સાઉદી અરેબિયામાં 11 રાજકુમાર અને મંત્રીઓની ધરપકડ

ઇમેજ સ્રોત, Reuters
સાઉદી અરેબિયામાં ઘણા ગુનાહની કોઈ માફી નથી અપાતી
સાઉદી અરેબિયાની ભ્રષ્ટાચાર નિરોધક કમિટીએ 11 રાજકુમારો તેમજ ચાર મંત્રીઓ અને ઘણા પૂર્વ મંત્રીઓની ધરપકડ કરી છે.
જે લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમના નામ જાહેર નથી કરાયા. ઉપરાંત એ પણ સ્પષ્ટતા નથી થઈ કે તેમના પર શું આરોપ લાગ્યા છે.
જોકે, સાઉદી બ્રૉડકાસ્ટર અલ-અરેબિયાએ કહ્યું છે કે વર્ષ 2009માં જેદ્દાહમાં આવેલા પૂર અને વર્ષ 2012માં મર્સ વાઇરસના સંક્રમણના ફેલાવવા મામલે ફરી તપાસ શરૂ કરાઈ છે.
નવી ભ્રષ્ટાચાર નિરોધક કમિટી ગઠનના ચાર કલાક બાદ જ આ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
ક્રાઉન પ્રિન્સ છે તપાસ સમિતિના અધ્યક્ષ
ઇમેજ સ્રોત, Getty Images
કમિટીની અધ્યક્ષતા ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન કરી રહ્યા છે
સાઉદી અરેબિયાની સરકારી સમાચાર એજન્સી SPAએ કહ્યું છે કે આ કમિટીની અધ્યક્ષતા ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન કરી રહ્યા છે.
પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને ધરપકડનો વૉરન્ટ જાહેર કરવાના, તેમજ યાત્રા પર પ્રતિબંધ લગાવવા અધિકાર છે.
આ સિવાય સાઉદી નેશનલ ગાર્ડ અને નૌસેનાના પ્રમુખને પણ પદ પરથી હટાવવામાં આવ્યા છે.
SPAએ કહ્યું છે કે કિંગ સલમાને નેશનલ ગાર્ડ મિનિસ્ટર પ્રિન્સ મિતેબ બિન અબ્દુલ્લાહ અને નેવી કમાન્ડર એડમિરલ અબ્દુલ્લાહ બિન સુલતાન બિન મોહમ્મદ અલ સુલતાનને બરતરફ કરી દીધા છે.
ઔપચારિક રૂપે તેમને હટાવવાનું કોઈ કારણ જણાવવામાં નથી આવ્યું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો