પાકિસ્તાનમાં ધોળે દિવસે હથિયારધારી ઈસમોએ કિશોરીની આબરૂ પર હુમલો કર્યો
- અઝીઝુલ્લાહ ખાન
- બીબીસી ઉર્દૂ, પેશાવર

ઇમેજ સ્રોત, QAIS JAVED
ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના એક ગ્રામીણ વિસ્તારમાં હથિયારધારી લોકોએ 16 વર્ષીય કિશોરીને ગામમાં અર્ધનગ્ન હાલતમાં જાહેરમાં ફેરવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
પોલીસના અનુસાર આ હથિયારધારી લોકોએ તેમના પરિવારનું પ્રતિષ્ઠા પાછી મેળવવા અને બદલો લેવા માટે આ કરતૂત કરી હતી.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ હુમલો કરનાર લોકોના પરિવારની જ એક યુવતી સાથે પીડિતાના ભાઈનું ગુપ્ત પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું.
તમને આ વાંચવું પણ ગમશે :
આ ઘટના ગત સપ્તાહે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઇલ ખાં શહેરથી 80 કિમી દૂર આવેલા ચૌંદવા ગામમાં બની હતી.
કેવી રીતે હુમલો થયો?
ઇમેજ સ્રોત, AFP
મીડિયાને આ વાતની જાણ થતા ગુરૂવારે સમગ્ર બાબત પ્રકાશમાં આવી હતી.
ઘટનાને પગલે પાલીસે આઠની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એકની શોધખોળ જારી છે.
જો કે લોકોનું કહેવું છે કે કિશોરી દિવસે તળાવમાંથી પાણી લેવા જઈ રહી હતી ત્યારે તેની પર આ હુમલો કરાયો હતો.
પીડિતાની આપવીતી
ઇમેજ સ્રોત, QAIS JAVED
કિશોરીએ સ્થાનિક પત્રકારોને જણાવ્યું, "હું અને મારી બહેન ઘડામાં પાણી ભરીને પાછા આવી રહ્યા હતા, ત્યારે આ લોકો અમારી પાસે આવ્યા."
"તેમણે મને ધક્કો માર્યો અને હું નીચે પડી ગઈ. ત્યાર પછી તેમણે કાતરથી મારા કપડાં કાપી નાંખ્યા. જ્યારે મારી બહેને તેના દુપટ્ટાથી મને ઢાંકવાની કોશીશ કરી તો દુપટ્ટો પણ છીનવી લીધો."
દરમિયાન આ કિશોરીએ નજીકના એક ઘરમાં જઈને બચવાની કોશીશ કરી પરંતુ તે લોકો ત્યાં પણ પહોંચી ગયા.
"હું એક ખાટલા પાસે છુપાઈ ગઈ હતી પણ તે લોકોએ મને ત્યાંથી બહાર ખેંચી કાઢી. એક પાડોશીએ વચ્ચે આવવાની કોશીશ કરી પણ તેને બંદૂકથી ધમકાવી દેવાયા."
સ્થાનિક લોકો અને પોલીસનું કહેવું છે કે આ ઘટનાક્રમ એક કલાક સુધી ચાલું રહ્યો અને ત્યાર પછી કિશોરીને છોડી દીધી. કિશોરીએ ઉમેર્યું,"મારા કાકાનું ઘર પાસે જ હતું. એટલે હું ત્યાં દોડી ગઈ અને કપડાં પહેરી લીધા."
અત્યાચાર પછી મજાક ઊડાવી
ઇમેજ સ્રોત, Getty Images
કિશોરીએ તેની માતા અને બહેનની હાજરીમાં સમગ્ર ઘટનાની જાણકારી મીડિયાને આપી. તેની વિધવા માતાએ કહ્યું કે તેમને ઘટનાની જાણ થતા જ તે તેને શોધવા નીકળી પડ્યા હતા.
"ગલીમાં મેં કેટલાક હથિયારધારી લોકોને જોયા હતા. મેં તેમને પૂછ્યું કે તેમણે મારી દીકરી સાથે શું કર્યું? પણ જવાબ આપવાની જગ્યાએ તેમણે મને પૂછ્યું કે મારો દીકરો ક્યાં છે. તે લોકો મારી મજાક ઉડાવા લાગ્યા."
કિશોરીની માતાએ તેને વધુમાં કહ્યું કે ગલીમાં આગળ જતાં તેમને દીકરીએ પહેરેલા કપડાનો એક ટુકડો મળ્યો હતો.
ભાઈના કથિત પ્રેમ પ્રંસગની સજા બહેનને આપી
નાામ ન જણાવવાની શરતે એક સ્થાનિકે બીબીસીને જણાવ્યું કે હુમલો કરનાર પરિવાર ત્રણ વર્ષ પહેલા બનેલી ઘટનાને લીધે કિશોરીના પરિવાર પ્રત્યે દુર્ભાવના રાખતું હતું.
"તે સમયે આ કિશોરીના ભાઈ પર એક યુવતીને મોબાઈલ ભેટ કરવાનો આરોપ લાગ્યો હતો. આ ફોનનો ઉપયોગ બન્ને તેમના પ્રેમ પ્રકરણ દરમિયાન વાતો કરવા માટે કરતા હતા."
આ વાતની જાણ થતા જ યુવતીનો પરિવાર નારાજ થયો હતો. જેથી બાદમાં આ મામલે વડીલોની બેઠક બોલાવાઈ હતી જેથી કરીને હિંસા થાય તે પહેલા જ નિવેડો લાવી શકાય.
આથી પંચાયતે યુવકને ત્રણ લાખ રૂપિયાનો દંડ ભરવા પણ કહ્યું હતું અને તેણે આ દંડ ભરી દેતા મામલાની ત્યાં જ પતાવટ કરી દેવાઈ હતી.
જો કે એક સૂત્રએ કહ્યું, "પરંતુ હવે એવું લાગે છે કે પરિવાર તે સમયના અપમાનને ભૂલ્યું નથી અને આ લોકો બદલો લેવા માંગતા હતા."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો