ટ્રમ્પનું એકાઉન્ટ ટ્વિટરના કર્મચારીએ નોકરીના આખરી દિવસે નિષ્ક્રિય કરી દીધું

ટ્વિટરનો સ્ક્રીનશૉટ

ઇમેજ સ્રોત, TWITTER

ઇમેજ કૅપ્શન,

ટ્વિટર પર ટ્રમ્પના 41.7 મિલિયન ફોલોઅર્સ

ગુરૂવારે અમેરિકના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ કેટલાક સમય માટે નિષ્ક્રિય કરી દેવાયું હતું, પરંતુ હવે તેને ફરીથી સક્રિય કરી દેવાયું છે. આ માહિતી માઇક્રોબ્લૉગિંગ સાઇટ ટ્વિટરે આપી હતી.

ટ્વિટરે જણાવ્યું કે @realdonaldtrump એકાઉન્ટ ટ્વિટરના જ એક કર્મચારી દ્વારા 'ડિઍક્ટિવેટેડ'(નિષ્ક્રિય) કરી દેવાયું હતું.

પાછળથી સ્પષ્ટીકરણ આપ્યું હતું કે જે કર્મચારીએ આવું કર્યું હતું, તેનો નોકરીમાં છેલ્લો દિવસ હતો.

ટ્રમ્પનું એકાઉન્ટ 11 મિનિટ સુધી નિષ્ક્રિય રહ્યું હતું. હવે આ મામલે ટ્વિટર વધુ તપાસ કરી રહ્યું છે.

ટ્વિટર પર સક્રિય ટ્રમ્પના 41.7 મિલિયન એટલે કે 4.17 કરોડ ફોલોઅર્સ છે. ટ્રમ્પે આ મામલે હજી સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપી.

ગુરૂવારે સાંજે ટ્રમ્પનું ટ્વિટર પેજ પર કેટલાક સમય માટે માત્ર એક સંદેશો જોવા મળ્યો જેમાં લખ્યું હતું, "સૉરી, આ પેજ અસ્તિત્વમાં નથી"

સત્તાવાર એકાઉન્ટને અસર નહીં

ઇમેજ સ્રોત, TWITTER

ઇમેજ કૅપ્શન,

અમેરિકી રાષ્ટ્રપ્રમુખનું સત્તાવાર એકાઉન્ટ @POTUSને કોઈ પણ પ્રકારની અસર નહીં

એકાઉન્ટ ફરી શરૂ થતા જ ટ્રમ્પનું પ્રથમ ટ્વિટ ટેક્ષમાં કાપ મૂકવાના રિપબ્લિકન પાર્ટીના આયોજન અંગેનું હતું.

જોકે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનાં સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ @POTUSને કોઈ અસર નહોતી થઈ.

ટ્વિટરે જણાવ્યું કે તે આ બાબતે તપાસ કરી રહ્યું છે અને પગલાં પણ લઈ રહ્યું છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય.

તમને આ પણ વાંચવું ગમશે

ઇમેજ સ્રોત, Getty Images

બાદમાં એક ટ્વીટમાં માઇક્રોબ્લૉગિંગ સાઈટે લખ્યું, "અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે આ કામ ટ્વિટરના કસ્ટમર સપોર્ટના કર્મચારીએ નોકરીના છેલ્લા દિવસે આમ કર્યું હતું. અમે આંતરિક સમીક્ષા હાથ ધરી છે."

ટ્રમ્પે વર્ષ 2009ના માર્ચ મહિનામાં ટ્વિટર એકાઉન્ટ બનાવ્યું હતું.

ટ્રમ્પ તેમની નીતિઓને પ્રોત્સાહિત કરવા સોશિઅલ મીડિયાનો ખૂબ ઉપયોગ કરે છે.

2016ની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી દરમિયાન અને જાન્યુઆરીમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લીધા, ત્યારથી સોશિઅલ મીડિયાના માધ્યમથી તેમના રાજકીય વિરોધીઓ પર પ્રહાર કરતા રહે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો