વડોદરામાં મુસ્લિમ મહિલાઓ માટે યોગ બન્યો દર્દની દવા

  • પારસ કે જ્હા
  • બીબીસી ગુજરાતી

વડોદરામાં અલવી વહોરા સમાજના આગેવાનોએ યોગનો લાભ મુસ્લિમોને પણ મળે તે માટે ઇસ્લામી યોગની શરૂઆત કરી છે.

અલવી વહોરા સમાજ એ ઇસ્લામનો એક નાનો પંથ છે જેના દસ હજાર જેટલા અનુયાયીઓ છે.

અલવી વહોરા સમાજ ખાસ મહિલાઓ માટે ઇસ્લામી યોગનું આયોજન કરે છે.

જેમાં વડોદરામાં રહેતી મહિલાઓ યોગના વિવિધ સેશન્સમાં ભાગ લે છે.

તમને આ વાંચવું પણ ગમશે :

અત્યાર સુધીમાં ઇસ્લામી યોગના બે કૅમ્પનું આયોજન થઈ ચૂક્યું છે.

શરૂઆતમાં શંકા

ઇમેજ કૅપ્શન,

યોગ કૅમ્પનાં આયોજક તદબીર ફાઉન્ડેશનનાં ઉપાધ્યક્ષ નાશેતા ભાઈસાહેબ

આ યોગ કૅમ્પનાં આયોજક તદબીર ફાઉન્ડેશનનાં ઉપાધ્યક્ષ નાશેતા ભાઈસાહેબે કહ્યું, "અમે જ્યારે પહેલી વખત આ કૅમ્પનું આયોજન કર્યું ત્યારે ઘણાં લોકોને લાગ્યું કે આવું ન થઈ શકે."

તેમણે કહ્યું, "લોકોને લાગ્યું કે આ ઇસ્લામની વિરુદ્ધ છે. પરંતુ અમે તેમને સમજાવ્યું કે અમે યોગનાં વિવિધ આસનો સાથે અલ્લાહનાં નવ્વાણું નામનું સંયોજન કર્યું છે."

તેમણે વધુમાં જણાવ્યું, "અમે તેમને આ કૅમ્પમાં ભાગ લેવાનું કહ્યું. ઘણા લોકોએ તેમાં ભાગ લીધો અને જાતે જ અનુભવ્યું કે, આ પદ્ધતિને અનુસરવામાં કશું જ ઇસ્લામ વિરૂદ્ધ નથી."

તેમનાં કહેવા પ્રમાણે અલ્લાહના 99 નામ વિશે ઇસ્લામનાં કોઈ પણ પંથમાં મતભેદ નથી.

મહિલાઓએ યોગ સ્વીકાર્યો

ઇમેજ કૅપ્શન,

હસનાબુ સુરતી ઘરે નિયમિત યોગ કરે છે

અલવી સમાજની મહિલાઓ મોટેભાગે ગૃહિણી બનીને રહે છે.

યોગના કૅમ્પમાં ભાગ લીધા બાદ ઘરે નિયમિત યોગ કરવાથી ઘણી મહિલાઓને ફાયદો થયો છે.

આ લાભ અનુભવનારાં હસનાબુ સુરતીએ કહ્યું, "મારા શરીરમાં સતત દુખાવો રહેતો હતો. પણ યોગ કર્યા પછી મને ઘણી રાહત મળી છે. હું મારા ઘરે પણ નિયમિત યોગ કરું છું."

અલ્લાહનાં નામ યોગાસનો કરતી વખતે બોલવાથી શરીરને વ્યાયામની સાથે મનને આધ્યાત્મિક અનુભવ મળે છે.

ઇમેજ કૅપ્શન,

શહેવાર મોતીવાલા આર્કિટેક્ચરનાં વિદ્યાર્થિની છે

આ વિશે આર્કિટેક્ચરનો અભ્યાસ કરતાં શહેવાર મોતીવાલાએ કહ્યું, "ઇસ્લામી યોગ વિશે મને વધુ જાણવાની ઉત્સુક્તા થઈ."

તેમણે વધુમાં કહ્યું, "મને જાણવા મળ્યું કે, અહીં યોગાસનો સાથે અલ્લાહનાં નામ પણ લેવાય છે."

"જ્યારે નિયમિત યોગાસનો કર્યાં ત્યારે મને તંદુરસ્તીની સાથે માનસિક શાંતિમાં વધારો થયો હોવાનું અનુભવાયું."

કેવી રીતે થઈ શરૂઆત?

ઇમેજ કૅપ્શન,

ડૉ. ઝુલકરનૈન હકીમુદ્દીન સાહેબે તેમના માસ્ટર ડિગ્રીના અભ્યાસનાં ત્રણ વર્ષ સુધી યોગ કર્યા હતા

રસૂલ હુદૂદ ડૉ. ઝુલકરનૈન હકીમુદ્દીન સાહેબ વ્યવસાયે હૉમિઑપથી ડૉક્ટર છે. તે અલવી વહોરા સમાજના ધાર્મિક અગ્રણી પણ છે.

તેમણે કહ્યું, "હૉમિઑપથીમાં માસ્ટર ડિગ્રીના અભ્યાસ વખતે અમારે ફરજિયાત દરરોજ સવારે યોગનાં સત્રમાં ભાગ લેવાનું થતું. એટલે યોગથી થતા લાભ હું જાણતો હતો."

તેમણે ઉમેર્યું, "અભ્યાસ બાદ મેં જ્યારે અમારી મસ્જિદમાં કામ કરવાનું શરૂ કર્યું. તે સમયે અમે જોયું કે મસ્જિદમાં આવતા અમારા સમાજના લોકો ખુરશીમાં બેસીને નમાઝ અદા કરતા હતા."

"15 વર્ષ પહેલાં આવી સ્થિતિ નહોતી. હવે ઘરે ઘરે ડાયાબીટીસ, બ્લડપ્રેશર, કમર અને ઢીંચણના દુખાવા જેવા આધુનિક જીવનશૈલીને લગતા રોગોમાં વધારો થયો છે."

"અમારા સમાજના લોકોની આવી પરિસ્થિતિ અમને સ્વીકાર્ય નથી. આ સમસ્યાનાં ઘણા ઉકેલોમાંથી એક ઉકેલ એ હતો કે અમે અમારા સમાજના લોકોને ઇસ્લામી યોગની તાલીમ આપીએ."

"કોઈ પણ ધર્મનાં પવિત્ર શબ્દોમાં હકારાત્મક ઊર્જા હોય છે. આથી અમે અલ્લાહનાં નવ્વાણું નામ સાથે વિવિધ યોગાસનોને એ રીતે જોડ્યાં કે શ્વાસોચ્છ્વાસની ક્રિયામાં શરીર અને મનની વચ્ચે એક આધ્યાત્મિક જોડાણ પણ થાય."

વિચારને મળ્યો ધાર્મિક આધાર

ઇમેજ કૅપ્શન,

અલવી બોહરા જમાતના 45મા આધ્યાત્મિક વડા સૈયદના હાતિમ ઝકીયુદ્દીન સાહેબ

યોગની સાથે અલ્લાહનાં નામ જોડવાના વિચાર સામે અલવી સમાજમાં સંશય હતો.

જોકે તેને માટેનો ધાર્મિક આધાર પણ મળ્યો અને એ સંશયનું સમાધાન થયું.

અલવી બોહરા જમાતના 45માં આધ્યાત્મિક વડા સૈયદના હાતિમ ઝકીયુદ્દીન સાહેબે (ત.ઉ.શ.) કહ્યું, "માણસોની શ્રદ્ધા તેમનાં હૃદય સાથે જોડાયેલી હોય છે.”

“જો શ્રદ્ધા જળવાઈ રહેતી હોય અને તેમની આસ્થા ન હોય તેવી અન્ય કોઈ બાબતથી તેમને લાભ થતો હોય તો મોહમ્મદ પયગંબર સાહેબે કહ્યું છે કે, જે શુદ્ધ હોય તે સ્વીકારો અને જે અપવિત્ર હોય તેને ત્યજી દો."

તેમણે એમ પણ કહ્યું કે મુસ્લિમ ધર્મના અન્ય પંથો કે ઇસ્લામ સિવાયના અન્ય ધર્મોના સમાજો સાથે આ વિશે કોઈ વાતચીત થઈ નથી.

પરંતુ કોઈ ચર્ચા માટે આવે તો આ વિશે વાત કરવાની તેમની તૈયારી છે. તેમની ઇચ્છા છે કે ઇસ્લામી યોગનો ફાયદો સૌને મળે.

યોગ ઇસ્લામી હોય કે ન હોય, પણ તેનો એક અર્થ 'જોડવું' પણ થાય છે.

આથી તંદુરસ્ત શરીર અને સ્વસ્થ મનનું જોડાણ કોઈ પણ ધર્મની આધ્યાત્મિકતાથી થાય તો એ યોગ 'સુયોગ' બની શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો