શિંજો એબે આપશે ઉત્તર કોરિયા સંકટને પ્રાથમિકતા

કોઈ કાર્યક્રમમાં જાપાનના વડાપ્રધાન શિંજો એબે Image copyright Getty Images
ફોટો લાઈન શિંજો એબેનું ધ્યેય જાપાન સામેના મોટા પડકાર ઉત્તર કોરિયા સામે લડવાનું છે

જાપાનમાં યોજાયેલી મધ્યસત્ર ચૂંટણીઓના પરિણામોમાં વડાપ્રધાન શિંજો એબેની પાર્ટી જંગી બહુમત સાથે વિજય થયો છે.

જે અનુસાર શિંજો એબેએ બે તૃતીયાંશની જંગી બહુમતી મેળવી છે.

આ જીત જાપાનનાં યુદ્ધવિરોધી અને શાંતિવાદી બંધારણમાં સુધારો કરવાની તેમની મહત્વાકાંક્ષા માટે ઘણી મહત્વપૂર્ણ નિવડશે.

તમને આ પણ વાંચવું ગમશે

શિંજો એબેએ નિયત સમય કરતાં એક વર્ષ પહેલાં ચૂંટણી કરાવવા પાછળનું કારણ જણાવ્યું હતું, "દેશ જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે તેની વચ્ચે જનાધાર વધારવો જરૂરી હતો."

ટોક્યોમાં બીબીસી રિપોર્ટર રૂપર્ટ વિન્ગફિલ્ડ હેઝ જણાવે છે કે એબેની આ જીત ઉત્તર કોરિયા તરફથી છોડવામાં આવેલી મિસાઇલ્સને પણ આભારી ગણી શકાય.

લોકલ ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે, એબેની સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક અને કોમેઇતો પાર્ટી સાથેના ગઠબંધનને જાપાનની સંસદના નીચલા ગૃહમાં 465માંથી 312 બેઠકો મળી છે.

Image copyright Getty Images
ફોટો લાઈન શિંજો એબે બનશે સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનાર જાપાનના વડાપ્રધાન

એક્ઝિટ પૉલ્સ બાદ પબ્લિક બ્રોડકાસ્ટર એનએચકે સાથે વાત કરતા શિંજો એબેએ કહ્યું "જે રીતે ચૂંટણીમાં વચન આપ્યું હતું તે મુજબ ઉત્તર કોરિયાના સંકટ પર કામ કરવાની મારી પ્રાથમિક્તા રહેશે."

આ જીત સાથે શિંજો એબેને તેમની પાર્ટીના નેતા તરીકે મુદત લંબાવવાની હવે તક મળી ગઈ છે.

આવતા સપ્ટેમ્બરમાં યોજાનારી પાર્ટીની આંતરિક ચૂંટણીમાં તેમને ત્રીજી વખત ત્રણ વર્ષ માટે નેતાપદે ચૂંટવામાં આવે તેવી શક્યતા છે.

આ રીતે શિંજો એબે જાપાનના સૌથી લાંબા સમય સુધીનો કાર્યકાળ પૂર્ણ કરનારા વડાપ્રધાન બનશે.

શિંજો એબે વડાપ્રધાન તરીકે પ્રથમ વખત 2012માં ચૂંટાઈ આવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા