પેરેડાઇઝ પેપર્સમાં ટ્રમ્પના મિત્રનું નામ આવ્યું

  • પેરેડાઇઝ પેપર્સ રિપોર્ટીંગ ટીમ દ્વારા
  • બીબીસી પેનોરમા
બ્રિટનનાં મહારાણી

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન,

પેરેડાઇઝ પેપર્સ દર્શાવે છે કે બ્રિટનનાં મહારાણીના એક કરોડ પાઉન્ડનું દેશબહાર રોકાણ કરવામાં આવ્યું હતું

નવેસરથી અને ઢગલાબંધ પ્રમાણમાં જાહેર થયેલા નાણાકીય દસ્તાવેજોથી એ વાત હવે ઉઘાડી પડી ગઈ છે કે કેવી રીતે શક્તિશાળી અને અતિ ધનવાન લોકો; કે જેમાં ક્વીનની ખાનગી સંપત્તિનો પણ સમાવેશ થાય છે તેઓએ ટેક્ષ બચાવવાની કવાયતના ભાગ રૂપે દેશબહાર નાણારોકાણ કર્યું.

ડોનાલ્ડ ટ્રમ્પના વાણિજ્ય મંત્રીનાં નાણાકીય હિતો પણ એવી એક કંપની સાથે જોવા મળી રહ્યા છે જે રશિયા સાથે અમેરિકાએ પ્રતિબંધ મૂક્યા છે.

જાહેર થયેલાં એક કરોડ ચોત્રીસ લાખ ગુપ્ત દસ્તાવેજોને 'પેરેડાઇઝ પેપર્સ લીક' નામે ઓળખવામાં આવ્યા છે.

તમને આ વાંચવું પણ ગમશે :

તેમાંના મોટાભાગના ઑફશોર ફાઇનાન્સનું કામ (વિદેશમાં રોકાણો) કરતી મોખરાની એક કંપની મારફતે મેળવવામાં આવ્યા છે.

આ દસ્તાવેજોની ચકાસણી સાથે જોડાયેલા દુનિયાભરનાં સોથી વધુ મીડિયા સંસ્થાનોમાં બીબીસી પણ છે.

ઇમેજ સ્રોત, Getty Images

ગત વર્ષના પનામા પેપર્સ લીકની જેમ, આ વખતે જર્મનીના અખબાર જૂથ 'જ્યૂડ ડૉયચે ત્સાઇતુંગે' આ દસ્તાવેજો મેળવ્યા કર્યા હતા.

આ દસ્તાવેજોની તપાસ ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (ICIJ) ની દેખરેખ હેઠળ થઈ છે. આ દસ્તાવેજોની ચકાસણીમાં સામેલ મીડિયા સંસ્થાઓમાં 'ધ ગાર્ડીઅન'નો પણ સમાવેશ થાય છે.

મોટાભાગના વ્યવહારો એવું દર્શાવે છે કે કાયદાની પરિભાષામાં કશું ખોટું નથી થયું.

રવિવારના દિવસે જે બીજી વિગતો જાહેર કરવામાં આવી તેના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે :

  • ટેક્ષ હેવન તરીકે જાણીતા સ્થળોના દરવાજા બંધ કરવાને પ્રચારનો એક ભાગ બનાવી ચૂકેલા કેનેડીયન વડાપ્રધાન જસ્ટીન ટ્રૂડોનો એક ખાસ મદદનીશનું નામ પણ આમાં સંડોવાયું છે. આમ કરવાથી દેશને કરવેરાના રૂપમાં લાખો ડોલરનો ચૂનો લાગી શકે છે.
  • કન્ઝર્વેટીવ પાર્ટીના પૂર્વ ડેપ્યુટી ચેરમેન અને ફંડ ડોનર લૉર્ડ એશક્રોફ્ટે ઑફશોર ઇન્વેસ્ટમેન્ટ બાબતે લાગુ પડતા નીતિ-નિયમોને નેવે મુક્યા હોય તેમ જણાઈ આવે છે. વધુમાં હાઉસ ઑફ લૉર્ડસના સભ્યપદ દરમિયાન બ્રિટનના કાયમી કરદાતા નાગરિક બન્યાના અહેવાલો છતાં તેમણે પોતાનું સ્થાનિક નાગરિક ન હોવાનું સ્ટેટસ જાળવી રાખ્યું હતું તેમ પણ આ દસ્તાવેજો દર્શાવે છે.
  • એવરટોન એફસીમાં શેરહોલ્ડિંગ પ્રાપ્ત કરવા માટે કેવી રીતે નાણા ફાળવવામાં આવ્યા હતા તે સંદર્ભે પણ પ્રશ્નો કરવામાં આવ્યા છે.
  • તેલિયારાજા તરીકે ખ્યાત એલિશર ઉશ્માનોવે તેની પોતાની કંપનીઓમાં થતી તપાસને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો હતો એમ દસ્તાવેજો દર્શાવે છે.

દસ્તાવેજ ચકાસણીની આ કાર્યવાહીમાં સામેલ અન્ય મીડિઆ પાર્ટનર્સ તેમના કાર્યક્ષેત્રમાં આવતી બાબતોને પ્રાધાન્ય આપી જુદી-જુદી અને નવી વિગતો પ્રકાશિત કરી રહ્યા હોવાની સંભાવના છે.

બ્રિટનનાં મહારાણી કેવી રીતે સંકળાયેલાં છે?

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન,

મહારાણીની ખાનગી સંપત્તિનું રિટેઇલર બ્રાઇટહાઉસમાં ખૂબ જ નાનું રોકાણ થયેલું હતું

પેરેડાઇઝ પેપર્સ એ પણ દર્શાવે છે કે ક્વીનનાં દસ મિલિયન પાઉન્ડનું રોકાણ કેવી રીતે વિદેશમાં કરવામાં આવ્યું.

ડચી ઑફ લૅન્કશાયર ક્વીનની આવક ઉપરાંત 500 મિલિયન પાઉન્ડની અંગત સંપત્તિના વહીવટકર્તાઓએ કેમેન આઇલૅન્ડ તેમજ બર્મૂડા ટાપુમાં રોકાણો કર્યા હતા તેમ દસ્તાવેજોમાં દર્શાવાયું છે.

જો કે આ આખીય કવાયતમાં રોકાણ કરવામા કંઈ જ ગેરકાયદે હોવાનું કે ટેક્ષ જવાબદારીમાંથી ક્વીને છટકબારી શોધી હોવાની બાબત પ્રતિપાદીત થતી નથી.

પરંતુ સામે એ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે ક્વીને - રાજદરબારે દેશબહાર આ રીતે રોકાણ કરવું જોઇએ ખરું?

ભાડે-વેચાણ આપવાનું વ્યવસાયી કામ કરતી બ્રાઇટહાઉસ કે જેના પર ગરીબોનું શોષણ કરવાનો આરોપ લાગેલો છે.

આ જ કંપનીએ 1.75 કરોડ પાઉન્ડના દેવા સાથે પોતાનું કામકાજ બંધ કરી દીધું જેને કારણે લગભગ 6 હજાર લોકોની નોકરીઓ ગઈ હતી.

ડચી તરફથી આવેલી સ્પષ્ટતા પ્રમાણે તેમના નાણાકીય રોકાણોની બાબતો સંભાળતા લોકો દરેક નિર્ણયમાં તેને સાંકળે, તેનો મત લે કે તે દરેક બાબતની તેને જાણકારી હોય જ એમ જરૂરી નથી.

બ્રિટીશ રાજદરબારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવું કોઈ જ કામ કે ભૂલ ડચી તરફથી થાય નહીં તેનો પૂરો ખ્યાલ સમયાંતરે ચોવીસે કલાક રાખવામાં આવે છે. સામે પક્ષે રાજદરબારની અંગત બાબતોમાં 'ચોક્કસ હિતો' ધરાવતા લોકો હંમેશા ખટપટભરી પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા હોય છે તેની પણ તેમને જાણ છે.

રોસ અને ટ્રમ્પ માટે ક્ષોભજનક સ્થિતિ?

ઇમેજ સ્રોત, Getty Images

વિલબર રોસે 1990ના દાયકામાં ડોનાલ્ડ ટ્રમ્પને નાદાર થતા બચાવવામાં મદદરૂપ થયા હતા અને પછીથી તેમને ટ્રમ્પનાં વહીવટી તંત્રમાં વાણિજ્ય મંત્રી (કોમર્સ સેક્રેટરી) તરીકે નિમણૂક પામ્યા હતા.

પેરેડાઇઝ પેપર્સમાં જાણવા મળ્યું છે કે, રોસે ઓઇલ અને ગેસનું ટ્રાન્સપોર્ટેશન (પરિવહન) કરીને વર્ષે કરોડો ડૉલર્સ કમાતી એક શિપિંગ (વહાણવટાની) કંપનીમાં તેમના હિતો જાળવી રાખ્યા છે.

આ કંપની રશિયાની એક ઊર્જા કંપની માટે શિપિંગ કરે છે, જેના શેરધારકોમાં વ્લાદિમિર પુટીનના જમાઈ અને અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરી રહેલા બે માણસોનો સમાવેશ થાય છે.

આથી ડોનાલ્ડ ટ્રમ્પની ટીમનાં રશિયા સાથેના સંબંધો સામે ફરી એક વખત સવાલો થશે. તેમના પ્રમુખપદ પર રશિયાએ યુએસ ચૂંટણીઓના પરિણામને પ્રભાવિત કરવાની યોજના ઘડવાનાં આરોપોનો સામનો કરી રહ્યું છે. જો કે ટ્રમ્પે આ આરોપોને "ફેક ન્યૂઝ" (ખોટાં સમાચાર) ગણાવ્યા હતા.

આ ઘટસ્ફોટ કેવી રીતે થયો?

આ પેરેડાઇઝ પેપર્સનો મોટાભાગનો ડેટા બર્મુડા સ્થિત કાયદાકીય સેવાઓ પૂરી પાડતી એપલબી નામની કંપની પાસેથી આવ્યો છે.

અન્ય દેશોમાં પોતાના ગ્રાહકોને નહિવત્ કર અથવા તો કર બિલકુલ ન ભરવો પડે તેવી વ્યવસ્થા ઊભી કરી આપતી વિદેશી કંપનીઓને એપલબી કંપની મદદરૂપ બને છે.

તેના દસ્તાવેજો અને અન્ય વિગતો કેરેબિયન ન્યાયક્ષેત્રોમાં નોંધાયેલી કંપનીઓ પાસેથી સદ્ગુચિત ઝાઈટુને મેળવ્યા હતા. આ જર્મન અખબારે તેનો સ્રોત દર્શાવ્યો નથી.

આ દસ્તાવેજાના વિશ્લેષણ સાથે જોડાંયેલા ભાગીદારો કહે છે કે તેમણે આ તપાસ જાહેર હિતમાં કર્યું છે, કારણ કે વિદેશોમાંથી જાહેર થતા આ ગુપ્ત દસ્તાવેજોમાંથી મળતી માહિતીમાં નિયમ વિરુદ્ધ થયેલાં ઘણા કાર્યોની માહિતી મળે છે.

આ વિષયે એપલબીએ તેનાં પ્રત્યુત્તરમાં જણાવ્યું કે તેને એ વાતનો "સંતોષ છે કે આ મુદ્દે અમારી તરફથી કે અમારાં ક્લાયન્ટ્સ તરફથી કોઈ પણ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન થયું હોય તેવા કોઈ જ પુરાવા નથી." આ કંપનીએ ઉમેર્યું, "અમે કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર વર્તન સહન નથી કરતા."

વિદેશમાં રોકાયેલું નાણું (ઑફશોર ફાયનાન્સ) એટલે શું?

ઇમેજ સ્રોત, Getty Images

જ્યાં તમારા પોતાના દેશના નિયંત્રણો ન લાગતાં હોય અને કરના ઓછા દર ધરાવતાં વિદેશ સ્થિત સ્થાનોમાં કંપનીઓ, વ્યક્તિઓ પોતાનાં નાણાં, મિલકતો અને નફાને કોઈ ચોક્કસ રીતે મોકલી શકે તેવી વ્યવસ્થા (હવાલા પદ્ધતિ).

વિદેશનાં આ સ્થાનોને સામાન્ય ભાષામાં સમજ માટે ટેક્સ હેવન્સ અથવા આ વ્યવસ્થામાં જોડાયેલાં લોકો અને કંપનીઓમાં ઑફશોર ફાયનાન્સિયલ સેન્ટર્સ (ઓએફસી) તરીકે ઓળખવામાં આવે છે.

આ સ્થાનો મોટેભાગે નાના ટાપુઓમાં બનેલા દેશો હોય છે, પરંતુ આ વ્યવસ્થામાં માત્ર એ ટાપુઓ જ નથી હોતા. અહીં મળતી નાણાં વ્યવસ્થાપનની સેવાઓ સ્થિર, ગુપ્ત અને વિશ્વાસપાત્ર હોય છે.

આ સ્થાનોએ ખોટી રીતે આવેલા અથવા નિયમ વિરુદ્ધ એકઠા કરાયેલા કાર્યોથી મેળવેલા નાણાની ચકાસણી કેવી રીતે કરવામાં આવે છે, તેની પદ્ધતી અલગ અલગ હોઈ શકે છે.

આ બાબતમાં બ્રિટન એક મોટું સ્થાન છે. એની પાછળનું કારણ એ નથી કે તેના તાબાનાં ઘણા વિદેશી વિસ્તારો ઓએફસીસ છે.

એનું મુખ્ય કારણ એ છે કે, વિદેશમાં નાણાંનું રોકાણ કરી આપતાં આ ઉદ્યોગમાં કામ કરતાં સંખ્યાબંધ બેન્કર્સ, અકાઉન્ટન્ટ્સ અને વકીલો લંડનમાં રહીને કામ કરે છે.

બીજી બાબત અત્યંત ધનાઢ્ય લોકોની છે.

'કેપિટલ વિધાઉટ બોર્ડર્સ: વેલ્થ મેનેજર્સ એન્ડ ધ વન પર્સેન્ટ' પુસ્તકનાં લેખિકા બ્રૂક હેરીંગ્ટન કહે છે કે ઑફશોર ફાયનાન્સ એ વિશ્વનાં એક ટકા લોકો માટે નહીં પણ 0.001 ટકા લોકો માટે છે.

તમારી પાસે જો પાંચ લાખ ડૉલર્સ (3 કરોડ 23 લાખ 50 હજાર રૂપિયા) હોય તો ઑફશોર ફાયનાન્સ માટેની યોજનાઓમાં આપવી પડતી જરૂરી ફી પણ તમે નહીં આપી શકો.

એની અસર શું થાય અને આપણે શા માટે આ સમજવું જોઈએ?

એમાં ખૂબ જ રોકડા નાણાં છે. ધ બોસ્ટન કન્સલ્ટિંગ ગૃપ કહે છે, વિદેશોમાં 10 ટ્રિલયન ડૉલર્સ (64 લાખ 70 હજાર કરોડ રૂપિયા) જેટલું નાણું રોકાયેલું છે.

જે બ્રિટન, જાપાન અને ફ્રાન્સનાં સંયુક્ત જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ - સકળ ઘરેલુ ઉત્પાદ) જેટલું થાય છે. આ એક નીચો અંદાજ છે.

ઑફશોર ફાયનાન્સના ટીકાકારો કહે છે, તેમાં રહેલી ગુપ્તતાને કારણે તેમાં નિયમ વિરુદ્ધ થતાં કામો અને સમાનતા માટેની મોકળાશ રહે છે.

એમના મતે આ રોકવા માટે સરકારો દ્વારા લેવાતાં પગલાં અત્યંત ધીમા અને બિનઅસરકારક હોય છે. બ્રૂક હેરીંગ્ટન કહે છે જો ધનાઢ્યો જ કરચોરી કરશે, તો તેની કિંમત ગરીબોએ ચૂકવવી પડશે.

તેમણે કહ્યું "સરકારો ખૂબ જ ઓછી અસરકારકતાથી કામ કરે છે. ધનાઢ્યો અને મોટી મોટી કંપનીઓ પાસેથી તે જે કર નથી વસૂલી શકતી તે આપણી બચાવેલી રકમમાંથી વસૂલી લે છે."

બ્રિટનના લેબર પક્ષના સાંસદ અને પબ્લિક અકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) ના અધ્યક્ષ મેગ હિલિયરે પેનોરમાને કહ્યું, "આપણે એ જોવું જોઈએ કે વિદેશમાં શું જઈ રહ્યું છે. જો ઑફશોરમાં ગુપ્તતા ન રહેતી હોત તો આમાંથી કેટલીય બાબતો બની જ ન હોત. આપણે પારદર્શિતાની જરૂર છે અને આ મામલે આપણે વધુ પ્રકાશ પાડવાની જરૂર છે."

ઑફશોરનો બચાવ શું છે?

ઇમેજ કૅપ્શન,

બર્મુડાના પૂર્વ નાણાંમંત્રી બોબ રિચાર્ડ્સ કહે છે કે અન્ય રાષ્ટ્રોનાં કર ઊઘરાવવાનું કામ તેમનું નથી

ઑફશોર ફાયનાન્સિયલ સેન્ટર્સ (ઓએફસી) કહે છે કે, જો તેમનું અસ્તિત્વ ન હોત તો, સરકારો દ્વારા લાગુ કરાતા કર પર પણ કોઈ જ અંકુજ ન જ હોત.

તેમનું કહેવું છે, તેમની પાસે એવાં કોઈ રોકડા નાણાંનો જથ્થો નથી, તેમ માત્ર સમગ્ર વિશ્વમાં નાણાં પૂરા પાડતા એક એજન્ટ માત્ર છે.

બર્મુડાના નાણાંમંત્રી રહી ચૂકેલા બૉબ રિચાર્ડ્સનો જ્યારે પેનોરમાએ કર્યો ત્યારે તેમણે કહ્યું કે, અન્ય રાષ્ટ્રોનાં કર ઊઘરાવવાનું કામ તેમનું નથી અને એ એમનો પ્રશ્ન છે, જે તેમણે જ ઉકેલવો રહ્યો.

પેનોરમાએ આઇલ ઑફ મેન ટાપુના મુખ્યમંત્રી હોવર્ડ ક્વાયલનો પણ ઇન્ટર્વ્યૂ કર્યો હતો. આ ટાપુ બ્રિટિશ તાજનાં તાબા હેઠળ છે અને આ ગુપ્ત દસ્તાવેજોમાં આ ટાપુની ભૂમિકા મહત્ત્વની હોવાનું જાણવા મળે છે.

હોવર્ડ ક્વાયલે તેમના ન્યાયક્ષેત્ર આવતા વિસ્તારને ટેક્સ હેવન તરીકે ઓળખાવવાનો સાફ ઇન્કાર કર્યો.

તેમણે જણાવ્યું કે, તેમના વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય નાણાંકીય અધિનિયમોનું પાલન કરીને જ આર્થિક વ્યવહારો કરવામાં આવે છે.

એપલબીએ પોતે પણ ભૂતકાળમાં કહ્યું હતું કે ઓએફસી "ભ્રષ્ટાચાર, ગુના અને દમનથી શોષિત થયેલા લોકોને લાંચખાઉં સરકારોથી બચાવે છે."

પેરેડાઇઝ પેપર્સ

પેરેડાઇઝ પપેર્સ મોટા પ્રમાણમાં લીક થયેલાં દસ્તાવેજો છે. જેમાં મોટાંભાગનાં ઑફશોર કાનૂની કંપની એપલબી સાથે સંકળાયેલા છે.

તેમાં 19 પ્રકારનાં ટેક્સ વિસ્તારો અને કંપનીઓની નોંધણીના દસ્તાવેજો સામેલ છે.

આ દસ્તાવેજોથી રાજકીય નેતાઓ, જાણીતી હસ્તીઓ, મોટી કંપનીઓ અને વેપારીઓના નાણાકિય વ્યવહારોની જાણકારી મળે છે.

1.34 કરોડ દસ્તાવેજોને જર્મન અખબારે મેળવ્યા હતા, જેને ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (આઈસીઆઈજે) સાથે મળીને ચકાસવામાં આવ્યા હતા. જેમાં

ગાર્ડિયન પણ સામેલ છે. બીબીસીની પેનોરમા ટીમ આ તપાસમાં જોડાયેલી છે. બીબીસીને આ દસ્તાવેજો ઉપલબ્ધ કરાવનારા સ્રોતની માહિતી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો