રમતગમત ક્ષેત્રમાં મહિલા-પુરુષોની આવકમાં તફાવત કેટલો?

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
સ્પૉર્ટ્સની દુનિયામાં મહિલાઓનો રૂચિ ઓછી કેમ?

ફોર્બ્સની સૌથી વધુ કમાતા 100 ઍથ્લીટની યાદીમાં એકમાત્ર મહિલા સેરેના વિલિયમ્સનો સમાવેશ છે. સેરેના પણ છેક એકાવનમા નંબરે છે.

તેમની કમાણી 66 મિલિયન ડોલર એટલે કે લગભગ 430 કરોડ રૂપિયા છે. આ કમાણી ફોર્બ્સની યાદી પ્રમાણે સૌથી વધુ કમાતા ખેલાડી ક્રિસ્ટિઆનો રોનાલ્ડો કરતાં ઘણી ઓછી છે.

અમેરિકાની મહિલા ફૂટબોલ ટીમે 2015માં વિશ્વ કપ જીત્યો હતો. આ જીતથી ટીમને બે મિલિયન ડોલર એટલે કે લગભગ 13 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું હતું.

જ્યારે આ જ ટૂર્નામેન્ટના પુરુષ વિજેતાઓને 35 મિલિયન ડોલર એટલે કે લગભગ 227 કરોડ રૂપિયા મળ્યા હતા.

તમને આ પણ વાંચવું ગમશે

આવા તો લિંગભેદના કેટલાંય ઉદાહરણ છે. રમતગમતના વિશ્વમાં આ તફાવત દાયકાઓથી ચાલ્યો આવે છે.

તાજેતરના સંશોધન મુજબ મહિલા અને પુરુષ ઍથ્લીટ વચ્ચેની આવક અસમાનતા છેલ્લા કેટલાક વર્ષોમાં ઓછી થઈ છે.

Image copyright GETTY IMAGES
ફોટો લાઈન 'રમતજગત ઘણું જ પુરુષપ્રધાન છે. કેટલીક રમતોમાં અસમાનતા તો આઘાતજનક છે.'

83 ટકા જેટલી રમતોમાં હવે મહિલા અને પુરુષોને સમાન ઇનામી રકમ મળે છે. આ આંકડો બીબીસી સ્પોર્ટ્સે જૂનમાં બહાર પાડેલા 68 અલગઅલગ શાખાઓના અભ્યાસમાંથી જાણવા મળ્યો હતો.

છેલ્લા ત્રણ વર્ષમાં મહિલાઓની કમાણીમાં વધારો થયો છે. 44 સ્પોર્ટ્સ ઍવૉર્ડ્માંથી 35 ઍવૉર્ડ્માં એકસરખી ઇનામી રકમ આપે છે.

આ એક સારી નિશાની કહી શકાય. ગત વર્ષોની વાત કરીએ તો 2014માં સ્પોર્ટ્સની 70 ટકા ઇનામી રકમમાં કોઈ લિંગભેદ ન હતો.

જ્યારે 1973માં એક પણ રમતની ઇનામી રકમ એકસરખી ન હતી.

યુએન વીમેનના એક નિવેદનમાં કહેવાયું છે કે ભૂતકાળના કોઈપણ સમય કરતાં આજે મહિલાઓની સ્પોર્ટ્સમાં હાજરી વધુ જોવા મળે છે.

નિષ્ણાતો જણાવે છે કે આ ફેરફાર ઘણો ધીમો છે એટલે જ ટોચના સ્તરે આ સમાનતા લાવવાની સફર લાંબી છે.

ઍડવકસિ ગ્રૂપ વીમેન ઓન બોર્ડ્સના મેનેજિંગ ડિરેક્ટર ફિઓના હૅથોર્ન જણાવે છે "આપણે આ દિશામાં પ્રગતિ પર છીએ, પરંતુ એ ઘણી જ ઠંડી પ્રગતિ છે."

તેઓ કહે છે કે રમતજગત ઘણું જ પુરુષપ્રધાન છે. કેટલીક રમતોમાં અસમાનતા તો આઘાતજનક છે.

Image copyright GETTY IMAGES
ફોટો લાઈન ફૂટબોલ સિવાય ક્રિકેટની રમતમાં પણ મહિલાની આવક ઘણી ઓછી છે

ક્રિકેટ, ગોલ્ફ અને ફૂટબોલમાં તો ઘણી જ અસમાનતા છે. એ જ રીતે ડાર્ટ્સ, સ્નૂકર અને સ્ક્વૉશ રમતોમાં આવી જ અસમાનતા જોવા મળે છે.

PwCના અંદાજ પ્રમાણે 145.3 બિલિયન ડોલરના વૈશ્વિક સ્પોર્ટ્સ બિઝનેસમાં અને મહિલા તેમજ પુરુષોને ચૂક્વાતા વેતનમાં ઘણી અસમાનતા છે.

યુએન વીમેનના સ્પોર્ટ્સ પાર્ટનરશીપ મેનેજર બૅટ્રાઇસ ફ્રે કહે છે "મને નથી લાગતું કે બીજા કોઈપણ ક્ષેત્રે આટલો મોટો કમાણીનો તફાવત હશે."

બૅટ્રાઇસ કહે છે કે દેશ અને રમતને ધ્યાને લેતા પુરુષ અબજોપતિ બની શકે છે પણ મહિલાને લઘુત્તમ પગાર પણ નથી મળતો.


સૌથી ખરાબ પરિસ્થિતિ

Image copyright GETTY IMAGES
ફોટો લાઈન રિઅલ મેડ્રિડને ગત ચેમ્પિયન્સ લીગમાં 18 મિલિયન ડોલરની ઇનામી રકમ સામે મહિલા ટીમને ત્રણ લાખ ડોલર જ મળ્યા હતા

મલ્ટિ બિલિયનના પ્રોફેશનલ ફૂટબોલ ક્ષેત્રમાં પુરુષ અને મહિલા વચ્ચેના કમાણીમાં તફાવત દરેક સ્તરે જોવા મળે છે.

વીમેન ઓન બોર્ડ્સના તાજેતરના અભ્યાસમાં તારવવામાં આવ્યું છે કે યુએસની મહિલા ફૂટબોલ ટીમને ઇનામી રકમ પુરુષ ટીમ કરતાં ઓછી મળે છે.

એટલું જ નહીં જે પુરુષોની ટીમ પહેલી જ નૉકઆઉટ મેચમાં હારી ગઈ તેમના કરતાં પણ તેમને ઓછો પગાર મળે છે.

જ્યારે કુલ ચૂકવણીની વાત કરીએ તો આ તફાવત ઘણો જ વધારે છે. 'ફીફા' દ્વારા આ બન્ને ટૂર્નામેન્ટમાં ઇનામી રકમ અપાય છે તેમાં તફાવત સ્પષ્ટ દેખાય છે.

ફૂટબોલની મહિલા વિજેતા ટીમને ફીફા 15 મિલિયન ડોલર એટલે કે લગભગ 98 કરોડ રૂપિયા આપે છે.

જ્યારે પુરુષ વિજેતા ટીમની ઇનામી રકમ આશરે 40 ગણી વધારે (576 મિલિયન ડોલર એટલે કે લગભગ 3745 કરોડ રૂપિયા) છે.

લૅડબ્રોક્સ સ્પોર્ટ્સ મુજબ ઇંગ્લેન્ડના પુરુષ ફૂટબોલ ટીમના કેપ્ટન વૅયન રૂની ચાર લાખ ડોલર એટલે કે લગભગ બે કરોડ સાઠ લાખ રૂપિયા દર અઠવાડિયે કમાય છે.

બીજી તરફ મહિલા ટીમના કેપ્ટન સ્ટેફ હ્યુટન દર અઠવાડિયે 1500 ડોલર એટલે કે લગભગ 97 હજાર પાંચસો રૂપિયા કમાય છે.

આવો જ તફાવત અન્ય પ્રોફેશનલ સ્પોર્ટ્સમાં પણ દેખાય છે. ગોલ્ફની યુએસ ઓપનમાં પુરુષોને 1.5 મિલિયન ડોલર એટલે કે લગભગ 9 કરોડ 75 લાખ રૂપિયા મળે છે. જે મહિલાઓ કરતા બમણી રકમ છે

2015માં પ્રોફેશનલ મહિલા અને પ્રોફેશનલ પુરુષ ગોલ્ફમાં સૌથી યુવા ખેલાડી ન્યૂ ઝીલૅન્ડની લિડા કો બન્યા હતાં.

લિડાની વાત જો કરવામાં આવે તો ન્યૂઝવીકના અંદાજ પ્રમાણે એ જ વર્ષે પીજીએ ટૂર(પ્રોફેશનલ ગોલ્ફ ટૂર)ના 25મા નંબરના પુરુષ ખેલાડી કરતા પણ તે ઓછું કમાયાં.

ક્રિકેટની વાત કરીએ તો વિશ્વ કપમાં મહિલા ટીમ કરતાં પુરુષ ટીમ લગભગ સાત ગણી વધારે ઇનામી રકમ મળે છે.

વિશ્વની ખ્યાતનામ પુરુષ અને મહિલા બાસ્કેટબોલ લીગ NBA અને WNBAમાં આ જ તફાવત જોવા મળે છે.


'પુરુષોની ક્લબ'

Image copyright Getty Images
ફોટો લાઈન લેબ્રોન જેમ્સ ફોર્બ્સ પ્રમાણે દુનિયાના બીજા સૌથી વધુ કમાતા ખેલાડી છે

નિષ્ણાતો મુજબ આ સમાનતા મેળવવા સમાન ઇનામ, સ્પૉન્સરશિપ અને કરારની શરતો પણ સમાન કરવી પડશે.

ટેનિસમાં એમાં પણ ખાસ કરી વર્ષની ચાર મોટી ગ્રાન્ડ સ્લૅમમાં 2007થી પુરુષો અને મહિલાઓને સમાન ચૂકવણી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

પરંતુ ટોચના પુરુષ ખેલાડીઓ સારી સ્પૉન્સરશિપને કારણે વાર્ષિક વધુ જ કમાય છે એટલે જ ફોર્બ્સની સૌથી વધુ કમાતા 100 ખેલાડીઓની યાદીમાં ફક્ત એક સેરેના વિલિયમ્સ જ મહિલા છે.

જૂનમાં જ્યારે ફોર્બ્સની આ યાદી જાહેર થઈ ત્યારે ફોર્બ્સના સ્પોર્ટ્સ રિપોર્ટર કર્ટ બેડનહૌસને આ યાદીને 'પુરુષોની ક્લબ' ગણાવી હતી.

"મારિયા શારાપોવાના ઇન્ડૉર્સમેન્ટમાં ઘટાડો થવાથી તે આ યાદીમાં સ્થાન મેળવી શક્યાં ન હતાં."

Image copyright GETTY IMAGES
ફોટો લાઈન મારિયા શારાપોવા ડ્રગ ટેસ્ટમાં ફેઇલ થતા તેમના કેટલાક ખેલ કરારો રદ કરાયા હતા

આ ટોચના સો ખેલાડીઓની 29 ટકા જેટલી કમાણી આ પ્રકારે થતી હોવાનું ફોર્બ્સનો પાઈ ચાર્ટ કહે છે.

રોનાલ્ડો 58 મિલિયન ડોલર એટલે કે લગભગ 377 કરોડ રૂપિયા પગાર અને બોનસ મેળવે છે.

આ સિવાય સ્પોન્સર્સ, કરારો અને બાકીની તેની આવક 35 મિલિયન ડોલર એટલે કે લગભગ 227 કરોડ રૂપિયા છે.

ગોલ્ફર ટાઇગર વુડ્સ અને દોડવીર ઉસૈન બોલ્ટની તો આ વધારાની કમાણીનો રેશિયો 90 ટકા છે.

ફ્રે કહે છે કે રમતગમત ક્ષેત્રે લિંગભેદ પાયાથી લઈને ટોચના સ્તર સુધી છે.

Image copyright GETTY IMAGES
ફોટો લાઈન નિવૃત્ત યુએસ ફૂટબોલ સ્ટાર એબી વોમબાચ

પાયાના સ્તરે મહિલાઓ પરંપરાગત પુરુષોની રમતમાં ભાગ નથી લઈ શક્તી. જે ધીરેધીરે સ્પોન્સરશિપ, પર્સનલ માર્કેટિંગ સુધી તફાવત જોવા મળે છે.

નિવૃત્તિ બાદ પણ આ ટ્રેન્ડ જોવા મળે છે.

હૅથ્રોન કહે છે "નિવૃત્ત મહિલા ખેલાડી માટે વધારે મુશ્કેલી હોય છે. તે વધુ કમાઈ નથી હોતી એટલે તેની પાસે પેન્શન, ઘર જેવી કોઈ સુરક્ષા નથી હોતી."

"મહિલાઓની મહત્ત્વાકાંક્ષા સામે આ જ મોટો સવાલ છે કે જો તેમનું ભવિષ્ય આવું છે તો શા માટે તે ઍથ્લીટ બનવા માંગે છે?"


પુરુષ મહિલાઓ વચ્ચે તફાવત

Image copyright Hulton Archive
ફોટો લાઈન વર્ષ 1900માં બ્રિટિશ શારલોટ કૂપર સ્ટેર્ની પ્રથમ મહિલા ઑલિમ્પિયન ચેમ્પિયન બન્યાં

આ તફાવતની શરૂઆત મૉર્ડન સ્પોર્ટ્સથી જ થઈ હોઈ શકે. અલગઅલગ સમાજે 'સશક્ત પુરુષો'ની સાથે શારીરિક તાલીમને જોડી દીધી હતી.

જેમાં મહિલાઓને નરમ અને સંવેદનશીલ માનવામાં આવી હતી.

મૉર્ડન ઑલિમ્પિક રમતોના પિતા પિયરે દે કોબર્ટિને મહિલા રમતોને આંખો માટે સુંદર ન હોવાનું કહ્યું હતું. તેમના મતે આ સ્પર્ધા અવ્યવહારુ, અયોગ્ય તેમજ રસ વગરની છે.

જોકે, વર્ષ 1900 બાદ કેટલીક મહિલા ઍથ્લીટ્સને ભાગ લેવા દેવામાં આવ્યો હતો.

મહિલાઓ ત્યારે ફક્ત 1500 મીટર રેસમાં જ ભાગ લઈ શકતી હતી, કારણ કે આ સિવાયની લાંબી ઇવેન્ટ માટે શારીરિક રીતે તેમને સક્ષમ માનવામાં નહોતી આવતી.

દરેક ઑલિમ્પિક રમતમાં એક મહિલા સ્પર્ધકના પ્રતિનિધિત્વ માટે 2012 સુધીનો સમય લાગ્યો હતો.

લંડનમાં 2012માં યોજાયેલા ઑલિમ્પિક રમતોત્સવમાં દરેક સ્પર્ધામાં ઓછામાં ઓછી એક મહિલાએ તો ભાગ લીધો હતો.

Image copyright Getty Images
ફોટો લાઈન આંકડા કહે છે કે 49 ટકા કિશોરીઓ તરુણાવસ્થા પહેલા જ સ્પોર્ટ્સ છોડી દે છે

રમતગમત ક્ષેત્રે મહિલા અને પુરુષોની આવકમાં અસમાનતા સ્પર્ધામાં મહિલા અને પુરુષોના પ્રતિનિધિત્વમાં અસમાનતાને કારણે પણ છે.

ઍડવકસિ ગ્રૂપ વીમેન ઇન સ્પોર્ટ્સના સીઇઓ રુથ હોલ્ડવૅ કહે છે "સ્પર્ધામાં મહિલાઓનું પ્રતિનિધિત્વની સમસ્યાની શરૂઆત સ્કૂલના દિવસોથી થાય છે"

આંકડા કહે છે કે 49 ટકા કિશોરીઓ તરુણાવસ્થા પહેલા જ સ્પોર્ટ્સ છોડી દે છે.


ટીવીમાં મહિલા રમતો

Image copyright GETTY IMAGES
ફોટો લાઈન મોટાભાગના ખેલાડીઓની આવક પાછળ મીડિયા હક્કો હોય છે

મહિલા પુરુષોની આવકમાં મોટો તફાવત રમતગમત ક્ષેત્રના વ્યાપારીકરણની જ ઊપજ છે. જેમાં મીડિયા હક્કો પણ મોટો ભાગ ભજવે છે.

મિનેસોટા યુનિવર્સિટીના ટકર સેન્ટરના 2014ના ગર્લ્સ એન્ડ વીમેન ઇન સ્પોર્ટ્સ પરના અભ્યાસ મુજબ મહિલા સ્પોર્ટ્સને ફક્ત ચાર ટકા જ મીડિયા કવરેજ મળે છે.

જ્યારે કે રમતગમત ક્ષેત્રે 40 ટકા મહિલા ખેલાડીઓ છે.

ટકર સેન્ટરના ડિરેક્ટર મેરી જો કેન મુજબ આટલા ઓછા ઓન એર સમયમાં પણ તેમને મેદાન બહાર અને યુનિફોર્મ વગર વધારે બતાવવામાં આવે છે.

એટલે લોકો એ દલીલો કરે છે કે મહિલાઓ ઓછું કમાય છે કારણ કે મહિલા રમતો ઓછી લોકપ્રિય છે અને તે જોવાલાયક નથી હોતી. આ કારણે મીડિયાની આવક ન થતી હોવાનું પણ કહેવાય છે.

Image copyright Getty Images
ફોટો લાઈન રમતની દુનિયામાં ભાગ લેવામાં અને કમાણી બન્નેમાં પુરુષ અને મહિલાઓ માટે તફાવત છે

ફ્રે કહે છે કે આ એક વાજબી દલીલ નથી. તમારે પહેલા માર્કેટિંગ અને જાહેરાતો જેવા ઘણા સ્તર પર રોકાણ કરવું પડે.

"આ રીતે જ લોકોને મહિલા રમતો સાથે સાંકળી શકાય છે. ત્યારબાદ જ તમને રોકાણનું વળતર સારું મળશે."

એક નિષ્ણાત મુજબ, રમતગમત ક્ષેત્રમાં તફાવત હકીકતમાં સ્પષ્ટ રીતે લિંગભેદ જ છે.

ઉદાહરણ તરીકે આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં મહિલા ફૂટબોલ ખેલાડીઓને આર્ટિફિશિઅલ ટર્ફ પર રમાડવામાં આવતી હતી.

પુરુષો જેના પર રમતા હોય તે નેચરલ ગ્રાસ મેદાન કરતા તેની ગુણવત્તા ઓછી માનવામાં આવે છે.


સમાન ઇનામી રકમની શરૂઆત

ભલે ગતિ ઠંડી હોય પણ પરિવર્તન થઈ રહ્યું છે. આ લિંગ વચ્ચેની આવકનો તફાવત પણ ઘટી રહ્યો છે.

ટેનિસની ગ્રાન્ડ સ્લૅમ ટૂર્નામેન્ટમાં 2007થી મહિલા અને પુરુષોને સમાન ઇનામી રકમ આપવામાં આવે છે.

વિશ્વ વિજેતા બિલિ જીન કિંગ અને બીજી મહિલા ખેલાડીઓએ આ ભેદભાવ સામે લડવા મહિલાઓનું અસોસિએશન બનાવ્યું.

જેના પરિણામે 1973માં યુએસ ઓપનથી આવકમાં બદલાવની શરૂઆત થઈ હતી.

ઇન્ટરનેશનલ ઍમટર ઍથ્લેટિક ફેડરેશન(IAAF)ની વર્લ્ડ ચેમ્પિયનશીપ અને વાર્ષિક ડાયમન્ડ સીરિઝના જેન્ડર બ્લાઇન્ડ ઍવૉર્ડ સાથે પાંચ વર્ષથી ઍથ્લેટિક્સ કેસ સ્ટડી બન્યું છે.

સ્કેટિંગ, શૂટિંગ, વોલીબોલ, ડાઇવિંગ, સેલિંગ, સાઇક્લિંગ જેવી રમતોમાં સમાન ઇનામી રકમ મળે છે.

એવા પુરાવા છે કે મહિલા રમતોની ટેલિવિઝન પર માંગ વધી છે. સોશિઅલ મીડિયાએ લિંગભેદને પાછળ છોડી ઍથ્લીટને ઘણાં ખ્યાતનામ બનાવ્યા છે.

મહિલા ખેલાડીઓ પણ તેમની સાથે થતા ભેદભાવ સામે ઊભી થઈ છે.

ગત વર્ષે અમેરિકાની મહિલા ફૂટબોલ લીગના પાંચ મોટાં નામોએ યુએસ સૉકર ફેડરેશન સામે ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદ આવકમાં થતા ભેદભાવના માટે કરવામાં આવી હતી.

હોકીની ટીમે તો રમતનો જ બહિષ્કાર કર્યો હતો.

Image copyright GETTY IMAGES
ફોટો લાઈન પૂરતા વળતરની માંગ સાથે યુએસએની હોકી ટીમે રમતનો બહિષ્કાર કર્યો હતો

ઍડવોકસિ ગ્રૂપના કહેવા મુજબ હજુ આ ક્ષેત્રે ઘણું કામ કરવું પડશે. જેની શરૂઆતના ભાગરૂપે મહિલાઓને નિર્ણાયક ભૂમિકા આપવી પડશે.

વિવિધ સંસ્થાઓના બોર્ડમાં અત્યારે 30 ટકાથી ઓછાં મહિલા સભ્યો છે. રમતગમત ક્ષેત્રની વાત કરીએ તો આ રેશિયો 28 ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનમાં 18 ટકા છે.

129 નેશલન ઑલિમ્પિક કમિટીમાં તો આ રેશિયો એનાથી પણ ઓછો છે. 2014માં જે 17.6 ટકા હતો, જે ઘટી 16.6 ટકા થઈ ગયો છે.

નિષ્ણાતોના મતે નાની ઉંમરે જ થતો ભેદભાવ આ સમસ્યાનું મૂળ છે. આ સમસ્યાને ત્યાંથી જ હલ કરવાનું શરૂ કરવું જોઇએ.

હૅથ્રોન કહે છે "છોકરા-છોકરીઓ શાળા સમયથી જ સમાન સ્પોર્ટ્સ રમે. કારણ કે ત્યારે કોઈ મોટા શારીરિક તફાવત હોતા નથી."

તેમના મુજબ શાળા સમયે જો છોકરા-છોકરીઓ નાની ઉંમરે સાથે રમવાનું શરૂ કરે તો સમાજમાં મોટો બદલાવ આવી શકે છે.

Image copyright GETTY
ફોટો લાઈન છોકરા-છોકરીઓ નાની ઉંમરે સાથે રમવાનું શરૂ કરે તો સમાજમાં મોટો બદલાવ આવી શકે છે

રુથ હોલ્ડવૅ કહે છે કે આપણે જો લાંબા ગાળે પણ આ તફાવત નાબૂદ કરી શકીશું તો કિશોરીઓનું નાની ઉંમરથી જ વર્તન બદલાશે. તેમને લાગશે તેઓ પણ છોકરાઓની જેમ સ્પોર્ટ્સમાં જઈ શકે છે.

કમર્શિઅલ ઇન્ડોર્સમેન્ટ અને સ્પોન્સરશિપમાં પણ બદલાવ આ પુરુષ મહિલાઓ વચ્ચેના તફાવતને નાબૂદ કરવા જરૂરી છે.

મહિલા રમતોના પ્રમોશન માટેનું પણ એક વણખેડાયેલું બજાર છે. નિષ્ણાતો માને છે કે તે વાજબી નથી, પણ એમાં રોકાણ કરવું સારું છે.

ફ્રે આ રોકાણને દાન નહીં પણ સ્માર્ટ બિઝનેસ નિર્ણય કહે છે.

હૅથ્રોન કહે છે કે કોર્પોરેશન લિંગસમાનતામાં હવે ઘણો રસ દાખવે છે. તેઓ કહે છે કે આપણા 50 ટકા ગ્રાહકો મહિલા છે અને આપણે 99 ટકા પૈસા પુરુષોના સ્પોર્ટ્સ પાછળ ખર્ચીએ છીએ. જે યોગ્ય નથી.

Image copyright GETTY IMAGES
ફોટો લાઈન નિષ્ણાંતોના મતે પુરુષપ્રધાન રમતોમાં મહિલાઓની ભાગીદારી લિંગભેદને દૂર કરી શકે છે

આખરે નિષ્ણાતો માને છે કે સાંસ્કૃતિક બદલાવ જરૂરી છે. જેમાં મહિલાઓને 'બીજા ઍથ્લીટ' તરીકે ન જોવામાં આવે. તેમને સમાજમાં પણ 'બીજા નાગરિક' ન ગણવા જોઇએ.

હૅથ્રોન કહે છે કે 40 વર્ષ પહેલાં બિલિ જીન કિંગના પ્રયત્નો બાદ પણ આજે આપણી પાસે સ્પોર્ટ્સમાં સમાનતા નથી.

"આપણે આગળ વધી રહ્યા છીએ પણ મંજિલ દૂર છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો