'અલીનો મુક્કો પડતો તો હું જીવતો ના હોત'

  • રેહાન ફઝલ
  • બીબીસી સંવાદદાતા, દિલ્હી

આ મુકાબલાનો પાયો ત્યારે નખાયો હતો, જ્યારે મોહમ્મદ અલીએ અચાનક હેવીવેટ બૉક્સિંગ ચેમ્પિયન જ્યોર્જ ફોરમેનને ફોન કરી તેમને પડકાર આપ્યો હતો.

તેમણે કહ્યું હતું કે, "જ્યોર્જ, શું તમે મારી સામે રિંગમાં ઉતરવાની હિંમત ધરાવો છો?"

જ્યોર્જે તરત જવાબ આપ્યો હતો, "ગમે ત્યાં, ગમે ત્યાં, બસ સારા પૈસા મળવા જોઈએ."

અલીએ કહ્યું, "તે લોકો એક કરોડ ડોલર આપવાની વાત કરી રહ્યા છે. ડૉન કિંગ કોન્ટ્રેક્ટ લઈને તમારી પાસે આવી રહ્યા છે."

તમને આ પણ વાંચવું ગમશે

"મેં કોન્ટ્રાક્ટને જોઈ લીધો છે. તમે પણ તેના પર હસ્તાક્ષર કરી દો. જો તમને મારાથી ડર ન લાગતો હોય તો."

જ્યોર્જ ફોરમેને કહ્યું, "હું તમારાથી ડરીશ? ધ્યાન રાખશો, ક્યાંક મારા હાથે તમારી હત્યા ન થઈ જાય."

સવારે 3 કલાક 45 મિનિટ

ઇમેજ કૅપ્શન,

29 ઑક્ટોબર 1974ના રોજ મોહમ્મદ અલી અને ફોરમેન વચ્ચે મુકાબલો થયો હતો

29 ઑક્ટોબર, 1974. ક્ષણ હતી જ્યારે મોહમ્મદ અલીએ જાએર (હવે કોંગોના નામે ઓળખાય છે)ની રાજધાની કિંશાસાના ''ટ્વેન્ટીએથ ઑફ મે' સ્ટેડિયમની રિંગમાં પગ મૂક્યો.

સ્ટેડિયમમાં બેઠેલા 60 હજાર દર્શકોએ એક સ્વરમાં ગર્જના કરી 'અલી! અલી! બોમાયે!' જેનો મતલબ હતો, 'અલી તેને મારી નાંખો!'

સમય હતો સવારે 3 કલાક 45 મિનિટનો. જી હાં, તમે સાચું વાંચ્યું, 3 કલાક 45 મિનિટ. આખરે શું કારણ હતું આટલી વહેલી સવારે દંગલ કરાવવા પાછળ?

મોહમ્મદ અલીની કારકિર્દીને નજીકથી જોવા વાળા નૌરિસ પ્રીતમ કહે છે, "આ મુકાબલો અમેરિકામાં ભલે ન થયો હોય, પરંતુ તેને જોવા વાળા મોટા ભાગના લોકો અમેરિકાના જ હતા."

તેઓ ઉમેરે છે, "અમેરિકામાં જ્યારે ટેલિવિઝનનો પ્રાઇમ ટાઇમ હતો, તે સમયે જાએરમાં સવારે ચાર વાગી રહ્યા હતા. એટલા માટે આ મેચનું આયોજન વહેલી સવારે થયું હતું."

"એ વાત અલગ છે કે જાએરના નિવાસીઓ પર તેની કોઈ અસર જોવા મળી ન હતી. જ્યારે રિંગની ઘંટડી વાગી ત્યારે સ્ટેડિયમ 60 હજાર દર્શકોથી ખચાખચ ભરેલું હતું."

ફોરમેન સાથે શાબ્દિક લડાઈ

ઇમેજ કૅપ્શન,

મુકાબલા પહેલા પત્રકાર પરિષદ યોજી અલીએ ફોરમેનની મજાક ઉડાવી હતી

મુકાબલો શરૂ થતા પહેલાં જ અલીએ જ્યોર્જ ફોરમેનને કહ્યું, "તમે મારા વિશે ત્યારથી સાંભળી રહ્યા છો, જ્યારે તમે એક બાળક હતા."

હવે હું તમારી સામે સાક્ષાત ઊભો છું. તમારો માલિક! મને સલામ કરો."

તે સમયે લોકો સમજી ન શક્યા કે અલીએ ફોરમેનને શું કહ્યું હતું. લોકોએ એ જોયું કે અલી ફોરમેનને કંઈક કહી રહ્યા છે.

અલીના હોઠ ફોરમેનના કાનથી બાર ઇંચ દૂર હતા.

ઇમેજ કૅપ્શન,

મોહમ્મદ અલીએ હેવીવેટ ચેમ્પિયન જ્યોર્જ ફોરમેનને ફોન કરી પડકાર આપ્યો હતો

ફોરમેન સમજી શકતા ન હતા કે અલીને જવાબ શું આપવો.

તેમણે અલીના ગ્લવ્સ સાથે પોતાના ગ્લવ્સ ટકરાવ્યા. એવું લાગ્યું કે જાણે તેઓ કહી રહ્યા છે - "શરૂ કરીએ!"

ત્યારે જ અલીએ પોતાના કાંડાને સીધા કર્યા. સાવધાનની મુદ્રામાં ઊભા રહી ગયા. આંખો બંધ કરી અને ઇશ્વર પાસે પ્રાર્થના કરવા લાગ્યા.

રેફરીની ચેતવણી

ઇમેજ કૅપ્શન,

ફોરમેન સાથે મુકાબલો થયો તે સમયે મોહમ્મદ અલીની ઉંમર 32 વર્ષ હતી

મુકાબલો શરૂ થતા પહેલા અલીએ ફોરમેન પર વધુ એક બાણ ચલાવ્યું હતું.

અલી પોતાનું મોઢું તેમના કાન પાસે લઈ જઈને બોલ્યા, "આજે આ આફ્રિકન લોકો સામે તમારી એટલી ધોલાઈ થવાની છે કે આખી જિંદગી સુધી યાદ રહેશે."

રેફરી ક્લેટને વચ્ચે બચાવ કર્યો, "અલી નો ટૉકિંગ. કોઈ પણ બેલ્ટની નીચે કે કિડની પાસે મુક્કો નહીં મારે."

પણ અલીને કોણ રોકી શકતું હતું. અલીએ કહ્યું, "હું તેને દરેક જગ્યાએ મુક્કો મારીશ. આજે તેનું જવું નક્કી છે."

રેફરી ફરી એક વખત ખીજાયા, "અલી મેં તમને ચેતવણી આપી હતી. ચુપ રહો."

ફોરમેન પોતાના દાંત કચડી રહ્યા હતા અને તેમની આંખોમાંથી આગ નીકળી રહી હતી. તે છતાં અલીએ કંઈક ને કંઈક બોલવાનું ચાલુ રાખ્યું હતું.

રેફરીએ કહ્યું, "હવે તમે એક શબ્દ પણ આગળ કહ્યો તો હું તમને ડિસક્વોલિફાઇડ કરી દઈશ."

અલીએ કહ્યું, "આજે તે આ જ રીતે બચી શકે છે. તેનો જનાજો નીકળવો નક્કી છે."

ઇરાદાપૂર્વક અલી પડી ગયા દોરડા પર

ઇમેજ કૅપ્શન,

અલીની 'રોપ અ ડોપ' ટેકનિકની શરૂઆત આ મેચથી જ થઈ હતી

ઘંટી વાગતા જ પહેલો મુક્કો અલીએ ચલાવ્યો અને તેમના જમણા હાથનો પંચ ફોરમેનના માથાની વચ્ચે લાગ્યો.

રાઉન્ડ પૂર્ણ થતા થતા ફોરમેન અલીને ઢસડીને રિંગની ચારે તરફ લાગેલાં દોરડાં તરફ લઈ ગયા.

અલી પીઠના બળે દોરડા પર પડી ફોરમેનના મુક્કાનો સામનો કરવા લાગ્યા.

દોરડાની અંદર બેઠેલા અલીના કોચ એંજેલો ડંડી બૂમ પાડી બોલ્યા, "ગેટ અવે ફ્રોમ ધેઅર!"

ફોરમેનની ઉડાવી મજાક

ઇમેજ કૅપ્શન,

રિંગમાં મોહમ્મદ અલી સતત ફોરમેન પર માનસિક દબાવ બનાવી રહ્યા હતા

મુકાબલો શરૂ થતા પહેલા જ મોહમ્મદ અલી ફોરમેન પર માનસિક રીતે દબાવ બનાવી ચૂક્યા હતા.

એક દિવસ પહેલા તેમણે પત્રકાર પરિષદમાં મોટી મોટી વાતો કરી હતી, "હું એટલો તેજ છું કે જો તોફાન વચ્ચે દોડું, તો પણ મારા કપડા ભીના નહીં થાય."

તેમણે ઉમેર્યું હતું કે, "મારી ઝડપનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કે ગત રાત્રે મેં લાઇટ સ્વિચ ઑફ કરી. અને અંધારું થતા પહેલા હું મારી પથારી પર પહોંચી ગયો હતો."

પરંતુ આ મુકાબલો શરૂ થતા પહેલા એક મિનિટ સુધી અલીએ ફોરમેનને કંઈ કહ્યું ન હતું. પરંતુ પછી તેઓ પોતાને રોકી ન શક્યા.

મોહમ્મદ અલી પોતાની આત્મકથા, 'ધ ગ્રેટેસ્ટ - માઈ ઓન સ્ટોરી'માં લખે છે, "મેં ફોરમેનને કહ્યું, 'કમ ઓન ચેમ્પ. તમારી પાસે મોકો છે. મને એ તો બતાવો કે તમારી પાસે શું શું છે. અત્યાર સુધી તમે કિંડરગાર્ટેનના બાળકો પર મુક્કા વરસાવતા આવ્યા છો.'"

"આ કહેતા મેં એક મુક્કો તેમના મોઢાની વચ્ચે માર્યો. મેં કહ્યું, 'લો. વધુ એક મુક્કો સહન કરો. મેં તમને કહ્યું હતું કે હું અત્યાર સુધીનો સૌથી તેજ હેવીવેટ મુક્કેબાજ છું."

"અડધો રાઉન્ડ પુરો થઈ ગયો છે અને તમે મને સારી રીતે એક પણ મુક્કો નથી મારી શક્યા.''

'ડાન્સ ચેમ્પિયન ડાન્સ'

ઇમેજ કૅપ્શન,

વહેલી સવારે 3.45 કલાકે અલી અને ફોરમેન વચ્ચે મુકાબલો થયો હતો

અલી તેમની પાછળ આસિસ્ટન્ટ કોચ બંડની બ્રાઉનનો અવાજ સાંભળી શકતા હતા, 'ડાન્સ ચેમ્પિયન ડાન્સ!'

કોચ એંજેલો ડંડી પણ કહી રહ્યા હતા, 'મૂવ અલી મૂવ. ગેટ ઓફ ધ રોપ ચેમ્પ.'

અલી લખે છે, "હું મારા લોકોને કેવી રીતે કહેતો કે દોરડા પરથી ઉઠવાનો મારો કોઈ ઇરાદો નથી. રાઉન્ડ પૂર્ણ થતા થતા મેં જ્યોર્જના માથા પર ત્રણ વખત માર્યું."

"મેં એ પણ વિચાર્યું કે જ્યોર્જને શિક્ષા આપવાનો મારો કાર્યક્રમ ચાલુ રાખું, નહીં તો એ વિચારવા લાગશે કે તેના મુક્કાએ મારી બોલતી બંધ કરી દીધી."

"મેં મુક્કો મારતા ફોરમેન પર કટાક્ષ કરતા કહ્યું, 'બસ તમારા મુક્કામાં આટલો જ દમ છે? શું તમે તેનાથી વધારે નથી મારી શકતા?"

રોપ એ ડોપ

ઇમેજ કૅપ્શન,

અલી જ્યારે ફોરમેન પર હુમલો કરતા હતા, તેઓ હંમેશા સ્ટ્રેટ રાઇટ જ મારતા હતા

જૈરી આઇઝનબર્ગ તે સમયે એક યુવા પત્રકાર હતા અને 'ન્યૂજર્સી સ્ટાર લેજરે' તેમને આ મુકાબલો કવર કરવા માટે કિંશાસા મોકલ્યા હતા.

આઇઝનબર્ગે બીબીસીને જણાવ્યું કે, "રાઉન્ડ શરૂ થવાની ઘંટી વાગી અને તુરંત જ મોહમ્મદ અલી દોરડાં તરફ જતા રહ્યા હતા."

"દુનિયાભરમાં પ્રખ્યાત અલીની 'રોપ અ ડોપ' ટેકનિકની શરૂઆત અહીથી જ થઈ હતી."

તેમણે ઉમેર્યું, "ફોરમેનના મગજમાં એ વાત ઘર કરી ચૂકી હતી કે તેઓ કોઈ પણ ગ્લવ્સને પોતાના મુક્કાથી ભેદી શકે છે.

મુક્કેબાજીમાં જો તમે કોઈ પોઇન્ટ મિસ કરો છો, તો તેની ભરપાઈ પોઇન્ટ જીતીને નથી કરી શકાતી."

"થોડીવારમાં ફોરમેનની બાજુઓમાં દુઃખાવો શરૂ થઈ ગયો હતો. આ દરમિયાન અલી સતત તેમની સાથે વાતો કરી રહ્યા હતા. તેનાથી તેમનો ગુસ્સો વધારે ભડકી ગયો હતો."

સ્ટ્રેટ રાઇટની કમાલ

ઇમેજ કૅપ્શન,

અલી હંમેશા અશક્યને શક્ય બનાવવામાં રસ રાખતા હતા

રસપ્રદ વાત એ હતી કે અલી જ્યારે ફોરમેન પર હુમલો કરતા હતા, તેઓ હંમેશા સ્ટ્રેટ રાઇટ જ મારતા હતા.

પ્રખ્યાત સાહિત્યકાર અને પુલિત્ઝર પુરસ્કારના વિજેતા નૌર્મન મેલર પણ તે સમયે આ મુકાબલો નિહાળી રહ્યા હતા.

તેમણે પોતાના પુસ્તક 'ધ ફાઇટ'માં તેનો ઉલ્લેખ કરતા લખ્યું છે, "અલીએ ગત સાત વર્ષોમાં આટલા પ્રભાવશાળી મુક્કા ક્યારેય વરસાવ્યા નહોતા."

"ચેમ્પિયન સામાન્યપણે બીજા ચેમ્પિયનને જમણા હાથે મુક્કો નથી મારતા."

વધુમાં તેમણે લખ્યું છે કે, "લગભગ શરૂઆતના રાઉન્ડમાં તો ક્યારેય જમણા હાથે મુક્કો નથી મારતા. તે સૌથી મુશ્કેલ અને ખતરનાક પંચ હોય છે."

"મુક્કેબાજીના પંડિત માને છે કે જમણા હાથને પોતાના લક્ષ્ય સુધી પહોંચતા વધુ સમય લાગે છે."

થાકથી બેહાલ ફોરમેન

ઇમેજ કૅપ્શન,

અલી સાથે મુકાબલા બાદ ફોરમેન માટે શ્વાસ લેવું અઘરૂં બની ગયું હતું

મોહમ્મદ અલીએ પોતાની આત્મકથા 'ધ ગ્રેટેસ્ટ'માં લખ્યું છે કે, "મેં ફોરમેનને એ રીતે પકડ્યા હતા કે મને તેમના હૃદયના ધબકારા પણ સંભળાઈ રહ્યા હતા."

"તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. તેનો મતલબ છે મારા મુક્કા કામ કરી રહ્યા હતા."

"હું તેમના કાનમાં કહી રહ્યો હતો, 'યુ આર ઇન બિગ ટ્રબલ બૉય. પોતાની આંખો જુઓ. તે ફૂલી ગઈ છે. હજુ આઠ રાઉન્ડ બાકી છે. આઠ રાઉન્ડ."

"જુઓ તમે કેટલા થાકી ગયા છો. મેં તો હજુ શરૂઆત પણ નથી કરી અને તમે હાંફવા લાગ્યા છો.'"

"ત્યાં જ પાછળથી સૈડલરે ફોરમેનને કંઈક કહેવા પ્રયાસ કર્યો. આર્ચો મૂર પણ ચીસો પાડવા લાગ્યા હતા. પરંતુ મને ખબર હતી કે ફોરમેન કોઈનું નહીં પણ મારું જ સાંભળી રહ્યા હતા."

પેરાશુટથી જંપ

ઇમેજ કૅપ્શન,

અલી- ફોરમેનનો મુકાબલો બૉક્સિંગ ઇતિહાસનો સૌથી મોટો ઉલટફેર હતો

નોર્મન મેલર પોતાના પુસ્તક 'ધ ફાઇટ'માં લખે છે, "અલીએ અચાનક ચાર રાઇટ્સ અને એક લેફ્ટ હુકની ઝડી વરસાવી."

"તેમનો એક મુક્કો તો એટલો ભારે હતો કે ફોરમેનનું મોઢું 90 ડિગ્રીએ ફરી ગયું હતું."

"તેમની અંદર શક્તિ રહી ન હતી. તેમના મુક્કા અલી સુધી પહોંચી શકતા ન હતા અને તેમના મોઢા પર સોજા ચઢી ગયા હતા."

આઠમો રાઉન્ડ પૂરો થવાનો હતો, ત્યાં જ અલીએ પોતાની પુરી તાકાત લગાવી ફોરમેનના જડબા પર સ્ટ્રેટ રાઇટ માર માર્યો.

સ્ટેડિયમમાં હાજર તમામ લોકોએ સ્તબ્ધ થઈને આ દૃશ્ય જોયું કે જેમાં ફોરમેન જમીન પર પડી રહ્યા હતા.

જૈરી આઇઝનબર્ગ જણાવે છે, "જ્યારે અલીનો બીજો રાઇટ ફોરમેનના જડબા પર પડ્યો તો અમારો શ્વાસ રોકાઈ ગયો હતો. અમે જોયું કે ફોરમેન જમીન પર પડી રહ્યા છે."

"આ પહેલાં મેં કોઈને સ્લો મોશનમાં આ રીતે નીચે પડતા નથી જોયા."

આ નૉકઆઉટનું કદાચ સૌથી કાવ્યાત્મક વર્ણન નૉમન મેલરે પોતાના પુસ્તક 'ધ ફાઇટ'માં કર્યું છે.

ઇમેજ કૅપ્શન,

આ મુકાબલા બાદ મોહમ્મદ અલી લગભગ ચાર વર્ષો સુધી વિશ્વ હેવીવેટ બૉક્સિંગના ચેમ્પિયન રહ્યા હતા

મેલર લખે છે, "અંતિમ ક્ષણોમાં ફોરમેનનો ચહેરો એવા બાળક જેવો થઈ ગયો હતો જેને હાલ જ જાણે પાણીથી ધોયો છે."

"અલીનો અંતિમ પંચ લાગતા જ ફોરમેનની બાજુઓ એવી થઈ ગઈ કે જાણે વિમાનમાંથી પેરાશુટથી કોઈ કુદકો લગાવી રહ્યું છે."

આ બૉક્સિંગ ઇતિહાસનો સૌથી મોટો ઉલટફેર હતો. 25 વર્ષ અને 118 કિલોના જ્યોર્જ ફોરમેનની સામે 32 વર્ષના મોહમ્મદ અલી કોઈ તક આપી ન હતી. પણ અલીએ અશક્યને શક્ય કરીને બનાવ્યું હતું.

ભારત પણ આવ્યા હતા અલી

ઇમેજ કૅપ્શન,

બૉક્સિંગમાંથી સન્યાસ બાદ મોહમ્મદ અલી ભારત પણ આવ્યા હતા

આ મુકાબલા બાદ મોહમ્મદ અલી લગભગ ચાર વર્ષો સુધી વિશ્વ હેવીવેટ બૉક્સિંગના ચેમ્પિયન રહ્યા હતા.

પુરી દુનિયા પણ એ માની ચૂકી હતી કે મોહમ્મદ અલી ખરેખર મહાન વ્યક્તિ હતા.

બૉક્સિંગથી સન્યાસ લીધા બાદ મોહમ્મદ અલી ભારત આવ્યા હતા. ત્યારે ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાના નિવાસ સ્થાને તેમનું સ્વાગત કર્યું હતું.

ઇમેજ કૅપ્શન,

મોહમ્મદ અલી વિશે નૌરિસ પ્રીતમે બીબીસી સાથે વાત કરી હતી

નૌરિસ પ્રીતમ જણાવે છે, "નેશનલ સ્ટેડિયમ, જે હવે ધ્યાનચંદ સ્ટેડિયમ તરીકે ઓળખાય છે. ત્યાં મોહમ્મદ અલીની ભારતના તત્કાલિન હેવીવેટ ચેમ્પિયન કૌર સિંહ સાથે એક ફ્રેન્ડલી મેચ રાખવામાં આવી હતી."

"તે મેચમાં અલી માત્ર પોતાના ડાબા હાથનો ઉપયોગ કરી રહ્યા હતા. કૌર સિંહના મુક્કા અલી સુધી પહોંચી રહ્યા ન હતા કેમ કે અલીના હાથ ખૂબ લાંબા હતા. હું પણ ત્યાં હાજર હતો. "

"મેચ બાદ મેં તેમની પાંસળી પર આંગળી મારીને જોયું. અલીએ હસતા હસતા મારી તરફ એક મુક્કો ફેંક્યો. જો તે મને પડી જતો તો આજે હું તમારી સામે બેઠા બેઠા અલી વિશે વાત ન કરી રહ્યો હોત."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો