પ્રીતી પટેલે રોંહિગ્યા શરણાર્થીઓના મુદ્દે ભારતની ટીકા કરી

પ્રીતિ પટેલ
ઇમેજ કૅપ્શન,

રોહિંગ્યા શરણાર્થી સંકટ મામલે પ્રીતિ પટેલે ભારત સરકારની ટીકા કરી છે

ગુજરાતી મૂળનાં અને બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મેના કેબિનેટનાં મંત્રી પ્રીતિ પટેલે રોહિંગ્યા મામલે ભારતનાં વલણની ટીકા કરી છે.

તેમણે જણાવ્યાં અનુસાર રોહિંગ્યા મામલે ભારતે જે વલણ અપનાવ્યું છે, તે અયોગ્ય છે. ભારતની સરકારે રોહિંગ્યા મુસ્લિમોને દેશની સુરક્ષા માટે હાનિકારક ગણાવ્યા હતા અને તેમને પોતાના દેશ પરત ફરવા આદેશ આપ્યો હતો.

પ્રીતિ પટેલ થેરેસા મેની કેબિનેટમાં ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટનાં સેક્રેટરી ઑફ સ્ટેટ છે.

તેમણે રોહિંગ્યા મામલે ભારત સરકારની ટીકા કરી, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યાં છે.

રોહિંગ્યા સંકટ મામલે યુકેએ લીધા યોગ્ય પગલાં

ઇમેજ કૅપ્શન,

રોહિંગ્યા શરણાર્થી સંકટ મામલે પ્રીતિ પટેલે ભારતનું વલણ અયોગ્ય ગણાવ્યું છે

બીબીસી સાથે વાતચીત દરમિયાન પ્રીતિ પટેલે કહ્યું કે રોહિંગ્યા શરણાર્થીઓના સંકટ મામલે યુકેએ યોગ્ય પગલાં લીધા છે પણ ભારતનું જે વલણ છે તે અયોગ્ય છે.

પ્રીતિ પટેલે કહ્યું, "એ વિસ્તારમાં શું પરિસ્થિતિ છે તે જૂઓ. આશરે પાંચ લાખ કરતા વધારે લોકો છે જેમના પર અત્યાચાર થઈ રહ્યો છે.”

તેમણે વધુમાં કહ્યું, “રખાઈન વિસ્તારમાં વંશવાદ જોવા મળી રહ્યો છે. લોકો કોઈને કોઈ કારણોસર ત્યાંથી ભાગી રહ્યા છે."

મોદીએ ભારતનાં અર્થતંત્રને મજબૂત બનાવ્યું

ઇમેજ કૅપ્શન,

પ્રીતિ પટેલે વડાપ્રધાન મોદીને દુનિયાને ભારતની નવી છબી બતાવવાનારા પ્રેરણાદાયી નેતા ગણાવ્યા

ઇન્ટરવ્યૂ દરમિયાન રોહિંગ્યા સંકટ સિવાય પ્રીતિ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે પણ વાત કરી હતી અને તેમનાં વખાણ કર્યા હતાં.

પ્રીતિ પટેલે જણાવ્યું, "વડાપ્રધાન મોદી વિશ્વને ભારતની નવી તસવીર દેખાડનારા એક પ્રેરણાદાયી વ્યક્તિ છે. તેમની વાત આજે આંતરરાષ્ટ્રીય સ્તર પર સમગ્ર દુનિયા સાંભળે છે."

તમને આ પણ વાંચવું ગમશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વનું ભ્રમણ કરી ભારતનાં અર્થતંત્રને જે રીતે મજબૂત બનાવ્યું છે, તેનાં પણ પ્રીતિ પટેલે વખાણ કર્યાં હતાં.

જો કે ભારતમાં હાલ વિકાસ મામલે વડાપ્રધાન મોદીની ટીકા થઈ રહી છે. તે મામલે પ્રીતિ પટેલે જણાવ્યું કે નેતાઓ સહેલાઈથી ટીકાનો ભોગ બની જાય છે.

તેમણે ઉમેર્યું કે, "નેતાઓને ક્યારેય એ સારા કામ માટે યાદ નથી કરવામાં આવતા, જે કામથી તેમણે દેશમાં ફેરફાર લાવ્યો હોય અને પોતાના દેશને દુનિયામાં એક મજબૂત સ્થાન અપાવ્યું હોય."

થેરેસા મેનાં વખાણ

ઇમેજ કૅપ્શન,

બ્રિટિશ સરકારમાં કામ કરવાને પ્રીતિ પટેલ એક મોટી તક બતાવે છે

બ્રેક્ઝિટ પર વાત કરતા પ્રીતિ પટેલે બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મેનાં પણ વખાણ કર્યા હતા.

પ્રીતિ પટેલે કહ્યું, "એવા દેશની સરકારમાં કામ કરવું એ એક તક છે કે જ્યાં ભારતને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવે છે."

બ્રિટિશ રાજનીતિમાં કેવી રીતે મૂક્યો પગ

ઇમેજ કૅપ્શન,

પ્રીતિ પટેલ એક ગુજરાતી દુકાનદારનાં દીકરી છે

બીબીસી સાથે વાતચીત દરમિયાન પ્રીતિ પટેલે તેમનાં બ્રિટિશ રાજનીતિ સુધીના પ્રવાસની પણ વાત કરી. પ્રીતિ પટેલ એક ગુજરાતી દુકાનદારનાં દીકરી છે.

તેમણે કહ્યું, "એક દુકાનદારની દીકરી બ્રિટનની રાજનીતિમાં પગ મૂકે તે વાત થોડી અસામાન્ય છે. હું કોઈ એવા પરિવારથી નથી આવી જેને રાજકારણમાં પ્રવેશ માટે કોઈ વિશેષ અધિકાર મળેલો હોય."

તેમણે ઉમેર્યું, "હું એવા અનેક ભારતીયો અને ગુજરાતીઓ જેવી જ છું કે જે અહીં પૂર્વ આફ્રિકાથી આવ્યા હતા. મારા માતા પિતા જ્યારે અહીં આવ્યા ત્યારે તેમની પાસે કંઈ જ ન હતું. તેમણે જીવનમાં ઘણા ભોગ આપીને અમને મોટાં કર્યાં છે."

પ્રીતિ પટેલ થેરેસા મેના કેબિનેટમાં મંત્રી બન્યાં છે, તેમાં માતા પિતાનું મહત્વનું યોગદાન છે.

હવે આગળ શું ? જો તેમને સરકારમાં હજુ ઊંચું સ્થાન મળે તો તેઓ તેનો સ્વીકાર કરશે? જો તેમને વડાપ્રધાન બનવાની તક મળે તો?

આ સવાલના જવાબમાં પ્રીતિ પટેલે કહ્યું, "આવતીકાલ આપણી માટે શું લઈને આવે છે તે કોઈને ખબર નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો