પેરેડાઇઝ પેપર્સ: કેવી રીતે થાય છે કરચોરી, છુપાવાય છે અસ્કયામતો

પેરેડાઇઝ પેપર્સ સાંકેતિક ચિત્ર
ઇમેજ કૅપ્શન,

પેરેડાઇઝ પેપર્સમાં 1.3 કરોડ (13 મિલિયન) ગુપ્ત દસ્તાવેજો જાહેર થતા કરચોરી અને કાળાનાણાંની અવૈદ્ય હેરાફેરીનો 10 લાખ કરોડ ડોલરનો ગોરખધંધો વિશ્વ સમક્ષ ખુલ્લો પાડ્યો છે

પેરેડાઇઝ પેપર્સમાં 1.3 કરોડ (13 મિલિયન) ગુપ્ત દસ્તાવેજો જાહેર થતા દરેકના મનમાં એક સામાન્ય પ્રશ્ન ઉદભવે છે કે આ પ્રકારની કરચોરી અને વિદેશમાં નાણાકીય હેરફેર કરવી કેવી રીતે શક્ય છે?

'પનામા પેપર્સ કાંડ'માં પનામેનિયન કાયદા પેઢી મોસેક ફોન્સેકાના જાહેર થયેલા ગુપ્ત દસ્તાવેજો બાદ સંભવિત કરચોરી અને નાણાકીય હેરાફેરીનો મોટો ખુલાસો પેરેડાઇઝ પેપર્સ લીકમાં કરવામાં આવ્યો છે.

કેવી રીતે પોલ ખુલી?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પત્રકારોનો સમૂહ જેમણે પેરેડાઇઝ પપેર્સના દસ્તાવેજો તપાસીને કાળાનાણાંના આ ગોરખધંધાને વિશ્વ સમક્ષ ખુલ્લો પાડ્યો છે

જર્મની (મ્યુનિચ) સ્થિત અખબાર 'જ્યૂડ ડૉયચે ત્સાઇતુંગ'ને મળેલા આ દસ્તાવેજોની ચકાસણીમાં વિશ્વભરમાં 67 રાષ્ટ્રોના 96 સમાચાર સંસ્થાનો સાથે જોડાયેલા 382 પત્રકારો સક્રિયપણે સામેલ હતા.

આ પત્રકારોનો સમૂહ ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ) સાથે જોડાયેલો છે. જેમણે પેરેડાઇઝ પેપર્સના દસ્તાવેજો તપાસીને કાળાનાણાંના આ ગોરખધંધાને વિશ્વ સમક્ષ ખુલ્લો પાડ્યો છે.

બરમુડા સ્થિત કાયદા પેઢી એપલબી અને સિંગાપોર સ્થિત કાયદા પેઢી એશિયાસિટીએ જાહેર કરેલા દસ્તાવેજોમાં વિશ્વના ટોચના 19 ટેક્સ હેવેન્સમાં સમગ્ર વિશ્વમાંથી કાળુંનાણું કેવી રીતે ઠલવાય છે તેની સિલસિલાબંધ વિગતો બહાર આવી છે.

શું છે પેરેડાઇઝ પેપર્સ?

ઇમેજ સ્રોત, TROPICAL PRESS AGENCY

ઇમેજ કૅપ્શન,

પેરેડાઇઝ પપેર્સમાં બહાર આવેલી વિગતોને આધારે ટેક્સ હેવન્સમાં ૧૦ લાખ કરોડ (યુએસ) ડૉલરનું કાળું-નાણું છુપાવવામાં આવ્યું છે

પેરેડાઇઝ પેપર્સ સમગ્ર વિશ્વમાં 70 વર્ષથી (1950ની સાલથી લઇ ને 2016ની સાલ સુધી) ચાલી રહેલાં કથિત રીતે કરચોરી અને કાળાનાણાંની હેરાફેરીના આર્થિક વ્યવહારોની પોલ ખોલે છે.

બોસ્ટન કન્સલ્ટિંગ ગૃપનાં અંદાજ મુજબ પેરેડાઇઝ પેપર્સમાં બહાર આવેલી વિગતોમાં જાણવા મળ્યું છે કે ટેક્સ હેવન્સમાં ૧૦ લાખ કરોડ (યુએસ) ડૉલર્સનું કાળુંનાણું છુપાવવામાં આવ્યું છે.

ભારતીય ચલણનાં મૂલ્ય પ્રમાણે પેરેડાઇઝ પેપર્સમાં બહાર આવેલા કાળાનાણાંનો આંક અંદાજે ૬૪ લાખ ૭૦ હજાર કરોડ રૂપિયાની આસપાસ છે.

તમને આ પણ વાંચવું ગમશે

ઉપરોક્ત ગણતરીમાં હાલના વિનિમય દરના આધારે એક યુએસ ડૉલર બરાબર 64.70 રૂપિયાનું મૂલ્ય ગણતરીમાં લેવામાં આવ્યું છે.

પેરેડાઇઝ પેપર્સમાં બહાર આવેલ ૧૦ લાખ કરોડનાં કાળા નાણાંનો આંક જાપાન, બ્રિટન અને ફ્રાન્સના સંયુક્ત આર્થિક ઉત્પાદનની સમકક્ષનો આંક છે.

દસ્તાવેજો મુજબ આ કાળું નાણું મોટાભાગે કેમેન આઇલેન્ડ, બર્મુડા, બ્રિટિશ વર્જિન આઇલેન્ડસ, આઇલ ઓફ મેન, ગુરંસી અથવા જર્સી, શાંઘાઈ, હોંગ કોંગ, સેશેલ્સ, મોરેશિયશ જેવા ટેક્સ હેવન્સમાં રોકવામાં આવે છે.

કૅશ છુપાવવાના પાંચ સહેલા રસ્તા

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

શેલ કંપનીને કોઈ ઓફશોર ફાઇનાન્સિયલ સેન્ટર કે ટેક્સ હેવનમાં કાર્યરત કરી શકાય છે

 • શેલ કંપનીની સ્થાપના કરો જે માત્ર કાગળ પર અસ્તિત્વ ધરાવતી હોય.
 • આ શેલ કંપનીને બ્રિટિશ વર્જિન ટાપુઓ, ધ કેમેન આઇલેન્ડ, બર્મુડા, ધ આઇલ ઓફ મેન, ગુરંસી અથવા જર્સી જેવા કોઈ ઑફશોર ફાઇનાન્સિયલ સેન્ટર કે ટેક્સ હેવનમાં કાર્યરત કરો.
 • સાચા માલિકની ઓળખાણ છુપાવવા હેતુથી તમારી શેલ કંપનીનો ધંધો ચલાવવા માટે નિમાયેલા લોકોને નાણાં ચૂકવો.
 • સાચા માલિકની વધુ ગુપ્તતા જાળવવા હેતુથી બીજા અન્ય ઓફશોર ફાઇનાન્સિયલ સેન્ટર કે ટેક્સ હેવનમાં બેંકનું ખાતું ખોલો. નાણાકીય વ્યવહારોના ભાગરૂપે શેલ કંપનીમાંથી નાણાં અન્ય ઑફશોર ફાઇનાન્સિયલ સેન્ટર કે ટેક્સ હેવનના ખોલેલા બેંકના ખાતામાં જમા કરાવો.
 • ત્યારબાદ શેલ કંપનીમાંથી અન્ય ઑફશોર ફાઇનાન્સિયલ સેન્ટર કે ટેક્સ હેવનના ખોલેલા બેંકના ખાતામાં જમા કરાવેલા નાણાંનો ઉપયોગ કંપનીની અસ્ક્યામતો કે જે લોનની ભરપાઈ ન કરવાની હોય તેના માટે કરો.

આ ખુલાસા પછી આપના મનમાં પ્રશ્નો થતા હશે

ઇમેજ કૅપ્શન,

વિશ્વના સમર્થ અને શક્તિશાળી લોકો કરની (ટેક્સની) ચોરી, હવાલાનો વહીવટ કેવી રીતે કરે છે?

 • વિશ્વના સમર્થ અને શક્તિશાળી લોકો કરની (ટેક્સની) ચોરી કેવી રીતે કરે છે?
 • કરની ચોરી કરીને બચાવેલા નાણાંની હેરફેર (મની લૉંડેરિંગ) કરી કઈ રીતે ટેક્સ હેવન્સ સુધી કરવામાં આવે છે?
 • હેરફેર કરાયેલા નાણાં કઈ રીતે ટેક્સ હેવન્સમાં કરચોરીની સાચ્ચી ઓળખ છુપાવીને રોકવામાં આવે છે?
 • આ ટેક્સ હેવેન્સમાં રોકાયેલા નાણાં કાળામાંથી સફેદ કેવી રીતે થાય છે?

તમને આ પણ વાંચવું ગમશે

શેલ કે ખોખા કંપનીઓ શું છે?

ઇમેજ કૅપ્શન,

શેલ (ખાલી ખોખા) કંપની પાસે કાયદેસરના વ્યવસાય હોવાનો બાહ્ય દેખાવ જ માત્ર હોય છે નાણાંનો વહીવટ અને સંચાલન કરવા સિવાયે બીજું કશું શેલ કંપનીમાં થતું નથી

 • શેલ (ખાલી ખોખા) કંપની પાસે કાયદેસરના વ્યવસાય હોવાનો બાહ્ય દેખાવ જ માત્ર હોય છે.
 • શેલ કંપની વ્યવસાયી હોવાનો દાવો માત્ર કાગળ પર જ કરતી હોય છે.
 • અંદરખાને આ કંપની માત્ર એક ખાલી ખોખા સમાન (શેલ) હોય છે.
 • નાણાંનો વહીવટ અને સંચાલન કરવા સિવાયે બીજું કોઈ કામ શેલ કંપનીમાં થતું નથી.
 • શેલ કંપનીઓ જે નાણાંનું વહીવટ-સંચાલન કરે છે તેના માલિકની ઓળખ છુપાવવામાં આવે છે.
 • શેલ કંપનીઓનું સંચાલન મુખ્યત્વે વકીલો, એકાઉન્ટન્ટ્સ (વ્યવસાયીઓ) અને અમુક કિસ્સાઓમાં ઓફિસના સફાઈ કર્મચારીઓ પણ કરતા હોય છે.
 • આવી શેલ કંપનીઓના વહીવટકર્તાઓ દસ્તાવેજો પર સહી કરવા સિવાય બહુ કાર્યરત હોતા નથી.
 • શેલ કંપનીઓના વહીવટકર્તાઓ પોતાના નામ આવી કંપનીઓના લેટર-હેડ પર પ્રકાશિત થવા દે છે.
 • જ્યારે સત્તાઘીશો આવી શેલ કંપનીના સાચા માલિકો શોધવા નીકળે છે ત્યારે તેમને કશું હાથ નથી લાગતું.
 • તપાસનીશ અધિકારીઓને એવું કહેવામાં આવે છે કે આવી શેલ કંપનીઓનું સંચાલન મૅનેજમેન્ટ કરે છે.
 • શેલ કંપનીઓનું મૅનેજમેન્ટ એ અસલી માલિકોની ઓળખ છુપાવવા માટેનું એક મુખોટું જ હોય છે.
 • શેલ કંપનીઓના મૅનેજમેન્ટને બીજી કોઈ વ્યક્તિ કે પેઢી ચુકવણું કરતી હોય છે.
 • બીજી કોઈ વ્યક્તિ કે પેઢી દ્વારા આ ચુકવણું એટલે કરવામાં આવે છે જેથી તપાશનીશ અધિકારીઓથી અસલ માલિકોની ઓળખ છુપાવી શકાય.
 • અમુક કિસ્સાઓમાં આવા ચુકવણાઓ અસલ માલિકો તેમની ભૂતપૂર્વ પત્નીઓથી પણ છુપાવવા માંગતા હોય છે એટલે આવી વ્યવસ્થાનો સહારો લે છે.
 • શેલ કંપનીઓને "લેટરબોક્સ" કંપનીઓ તરીકે પણ સંબોધવામાં આવે છે કારણ કે આવી કંપનીઓ દસ્તાવેજોને પોસ્ટ કરવાના સરનામા સિવાય કોઈ વિશિષ્ટ મહત્વ નથી ધરાવતી હોતી.

ઑફશોર ફાઇનાન્સિયલ સેન્ટર કે ટેક્સ હેવન

ઇમેજ કૅપ્શન,

ટેક્સ હેવન્સમાં જળવાતી નાણાકીય વ્યવહારોની ગુપ્તતાને કારણેજ કરચોરો અને વૈશ્વિક ગુનાહખોરીના સંગઠનો માટે તે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે

 • શેલ કંપનીના માલિક ક્યારેય લંડન કે પૅરિસ જેવા શહેરોમાં આ કંપનીઓનું સંચાલન નથી કરતા.
 • જો તપાસ અધિકારીઓ ઇચ્છતા હોય તો સામાન્ય રીતે આવા સ્થાનો પર કાર્યરત શેલ કંપનીઓને શોધી શકે છે.
 • આ શેલ કંપનીઓ કોણ ધરાવે છે? કોણ તેનો માલિક છે? વગેરે બાબતો તપાશનીશ અધિકારીઓ શોધી શકે છે.
 • શેલ કંપની ખોલવા માટે ઑફશોર ફાઇનાન્સિયલ સેન્ટરની જરૂર પડે છે.
 • ઑફશોર ફાઇનાન્સિયલ સેન્ટરને ટેક્સ હેવન તરીકે પણ સંબોધવામાં આવે છે.
 • ટેક્સ હેવન સામાન્ય રીતે નાના ટાપુના દેશો છે.
 • ટેક્સ હેવન્સમાં મોટાભાગે બૅન્કિંગ અને નાણાકીય વ્યવહારોની ગુપ્તતા જળવાઈ રહે છે.
 • ટેક્સ હેવન્સમાં નાણાકીય વ્યવહારો પર બહુ ઓછો અથવા અવિભાજ્ય કર લાગુ પડે છે.
 • બ્રિટીશ વર્જિન ટાપુઓ, મકાઉ, બહામાસ, પનામા વગેરે વિશ્વભરનાં ઘણા એવા રાષ્ટ્રો અને સત્તાઓ છે જેને ટેક્સ હેવન્સ તરીકે ઓળખવામાં આવે છે.
 • ટેક્સ હેવન્સમાં મોટાભાગની નાણાકીય સેવાઓ સંપૂર્ણપણે કાયદેસર છે.
 • ટેક્સ હેવન્સમાં જળવાતી નાણાકીય વ્યવહારોની ગુપ્તતાને કારણેજ કરચોરો અને વૈશ્વિક ગુનાહખોરીના સંગઠનો માટે તે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે.
 • ઉપરોક્ત કારણોસર જ ટેક્સ હેવન્સમાં શેલ કંપનીઓ કાર્યરત હોય છે.

બેરર શેર્સ અને બોન્ડ્સ દ્વારા થતો વિનિમય

ઇમેજ સ્રોત, iStock

ઇમેજ કૅપ્શન,

નામની ગુપ્તતાની જાળવણીના હેતુથી અને વિશાળ રકમના નાણાકીય વ્યવહારો કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ બેરર શેર્સ અને બોન્ડ્સ છે

 • નામની ગુપ્તતાની જાળવણીના હેતુથી અને વિશાળ રકમના નાણાકીય વ્યવહારો કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ બેરર શેર્સ અને બોન્ડ્સ છે.
 • દરેક ચલણી નોટ પર "હું આ ચોક્કસ રકમની માંગણી કરનારને તે ચૂકવવાનું વચન કરું છું" શબ્દો છાપવામાં આવ્યા હોય છે.
 • એનો અર્થ એ થાય કે જો એ ચલણી નોટ તમારા ખિસ્સામાં છે તો તે નાણાં તમારાં છે.
 • તમે એ ચલણી નોટના 'બેરર' (માલિક) છો અથવા તેની માલિકી ધરાવો છો.
 • તમે એ ચલણી નોટ ખર્ચ પણ કરી શકો છો અથવા તમે તેનો ઉપયોગ ઈચ્છો તે રીતે કરી શકો છો.
 • બેરર શેર અને બોન્ડ્સ એજ રીતે કામ કરે છે.
 • જે વ્યક્તિ બેરર શેર્સ તેના ખિસ્સામાં, બ્રીફકેસ અથવા સિક્યોરિટી ડિપોઝિટ બોક્સ ધરાવે છે તે તેનો માલિકી છે.
 • બેરર શેર્સ નાના ચલણમાં નથી હોતા પણ સામાન્ય રીતે 10,000 પાઉન્ડ (અંદાજિત 8 લાખ 45 હજાર આઠસો રૂપિયા સમકક્ષ ભારતીય ચલણના મૂલ્ય) જેવી ધરખમ રકમના હોય છે.
 • બહુ મોટી અને વિશાળ રકમની હેરફેર માટે બેરર શેર્સ કે બોન્ડ્સ એક સગવડ સમાન છે.
 • જો કોઈ વ્યક્તિ તપાસનીશ સંસ્થાઓના ઘેરામાં આવતાની સાથે આવા બેરર શેર્સ કે બોન્ડ્સની માલિકી નક્કી કરવા માંગે તો એ પણ આ આસાનીથી કરી શકે છે.
 • તપાસનીશ સંસ્થાઓના ઘેરામાં ફસાયેલ વ્યક્તિ જો આવા બેરર શેર્સ કે બોન્ડસ તેના ટેક્સ હેવન્સ સ્થિત વકીલની કચેરીમાં રાખે તો કોઈ ભાગ્યે જ જાણી શકે કે એ બેરર શેર્સ કે બોન્ડ્સનો અસલ માલિક કોણ છે?
 • ઉદભવેલી પરિસ્થિતિઓને કારણે અમેરિકન સરકારે 1982ની સાલમાં બેરર બોન્ડ્સનું વેચાણ બંધ કર્યું હતું.
 • આવા બેરર શેર્સ અને બોન્ડ્સ ગુનેગારોના ઉપયોગ માટે ખૂબ જ સરળ હતા.

પૈસાની અવૈદ્ય હેરાફેરી (મની લોન્ડરિંગ)

ઇમેજ કૅપ્શન,

મની લોન્ડરિંગ નો ઉપયોગ "ગંદો" પૈસો સાફ કરવા હેતુથી થાય છે જેથી પૈસો વાપરનાર શંકાના દાયરામાં આવ્યા વગર આવા તેનો ઉપયોગ કરી શકે

 • મની લોન્ડરિંગનો ઉપયોગ "ગંદો" પૈસો સાફ કરવા હેતુથી થાય છે.
 • જેથી પૈસો વાપરનાર શંકાના દાયરામાં આવ્યા વગર આવા ગંદા પૈસાનો ઉપયોગ કરી શકે.
 • કોઈ ડ્રગ ડીલર, જાલસાઝ (છેતરપીંડી કરનારો), ભ્રષ્ટ રાજકારણી જેની પાસે કાળા નાણાં સ્વરૂપે ઘણી બધી રોકડ રકમ હોય છે
 • આવા લોકો આવું કાળું નાણું સંતાડી પણ નથી શકતા અથવા તો ખર્ચી પણ નથી શકતા.
 • આવા લોકો માટે તેમના દ્વારા ગંદી રીતે કમાયેલા આ કાળાનાણાંની સફાઈની જરૂરી હોય છે.
 • આવું કાળું નાણું ઓફશોર ફાઇનાન્સિયલ સેન્ટર અથવા ટેક્સ હેવેન્સ રાષ્ટ્રોમાં આવેલી ભેદી પેઢીઓમાં હવાલા મારફતે મોકલવામાં આવે છે.
 • ટેક્સ હેવન્સ સ્થિત ગુમનામ પેઢીઓ હવાલા મારફતે મેળવેલા નાણાંને બેરર શેર્સ કે બોન્ડ્સમાં રૂપાંતરિક કરી દે છે.
 • બેરર શેર્સ કે બોન્ડ્સમાં રૂપાંતરિત થયેલું કાળું નાણું શેલ કંપનીઓના નામે કરી દેવામાં આવે છે.
 • બેરર શેર્સ કે બોન્ડ્સમાં રૂપાંતરિત થયેલું કાળું નાણું ગંજાવર ખર્ચાઓ માટે વાપરી શકાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો