અફઘાનિસ્તાનઃ કાબુલમાં ટીવી સ્ટેશન પર હુમલો, ISએ સ્વીકારી જવાબદારી

ઇમેજ સ્રોત, Reuters
કાબુલમાં શમશાદ ટીવી સ્ટેશન પર ઘાતકી હુમલામાં 10 લોકોનાં મૃત્યુ થયા છે
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલા હુમલા બાદ શમશાદ ટેલિવિઝનનું પ્રસારણ ફરી શરૂ કરી દેવાયું છે.
આ ન્યૂઝ ચેનલની બિલ્ડીંગ પર ત્રણ બંદૂકધારીઓએ સાત નવેમ્બરની સવારે હુમલો કર્યો હતો. જ્યારબાદ ટેલિવિઝનનું પ્રસારણ બંધ કરી દેવાયું હતું.
શમશાદ ચેનલે પ્રસારણમાં કહ્યું છે કે હુમલા બાદ સુરક્ષાબળોએ લગભગ એક બંદૂકધારીને મૃત્યુને હવાલે કર્યો છે. હુમલામાં 10 જેટલા લોકોનાં મૃત્યુ થઈ ગયા છે.
તમને આ વાંચવું પણ ગમશે :
ઇમેજ સ્રોત, AFP
ઇસ્લામિક સ્ટેટે હુમલાની જવાબદારી સ્વીકારી છે
સમાચાર છે કે શમશાદ ટીવીના બે સ્ટાફનાં મોત થયાં છે અને લગભગ 20 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઇસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી લેવાનો દાવો કર્યો છે.
ઘટનાને નજરે જોનારા સાક્ષીઓએ કહ્યું છે કે હુમલાખોર શમશાદ ટીવીની ઓફિસમાં ગ્રેનેડ ફેંકતા દાખલ થયા હતા અને પછી અંધાધુંધ ગોળીબાર કર્યો હતો.
'હું ભાગવામાં સફળ રહ્યો'
શમશાદ ટીવી પર ચાલુ કાર્યક્રમ રોકાઈ ગયો હતો
હુમલાથી બચીને બહાર નીકળેલા ટીવી ચેનલના એક સંવાદદાતાએ બીબીસીને જણાવ્યું હતું કે, "મારા કેટલાક સહકર્મીઓનાં મૃત્યુ થયા છે અને કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. હું ભાગી જવામાં સફળ રહ્યો."
ટીવી સ્ટેશનની ઓફિસમાં 100 કરતા વધારે કર્મચારીઓ હોવાની વાત કહેવામાં આવી હતી. જો કે હુમલા બાદ બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવી હતી.
ઇમેજ સ્રોત, EPA
એક હુમલાખોરને પોલીસે મૃત્યુને હવાલે કર્યો છે
પોલીસનું કહેવું છે કે હુમલાખોરો સહિત ઘણા લોકોનાં મૃત્યુ થયા છે. કાબુલ પોલીસના પ્રવક્તાનું કહેવું છે કે પોલીસ કાર્યવાહીમાં એક હુમલાખોરનું મૃત્યુ થયું છે.
છેલ્લા કેટલાક મહિનામાં કાબુલમાં તાલિબાને ઘણા હુમલા કર્યા છે.
આ હુમલાઓની જવાબદારી કથિત ઇસ્લામિક સ્ટેટ પણ લેતું રહે છે. અફઘાનિસ્તાનને પત્રકારોને કામ કરવા માટે દુનિયાનો ખતરનાક દેશ પણ માનવામાં આવે છે.
મે મહિનામાં કાબુલમાં થયેલા હુમલામાં 150 લોકોનાં મૃત્યુ થયા હતા જેમાં BBC સાથે જોડાયેલા ડ્રાઇવરનું પણ મૃત્યુ થયું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો