હિંદી ફિલ્મોની પહોંચ અને વકરો દુનિયાભરમાં વધ્યો

દીપિકાનો ફોટો Image copyright Warner bros
ફોટો લાઈન બોલિવૂડ ગેરકાયદે ફાઇનાન્સ અને જોડાણો માટે એક સમયે કુખ્યાત હતું

ભારતમાં કોઈ પણ ફિલ્મે રજૂઆત પહેલાં સંખ્યાબંધ અડચણોનો સામનો કરવો પડતો હોય છે.

ફિલ્મમાંના ચોક્કસ દૃશ્યો સામે સેન્સર બોર્ડ વાંધો લઈ શકે છે, સામાજિક હિત ધરાવતા જૂથો ફિલ્મમાંના ચોક્કસ ચિત્રણ સામે વાંધો લઈ શકે છે.

આમ ન થાય તો પાકિસ્તાની એક્ટરને લઈને ફિલ્મ બનાવવા બદલ કોઈ રાજકીય પક્ષ એ ફિલ્મના નિર્માતાને અમુક નાણાં સશસ્ત્ર લશ્કરી દળો માટે દાનમાં આપવાની ફરજ પાડી શકે છે.

રંગબેરંગી વિવાદોની લાંબી યાદીમાં રોમૅન્ટિક ફિલ્મ 'ચોરી ચોરી ચુપકે ચુપકે'નો વિવાદ એકદમ અલગ તરી આવે છે.

તમને આ પણ વાંચવું ગમશે:

સલમાન ખાન, પ્રીટી ઝિન્ટા અને રાણી મુખરજીને ચમકાવતી એ ફિલ્મ 2001માં પ્રદર્શિત કરવામાં આવી હતી.

તેના થોડા મહિના અગાઉ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન(સીબીઆઇ)એ ફિલ્મની પ્રિન્ટ્સ જપ્ત કરી હતી અને તેના નિર્માતાઓ પૈકીના બેની ધરપકડ કરી હતી.

તેનું કારણ એ હતું કે એ ફિલ્મમાં મુંબઈના કુખ્યાત માફિયાના નાણા રોકાયેલાં હતાં.

બોલિવુડ ગેરકાયદે ફાઇનાન્સ અને ગેંગસ્ટર્સ સાથેની સાંઠગાંઠ માટે એક સમયે કુખ્યાત હતું એ જાણીતી વાત છે.

માફિયાઓ તેમની ગુનાખોરી દ્વારા કમાયેલાં નાણાંનો ઉપયોગ પારિવારિક મનોરંજક ફિલ્મોને ફાઇનાન્સ આપવા માટે કરતા હતા.

Image copyright Alamy
ફોટો લાઈન એક સમયે બોલિવૂડને કુલ પૈકીની આશરે 60 ટકા ફિલ્મો માફિયાઓના પૈસા વડે બનેલી

પોતાના પ્રોજેક્ટમાં કામ કરવા માટે કે પ્રતિસ્પર્ધી ફિલ્મની રિલીઝ પાછી ઠેલાવવા માટે તેઓ ફિલ્મોદ્યોગના ખેરખાંઓને ધમકીઓ આપતા હતા.

જરૂર પડ્યે ફિલ્મ સાથે સંકળાયેલા લોકો પર હુમલાઓ પણ કરતા હતા.

ભારતીય કાયદાઓમાં બોલિવુડને ઉદ્યોગને દરજ્જો ન મળ્યો હોવાથી આવું થતું હતું. બેંકો અને અન્ય નાણાં સંસ્થાઓ ફિલ્મોના નિર્માણ માટે ધિરાણ કરતી ન હતી.

ભારતમાં ફિલ્મો બનાવવાનો ધંધો મોટેભાગે પારદર્શક નહોતો.

સરકાર પાસે ઉપલબ્ધ ગુપ્ત માહિતી અનુસાર એક સમયે બોલિવુડની કુલ પૈકીની આશરે 60 ટકા ફિલ્મો માફિયાઓના પૈસા વડે બની હતી.

2001માં બોલિવુડને ઉદ્યોગને દરજ્જો આપવામાં આવ્યો પછી આ બધું બદલાઈ ગયું હતું.

વિશ્વમાં સૌથી વધુ ફિલ્મો જે દેશમાં બને છે એ દેશ ભારતમાં ફિલ્મો માટે કાયદેસરના ફાઇનાન્સિંગ અને ભાગીદારીની વ્યવસ્થા આખરે શરૂ થઈ હતી.


હોલિવૂડ કરતાં બોલિવૂડ ફિલ્મોનો વકરો વધારે

Image copyright Getty Images
ફોટો લાઈન હવે બોલિવૂડ ફિલ્મોનો વકરો અને તેની પહોંચ દુનિયાભરમાં વધી

હોલિવુડનું ધ્યાન બોલિવુડ પર તો હતું જ. એ પહેલાં બોલિવૂડ મનોરંજક મ્યુઝિકલ્સ માટે વિખ્યાત અને બેધડક ઉઠાંતરી માટે કુખ્યાત હતું.

હોલિવૂડની ફિલ્મોની સરખામણીએ હિંદી ફિલ્મો વધારે કમાણી કરે છે. હવે બોલિવૂડ ફિલ્મોનો વકરો અને તેની પહોંચ દુનિયાભરમાં વધી રહી છે.

તેથી હોલિવૂડના સ્ટુડિયોઝ ભારતમાં તેમની શાખાઓ ઊભી કરી રહ્યા છે અથવા વર્તમાન નિર્માતાઓ સાથે ભાગીદારી કરી રહ્યા છે.

ડિઝની, વાયાકોમ, ટ્વેન્ટીએથ સેન્ચૂરી ફોક્સ અને સોની પિક્ચર્સે તેમની ભારતીય ફિલ્મોના તમામ સોદા 2008 સુધીમાં કરી નાખ્યા હતા.

પોતાના અનુભવની કુશળતાના આધારે આ જંગી મીડિયા કંપનીઓએ બોલિવુડમાં ફિલ્મ-નિર્માણના નવા યુગનો પ્રારંભ કર્યો હતો.

તેમની ફિલ્મોનું બજેટ મોટું હોય છે. પ્રમોશન વ્યાપક તથા ખર્ચાળ હોય છે અને હોલિવૂડની ફિલ્મોની સીધી ઉઠાંતરીને બદલે મૂળ વાર્તા-પટકથાની પરવાનગી લઈને ભારતીય પરિવેશમાં ઢાળવામાં આવે છે.


પ્રારંભે મુશ્કેલીઓ

Image copyright Getty Images
ફોટો લાઈન દિવાળીના સમયગાળામાં એકસાથે અનેક ફિલ્મો રિલીઝ હોય છે

આ બધાની શરૂઆત સરળતાથી થઈ ન હતી. આ ભવ્ય પ્રકરણનો પ્રારંભ 2007માં સોનીની 'સાંવરિયા' ફિલ્મથી થયો હતો.

એ રોમૅન્ટિક ફિલ્મ રશિયન લેખક ફ્યોદોર દોસ્તોવસ્કીની 'વાઈટ નાઇટ' વાર્તા પર આધારિત હતી.

ફિલ્મના દિગ્દર્શક હતા ભવ્ય ફિલ્મો બનાવવા માટે વિખ્યાત સંજય લીલા ભણસાલી.

દિવાળીના સમયગાળામાં એક સાથે અનેક ફિલ્મો રિલીઝ થતી હોય છે.

એ વર્ષે 'સાંવરિયા'ની ટક્કર શાહરુખ ખાનને ચમકાવતી બ્લૉકબસ્ટર 'ઓમ શાંતિ ઓમ' સામે થવાની હતી.

એ ટક્કર નિર્ણાયક પુરવાર થઈ હતી. 'ઓમ શાંતિ ઓમ' સામે 'સાંવરિયા'ને રજૂ કરવાનો નિર્ણય ખોટો હતો.

એટલું જ નહીં, 'સાંવરિયા'ની ફાઇનલ પ્રિન્ટ તેની રજૂઆતના કેટલાક દિવસો પહેલાં સુધી સોનીમાંથી કોઈએ નિહાળી પણ ન હતી.

Image copyright Warner Bros
ફોટો લાઈન વોર્નર બ્રધર્સની પહેલી હિન્દી ફિલ્મ 'ચાંદની ચોક ટુ ચાઈના' માર્શલ આર્ટ કૉમેડી હતી.

'સાંવરિયા'નું સ્ક્રિનિંગ પૂરું થયું પછી રૂમમાં હાજર એક્ઝિક્યુટિવ્ઝને ખબર પડી ગઈ હતી કે તેમની ફિલ્મ કંટાળાજનક છે.

તહેવારોના ઉમંગભર્યા દિવસોમાં લોકોને મનોરંજનની આશા હોય ત્યારે કંટાળાજનક ફિલ્મ ચાલશે નહીં.

બોક્સ ઓફિસ પર 'સાંવરિયા' લથડી પડી હતી. એ પછી સોનીએ તેની ભારતીય પ્રોડક્શન કંપની બંધ કરી દીધી હતી.

બોલિવુડના મોટા ફિલ્મનિર્માતાઓ પૈકીના એક યશરાજ પિક્ચર્સ સાથે મળીને ડિઝનીએ બનાવેલી તેની પહેલી ભારતીય ફિલ્મ 'રોડસાઇડ રોમિયો' 2008માં રિલીઝ કરવામાં આવી હતી. એ ફિલ્મ નિષ્ફળ રહી હતી.

વોર્નર બ્રધર્સની કામગીરી પણ સારી રહી ન હતી. વોર્નર બ્રધર્સની પહેલી હિંદી ફિલ્મ 'ચાંદની ચોક ટુ ચાઇના' માર્શલ આર્ટ કૉમેડી હતી.

2009માં રિલીઝ કરવામાં આવેલી એ ફિલ્મ જોવા બહું ઓછા લોકો થિયેટર સુધી આવ્યા હતા. આ ભવ્ય પ્રયોગો નિષ્ફળ શા માટે રહ્યા?

Image copyright Disney
ફોટો લાઈન બોલિવૂડની નફાકારકતાનો આધાર ભારતના મધ્યમ વર્ગના લોકોના ગમા-અણગમા પર હોય છે.

તેના સંખ્યાબંધ કારણો છે. કળા એ વિજ્ઞાન નથી, પણ ''ભવ્ય હોય એ બધું હંમેશા સારું જ હોય'' એ અનુભવ આધારિત સૂત્રને ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ.

ફિલ્મસર્જન એક બેઢંગ ઉદ્યોગ છે અને બોલિવૂડની નફાકારકતાનો આધાર ભારતના મધ્યમ વર્ગના લોકોના ગમા-અણગમા પર હોય છે.

ભારતીય બોક્સ-ઓફિસ સાથે સુસંગત ન હોય તેવા ચોક્કસ બિઝનેસ મોડેલ સાથે વિદેશી ફિલ્મ સ્ટુડિયોઝ ભારત આવ્યા હતા.

તેમણે લાયકાત ન ધરાવતા લોકોને સુકાન સોંપ્યું હતું અને ભારતીય માર્કેટ ખમી ન શકે એટલા મોટા પ્રમાણમાં તેમણે નાણાં ઠાલવ્યાં હતાં.

ઍક્વિઝિશન, ફીસ અને પ્રમોશનલ બજેટ પેટે જંગી પ્રમાણમાં ફાળવવામાં આવેલાં નાણાંનું પ્રમાણ મલ્ટિપ્લેક્સમાં 200 રૂપિયાનો સરેરાશ ટિકિટ દર ધરાવતા દેશમાં ટકી શકે એમ ન હતું.

Image copyright Disney

બધા વિદેશી સ્ટુડિયોઝ નિષ્ફળ રહ્યા અને ભારતીય નિર્માતાઓ જ સફળ થયા એવું કહેવાનો ઈરાદો નથી.

ભારતીય નિર્માતાઓએ મોટા બજેટ સાથે બનાવેલી કેટલીક ફિલ્મો પણ નિષ્ફળ રહી હતી.

'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'ના નિર્માતા યશરાજ સ્ટુડિયોઝ કે 'કભી ખુશી, કભી ગમ'ના નિર્માતા ધર્મા પ્રોડક્શન્સ વારંવાર સફળતા મેળવતા રહ્યા છે.

નવી ટેલેન્ટના લોન્ચિંગની વાત હોય, પ્રતિભાશાળી કળાકારોને જાળવી રાખવા, આશાસ્પદ ડિરેક્ટર્સ સાથે સંખ્યાબંધ ફિલ્મો બનાવવી કે સફળ પુરવાર થયેલી ફોર્મ્યુલાનો લાભ લેવાની વાત હોય યશરાજ અને ધર્મા સતત પ્રગતિ કરતાં રહ્યા છે.


લેવા-દેવાનો સંબંધ

Image copyright ABC
ફોટો લાઈન અમેરિકન અને બ્રિટિશ ફિલ્મોને ભારતીય ફાઇનાન્સિઅર્સ વધુને વધુ પ્રમાણમાં ફાઇનાન્સ કરી રહ્યા છે.

વોર્નર બ્રધર્સે તેમનું ભારતીય ફિલ્મ નિર્માણ યુનિટ બંધ કરી દીધું છે. ડિઝનીએ પણ ભારતમાં ફિલ્મો બનાવવાનું બંધ કર્યું છે.

વિધિની વક્રતા એ છે કે સંખ્યાબંધ ફ્લોપ ફિલ્મો પછી ડિઝનીની છેલ્લી ભારતીય ફિલ્મ 'દંગલ' જોરદાર સફળતા પામી હતી.

2016માં રજૂ થયેલી આ ફિલ્મે દુનિયાભરમાંથી 300 મિલિયન ડોલરની કમાણી કરી હતી અને એ સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની હતી.

'દંગલ'એ ભારત કરતાં ચીનમાં બમણી કમાણી કરી હતી. ફોક્સ સ્ટુડિયોઝ હજુ પણ ટકી રહ્યો છે. તેનું કારણ ધર્મા પ્રોડક્શન સાથેના તેના 10 ફિલ્મોના કરાર છે.

કોઈપણ ક્રિઍટિવ ઈન્ડસ્ટ્રીની માફક આવાં જોડાણો પણ આદાનપ્રદાનનો સંબંધ બની રહ્યાં છે.

અમેરિકન અને બ્રિટિશ ફિલ્મોને ભારતીય ફાઇનાન્સિઅર્સ વધુને વધુ પ્રમાણમાં ફાઇનાન્સ કરી રહ્યા છે.

તેનું ઉડીને આંખે વળગે તેવું ઉદાહરણ રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ ગ્રૂપ છે.

સ્ટિવન સ્પિલબર્ગની કંપની ઍમ્બ્લિન પાર્ટનર્સમાં રિલાયન્સ સહસ્થાપક છે અને 20 ટકા હિસ્સાના માલિક પણ છે.

રિલાયન્સ અને સ્પિલબર્ગે સાથે મળીને આઠ વર્ષમાં 'લિંકન'ને કારણે એકૅડમી એવોર્ડ્ઝનો લાભ લણ્યો છે અને 'ધ બીએફજી' ફિલ્મ સાથે ફટકો પણ ખાધો છે.

આમ છતાં ચીની પ્રોડક્શન કંપનીઓની સરખામણીએ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફાઇનાન્સિંગમાં ભારતીય નાણાંનો પ્રભાવ નગણ્ય છે.

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રિયંકા હોલિવૂડ માટે આજે બોલિવૂડની મોખરાની એક્સપોર્ટ છે.

બોલિવુડ આજે જે રીતે હોલિવૂડ ફરતે આકાર લઇ રહ્યું છે તે જોતાં લાગે છે કે એ બન્ને ચીની બિઝનેસનું નિશાન બની શકે છે.

જોકે, પૈસા કરતાં પણ વધારે દૂરગામી પ્રભાવ ધરાવતી એક બાબત છે ટેલેન્ટ.

હોલિવૂડને વૈવિધ્યની સમસ્યા નડતી હોવાનો કોઈ ઇન્કાર કરી શકે તેમ નથી પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં હોલિવૂડે નોંધપાત્ર પ્રગતિ કરી છે.

તેમાં એક સારી વાત છે પશ્ચિમી મીડિયામાં વધુને વધુ પ્રમાણમાં જોવા મળી રહેલા ભારતીય ચહેરાઓ અને નામો.

'XXX' શ્રેણીની લેટેસ્ટ ફિલ્મમાં ચમકેલી દીપિકા પદુકોણ જેવા બોલિવૂડ સ્ટાર હોલિવૂડમાં જોવા મળે છે.

તમને આ પણ વાંચવું ગમશે:

ઉપરાંત 'અ માઇટી હાર્ટ', 'ધ દાર્જિલિંગ લિમિટેડ' સહિતની વૈવિધ્યસભર ફિલ્મોમાં ચમકેલા ઇરફાન ખાન અને ઓસ્કર લાયક ગણાયેલી 'વિક્ટોરિયા એન્ડ અબ્દુલ' માં ચમકેલા અલી ફઝલ સુધીના ભારતીય એક્ટર્સ અગાઉ કરતાં આજે વધારેને વધારે પ્રમાણમાં હોલિવૂડની ફિલ્મોમાં જોવા મળી રહ્યા છે.

આ નામો પ્રિયંકા ચોપરાના ઉલ્લેખ પહેલાંનાં છે. પ્રિયંકા હોલિવૂડ માટે આજે બોલિવૂડની મોખરાની 'એક્સપોર્ટ' છે.

પ્રિયંકા 'બેવૉચ રીબુટ'માં મહત્વની ભૂમિકા ભજવતી નથી હોતી ત્યારે 'ક્વૉન્ટિકો' ટેલિવિઝન સીરિયલમાં કામ કરતી હોય છે અને એબીસી પર તેની ત્રીજી સિઝન ચાલી રહી છે.

બોલિવૂડની સ્ટાર માધુરી દીક્ષિતના જીવન પર આધારિત એક સીરિયલ એબીસી ચેનલ માટે બનાવવાના કામમાં હાલ પ્રિયંકા વ્યસ્ત છે.

ભારતીય કથાઓની વાત કરીએ તો આપણે 'બેન્ડ ઇટ લાઇક બેકહેમ' પછી ઘણા આગળ વધ્યા છીએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો