કંદીલની હત્યા સાથે મુફ્તી અબ્દુલ કવિનો શું સંબંધ?

કંદીલ બલોચની તસવીર Image copyright QANDEELQUEBEE
ફોટો લાઈન કંદીલ બલોચની હત્યાના એક કરતા વધારે વર્ષ બાદ મુફ્તી અબ્દુલ કવિની ધરપકડ કરાઈ

જુલાઈ 2016માં પાકિસ્તાનનાં સોશિઅલ મીડિયા સ્ટાર કંદીલ બલોચની હત્યા મુલતાનમાં તેમના ઘરમાં જ કરી દેવામાં આવી હતી.

યૂ ટ્યૂબ પર બોલ્ડ ગીત અને વીડિયો પોસ્ટ અપલોડ કરીને પાકિસ્તાનના રૂઢીવાદી સમાજને પડકારનારાં કંદીલની હત્યા તેના ભાઈએ જ કરી હતી.

તેની તરત જ ધરપકડ પણ કરી લેવાઈ હતી. પરંતુ હવે એક વર્ષ બાદ આ મામલે એક નવો વળાંક આવ્યો છે.

ધાર્મિક ગુરુ મુફ્તી કવિ આ મામલા સાથે સંકળાયેલા હોવાનો આરોપ લાગ્યો છે અને તેમની ધરપકડ કરાઈ છે.

તમને આ પણ વાંચવું ગમશે

મુફ્તી કવિ કંદીલની હત્યાના થોડા દિવસ પહેલા જ તેમને મળ્યા હતા.


કોણ હતાં કંદીલ બલોચ?

Image copyright Getty Images
ફોટો લાઈન 2013માં કંદીલે સોશિઅલ મીડિયા પર બોલ્ડ વીડિયો-તસવીરો પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું

કંદીલ પંજાબના એક નાના ગામનાં વતની હતાં. વર્ષ 2013માં તેમણે સોશિઅલ મીડિયા પર પોતાની વીડિયો અને બોલ્ડ તસવીરો પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું.

થોડા સમયમાં જ કંદીલ પાકિસ્તાનના મુસ્લિમ સમાજમાં રૂઢીવાદી લોકોની વચ્ચે ચર્ચિત અને વિવાદાસ્પદ ચહેરો બની ગયાં.

તેમને પાકિસ્તાનનાં કિમ કાર્દિશ્યન તરીકે પણ ઓળખવામાં આવતાં હતાં.

જો કે ઘણા લોકો કંદીલના સમર્થક પણ હતા. તે લોકો સમજતા કે કંદીલ સમાજની રૂઢીઓને તોડી શકે છે.

તેમનાં સમર્થકોએ ઘણી વખત તેમને ચેતવણી પણ આપી હતી કે તેમની હત્યા થઈ શકે છે.


કોણ છે મુફ્તી કવિ અને કંદીલ સાથે શું છે સંબંધ?

Image copyright Getty Images
ફોટો લાઈન જૂન 2016માં મુફ્તી અને કંદીલ એક શોમાં હાજર હતા

અબ્દુલ કવિ પાકિસ્તાનના જાણીતા ધાર્મિક વિદ્વાન છે. તેમના સંબંધ ઘણા રાજનેતાઓ સાથે પણ છે.

તે પાકિસ્તાન સરકારની 'મૂન સાઇટીંગ' કમિટી એટલે કે રોયતે હિલાલ કમિટીના સભ્ય હતા.

આ કમિટી ચંદ્રને જોઈને ઇસ્લામિક તહેવારોની તારીખો નક્કી કરે છે.

મુફ્તીને ઘણા ટીવી કાર્યક્રમોમાં ચર્ચા માટે પણ બોલાવવામાં આવતા હતા.

જૂન 2016માં પણ આ જ પ્રકારના એક કાર્યક્રમમાં મુફ્તી કવિ અને કંદીલ હાજર હતાં. કંદીલ એ ચર્ચામાં વીડિયો લિંકના માધ્યમથી જોડાયેલાં હતાં.

એ કાર્યક્રમમાં તેમની એક ઑનલાઇન પોસ્ટનાં મામલે ચર્ચા ચાલી રહી હતી.

ચર્ચા દરમિયાન જ મુફ્તીએ કંદીલને કરાંચીમાં મળવાનું નિમંત્રણ આપી દીધું હતું.

થોડા અઠવાડીયા બાદ કંદીલે મુફ્તી સાથે 20 જૂનના રોજ મુલાકાત કરી અને તેમની સાથે લીધેલી ઘણી સેલ્ફી પણ ફેસબુક પર પણ પોસ્ટ કરી નાખી.


વાઇરલ સેલ્ફીનો વિવાદ

ફોટો લાઈન 20 જૂનના રોજ કંદીલ-મુફ્તીની મુલાકાત થઈ હતી જ્યારબાદ કંદીલે સેલ્ફી વાયરલ કરી હતી

આ પોસ્ટ્સ એટલી વાઇરલ થઈ હતી કે મુફ્તીએ પણ લોકોની ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

સૌથી ખરાબ વાત એ હતી કે આ ઘટનાક્રમ રમઝાન મહિનામાં સર્જાયો હતો.

આ પવિત્ર મહિનામાં મુસ્લિમ સમાજના લોકો આખો દિવસ ઉપવાસ કરે છે. લોકો બીજી મહિલાઓ તરફ નજર પણ ઊંચી નથી કરતા.

આ વિવાદ બાદ મુફ્તીને મૂન સાઈટીંગ કમિટીમાંથી બરતરફ કરી દેવાયા હતા.


કોર્ટમાં છે મામલો

Image copyright AFP
ફોટો લાઈન કંદીલની હત્યાના ગુનાની તેના ભાઈ વસીમે કબૂલાત કરી હતી

મૌલવીને મળ્યા બાદ માત્ર એક મહિનાની અંદર કંદીલની હત્યા કરી દેવાઈ હતી.

કંદીલના ભાઈ વસીમે હત્યાના આરોપની કબૂલાત કરી હતી. તેણે કહ્યું હતું કે કંદીલ પરિવારનું નામ બદનામ કરી રહી હતી અને તેના કારણે આ હત્યા કરી હતી.

વસીમ સિવાય અન્ય બે લોકોની પણ હત્યાના આરોપસર ધરપકડ કરાઈ હતી. જો કે ત્રણેયને જામીન પર છોડી દેવાયા છે.

આ વચ્ચે કંદીલના પરિવારે મુફ્તી અબ્દુલ કવિ પર પણ હત્યા માટે ઉશ્કેરણી કરવાના આરોપ લગાવ્યા છે.

કંદીલના પરિવારનું કહેવું છે કે મૌલવીનો બધી જગ્યાએ પ્રભાવ હતો અને તેમના સમર્થકો પણ ઘણા હતા.


હત્યા માટે ઉશ્કેરણીનો આરોપ

Image copyright Getty Images
ફોટો લાઈન મુફ્તી પર કંદીલની હત્યા માટે તેના ભાઈની ઉશ્કેરણી કરવાનો આરોપ છે

પોતાની શક્તિ અને પદનો પ્રયોગ કરીને મુફ્તીએ તેના ભાઈની એમ કહીને ઉશ્કેરણી કરી કે કંદીલના કારણે તેના પરિવારનું અપમાન થયું છે અને તેને મારી નાખવી જોઈએ.

બીજી તરફ મુફ્તીએ હંમેશા આ આરોપો નકાર્યા છે અને કોઈ પણ પ્રકારની મદદ કરી હોવાનો ઇન્કાર કરી દીધો હતો.

12 ઑક્ટોબરે રોજ મુલતાનની એક કોર્ટ મુફ્તીને કોર્ટમાં હાજર રહેવા વોરંટ જાહેર કર્યું હતું.

આ જ નાટકીય ઘટનાક્રમમાં જ્યારે મુફ્તીને કોર્ટમાંથી જામીન ન મળ્યા તો તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. જો કે ત્યારબાદ પોલીસે તેમની ધરપકડ પણ કરી લીધી હતી.


પાકિસ્તાનમાં લોકો શું વિચારે છે?

Image copyright Getty Images
ફોટો લાઈન પાકિસ્તાની મીડિયામાં આજે પણ કંદીલની ચર્ચા થાય છે

કંદીલની હત્યાને એક વર્ષ કરતા વધારે સમય વીતી ગયો છે. પરંતુ હજી પણ પાકિસ્તાનનાં મીડિયામાં કંદીલની ચર્ચા થાય છે.

બે વખત ઑસ્કર વિજેતા શર્મીન ઓબૈદ ચિનૉય કંદીલના જીવન પર એક ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ પણ બનાવી રહ્યા છે.

તો એક ટીવી ચેનલ પર કંદીલ સાથે જોડાયેલો એક કાર્યક્રમ 'ધ રિબેલ' પ્રસારિત કરવામાં આવી રહ્યો છે.

આ સમગ્ર મામલે કોર્ટ શું નિર્ણય લે છે તેમાં તો હાલ સમય લાગશે, પરંતુ મૌલવીની ધરપકડ બાદ મુદ્દો ફરી એક નવો વળાંક લઈ રહ્યો છે.

કંદીલના સમર્થક તેમને ઉદારવાદ માટે એક 'શહીદ'ના રૂપમાં જોવા લાગ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા