અમેરિકાઃ ટેક્સાસના ચર્ચમાં ગોળીબાર, 26નાં મૃત્યુ

ટેક્સાસનો હુમલાખોર

ઇમેજ સ્રોત, Twitter/@jemisha_johnson

અમેરિકાના ટેક્સાસમાં એક બંદૂકધારીએ રવિવારના રોજ ચર્ચમાં પ્રાર્થનાસભા દરમિયાન ગોળીબાર કર્યો હતો.

હુમલાખોરની ઓળખ 26 વર્ષના ડેવિન પી કેલી તરીકે કરવામાં આવી છે, જેનું ઘટનાસ્થળેથી ભાગતી વખતે જ અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર આ હુમલામાં 26 લોકોનાં મૃત્યુ થયાં છે અને ઘણા લોકો ઘાયલ થયાં છે. આ હુમલો સદરલેંડ સ્પ્રિંગ્સના વિલસન કાઉન્ટી વિસ્તારમાં ફર્સ્ટ બાપ્ટિસ્ટ ચર્ચ પર થયો હતો.

સ્થાનિક મીડિયાના રિપોર્ટના આધારે ડેવિન સ્થાનિક સમયાનુસાર સવારે 11:30 કલાકે ચર્ચમાં ઘુસ્યો હતો અને ગોળીબાર શરૂ કર્યો હતો.

પોલીસે મીડિયાને જણાવ્યું કે હુમલામાં ઘણા લોકોનાં મૃત્યુ થયાં છે. સોશિઅલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં ચર્ચની બહારના વિસ્તારમાં પોલીસની ઘેરાબંધી જોવા મળી રહી છે.

તમને આ પણ વાંચવું ગમશે

કેસૈટ-12ના રિપોર્ટરના જણાવ્યા પ્રમાણે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે ઘણાં હેલિકોપ્ટર બોલાવાયાં હતાં.

પાંચ વર્ષથી લઈ 72 વર્ષના લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, TWITTER

FBIના એજન્ટે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી. આ વિસ્તારના ગવર્નર ગ્રેગ એબૉટે કહ્યું, "આ ઘૃણાસ્પદ કાર્યથી જેટલા લોકોને નુકસાન પહોંચ્યું છે તેમની સાથે અમારી સંવેદનાઓ છે. ત્વરિત પગલાં માટે અમે પોલીસનો ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ."

ગ્રેગે કહ્યું કે ટેક્સાસના ઇતિહાસમાં આ સૌથી ભયાનક ગોળીબાર છે. ટેક્સાસમાં જનસુરક્ષા ડિપાર્ટમેન્ટના ક્ષેત્રીય ડાયરેક્ટર ફ્રીમૈન માર્ટીને કહ્યું કે મૃત્યુ પામેલા લોકોમાં પાંચ વર્ષથી 72 વર્ષના લોકોનો સમાવેશ થાય છે.

જાપાનથી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઘટના પર નજર

ઇમેજ સ્રોત, KSAT 12 / REUTERS

ઇમેજ કૅપ્શન,

હુમલા મામલે FBI અને પોલીસે તપાસ શરૂ કરી છે

સત્તાધિશોનું કહેવું છે કે 20 જેટલાં લોકો ઘાયલ થયાં છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

માર્ટીને કહ્યું છે કે શંકાસ્પદ હુમલાખોર એક શ્વેત યુવાન છે. તેમણે કહ્યું કે તેણે કાળા રંગના કપડાં પહેર્યા હતા.

જાપાનની સત્તાવાર યાત્રા પર પહોંચેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું છે, "ભગવાન સદરલેંડ સ્પ્રિંગ્સ, ટેક્સાસનાં લોકોનો સાથ આપે. FBI અને પોલીસ ઘટનાસ્થળે છે. હું જાપાનથી ઘટના પર નજર રાખી રહ્યો છું."

ઇમેજ સ્રોત, TWITTER

માર્ટીને જણાવ્યું છે કે તેણે ચર્ચમાં ઘુસતા પહેલા જ ગોળીબાર શરૂ કર્યો હતો. સ્થાનિક લોકોએ શંકાસ્પદની રાઇફલને ઝબ્બે કરી લીધી હતી અને પછી તેને નિશાના પર લીધો હતો.

બંદૂકધારી આ વચ્ચે ત્યાંથી ગાડીમાં ભાગવા લાગ્યો હતો. પરંતુ સ્થાનિક લોકોએ તેનો પીછો કર્યો હતો. આ જ ક્રમમાં કાર પર તેનું નિયંત્રણ ન રહ્યું અને કાર દુર્ઘટનાનો શિકાર બની હતી. જેમાં તેનું મૃત્યુ થયું હતું.

એસોસિએટ પ્રેસમના જણાવ્યા અનુસાર ડેવિન એરફોર્સમાં રહી ચૂક્યા હતા. તેમને પોતાની પત્ની અને બાળકો પર અત્યાચાર કરવાના આરોપસર એરફોર્સથી બરતરફ કરવામાં આવ્યા હતા.

એરફોર્સના પ્રવક્તા એન્ન સ્ટેફૈનેકના જણાવ્યા અનુસાર ડેવિન 2010માં જોડાયા હતા અને 2012માં તેમને કોર્ટ માર્શલ કરી દેવામાં આવ્યા હતા.

સ્ટેફૈનેકે વધુમાં કહ્યું કે, ન્યૂ મેક્સિકોના ઓટેરોમાં હૉલોમૈન એરપોર્ટ બેસ પર ફરજ બજાવતા હતા. તેમને સૌપ્રથમ તેમના ખરાબ વ્યવહારને કારણે ડિમોટ કરવામાં આવ્યા હતા.

તેમને એક વર્ષ માટે નજરબંદ પણ કરવામાં આવ્યા હતા.

સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર ડેવિન સટરલેન્ડ સ્પ્રિંગ્સથી 35 માઇલ દૂર ન્યૂ બ્રાઉનફેલ્સના સેન એન્ટોનિયોના રહેવાસી હતા.

ઇમેજ સ્રોત, MAX MASSEY/ KSAT 12/VIA REUTERS

ઇમેજ કૅપ્શન,

સદરલેંડ સ્પ્રિંગ્સના વિલસન કાઉંટીમાં ગોળીબાર થતા 26 લોકોનાં મૃત્યુ થયા છે

એસોસિએટ પ્રેસના જણાવ્યા અનુસાર અધિકારીઓ ડેવિનની સોશિઅલ મીડિયા પોસ્ટ્સની તપાસ કરી રહ્યા છે. તેમણે જે પોસ્ટમાં ડેવિને એઆર-15 સેમિઑટોમેટિક રાઇફલ દર્શાવી હતી તેની પણ તપાસ પોલીસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર એ બાબતના પૂરતા પુરાવા નથી મળ્યા કે ડેવિન કોઈ અંતિમવાદી સંગઠન સાથે જોડાયેલા હતા.

આ ઘટનાસ્થળની નજીક રહેતા 16 વર્ષીય અલબર્સે એસોસિએટ પ્રેસને જણાવ્યું, “અવાજ ખૂબ જ મોટો હતો, પહેલાં મને લાગ્યું કે, કોઈ વિસ્ફોટ કરી રહ્યું છે. એ કોઈ શિકાર માટેની બંદૂકનો અવાજ નહોતો. એ કોઈ ઑટોમેટિક રાઇફલના ઉપયોગનો અવાજ હતો.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો