ગીઝા : ખુફુના પિરામિડમાં વૈજ્ઞાનિકોએ શોધી પોલાણવાળી જગ્યા

ચીઓપ્સના પિરામિડની મોટી ગૅલરીની તસવીર
ઇમેજ કૅપ્શન,

મળી આવેલ ખાલી જગ્યા આ મોટી ગૅલરીની બરોબર ઉપર જ છે અને તેના પરિમાણ પણ સમાન છે

ઇજિપ્તમાં ખુફુ કે ચીઓપ્સ તરીકે વિખ્યાત પિરામિડમાં એક પોલાણ વાળી મોટી ખાલી જગ્યા (બાકોરું) મળી આવતાં પિરામિડના રહસ્યો વધુ વ્યાપક બન્યાં છે.

આ ખાલી જગ્યાનું અસ્તિત્વ કેમ છે અથવા ખરેખર તેનું કોઈ મહત્વ છે કે કેમ તેની કોઈ જાણકારી નથી. કેમ કે, આ મોટી ખાલી જગ્યા સુધી પહોંચી શકાય એવું નથી.

પ્રખ્યાત પિરામિડ પર બે વર્ષના અભ્યાસ બાદ જાપાનીઝ અને ફ્રેન્ચ વૈજ્ઞાનિકોએ આ ખાલી જગ્યા અંગેની જાહેરાત કરી છે.

તમને આ પણ વાંચવું ગમશે

આ માટે તેઓ મ્યુઓગ્રાફી નામની પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે. તે પથ્થરોના મોટા માળખાની અંદરની ઘનતામાં થતા ફેરફાર ચકાસી શકે છે.

ઇમેજ કૅપ્શન,

ખુફુનો પિરામિડ ઇજિપ્તનો સૌથી ઊંચો પિરમિડ છે

ધ ગ્રેટ પિરામિડ અથવા ખુફુનો પિરામિડ ઈ.સ પૂર્વે 2509 અને 2483 વચ્ચે ઇજિપ્તના રાજા ખુફુના શાસન દરમિયાન બાંધવામાં આવ્યો હતો.

140 મીટરની ઊંચાઈ ધરાવતો આ પિરામિડ ઇજિપ્તનો સૌથી ઊંચો પિરામિડ છે. તે કૈરોની સીમા પાસે ગીઝા ખાતે આવેલો છે.

  • સ્કેનપિરામિડ્સને પહેલા પણ પિરામિડના ઉત્તરી મુખ તરફે એક નાની પોલાણવાળી જગ્યા મળી આવી હતી.
  • પણ આ નવી પોલાણવાળી જગ્યા 30 મીટર લાંબી અને કેટલાક મીટર ઊંચી છે.
  • તમામ ત્રણ મ્યુઓન ટેક્નોલૉજીને એક જ સ્થાન પર આ જગ્યા મળી આવી છે.

ખુફુના પિરામિડમાં ત્રણ મોટા ચેમ્બરો છે અને રસ્તાઓની શ્રેણી છે. જેમાં 47 મીટર લાંબી અને આઠ મીટર ઊંચી મોટી ગૅલરી છે.

નવી મળી આવેલ જગ્યા આ ગૅલરીની બરોબર ઉપર જ છે અને તેના પરિમાણ પણ તેના જેવા છે.

ઇમેજ કૅપ્શન,

ધ સ્કેનપિરામિડ્સની ટીમે આ નવી શોધ કરી

પેરિસની એચઆઈપી ઇન્સ્ટિટ્યૂટના મેહદી તયૌબીએ જણાવ્યું, "અમને નથી ખબર કે આ ખાલી જગ્યા આડી છે કે ઢળેલી છે, અમને એ પણ નથી ખબર કે તે એક જ માળખાથી બનેલી છે કે સળંગ એકથી વધારે માળખાથી બનેલી છે."

"પણ એક પોલાણવાળી જગ્યા છે તેની અમને સોટ ખાતરી છે. વળી, અત્યાર સુધી કોઈ પણ થિયરીમાં આ મામલે ઉલ્લેખ નહોતો કે ના આવું કોઈ અનુમાન હતું."

ધ સ્કેનપિરામિડ્સની ટીમે આ ખાલી જગ્યાને એક ચેમ્બર તરીકે ગણવામાં નહીં આવે તેની ખાસ કાળજી રાખી છે.

ખુફુમાં કેટલાક ખંડ છે. નિષ્ણાતોના મતે આ ખંડ એટલા માટે બનાવાયેલા છે, કેમ કે પથ્થરોના ભારને હળવો કરતી વેળા માળખું તૂટી ન પડે. ઉપરના ભાગે રાજાના ચેમ્બર પર આવા પાંચ ખંડ છે.

ઇમેજ કૅપ્શન,

સ્કેનપિરામિડ્સની શોધની સમીક્ષા કરનારી પેનલમાં જાણીતા અમેરિકન આર્કિયૉલૉજિસ્ટ માર્ક લેહનેર પણ સામેલ

સ્કેનપિરામિડ્સના કાયર્ની સમીક્ષા કરનારી પેનલમાં જાણીતા અમેરિકી આર્કિયૉલૉજિસ્ટ માર્ક લેહનેર પણ છે.

તેમના જણાવ્યા અનુસાર મ્યુઓન સાયન્સ છે પણ આ શોધનું કોઈ મહત્ત્વ છે કે કેમ તે વિષે તેમને ખાતરી નથી.

બીબીસીના સાયન્સ ઇન ઍક્શન પ્રોગ્રામને તેમણે જણાવ્યું કે, "તે એક પ્રકારની એવી જગ્યા પણ હોઈ શકે જે પિરામિડના વજનથી મોટી ગૅલરીની છતને રક્ષણ આપવા માટે ખાલી છોડી દેવામાં આવી હોય."

"હાલ તે માત્ર એક તફાવત છે અને અનિયમિત બાબત છે. 19મી સદીની શરૂઆતમાં જેમ બ્રિટિશ ઇજિપ્ટોલૉજિસ્ટ હોવર્ડ વીઝે ગનપાઉડરથી આ પિરામિડમાં ધડાકા કરીને રસ્તો બનાવ્યો હતો, તેવું અમે હાલના સમયમાં ન કરી શકીએ. એટલે જ અમારે આ મુદ્દે વધુ ધ્યાન રાખીને કામ કરવાનું છે ."

ઇમેજ કૅપ્શન,

મ્યુઓગ્રાફી જ્વાળામુખી અને હિમશીખરોની અંદર શું છે તેની તપાસ કરવા માટે પણ ઉપયોગી

ટીમના એક આગેવાન કૈરો યુનિવર્સિટીના હેની હેલલ માને છે કે માત્ર દબાણને મુક્ત કરવા માટે આ ખાલી જગ્યા ઘણી મોટી છે પરંતુ નિષ્ણાતો આ મામલે ચર્ચા કરશે.

"અમે જે કરી રહ્યા છે તે પિરામિડોના અંદરના માળખાંને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે અને સમજી રહ્યા છે કે આ પિરામિડોને કઈ રીતે બાંધવામાં આવ્યા છે."

"પ્રખ્યાત ઇજિપ્ટોલૉજિસ્ટ, આર્કિયૉલૉજિસ્ટ, આર્કિટેક્ટની કલ્પનાઓ છે અને અમે તેમને ડૅટા આપી રહ્યા છે. આમ હવે તે અમને કહી શકે છે કે આવું કંઈક છે કે જેની તેમને કલ્પના કે અપેક્ષા હતી."

મ્યુઓગ્રાફીથી મળેલા અચોક્કસ ડૅટાથી ઘણી અનિશ્ચિતતા ઘટી છે.

આ ટેક્નોલૉજી છેલ્લા 50 વર્ષોમાં વિકસાવામાં આવી છે. તે જ્વાળામુખી અને હિમશિખર જેવા માળખાઓની અંદર શું છે તેની તપાસ કરવા માટે ઉપયોગી છે.

બંધ થઈ ગયેલા ફુકુશીમા પરમાણુ પ્લાન્ટની તપાસ માટે પણ તેનો જ ઉપયોગ થયો હતો.

ઇમેજ કૅપ્શન,

સ્કેનપિરમિડ્સની ટીમે શોધ માટે ત્રણ જુદીજુદી મ્યુઓન ટેક્નોલૉજીનો ઉપયોગ કર્યો

મ્યુઓગ્રાફી અવકાશમાંથી પૃથ્વીની સપાટી પર વરસાદ રૂપે આવતા ઊંચી ઊર્જા ધરાવતા કણોનો ઉપયોગ કરે છે.

જ્યારે વેગ સાથે કિરણો હવામાં કણો સાથે અથડાય છે ત્યારે તે તેના જેવા કણોની શ્રૃખંલા સર્જે છે અને તેમાં મ્યુઓન પણ સામેલ હોય છે.

આ કણો પ્રકાશના કિરણોની ઝડપની નજીકની ઝડપ ધરાવે છે અને તે દ્રવ્ય સાથે ઓછી પ્રતિક્રિયા કરે છે.

આથી જ્યારે તે સપાટી પર પહોંચે છે, ત્યારે ખૂબ જ દબાણથી પથ્થરના માળખામાં પ્રવેશે છે.

પરંતુ કેટલાક કણો પથ્થરોમાંના ખનિજ દ્રવ્યના અણુમાં શોષાય છે અને દિશા પણ બદલે છે.

જે સ્થળે શોધ કરવી હોય ત્યાં મ્યુઓન ડિટેક્ટર્સ મૂકવામાં આવે તો માળખાંની ઘનતાની અનિયમિત તસવીર મેળવી શકાય છે.

ઇમેજ કૅપ્શન,

મ્યુઓન ડિટેક્ટર્સ મૂકીને માળખાંની ઘનતાની અનિયમિત તસવીર મેળવી શકાય છે

સ્કેનપિરામિડ્સની ટીમે શોધ માટે ત્રણ જુદીજુદી મ્યુઓન ટેક્નોલૉજીનો ઉપયોગ કર્યો હતો અને તે તમામમાં આ પોલાણવાળી જગ્યાનું કદ અને તે કયા સ્થાન પર છે તે બાબતે સર્વસંમતિ રહી.

પેરિસની યુનિવર્સિટીના સેબેસ્ટિયન પ્રોક્યુરરનું કહેવું છે કે મ્યુઓગ્રાફી ફક્ત મોટા માળખાની શોધ માટે છે અને આ શોધમાં પિરામિડની અંદરનું પોલાણ સામાન્ય પોલાણ નથી દર્શાવતી.

"મ્યુઓનથી તમે સંકલિત ઘનતા માપી શકો. આથી જો બધે જ પોલાણ કે બાકોરું હોય તો સંકલિત ઘનતા સરખી જ રહેશે કેમકે બધું સરેરાશ રહેશે. પણ જો વધુ મ્યુઓન જોવા મળે તો મોટું બાકોરું હોઈ શકે છે. તમને સ્વિસના ચીઝમાં આવું જોવા નહીં મળે."

હવે સવાલ એ છે કે આ પોલાણવાળી જગ્યાની વધુ તપાસ કઈ રીતે કરી શકાય.

ફ્રેન્ચ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કમ્પ્યૂટર એન્ડ એપ્લાઇડ મૅથેમૅટિક્સના જીન-બેપ્ટિસ્ટેએ જણાવ્યું કે, "ટીમ પાસે આઇડિયા હતો કે તે તપાસ કઈ રીતે કરી શકાય, પરંતુ તેના માટે ઇજિપ્તના સત્તાધિકારીઓએ તેને પહેલા મંજૂર કરવી પડે."

તેમણે કહ્યું, " અમારો કૉનસેપ્ટ આવા સ્મારકોમાં નાનું કાણું પાડીને તપાસ કરવાનો છે. તેમાં 3 સેન્ટિમીટરનો રોબૉટ ઉતારવાનું લક્ષ્ય છે. અમે ખાસ કરીને ઊડી શકે તેવા રોબૉટ પર કામ કરી રહ્યા છીએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો