500 ટન સોનું ભરેલી ટ્રેન સરોવરમાં કઈ રીતે ડૂબી ગઈ?

માલગાડીનો ફાઈલ ફોટોગ્રાફ Image copyright GETTY IMAGES

ખજાનાના કિસ્સાઓ માણસોને વર્ષોથી ગમતા રહ્યા છે. ખજાનાની શોધ, ખજાનાની લૂંટ, છૂપાયેલા ખજાનાના કિસ્સા અને ખજાનાના માલિકોની કથાઓ આપણે વર્ષોથી સાંભળતા-સંભળાવતા આવ્યા છીએ.

ખજાનાનો આવો જ એક કિસ્સો રશિયાના સાઇબેરિયાનો છે.

એ પ્રદેશ વિશ્વના સૌથી ઊંડા સરોવર ગણાતા બૈકાલ સરોવર પાસે આવેલો છે.

એ પ્રદેશ એટલો દૂર અને દુર્ગમ છે કે ત્યાં પહોંચવું મુશ્કેલ છે. પ્રદેશ છે ઈર્કુટસ્ક શહેર.

આ કિસ્સો રશિયામાં કમ્યૂનિસ્ટ ક્રાંતિના સમયગાળાનો છે.

તમને આ પણ વાંચવું ગમશે

પહેલા વિશ્વયુદ્ધ પછી રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ થઈ હતી.

લેનિન અને તેમના કમાન્ડર લિયોન ટ્રોટસ્કીએ રશિયાના ઝાર નિકોલસ દ્વિતિયના સૈન્યને ઘણી જગાએ હરાવ્યું હતું.


લેનિનના કમાન્ડર

Image copyright GETTY IMAGES
ફોટો લાઈન ઝાર નિકોલસ દ્વિતિયને બોલ્શેવિક ક્રાંતિકારીઓએ 1918ની 17 જુલાઈએ મોતની સજા ફરમાવી હતી

ખાસ કરીને રશિયાના પશ્ચિમી પ્રદેશનો એક મોટો હિસ્સો ડાબેરી ક્રાંતિકારીઓએ કબજે કરી લીધો હતો.

એ વખતે ઝાર નિકોલસ દ્વિતિયને તેમના સલાહકારોએ તેમનો ખજાનો સેન્ટ પીટર્સબર્ગના પૂર્વીય વિસ્તારમાં કોઈક સ્થળે ખસેડવાની સલાહ આપી હતી.

એ ખજાનો ક્રાંતિકારીઓના હાથમાં ન જાય એટલા માટે આ સલાહ આપવામાં આવી હતી.

એ વખતે અમેરિકા અને ફ્રાન્સ પછી રશિયા પાસે સોનાનો સૌથી મોટો ખજાનો હતો.

ઝાર નિકોલસ દ્વિતિયના સમર્થક વાઈટ ફોર્સીસે અંદાજે 500 ટન સોનું એક ટ્રેનમાં ભર્યું હતું.

એ ટ્રેનને સેન્ટ પીટર્સબર્ગના પૂર્વીય શહેર કઝાન તરફ રવાના કરવામાં આવી હતી.

આ વાતની ખબર લેનિનના કમાન્ડર લિયોન ટ્રોટસ્કીને પડી ગઈ હતી.


કઝાન શહેર

Image copyright Alamy

એ ખજાનો જેના હાથમાં આવી જાય એના માટે જીત પાક્કી થઈ જવાની હતી.

એટલે લિયોન ટ્રોટસ્કી કઝાન પહોંચી ગયા હતા.

લિયોન ટ્રોટસ્કીના સૈન્યએ ઝારના ટેકેદાર વાઈટ ફોર્સીસને હરાવી દીધાં હતાં.

એ પછી લિયોન ટ્રોટસ્કીના સૈનિકો કઝાન શહેરમાં દાખલ થયા ત્યારે તેમને ખબર પડી હતી કે સોનું ત્યાં ન હતું.

સોનાનો ખજાનો દૂર પૂર્વ તરફ રવાના કરી દેવામાં આવ્યો હતો.

લિયોન ટ્રોટસ્કીએ બીજી ટ્રેનમાં બેસીને સોનાના ખજાનો લઈ જઈ રહેલી ટ્રેનનો પીછો કર્યો હતો.

એ સમયે રશિયાએ ખાસ પ્રગતિ કરી ન હતી.

એ સમયે રશિયામાં ટ્રેન અને રેલવે લાઇનો પ્રાથમિક સ્તરનાં હતાં.

એ પરિસ્થિતિમાં મહિનાઓ સુધી સંતાકૂકડી ચાલુ રહી હતી.

ઝાર નિકોલસ દ્વિતિયના નવા કમાન્ડર અલેકઝાન્ડર કોલચાકે સોનાનો ખજાનો ભરેલી ટ્રેનને સાઇબેરિયન પ્રદેશમાં પોતાના કબજામાં લઈ લીધી હતી.


ખજાનો ભરેલી ટ્રેન

Image copyright GETTY IMAGES

એ ટ્રેનને આગળ રવાના કરી દેવામાં આવી હતી. હવે એ ટ્રેનની મંઝિલ સાઈબેરિયાનું ઈર્કુટસ્ક શહેર હતું.

બૈકાલ સરોવર પાસે આવેલા બિઝનેસના એક સ્થળે સોનું પહોંચાડવાનું હતું.

આજે પણ ઈર્કુટસ્ક શહેરે ખાસ પ્રગતિ કરી નથી. ઈર્કુટસ્કમાં રાતે એકદમ ગાઢ અંધારું છવાઈ જાય છે.

ઈર્કુટસ્કમાં વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓની પણ અછત છે.

હા. આપણે ખજાનો ભરેલી ટ્રેનની વાત કરતા હતા. ખજાનો ભરેલી ટ્રેન ઈર્કુટસ્ક શહેર પહોંચી.

એ વખતે ત્યાં હાજર ચેકોસ્લોવેકિયાના સૈનિકોએ ટ્રેનને પોતાના કબજામાં લઈ લીધી હતી.

ચેકોસ્લોવેકિયાના સૈનિકો પહેલા વિશ્વયુદ્ધમાં રશિયા તરફથી લડવા આવ્યા હતા.

યુદ્ધ દરમ્યાન જ રશિયામાં ક્રાંતિ થઈ ગઈ હતી.

એ કારણે ચેકોસ્લોવેકિયાના સૈનિકો ત્યાં ફસાઈ ગયા હતા. તેમને ઘરે પાછા ફરવાની ઉતાવળ હતી.


કમ્યૂનિસ્ટ ક્રાંતિકારી

Image copyright GETTY IMAGES
ફોટો લાઈન રશિયાનું એક શહેર

તેથી ચેકોસ્લોવેકિયાની સૈનિકોએ ટ્રેનનો અંકુશ કોલચાક પાસેથી છીનવી લીધો હતો.

ચેકોસ્લોવેકિયાના સૈનિકોએ સોનું ભરેલી એ ટ્રેન અને કોલચાક બોલ્શેવિક ક્રાંતિકારીઓને હવાલે કરી દીધી હોવાનું કહેવાય છે.

તેના બદલામાં ચેકોસ્લોવેકિયાના સૈનિકોએ ટ્રોટસ્કી પાસે તેમના વતન પાછા ફરવાની પરવાનગી માગી હતી. તેમને પરવાનગી આપવામાં આવી હતી.

તેઓ રશિયાના પૂર્વીય બંદર વ્લાદિવોસ્ટોક પરથી સમુદ્ર માર્ગે તેમના દેશ જવા રવાના થયા હતા.

કેટલાંક પુસ્તકોમાં લખ્યું છે કે ઝારના આખા ખજાનાને ટ્રોટસ્કી મોસ્કો લાવ્યા હતા.

તેમણે ઝારના કમાન્ડર કોલચાકને ઠાર માર્યો હતો.

જોકે, આ દરમ્યાન 200 ટન સોનું ગૂમ કરી દેવામાં આવ્યું હોવાનું કેટલાક લોકો માને છે.

એ 200 ટન સોનું ક્યાં છે એ આજ સુધી કોઈ નથી જાણતું.


રશિયાની આરપાર

ફોટો લાઈન ટ્રાન્સ-સાઇબિરિયન ટ્રેન રૂટ

ગૂમ થયેલા સોનાના ખજાના બાબતે 100 વર્ષથી જાતજાતના અનુમાન કરવામાં આવતાં રહ્યાં છે.

ઈર્કુટસ્ક પહોંચવા માટે આજે પણ ટ્રાન્સ-સાઇબેરિયન રેલવેમાં લાંબો પ્રવાસ કરવો પડે છે.

એ ટ્રેન હજારો કિલોમીટરનો, લગભગ આખા રશિયાનો પ્રવાસ પૂરો કરીને પૂર્વીય દરિયા કિનારે પહોંચે છે.

આટલો લાંબો પ્રવાસ હોવા છતાં એ ટ્રેનમાં એરકન્ડિશનર કે બાથરૂમ જેવી પ્રાથમિક સુવિધા નથી.

બીબીસીનાં સંવાદદાતા લીના જેલ્ડોવિક મૂળ રશિયાનાં રહેવાસી છે.

તેમનો પરિવાર ત્રીસેક વર્ષ પહેલાં રશિયામાંથી રવાના થઈને અમેરિકાના ન્યૂ યોર્કમાં સ્થાયી થયો હતો. તેમનો પરિવાર કઝાન પાસે જ રહેતો હતો.


ટ્રાન્સ-સાઇબિરિયન રેલવે

Image copyright GETTY IMAGES

કઝાન પાસે રહેતાં હોવાને કારણે લીના જેલ્ડોવિક કોલચાકના ગૂમ થયેલા ખજાનાની કથા બાળપણથી જ સાંભળતાં હતાં.

ખજાનાનું રહસ્ય પામવા માટે તેમણે ટ્રાન્સ-સાઇબિરિયન રેલવેમાં લાંબો પ્રવાસ કરીને ઈર્કુટસ્ક પહોંચવાનો નિર્ણય કર્યો હતો.

ટ્રેનમાં પ્રવાસ દરમ્યાન તેમણે અનેક લોકોને આ વિશે વાત કરતા સાંભળ્યાં હતાં.

ખજાનાના એક હિસ્સા વિશે કોઈ માહિતી ન હોવાનું એ બધા માનતા હતા.

એ વખતે લીના જેલ્ડોવિકે રશિયાના વિખ્યાત ઇતિહાસકાર સર્જેઈ વોલ્કોવના એક પુસ્તકની વાત કરી હતી.

સર્જેઈ વોલ્કોવે તેમના પુસ્તકમાં લખ્યું હતું કે ટ્રોટસ્કીએ કોલચાક પાસેથી બધું સોનું લઈ લીધું હતું.

જોકે, લીના જેલ્ડોવિકની આ વાત પર અન્ય મુસાફરોએ ભરોસો કર્યો ન હતો.


કુદરતી સૌંદર્ય

Image copyright Alamy

લોકો પુસ્તકોમાં લખેલી વાતોને સાચી માની લેતા હોય છે, પણ એ સાચું હોય એ જરૂરી નથી, એવો ટોણો પ્રવાસીઓએ લીનાને માર્યો હતો.

કઝાન અને સાઇબિરિયાના તમામ વિસ્તારો આજે પણ બહુ પછાત લાગે છે.

કાતિલ ઠંડી ધરાવતા આ બર્ફિલા પ્રદેશમાં અદભૂત કુદરતી સૌંદર્ય છે.

જોકે, ટેક્નોલૉજીના પ્રસારની ગતિ એકદમ સુસ્ત છે.

અહીં ચાલતી ટ્રેન હોય કે શહેરની સ્ટ્રીટ લાઇટ્સ બધું પુરાણું છે.

હા, કોલચાકના ખજાનાની 100 વર્ષથી ચાલી આવતી કથામાં કશું બદલાયું નથી.

લીના જેલ્ડોવીચે ઘણા સ્થાનિક લોકો સાથે વાત કરી હતી.

કેટલાકે કહ્યું હતું કે ખજાનાને છુપાવી દેવામાં આવ્યો છે.

કેટલાકે એવું કહ્યું હતું કે ખજાનાનો મોટો હિસ્સો સ્થાનિક લોકોએ લૂંટી લીધો હતો.


કોલસાથી ચાલતું એન્જિન

Image copyright GETTY IMAGES
ફોટો લાઈન 1903માં ટ્રાન્સ-સાઇબિરિયન રેલવેનું કામકાજ ચાલતું હતું તે વખતનો ફોટોગ્રાફ

કેટલાક લોકોએ એમ પણ કહ્યું હતું કે ખજાનો ભરેલી ટ્રેન બૈકાલ સરોવરમાં ડૂબી ગઈ હતી.

એ ટ્રેનના સરોવરમાંથી બહાર કાઢી શકાઈ ન હતી.

આ વાતનો તાગ મેળવવા લીના જેલ્ડોવિકે કોલસાથી ચાલતા એન્જિનવાળી ટ્રેનમાં બૈકાલ સરોવર પાસે પ્રવાસ કર્યો હતો.

એ ટ્રેન આંચકા ખાતી ચાલે છે. એ જોતાં લાગે કે ખજાનો ભરેલી ટ્રેન એ વખતે પાટા પરથી ગબડી હશે તો સીધી સરોવરમાં જ પડી હશે.

એ સમયે તો ટ્રેનો વધારે આંચકા ખાતી ચાલતી હતી. બૈકાલ સરોવરનો પ્રવાસ કરતી વખતે લીના જેલ્ડોવિકે ટ્રેનના ડ્રાઈવરો સાથે વાતચીત કરી હતી.

તેમાં ખજાના સંબંધે નવા કિસ્સા સાંભળવા મળ્યા હતા.


500 ટન સોનું

Image copyright GETTY IMAGES
ફોટો લાઈન બોલ્શેવિક ક્રાંતિના નેતા અને સોવિયેટ સરકારના પહેલા પ્રમુખ લેનિન

એ ટ્રેનચાલકો માનતા હતા કે ચેકોસ્લોવેકિયાના સૈનિકોએ 500 ટન સોનું ટ્રોટસ્કીના હવાલે કર્યું ન હતું.

તેમણે 200 ટન સોનું બીજી ટ્રેનમાં ભર્યું હતું અને તેને જહાજમાં પોતાના દેશ લઈ જવા ઇચ્છતા હતા.

જોકે, બીજી ટ્રેન તેના લક્ષ્ય સ્થાને પહોંચી ન હતી.

એ ટ્રેન બૈકાલ સરોવરમાં ડૂબી ગઈ હોવાના કિસ્સા કેટલાક સ્થાનિક લોકોને આજે પણ યાદ છે.

બૈકાલ સરોવરને ચક્કર લગાવતી ટ્રેન આજે પણ ઈર્કુટસ્કમાં ચાલે છે.

એ ટ્રેનનું એન્જિન કોલસાથી ચાલે છે અને તેમાં માત્ર બે કોચ હોય છે.


સરોવરની ઊંડાઈ

Image copyright Google
ફોટો લાઈન ઝાર નિકોલસનો પરિવાર

એ ટ્રેનમાં પ્રવાસ કરો તો એવું લાગે કે તમે વીસમી સદીની શરૂઆતના સમયમાં પહોંચી ગયા છો.

ટ્રેનના માર્ગમાં અનેક ગામો આવે છે.

એ ગામમાં રહેતા લોકો બૈકાલ સરોવરમાંથી મળતી માછલી અને બ્રેડ વેચતા જોવા મળે છે.

ઘણા લોકો બૈકાલ સરોવરના બર્ફીલા પાણીમાં ડૂબકી લગાવતા પણ જોવા મળે છે.

બૈકાલ સરોવરમાં ડૂબેલી ટ્રેનને શોધવાનો પ્રયાસ 2009માં કેટલાક ડૂબકીબાજોએ કર્યો હતો.

તેમને ટ્રેનના ડબ્બા અને કેટલીક ચમકતી ચીજો જોવા મળી હતી.

તેઓ એ બધું સરોવરમાંથી બહાર લાવી શક્યા ન હતા.

તેનું કારણ એ હતું કે ચમકતી ચીજો સરોવરના ઊંડાણમાં તિરાડોમાં ફસાયેલી હતી.

તેમના હાથ ત્યાં સુધી પહોંચી શક્યા ન હતા.

સ્થાનિક લોકો કહે છે કે બૈકાલ સરોવર જે ચીજ પોતાનામાં સમાવી લે તેને પાછી નથી આપતું.

સોનું ભરેલી ટ્રેન સરોવરમાં ડૂબી ગયાના કિસ્સા સાંભળીને સ્થાનિક લોકોને કદાચ એટલે જ રાહત થતી હશે.

છેલ્લા 100 વર્ષમાં ઈર્કુટસ્કમાં ઘણું બદલાયું છે અને ઘણું જેમનું તેમ છે.


ઝારના કમાન્ડર

Image copyright GETTY IMAGES
ફોટો લાઈન ઈર્કુટસ્કમાં મૂકવામાં આવેલી કોલચાકની વિશાળ પ્રતિમા

ઝાર નિકોલસ દ્વિતિયના કમાન્ડર કોલચાક રશિયાના ખલનાયક હતા. કમ્યૂનિસ્ટોએ તેમને ગોળી મારી દીધી હતી.

આજે કોલચાકની વિશાળ પ્રતિમા ઈર્કુટસ્કમાં મૂકવામાં આવી છે.

એ પૂતળાં સાથેની કાંસાની તકતીમાં કોલચાકને દેશ માટે પ્રાણ આપી ચૂકેલા મહાન વીર ગણાવવામાં આવ્યા છે.

ઇતિહાસ ખરેખર વિજેતા હોય છે. અલબત, કેટલોક સમય એવી કથાઓ લખી જતો હોય છે, જેને ભૂંસવાનું શાસકો માટે શક્ય નથી હોતું.

ઈર્કુટસ્કના ખજાના વિશેની વાતો પણ ઇતિહાસની આવી જ કથા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા