કિરકુકમાં ઘુસી ઇરાકી સેના, કુર્દોનું પલાયન

ઈરાકી દળનો કાફલો જવાનો સાથે જઈ રહ્યો છે Image copyright AFP
ફોટો લાઈન સંઘર્ષની વચ્ચે હજારો લોકોનું સ્થળાંતર

ઇરાકના સરકારી સૈન્યદળો વિવાદિત શહેર કિરકુકમાં પ્રવેશ્યાં છે.

આ સૈન્યદળોએ પહેલાં શહેરની બહારના મહત્વનાં સ્થાનો પર કબ્જો મેળવ્યો હતો. બાદમાં તે કુર્દીશોના નિયંત્રણમાં રહેલા કિરકુક શહેરમાં પ્રવેશ્યાં હતાં.

ઇરાકી સેનાના પ્રવેશ પહેલાં હજારો લોકો શહેર છોડીને ભાગી ગયા છે.

કુર્દિસ્તાનના વિવાદિત જનમત સંગ્રહના ત્રણ અઠવાડિયા બાદ ઇરાકી સૈન્યદળ કિરકુકમાં દાખલ થયું છે.

તમને આ પણ વાંચવું ગમશે

ઇરાકી સૈન્યદળ ઇસ્લામિક સ્ટેટના લડાકુના ભાગ્યા બાદ કુર્દીશોના નિયંત્રણ હેઠળના વિસ્તારને ફરી નિયંત્રણમાં લેવા આગળ વધી રહ્યું છે.


કેમ શરૂયું અભિયાન?

Image copyright Getty Images
ફોટો લાઈન કુર્દીસ્તાનના જનમતસંગ્રહને કારણે તણાવમાં વધારો

25 સપ્ટેમ્બરના રોજ થયેલા જનમતસંગ્રહમાં કિરકુક સહિતના કુર્દ નિયંત્રણના વિસ્તારમાં લોકોએ ઇરાકથી અલગ થવા મતદાન કર્યું હતું.

કિરકુક કુર્દિસ્તાનથી બહાર છે. પરંતુ અહીં રહેતા કુર્દ લોકોને જનમત સંગ્રહમાં મતદાન કરવા દેવાયું હતું.

ઇરાકના વડાપ્રધાન હૈદર અલ અબાદીએ મતદાનને ગેરબંધારણીય ગણાવ્યું હતું. પરંતુ કુર્દિસ્તાનની ક્ષેત્રિય સરકારે(કેઆરજી) તેની કાયદેસરતા માટે જોર લગાવ્યું હતું.

બીજી તરફ અમેરિકાનું કહેવું છે કે તે તણાવ ઓછો કરવા માટે બન્ને પક્ષો સાથે વાતચીત કરી રહ્યું છે.

Image copyright AFP
ફોટો લાઈન તણાવ ઓછો કરવા બન્ને પક્ષો સાથે અમેરિકા વાત કરી રહ્યું છે

સોમવારે વડાપ્રધાન અબાદીએ તેમના નિવેદનમાં કહ્યું કે જનમતસંગ્રહને પગલે તેમનો દેશ વિભાજનના ખતરાનો સામનો કરી રહ્યો છે.

તેથી દેશની એકતાને સુરક્ષિત રાખવા માટે કિરકુકનું અભિયાન જરૂરી છે.

ઈરાકી સેનાના અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે સૈન્ય ટુકડીઓએ કે-1 સૈન્ય છાવણી, બાબા ગુરુગુર તેલ અને ગેસ ક્ષેત્ર તથા એક સરકારી તેલ કંપનીની કચેરી પર નિયંત્રણ મેળવી લીધું છે.

જો કે ઈરાકની સરકારનું કહેવું છે કે પશમર્ગા દળે કોઈ જાતના ઘર્ષણ વગર જ પીછેહટ કરી છે પરંતુ શહેરના દક્ષિણ તરફ ટકરાવ થયાના અહેવાલ નોંધાયા છે.

જેમાં એક સુરક્ષા ચોકી નજીક રિપોર્ટિંગ કરી રહેલા બીબીસીના કૅમેરામેને ગોળીબાળનો અવાજ રેકૉર્ડ કર્યો છે.

Image copyright Getty Images
ફોટો લાઈન બન્ને પ્રમુખ કુર્દ દળોએ અકબીજા પર દગો કરવાનો આરોપ લગાવ્યો

બીજી તરફ જ્યારે ઈરાકી સૈન્યદળ કિરકુકમાં દાખલ થયું ત્યારે અનેક લોકો શહેર છોડીને ભાગ્યા હોવાના અહેવાલો છે.

સોશિઅલ મીડિયા પર શેર થયેલી એક તસવીરમાં ઈરાકી સૈન્યબળોને ગવર્નરની કચેરીમાં બેઠેલાં દર્શાવાયા છે.

સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર સૈન્યએ ઈરાકના રાષ્ટ્રીય ધ્વજ સાથે ફરકાવવામાં આવેલા કુર્દના ધ્વજને નીચે ઉતારી લીધો હતો.

જેટલી ઝડપથી ઈરાકી સૈન્ય શહેરમાં દાખલ થઈ રહ્યું છે તેને લીધે બન્ને પ્રમુખ કુર્દ દળોએ અકબીજા પર દગો કરવાનો આરોપ લગાવ્યો છે.


આખરે વિવાદનું મૂળ શું છે?

Image copyright Getty Images
ફોટો લાઈન કિરકુક ઈરાકનું તેલ સંપન્ન ક્ષેત્ર

અત્રે નોંધવું કે કિરકુક ઈરાકનું તેલ સંપન્ન ક્ષેત્ર છે. આ ક્ષેત્ર પર ઈરાકી સરકાર અને સાથે સાથે ક્ષેત્રીય કુર્દ સરકાર બન્ને દાવો કરતી આવી છે.

એવું માનવામાં આવે છે કે તેમાં મોટી સંખ્યામાં કુર્દની વસ્તી છે. પરંતુ તેની પ્રાંતિય રાજઘાનીમાં અરબ અને તુર્ક મૂળના લોકો પણ રહે છે.

2014માં જ્યારે ઈસ્લામિક સ્ટેટે ઉત્તરી ઈરાક પર કબજો કરી લીધો હતો ત્યારે કુર્દ દળોએ ઈસ્લામિક સ્ટેટ પાસેથી આ પ્રાંતના મોટા વિસ્તાર પર કબજો મેળવી લીધો હતો.

પરંતું જનમતસંગ્રહનાં પરિણામો જાહેર થયાં બાદ ઈરાકની સંસદે વડાપ્રધાન અબાદીને કિરકુકમાં સેના તૈનાત કરવાની માગ કરી હતી.

પણ ગત સપ્તાહે અબાદીએ કહ્યું હતું કે તે સંયુક્ત રાષ્ટ્ર પ્રશાસનના મૉડલ માટે તૈયાર છે અને આ ક્ષેત્રમાં તે સશસ્ત્ર સંઘર્ષ નથી ઈચ્છતા.


કોણ છે કુર્દીસ્તાની લોકો?

Image copyright AFP
ફોટો લાઈન કુર્દ ઈરાકનો લધુમતી સમુદાય છે અને તેની પોતાની અલગ ઓળખ-સંસ્કૃતિ છે

ઈરાકની કુલ વસ્તીમાં કુર્દોનું પ્રમાણ 15-20 ટકા વચ્ચેનું હોવાનું માનવામાં આવે છે.

વર્ષ 1991માં સ્વાયત્તતા મેળવતા પહેલાં તેમને દાયકાઓ સુધી દમનનો સામનો કરવો પડ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો