પૂર્વજોના ઘર પાછા મેળવવાની હિંદુઓની આશા

બાંગ્લાદેશની એક પ્રોપર્ટીની તસવીર
ફોટો લાઈન બાંગ્લાદેશમાં સંપત્તિની માલિકીના ઓછામાં ઓછા સાત હજાર કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે

કેવું લાગે જ્યારે તમારા પૂર્વજોની મિલકત પર તમારો જ કબજો ન રહે અને તમે માત્ર તેને દૂરથી જ જોઈ શકો?

કેવું લાગે જ્યારે તમને તમારું જ ઘર પાછું મેળવવા માટે કોર્ટ-કચેરીના ધક્કા ખાવા પડે? તે માટેનો ખર્ચ પણ વધતો જતો હોય તો?

બાંગ્લાદેશમાં લઘુમતીમાં રહેલા હિંદુ પરિવારો સાથે આવું જ થયું છે.

એક જૂના કાયદા પ્રમાણે આ પરિવારોએ વર્ષો પહેલાંની પોતાની જ મિલકતો ગુમાવી છે.

કેટલાક નસીબદાર હતા કે તેમને ઘર પાછાં મળી ગયાં. પરંતુ મોટાભાગના પરિવારો હજુ ન્યાયની આશાએ બેઠા છે.


વિવાદિત કાયદો

ફોટો લાઈન બાંગ્લાદેશમાં કાયદાથી સૌથી વધારે નુક્સાન હિંદુઓને થયું

1971માં બાંગ્લાદેશના જન્મ પહેલાં 'એનિમી પ્રૉપર્ટી ઍક્ટ' નામનો એક વિવાદાસ્પદ કાયદો હતો.

જેને બાદમાં બદલીને 'વેસ્ટેડ પ્રૉપર્ટી ઍક્ટ' કરી દેવાયો હતો.

આ કાયદા અંતર્ગત સરકાર એ દરેક વ્યક્તિ કે ટ્રસ્ટની મિલકત પર કબજો કરી શક્તી હતી જેને દેશના દુશ્મન તરીકે જોવામાં આવતા હોય.

આ કાયદાથી બાંગ્લાદેશમાં લઘુમતીમાં રહેલા હિંદુઓને સૌથી વધારે નુક્સાન થયું.

કારણ કે 1947ના ભારત-પાકિસ્તાન વિભાજન અને ત્યારબાદ બાંગ્લાદેશના જન્મ સમયે લાખો લોકોએ ઘર છોડ્યાં હતાં.

કેટલાય લોકોએ પોતાની સંપત્તિ સંબંધીઓના નામે કરી દીધી હતી. આ મિલકત્તોના કેસ હજુ આજે પણ ચાલુ છે.

ફોટો લાઈન બાંગ્લાદેશના રહેવાસી કૃષ્ણકાંતની સંપત્તિનો પાંચ વર્ષથી ઉકેલ નથી આવતો

દક્ષિણ બાંગ્લાદેશમાં આવેલા શહેર ચટગાંવના રહેવાસી કૃષ્ણકાંત છેલ્લા પાંચ વર્ષોથી કોર્ટના ચક્કર કાપી રહ્યા છે.

તેમણે કહ્યું "સ્થાનિક લોકોએ મારી બે એકર જમીન પર કબજો જમાવ્યો હતો. વર્ષોથી આ મામલો કોર્ટમાં છે."

કૃષ્ણકાંત કહે છે કે સુનાવણી પર સુનાવણી થતી રહે છે પણ કોઈ જ ઉકેલ નથી આવતો.

તેમના મુજબ સરકારના હકારાત્મક વલણ અને નવા કાયદાના આવવા છતાં તેમણે સંપત્તિ પાછી મેળવવા રાહ જોવી પડી રહી છે.

ફોટો લાઈન બાંગ્લાદેશની 16 કરોડની વસ્તીમાં હિંદુઓની સંખ્યા પોણા બે કરોડ આસપાસ છે

આ કાયદો ત્યારે બન્યો જ્યારે દેશ પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતો હતો. આવો કાયદો ભારતમાં પણ આવી રહ્યો છે.

કોર્ટમાં કેટલાય એવા મામલા ચાલી રહ્યા છે જેમાં વિભાજન સમયે પાકિસ્તાન ચાલ્યા ગયેલા લોકોની સંપત્તિ સરકારી થઈ ગઈ હોય.

બાંગ્લાદેશની 16 કરોડની વસ્તીમાં હિંદુઓની સંખ્યા પોણા બે કરોડ આસપાસ છે.

સરકારી આંકડા પ્રમાણે બાંગ્લાદેશના જન્મ વખતે આ ટકાવારી ઘણી ઊંચી હતી.

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એવી પ્રૉપર્ટી શોધવી સરળ છે કે જેની માલિકી પર વિવાદ હોય.

અસલી સમસ્યા ત્યારે આવે છે જ્યારે લઘુમતીના લોકોને તેના પર વાત કરવાનું કહેવામાં આવે. મોટાભાગના લોકો વાત કરવાની ના પાડી દે છે.

મેં દિનાજપુર, ગોપાલગંજ, સિલહટ અને જશોર જેવા શહેરોમાં કેટલાંય લોકો સાથે વાત કરવાની કોશિશ કરી. પરંતુ બધા જ લોકોએ નામ ન લેવાની શરતે વાત કરી.


વિવાદિત માલિકીના કેટલાય મામલા

ફોટો લાઈન નિવૃત્ત ડેપ્યૂટી જિલ્લા મેજિસ્ટ્રેટ ડી એલ ચૌધરી પણ એક કેસ લડી રહ્યા છે

ડી એલ ચૌધરી નિવૃત્ત ડેપ્યૂટી જિલ્લા મેજિસ્ટ્રેટ છે. તેમની સાથે ઢાકાના શંકરી બજારમાં મુલાકાત થઈ.

તેઓ એ વિસ્તારના સૌથી મોટા મંદિર ટ્રસ્ટના સભ્ય હોવાના નાતે આવો જ એક કેસ લડી રહ્યા છે.

તેઓ કહે છે કે અમને આશા તો ઘણી છે. પરંતુ કમનસીબે તંત્રમાં ઉપરથી નીચે સુધી કેટલાય લોકો ખરીદાયેલા છે.

"આવા લોકો જ્યારે પોતાની સત્તાનો ઉપયોગ નથી કરતા ત્યારે ના છૂટકે અમારે કોર્ટનાં દ્વાર ખટખટાવવાં પડે છે."

જાણકારો કહે છે કે આ પ્રકારના ઓછામાં ઓછા સાત હજાર કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે.

બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતે પણ કેટલાય નિર્ણયો હિંદુઓના પક્ષમાં આપ્યા છે અને જૂના કાયદાઓમાં સંશોધન પણ કર્યાં છે.

પરંતુ મોટાભાગના મામલામાં હજુ પણ ગેરકાયદે કબજો કરવાની ફરિયાદો એમની એમ છે.


મામલામાં વધુ સમય

ફોટો લાઈન બાંગ્લાદેશના કાયદામંત્રી અનીસુલ હકે બીબીસી સાથે વાત કરી

બાંગ્લાદેશના કાયદામંત્રી અનીસુલ હકે બીબીસી સાથેની વાતચીતમાં એ વાત માની કે ઘણા મામલામાં બહુ સમય લાગી રહ્યો છે.

તેમણે કહ્યું કે મેં આદેશ આપ્યા છે કે એ વિવાદિત સંપત્તિઓ તેમને સોંપવામાં આવે જેમના પક્ષમાં કોર્ટે નિર્ણય આપ્યા છે.

અનીસુલ હક મુજબ તેઓ એવી સિસ્ટમ પર પણ કામ કરી રહ્યા છે જેનાથી આ માટેના અવરોધો દૂર થાય.

કાયદામંત્રી કહે છે કે વર્ષો સુધી આ મામલાની ગતિ ધીમી રહી છે. એટલે થોડો તો સમય લાગશે.

"અમારી પૂરી કોશિશ છે કે અમે તેને ઠીક કરીએ અને ત્રણથી ચાર મહિનામાં તમે પરિણામ જોઈ શક્શો."

ઘર ગુમાવવાનું દુ:ખ સ્વજનને ગુમાવવાથી ઓછું નથી. દર્દ ત્યારે વધી જાય છે જ્યારે કોઈ જૂના કાયદાને કારણે કંઈક પોતાનું પારકું થઈ જાય.

જેમનાં ઘર આજે પણ કોર્ટ કેસમાં ફસાયેલા છે, તેમની પાસે રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો