ન્યૂ યૉર્ક હુમલો: સાઇપોવ IS માટે સંસાધનો એકઠા કરતો હતો

ન્યૂયૉર્ક હુમલા બાદ કૉર્ડન કરેલી કાર અને ટ્રક

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાની પોલીસનું કહેવું છે કે, ન્યૂ યૉર્કના મેનહટનમાં થયેલો ટ્રક હુમલો કરનાર હુમલાખોર કથિત ઇસ્લામિક સ્ટેટના પ્રભાવ હેઠળ હતો. આ ટ્રક ડ્રાઇવરનું નામ સૈફુલ્લો સાઇપોવ હોવાનું કહેવાય છે.

અમેરિકાની તપાસ એજન્સીઓએ સાઇપોવ પર આતંક ફેલાવવાનો આરોપ મૂક્યો છે. સાઇપોવ વિરુદ્ધ કથિત ઇસ્લામિક સ્ટેટ માટે વિવિધ સંસાધનો એકત્ર કરવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે.

મંગળવારે ન્યૂ યૉર્કના મેનહટનમાં પિક-અપ ટ્રક સાયકલ ચલાવવાની લેન પર અને માર્ગ પર ફરી વળી હતી. જેમાં આઠ લોકોનાં મૃત્યુ થયાં છે જ્યારે અગિયારથી વધુ લોકો ઘાયલ થયાં હતાં.

ન્યૂ યૉર્ક પોલીસના ડેપ્યુટી કમિશનર જૉન મિલરે જણાવ્યું હતું કે ઘટનાસ્થળની નજીકથી અરેબિક ભાષામાં લખેલી નોંધો મળી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે હુમલો ઇસ્લામિક સ્ટેટ માટે કરવામાં આવ્યો.

તમને આ વાંચવું પણ ગમશે:

સાઇપોવ વર્ષ 2010માં ઉઝબેકિસ્તાનથી અમેરિકા આવ્યા હતા અને તેમની પાસે અમેરિકામાં વસવાટ કરવાના કાયદેસર દસ્તાવેજો હતા.

મિલરે કહ્યું, “તપાસમાં જાણવા મળ્યું છે કે, સાઇપોવ લાંબા સમયથી આ હુમલાની તૈયારી કરી રહ્યો હતો. તેણે આ હુમલો ઇસ્લામિક સ્ટેટનાં નામે કર્યો હતો. ઘટનાસ્થળેથી મળેલી નોટ્સ અને અન્ય વસ્તુઓ એ તરફ ઇશારો કરે છે.”

કોણ છે હુમલાખોર?

ઇમેજ સ્રોત, CBS

ઇમેજ કૅપ્શન,

સીબીએસ ન્યૂઝે જાહેર કરેલી ટ્રક ડ્રાઇવરની તસવીર

ફેબ્રુઆરી 1988માં જન્મેલા અને ગ્રીનકાર્ડધારક સૈફુલ્લો સાઇપોવ ઓહાયો, ફ્લોરિડા અને ન્યુજર્સીમાં રહી ચૂક્યા છે.

અમેરિકામાં રહેનારા ઉઝબેક મૂળના બ્લૉગર અને ધાર્મિક કાર્યકર્તા મિરાખમક મુમીનોવે બીબીસીને જણાવ્યું છે કે, સાઇપોવ ત્રણ બાળકોના પિતા છે.

મુમીનોવનું કહેવું છે, "અમેરિકા આવ્યા બાદ ઇન્ટરનેટના માધ્યમથી સાઇપોવનો ઝોક કટ્ટરપંથ તરફ વળ્યો હતો." સાઇપોવના અમેરિકા આવ્યા બાદ બન્નેની મુલાકાત ઓહાયોમાં થઈ હતી.

મુમીનોવ કહે છે,"તેમણે વધુ અભ્યાસ નથી કર્યો અને અમેરિકામાં આવ્યા પહેલાં તેમને કુરાન વિશે પણ કોઈ જાણકારી નહોતી. અહીં આવ્યા ત્યારે તેઓ સામાન્ય વ્યક્તિ હતા."

મુમીનોવ કહે છે, "પોતાના કટ્ટરપંથી વિચારોના કારણે તેઓ અન્ય ઉઝબેક લોકો સાથે ઘણીવાર ઉગ્ર ચર્ચા કરતા અને બાદમાં તેમણે ફ્લોરિડા સ્થળાંતર કર્યું હતું." બાદમાં બન્ને વચ્ચે કોઈ સંપર્ક નહોતો રહ્યો.

ગત વર્ષે મિસૌરી પ્રાંતમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંધ કરવા બદલ સાઇપોવની ધરપકડ કરવામાં આવી હતી.

શું આ લોન વુલ્ફ હુમલો છે?

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

કેટલાંક ઘાયલોને તાત્કાલિક સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી.

ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર, સાઇપોવ જ્યારે અમેરિકા આવ્યા ત્યારે તેમની અંગ્રેજી ભાષા ખાસ સારી નહોતી. તેઓ ટ્રક ડ્રાઇવર અથવા ઉબર ડ્રાઇવર તરીકે કામ શોધી રહ્યા હતા.

ઘણાં વર્ષો પહેલાં ફ્લોરિડામાં સાઇપોવ સાથે મુલાકાત કરનારા કોબિલડોન મતકારોવે અખબારને કહ્યું, "જ્યારે હું તેમને ઓળખતો હતો ત્યારે તેઓ ખૂબ સારાં વ્યક્તિ હતા."

"તેઓ અમેરિકાને પસંદ કરતા હતા અને ખૂબ ખુશ રહેતા. તેઓ ઉગ્રવાદી નહોતા લાગતા, પરંતુ તેમના મનમાં શું ચાલી રહ્યું છે તેની મને જાણ નહોતી."

વૉશિંગ્ટન પૉસ્ટના અહેવાલ પ્રમાણે, સાઇપોવને ગોળી લાગી છે અને તેમનો જીવ બચી જશે. તેમના અસલી હેતુ સુધી પહોંચાવાની તક પોલીસ પાસે છે.

અહેવાલો પ્રમાણે તેમને 'લોન વુલ્ફ' પ્રકારના હુમલાખોર મનાઈ રહ્યા છે. જે સ્વયંપ્રેરિત હતા અને ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા કોઈ વ્યક્તિ તેમને દિશા નિર્દેશ નહોતા આપી રહ્યા.

ન્યૂ યૉર્કના ગવર્નર એન્ડ્ર્યુ ક્યોમોએ કહ્યું છે કે આ હુમલા પાછળ મોટું ષડ્યંત્ર હોવાના કોઈ પુરાવા હજુ સુધી મળ્યા નથી.

અમેરિકન મીડિયાએ પોલીસ તરફથી મળેલી માહિતીના આધારે કહ્યું છે કે તેમના ટ્રકમાં ઈસ્લામિક સ્ટેટનો ઉલ્લેખ કરનારી એક લેખિત નોટ મળી છે.

કેટલાંક અહેવાલોમાં કહેવાયું છે કે હુમલા બાદ જ્યારે તેઓ પોતાના વાહનમાંથી નીકળ્યા ત્યારે 'અલ્લાહ હૂ અકબર'ના નારા લગાવી રહ્યા હતા.

પાંચ મિત્રોના એકસાથે મોત

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA

ઇમેજ કૅપ્શન,

આર્જેન્ટિનાના પાંચ મિત્રો ન્યૂ યોર્કની મુલાકાતે આવ્યા હતા અને હુમલામાં પાંચેયના મોત થયા હતા

આ હુમલામાં આર્જેન્ટિના પાંચ મિત્રોનાં એકસાથે મોત થયાં હતાં. આર્જેન્ટિનાના વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી હતી.

આર્જેન્ટિનાથી દસ મિત્રો ન્યૂ યોર્ક આવ્યા હતા.

30 વર્ષ અગાઉ આર્જેન્ટિનાના રોઝારિયો શહેરમાં આ દસેય મિત્રોએ એકસાથે પોલિટેક્નિકનો અભ્યાસ કર્યો હતો.

ન્યૂ યૉર્કના મેયર બિલ દે બ્લાસિઓએ કહ્યું હતું કે આ નિર્દોષ નાગરિકો પર કરાયેલો કાયર ત્રાસવાદી હુમલો છે.

તેમણે વધુમાં કહ્યું "અમને ખબર છે કે અમારાં મનોબળને તોડવાં આ કૃત્ય કરાયું છે, પરંતુ ન્યૂયૉર્કના લોકો મજબૂત છે અને આવા ડરપોક હિંસક કૃત્યથી અમારું મનોબળ નહીં તૂટે."

યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું છે કે મારા વિચારો, મારી સાંત્વના હુમલાનો ભોગ બનનારા લોકો અને તેમના પરિવાર પ્રત્યે છે. ઇશ્વર અને તમારો દેશ તમારી સાથે છે!

કઈ રીતે થયો હુમલો?

ઇમેજ સ્રોત, AFP

ન્યૂ યૉર્ક પોલીસ વિભાગના કમિશનર જેમ્સ ઓ'નિલે કહ્યું છે કે ઘાયલોની હાલ ગંભીર છે પરંતુ ખતરાથી બહાર છે.

તેમણે મેળવેલી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના આ મુજબ વર્ણવી.

  • સ્થાનિક સમયના બપોરના 3 કલાકે(00.30 IST) હોમ ડેપો પાસેથી ભાડે લીધેલી ટ્રક સાયકલ ચલાવતા લોકો અને રાહદારીઓ પર ત્રાટક્યો હતો.
  • બાદમાં આ ટ્રકે સ્કૂલબસને અડફેટે લીધી હતી, જેમાં બે વ્યક્તિ અને બે બાળકોને ઈજા થઈ હતી. ત્યારબાદ ટ્રક અટકી ગઈ.
  • ડ્રાઇવર બે હેન્ડગન સાથે બહાર આવ્યો અને તેણે કહ્યું 'આતંકી હુમલા માટે અનુકૂળ.'
  • પોલીસે ઑફિસરે તેના પર ગોળી ચલાવી.
  • પેઇન્ટબોલ ગન અને પેલેટ ગન્સ પણ ઘટનાસ્થળેથી મળી આવ્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો