સિંધના લારકાનામાં પાકિસ્તાનમાં ખોવાયેલાં બાળકોના તારણહાર

અનવર ખોખર નામના વ્યક્તિનો ફોટો Image copyright Charla Jones / Guardian News and Media

પાકિસ્તાનમાં દર વર્ષે લગભગ 3,000 બાળકો ગુમ થઇ જાય છે. કેટલાંક બાળકો તેમના પરિવારથી વિખૂટાં પડીને ખોવાઈ જાય છે, જ્યારે કેટલાંકને મજૂરી કરાવવા ઉઠાવી જવામાં આવે છે.

ઘણાં બાળકોને ડાકુઓ ઉઠાવી જાય છે અને તેમની મુક્તિના બદલામાં પૈસા મેળવવા બાનમાં રાખે છે.

દક્ષિણ પાકિસ્તાનના સિંધ પ્રાન્તમાં કેન્દ્ર સરકારનો ખાસ કોઈ અંકુશ નથી. સિંધના લારકાનામાં અનવર ખોખર નામના એક સામાન્ય વાણંદ અનવર ખોખર ખોવાયેલાં બાળકોને તેમના પરિવાર સાથે ફરી મેળવી આપવામાં મદદ કરે છે.

જાણો અનવરની વાત, તેમના જ શબ્દોમાં :

તમને આ પણ વાંચવું ગમશે:

આ કામ તેમણે તેમના ઘરમાંથી જ શરૂ કર્યું હતું. સમય જતાં તેમને જમીનનો એક ટુકડો ફાળવવામાં આવ્યો હતો, જ્યાં તેમણે હજ્જારો બાળકો માટે આશ્રયસ્થાન બનાવ્યું છે.

હું શરૂઆતમાં તો પાંચ-છ બાળકોને જ મારી સાથે રાખી શકતો હતો. એ બાળકો ફરી ખોવાઈ ન જાય એટલા માટે તેમને દોરડાથી બાંધીને નીકળતો હતો.

બધા બાળકોને સાથે લઇને રસ્તા પર નીકળવું શક્ય ન હતું એટલે મેં સાઇકલ રિક્ષા લીધી હતી.

શરૂઆતનાં સાત વર્ષ હું હાથમાં ઘંટડી લઇને નીકળતો હતો અને લોકોને જણાવતો હતો કે ગુમ થયેલાં બાળકો મારી સાથે છે. એ પછી સાઇકલ રિક્ષાની ઘંટડીનો ઉપયોગ કરતો હતો.

ત્યારબાદ મેં રિક્ષા લીધી હતી. એ ચીની બનાવટની હોવાથી સ્થાનિક ભાષામાં 'ચિંગચી' નામે ઓળખાય છે. એ બહુ મુશ્કેલ દિવસો હતા. પહેલાં ચાલવાનું અને પછી સાઇકલ રિક્ષા ચલાવવાનું મુશ્કેલ હતું.

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

ચિંગચી ચલાવતો હતો ત્યારે પણ મને બહુ પીડા થતી હતી, કારણ કે તેના ગરમ એન્જિનને કારણે મારા પગ દાઝી જતા હતા, પણ મીડિયા, અખબારો, રેડિયો ખોવાયેલાં બાળકો વિશેના સંદેશાઓ આપતાં હોવાથી મારા માટે પરિસ્થિતિ સુધરી છે.

અત્યાર સુધીમાં 9,000 બાળકોનો તેમના પરિવાર સાથે ફરી મેળાપ કરાવી આપ્યાનો મને ગર્વ છે.

બાળકો ખોવાઇ જવાની સમસ્યા મારા શહેરની જ નહીં, આખા પાકિસ્તાનની છે.

હવે શું થાય છે કે લાહોરમાં કે ક્વેટા કે પંજાબમાં કોઈ બાળક ખોવાઈ જાય અને ત્યાં મારા કામથી કોઇ પરિચિત હોય તો તેઓ બાળકને શોધવા મારી પાસે આવે છે.

એક વખત એક યુગલ તેમની સાત વર્ષ પહેલાં ગુમ થયેલી દીકરીને શોધવા માટે મારી પાસે આવ્યું હતું. એ છોકરી ગુમ થઈ ત્યારે બાળકી હતી અને સાત વર્ષ પછી પુખ્ત થઈ ગઈ હતી, એ મારી સાથે રહેતી હતી.

મેં તેને મારી સગી દીકરીની જેમ ઉછેરી હતી. પેરન્ટ્સ અને એ છોકરી એકમેકને મળ્યાં ત્યારે રડવા લાગ્યાં હતાં. હું પણ રડી પડ્યો હતો. આજુબાજુમાં ઊભેલા પોલીસ અધિકારીઓ સહિતના બધા લોકોની આંખો ભીની હતી.

બધા ભાવુક બની ગયા હતા અને બહુ રાજી પણ થયા હતા. હું આવી ઘણી ઘટનાઓનો સાક્ષી બન્યો છું. હું નરમ હૃદયવાળો માણસ છું અને આવું થાય ત્યારે મારી જાતને રોકી શકતો નથી.

જાતજાતના લોકો બાળકોનું અપહરણ કરે છે. ચોક્કસ લોકોનું નામ આપવું મુશ્કેલ છે, પણ અપહૃત બાળકો મોટેભાગે આખરે તાલિબાન જેવા અંતિમવાદીઓના કબજામાં જાય છે.

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

ક્યારેક ખાનગી ટોળકીઓના કબજામાં જાય છે. એ ટોળકીઓ અપહૃત બાળકોને ઉછેરે છે અને તેમના વફાદાર, પર્સનલ ગાર્ડ્ઝ કે લડવૈયાઓ તરીકે તેમનો ઉપયોગ કરે છે.

કેટલાંક બાળકો પાસે પાકિસ્તાનની પશ્ચિમે આવેલા ટ્રાઇબલ એજન્સી એરિયામાં મજૂરી કરાવવામાં આવે છે. એ બાળકો પાસે રસ્તો તૈયાર કરવાનું કામ કરાવવામાં આવે છે.

કેટલાકનો ઉપયોગ દાણચોરી માટે કરવામાં આવે છે. કેટલાક પાસે ભીખ મંગાવવા જેવાં ગેરકાયદે કામ કરાવવામાં આવે છે.

એક ભાઈને સમાચાર મળ્યા હતા કે તેના ભાઈનું અપહરણ કરીને અફઘાનિસ્તાનની સીમા નજીકના બલૂચિસ્તાનની ઉત્તરે આવેલા ચમનમાં લઈ જવામાં આવ્યો છે.

એ આદિવાસી વિસ્તાર છે અને તેના પર સ્થાનિક લોકોના વડાનો અંકુશ હોય છે. ત્યાં કાયદાનું શાસન નથી ચાલતું.

હું ભિખારીના વેશમાં એક ટ્રકમાં બેસીને ત્યાં ભીખ માગવાના બહાને ગયો હતો.

ત્યાં બાળકોના બે લેબર કેમ્પ ચાલતા હતા, જેમાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હતી. 200થી વધારે બાળકો હતાં. એ બધાં બાળકો પથ્થરો તોડવા કે રોડ બાંધવા જેવાં કામ કરતાં હતાં.

એ કેમ્પનો મેનેજર કેટલો ક્રૂર હતો તેની એક વાત મને સાંભળવા મળી હતી. તેમના કેમ્પમાં બીમાર પડેલું કોઇ બાળક મરણ પામે તો એ બાળકના શબને ભૂખ્યા કૂતરાઓ સામે ફેંકી દેવામાં આવતું હતું.

મેં નજીકના શહેરમાંથી સ્થાનિક વહીવટીતંત્રની મદદ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પણ મને મદદ કરવા કોઇ તૈયાર ન હતું. કેટલાક સ્થાનિક લોકોની મદદ વડે મેં એ બે બાળકોને છોડાવ્યાં હતાં.

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

આ કામ કરતી વખતે હું ઘણીવાર ગંભીર જોખમમાંથી ઉગરી ગયો છું. હું માનું છું કે અલ્લાહ મને બચાવી લે છે, કારણ કે હું અલ્લાહને ગમતું કામ કરી રહ્યો છું.

અત્યારે મારી પાસે એવાં બે બાળકો છે, જેમના વિશે પૂછપરછ કરવા કોઈ આવ્યું નથી. તેમાંથી એક નાનો છોકરો છે અને બીજી 25 વર્ષની યુવતી છે.

એ યુવતી પર હુમલો કરીને તેને એક કબ્રસ્તાનમાં નિર્વસ્ત્ર હાલતમાં રઝળતી મૂકી દેવામાં આવી હતી. એ યુવતીને એટલો આઘાત લાગ્યો હતો કે એ કંઈ બોલી શકતી ન હતી.

એ ક્યાંની છે તે આજે પણ બોલતી નથી અને આજે મારી સાથે છે.

આવી પરિસ્થિતિમાં હું હતાશ થાઉં છું. આશા ગુમાવી દઉં છું, પણ એ બધું થોડીવાર માટે હોય છે.

અલ્લાહે મને આ કામ કરવા મોકલ્યો છે એટલે એ મને મદદ કરશે, એમ માનીને હું ફરી આગળ વધું છું.

તમને આ પણ વાંચવું ગમશે:

મારી દશા પાણીમાંની માછલી જેવી છે. તમે માછલીને પાણીમાંથી બહાર કાઢી લો તો એ મરી જાય, એમ મને આ બાળકોથી અલગ કરી દો તો હું ખતમ થઈ જાઉં.

મેં આ કામ શરૂ કર્યું, ત્યારે મારી પત્નીએ વિરોધ કર્યો હતો, પણ હવે એ મારી સાથે આ સેન્ટરમાં કામ કરે છે.

અમારાં બાળકો મોટાં થઈ ગયાં છે. તેમના પોતાના પરિવારો છે. તેઓ તેમના પોતાના મકાનમાં રહે છે.

સેન્ટરમાં આશરો લેતા બાળકોને રડતાં સાંભળે ત્યારે મારી પત્ની તેમની પાસે જાય છે અને તેમની સંભાળ લે છે.

નિરાધાર બાળકોની સંભાળ કઈ રીતે રાખવી એ અલ્લાહે તેને શિખવાડી દીધું છે અને એ હવે સારી પત્ની બની ગઈ છે...પણ મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.

મેં પરિવારને છોડી દીધો છે. હું મારાં સગાં, દોસ્તોને મળવા ભાગ્યે જ જાઉં છું. હું આ સેન્ટરમાં બાળકો સાથે રહું છું.

બાળકો માટે કામ કરતાં-કરતાં આ સેન્ટરમાં જ હું મરણ પામું એવી અલ્લાહને મારી પ્રાર્થના છે. હું બીજું કંઈ કરવા ઇચ્છતો નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો