‘અમિત શાહ હવે ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ છે એટલે ઘરે-ઘરે જઈને ન મળી શકે’

  • વિજયસિંહ પરમાર
  • બીબીસી સંવાદદાતા, અમદાવાદ

ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ અમિત શાહે આજથી જનસંપર્ક મહાઅભિયાનની શરૂઆત તેમના પોતાના મતવિસ્તાર નારણપુરાથી કરી.

ભાજપ દ્વારા આ અભિયાને ડોર-ટુ-ડોર અભિયાનનું ગણાવવામાં આવી રહ્યું છે, પરંતુ અમિતશાહે તેમની આ મુલાકાતમાં ઘરે ઘરે જવાને બદલે સોસાયટીઓમાં તેમના કાર્યકર્તાઓએ પહેલેથી એકઠાં કરી રાખેલા મહિલા ટેકેદારો, વડિલોને મળવાનું રાખ્યું.

નારણપુરાના ભુયંગદેવ વિસ્તારમાં અમિત શાહનાં ડોર-ટુ-ડોર- અભિયાનને જોવા બીબીસીએ તે સ્થળોની મુલાકાત લીધી. અમિત શાહ કઈ સોસાયટીમાં ફરી રહ્યા છે તે જાણવામાં બહુ મુશ્કેલી ન પડી.

તમને આ પણ વાંચવું ગમશે:

કારણ કે, પોલીસની અનેક ગાડીઓ અને સંખ્યાબંધ પોલીસકર્મીઓ અહીં ઉપસ્થિત હતા. તેમની ગતિવિધી જ ખ્યાલ આવી જતો હતો કે, અમિત શાહ કઈ દિશામાં જઈ રહ્યા છે.

અમિત શાહે નારણપુરામાં આવેલી પારસનગર, સૂર્યા તથા અન્ય સોસાયટીઓમાંથી પસાર થયા.

શાહ સાથે સેલ્ફી

સૂર્યા સોસાયટીનાં નાકે જ્યારે અમિત શાહ અને તેમની ટીમ પહોંચી ત્યારે સુરક્ષાકર્મીઓથી ઘેરાયેલા અમિત શાહને શોધવા લોકો માટે મુશ્કેલ બની રહ્યા હતા.

તેમના જનસંપર્ક મહાઅભિયાન ઝડપી ગતિએ આગળ વધી રહ્યું હતું. તે સ્થાનિક પોલીસ અને સુરક્ષાકર્મીથી ઘેરાયેલા હતા. અમિત શાહનો જનસંપર્ક પૂર્વ આયોજિત જોવા મળ્યો.

કારણ કે, દરેક ગલી અને રસ્તા ઉપર ભારતીય જનતા પાર્ટીના બેનર અને અમિત શાહના પોસ્ટર્સ જોવા મળતા હતા. ગલીઓમાં ઘરે-ઘરે મહિલાઓ ગુલાબનાં ફૂલોથી તેમનુ સ્વાગત કરવા તૈયાર હતી.

કેટલીક ગલીઓનાં નાકે મહિલાઓએ ગુલાબનાં ફુલોથી રંગોળીઓ પણ બનાવી હતી. નારણપુરા વિસ્તાર ભાજપનો ગઢ મનાય છે અને વર્ષ 2012માં અમિત શાહ અહીંથી જ ચૂંટણી લડ્યા હતા.

અમિત શાહ લોકોનાં ઘરમાં જવાને બદલે ઘરોની બહાર ઊભેલાં લોકો સામે જોઈ, તેમને બે હાથે પ્રણામ કરતા હતા અને ઝડપથી આગળ વધતા હતા.

આ સમયે અમિત શાહ તેમનું સ્વાગત કરનારાં લોકો સાથે વાતો કરવાને બદલે, તેમને પોતાની એક 'સેલ્ફી'લેવાનો મોકો આપતા જોવા મળ્યા.

મોદીનો પત્ર મતદારોને પહોંચાડવાનું માધ્યમ બન્યા

અમિત વડીલ મહિલાઓના આશિર્વાદ લેતા જોવા મળ્યા અને પોતે જ ભાજપની પત્રિકા પણ આપતા હતા. આ પત્રિકા નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાને ઉદ્દેશીને લખેલો એક પત્ર છે.

જેમાં નરેન્દ્ર મોદીએ લખ્યું છે કે, "આપ સારી રીતે જાણો છો કે, મારા માટે ગુજરાત મારો આત્મા અને ભારત મારો પરમાત્મા છે.”

ભાજપનાં સ્થાનિક એકમના કાર્યકર વિષ્ણુ પટેલ અન્ય કાર્યકરો સાથે ત્યાં ઉપસ્થિત હતા. બીબીસી ગુજરાતીએ તેમને પૂછ્યું કે, અમિત શાહ ઘરોમાં જઈને લોકોને કેમ મળતા નથી?

જવાબમાં વિષ્ણુ પટેલે કહ્યું, “અમિત શાહ જનસંપર્ક મહાઅભિયાનની શરૂઆત કરાવવા આવ્યા છે. હવે તેઓ પાર્ટીની રાષ્ટ્રિય અધ્યક્ષ છે અને તેમની સાથે અનેક સુરક્ષાકર્મીઓ પણ હોય છે એટલે સલામતીના પણ પ્રશ્નો હોય.”

તેમણે ઉમેર્યું, “તેમને અનેક સભાઓ, મિટીંગો કરવાની હોય છે. એટલે ઘરે-ઘરે જવું તેમના માટે શક્ય ન હોય. એ કાર્ય અમે કરીશું. અમિત શાહ પણ પહેલાં લોકોનાં ઘરે ગયેલા છે. લોકો બીજા માળે રહેતા હોય તો પણ તેમના ઘરે જનસંપર્ક માટે ગયેલા છે. પણ હવે તેમની જવાબદારી વધી ગઈ છે.”

રાષ્ટ્રિય નેતા બનેલા અમિત શાહ સાથે સંવાદ ન થયો

લોક સંપર્ક યાત્રામાં અમિત શાહ લોકોની સાથે સંવાદ કરતા ન હતા એ જોઈ શકાતું હતું.

કદાચ તે હવે સ્થાનિક મટીને રાષ્ટ્રિય નેતા બની ગયા છે એટલે હવે લોકો સાથે તેમનો સીધો સંવાદ શક્ય રહ્યો નથી. નારણપુરાના પૂર્વ ધારાસભ્ય અમિત શાહ હવે રાજયસભાના સાંસદ છે.

સૂર્યા સોસાયટી પાસે આવેલા એક દુકાનદારે બીબીસી ગુજરાતીને કહ્યું, “જનસંપર્ક અભિયાન તો જ્યાં ભાજપના કાર્યકરો અને મતદારોનાં ઘરો છે, ત્યાં જ થાય છે. ખરેખર, લોકોનો મત જાણવો હોય તો, અજાણ્યા લોકોને મળી તેમની વાત જાણવી જોઇએ.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો