સ્પેનના PMએ ભંગ કરી કૈટલોનિયાની સંસદ

રખોય અને પુજિમોન્ટ Image copyright Getty Images
ફોટો લાઈન સ્પેનના વડાપ્રધાન રખોયે કૈટલોનિયાનું શાસન હાથમાં લીધું છે

સ્પેનના વડાપ્રધાન મારિયાનો રખોયે કૈટલોનિયાની સંસદને ભંગ કરી દીધી છે.

વડાપ્રધાન રખોયે કૈટલોનિયાના નેતા કાર્લોસ પુજિમોન્ટ અને તેમના મંત્રીમંડળને પણ બરતરફ કરી દીધાં છે.

તેમણે કૈટલોનિયામાં ચૂંટણી કરાવવા જાહેરાત કરી છે અને કહ્યું છે કે 'સામાન્ય સ્થિતિ' કાયમ કરવા માટે કૈટલોનિયાના શાસનને હાથમાં લેવાનો અભૂતપૂર્વ નિર્ણય જરૂરી હતો.

કૈટલોનિયામાં સંકટપૂર્ણ સ્થિતિની શરૂઆત તે સમયે થઈ હતી જ્યારે સ્પેનની બંધારણીય કોર્ટ તરફથી જનમત સંગ્રહને ગેરકાયદેસર ગણાવવા છતાં ત્યાં જનમત સંગ્રહ થયો.

તમને આ પણ વાંચવું ગમશે

કૈટલોનિયામાં 21 ડિસેમ્બરના રોજ ફરી ચૂંટણી યોજાશે. રખોયે વાયદો કર્યો છે કે આ ચૂંટણી સ્વતંત્ર, કાયદાકીય અને સ્વચ્છ રીતે કરાવવામાં આવે.

હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને નિરાશાજનક ગણાવતા તેમણે કહ્યું, "અમે ક્યારેય ઇચ્છતા ન હતા કે પરિસ્થિતિ આ રીતે વણસે."

રખોયે કૈટલોનિયાના પોલીસ પ્રમુખને બરતરફ કરવાની પણ જાહેરાત કરી છે.

સ્પેનમાં કેબિનેટની બેઠક બાદ રખોયનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે સ્પેન અને કૈટલોનિયા બન્નેની સંસદમાં આખો દિવસ માહોલ ગરમ રહ્યો હતો.

કૈટલોનિયાની સંસદે બહુમતથી સ્વતંત્રતાના પક્ષમાં મત આપ્યો. જ્યારે સ્પેનના સેનેટે કૈટલોનિયાની સ્વતંત્રતાને ખતમ કરવાના પક્ષમાં નિર્ણય લીધો હતો.

કૈટલોનિયાએ કરી હતી સ્વતંત્ર રાષ્ટ્રની ઘોષણા

Image copyright Getty Images
ફોટો લાઈન 135 સભ્યો વાળા ગૃહમાં મતદાન બાદ કૈટલોનિયાએ સ્પેનના બંધારણને રદ કરી દીધું હતું

આ પહેલા શુક્રવારના રોજ કૈટલોનિયાની સંસદે સ્વતંત્રતાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

135 સભ્યો વાળા સદનમાં પ્રસ્તાવના પક્ષમાં 70 અને વિરોધમાં 10 મત પડ્યા હતા.

જ્યારે બે સભ્યોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. વિપક્ષના ઘણા સાંસદોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો.

આ મતદાન બાદ કૈટલોનિયાએ સ્પેનના બંધારણને રદ કરી દીધું હતું.

સ્પેન અને કૈટેલોનિયા વિશે કેટલીક માહિતી

  • સ્પેનની 16% આબાદી કૈટેલોનિયામાં રહે છે.
  • સ્પેનમાં 25.6% માલ સામાનની નિકાસ કૈટેલોનિયાથી થાય છે.
  • સ્પેનના 19% GDPનું ઉત્પાદન કૈટેલોનિયામાં થાય છે.
  • સ્પેનનું 20.7% વિદેશી રોકાણ કૈટેલોનિયામાં જાય છે.
Image copyright Getty Images
ફોટો લાઈન કૈટલોનિયા પર હવે સ્પેનનું શાસન છે

સ્પેનની સેનેટના નિર્ણયથી કૈટલોનિયાની સ્વતંત્રતાનો બંધારણીય હોદ્દો હવે નથી રહ્યો. જેથી હવે આ વિસ્તાર પર સ્પેનનું શાસન છે.

કૈટલોનિયાની સંસદમાં થયેલા મતદાન બાદ રાજધાની બાર્સિલોનામાં પ્રાંતીય સેનેટે ઇમારતની બહાર અલગાવવાદી સમર્થકોની ભીડ જોવા મળી હતી.

લોકોએ સ્વતંત્રતા ઘોષિત કરવાના નિર્ણય પર ઝંડા ફરકાવી ખુશી વ્યક્ત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો