૂક્યો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેમના નિવેદનમાં અમેરિકાના પગલાંને બહાદુરી અને નૈતિકતા ભરેલો નિર્ણય ગણાવ્યો છે.

યૂનેસ્કોને વિશ્વભરમાં વૈશ્વિક સાંસ્કૃતિક સ્થળ અટલે કે સાંસ્કૃતિક રીતે ઐતિહાસિક હોય તેવા પ્રાચીન સ્મારકો પંસદ કરનારી સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે.

Image copyright Getty Images
ફોટો લાઈન અમેરિકી રાષ્ટ્રપતિ માટે યૂનેસ્કો સરળ નિશાન છે

બીબીસીના રાજદ્વારી બાબતોના પત્રકાર જૉનથન માર્ક્સ અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ માટે યુનેસ્કો એક સરળ નિશાન છે.

તેમણે કહ્યું,"આ બહુપક્ષીય સંસ્થા છે જે સેક્સ એજ્યુકેશન, સાક્ષરતા અને મહિલાઓ માટે સમાનતા જેવા શિક્ષા અને વિકાસ સાથે જોડાયેલાં કાર્યો કરે છે."

યૂનેસ્કોમાંથી અમેરિકા બહાર થવાની ઘટનાને ઘણા લોકો ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ તથા બહુપક્ષીય સંગઠન વિરોધી નીતિ તરીકે પણ જોઈ રહ્યા છે.

પરંતુ સમગ્ર મામલે વિરોધનું અસલી કારણ સંગઠનનું કથિત ઇઝરાયેલ વિરોધી વલણ છે.


નારાજગીનું કારણ

Image copyright Reuters
ફોટો લાઈન આ જ વર્ષે યૂનેસ્કોએ પ્રાચીન હિબ્રુ શહેરને પેલેસ્ટાઈનના વૈશ્વિક હેરિટેજ સ્થળ તરીકેની માન્યતા આપી હતી

અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા લેવાયેલા આ નિર્ણય યુનેસ્કો દ્વારા સતત હાથ ધરવામાં આવેલા કેટલાક પગલાંઓનું પરિણામ છે. જે વિશે અગાઉ બંને દેશો ટીકાઓ પણ કરી ચૂક્યા છે.

તાજેતરમાં જ યૂનેસ્કોએ વેસ્ટ બેંક અને પૂર્વ જેરુસ્લેમમાંની ગતિવિધિઓ મામલે ઇઝરાયેલની ટીકા કરી હતી.

વળી આ જ વર્ષે યૂનેસ્કોએ પ્રાચીન હિબ્રુ શહેરને પેલેસ્ટાઈનના વૈશ્વિક હેરિટેજ સ્થળ તરીકેની માન્યતા આપી હતી.

જેની સામે ઇઝરાયેલનું કહેવું હતું કે આ પગલાંથી યહૂદીઓના ઈતિહાસને નકારી દેવાયો છે.

ગત વર્ષે યૂનેસ્કો એક વિવાદીત પ્રસ્તાવ લાવ્યું હતું જેમાં જેરુસ્લેમની એક પવિત્ર દરગાહની વાતમાં યહૂદીનો ક્યાંય ઉલ્લેખ જ નહોતો.

જેને પગલે ઇઝરાયેલે યૂનેસ્કોને સહયોગ આપવાનું બંઘ કરી દીધું હતું.

આ અગાઉ વર્ષ 2011માં જ્યારે યુનેસ્કોએ પેલેસ્ટાઈનને પૂર્ણ સભ્યપદ આપવાનો નિર્ણય કર્યો ત્યારે પણ અમેરિકાએ તેના ભંડોળના યોગદાનમાં 22 ટકાનો કાપ મૂકી દીધો હતો.


અગાઉ પણ અમેરિકા યુનેસ્કમાંથી બહાર નીકળી ગયું હતું

Image copyright Getty Images
ફોટો લાઈન સંયુક્ત રાષ્ટ્રના સામાન્ય બજેટમાં અમેરિકાનું 22 ટકા અને પીસકીપીંગ માટે 28 ટકા યોગદાન છે

અમેરિકા યૂનેસ્કોનું સંસ્થાપક સભ્ય હતું. પણ 1984માં રીગનના પ્રશાસને તેની પર ભ્રષ્ટાચાર અને સોવિયેત સંઘ પ્રત્યે ઝુકાવનું વલણ રાખવાના આરોપ લગાવી સંગઠનમાંથી છેડો ફાડી લીધો હતો.

જો કે 2002માં અમેરિકા ફરીથી આ સંગઠનમાં જોડાયું હતું.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અગાઉ સંયુક્ત રાષ્ટ્રને આપનારી મદદ પર પણ નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. તેમનું કહેવું હતું કે અમેરિકાનું યોગદાન અસંગત છે.

અમેરિકા સંયુક્ત રાષ્ટ્રના સામાન્ય બજેટમાં બજેટના કુલ 22 ટકા અને પીસકીપીંગ માટે 28 ટકા જેટલું યોગદાન આપે છે.

અમેરિકા બહાર નીકળી જતા નુકસાન

યૂનેસ્કોના પ્રમુખ ઈરીના બોકોવાએ અમેરિકાના નિર્ણયને ઘણો અફસોસપૂર્ણ ગણાવ્યો છે. તેમનું માનવું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સંગઠનમાં રાજકારણ વધી ગયું છે.

યૂનેસ્કો પ્રમુખે યૂનેસ્કોમાંથી અમેરિકાના બહાર નીકળી જવાના નિર્ણયને સંયુક્ત રાષ્ટ્ર પરિવાર માટે નુકસાનકારક ગણાવ્યો છે.

યૂનેસ્કોમાંથી બહાર નીકળવા અંગેનો અમેરિકાનો નિર્ણય 2019ના ડિસેમ્બરથી અમલમાં આવશે. ત્યાં સુધી તે યૂનેસ્કોના પૂર્ણ સભ્ય તરીકે યથાવત રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો