પ્રીતિ પટેલ પર ગંભીર સંકટ બાદ શું તેમને બરતરફ કરી દેવાશે?

પ્રીતિ પટેલ Image copyright PA
ફોટો લાઈન પ્રીતિ પટેલે ઇઝરાયલમાં બેન્જામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કર્યા બાદ મામલો ગંભીર બન્યો છે

થેરેસા મેની સરકારમાં આંતરરાષ્ટ્રીય વિકાસ મંત્રી પ્રીતિ પટેલનું રાજકીય ભવિષ્ય અંધકારમયી થતું જોવા મળી રહ્યું છે.

ઇઝરાયલમાં થયેલી ગુપ્ત બેઠક બાદ પ્રીતિ પટેલે ગંભીર સંકટનો સામનો કરવો પડી શકે છે.

પ્રીતિ પટેલે ઓગસ્ટમાં કોઈ વ્યવ્હારિક પ્રક્રિયાના પાલન વગર ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરી હતી. જો કે આ મામલે તેમણે માફી પણ માગી છે.

લેબર પાર્ટીએ આ મામલે કૅબિનેટ ઑફિસ પાસે તપાસની માંગ કરી છે.


ગંભીર સંકટમાં પ્રીતિ પટેલ!

Image copyright Getty Images
ફોટો લાઈન આંતરરાષ્ટ્રીય વિકાસ મંત્રી પ્રીતિ પટેલે ઇઝરાયલમાં 12 ગુપ્ત બેઠકો કરી હતી

બીબીસીનાં પોલિટિકલ એડિટર લૌરા ક્વેનસબર્ગે કહ્યું છે કે સુત્રોની માહિતીના આધારે બિનસરકારી રાહે ગુપ્ત મુલાકાતની વાત સામે આવ્યા બાદ પ્રીતિ પટેલ ગંભીર પ્રકારના રાજકીય સંકટનો સામનો કરી રહ્યાં છે

'ધ સન'ના રિપોર્ટના આધારે બ્રિટીશ પ્રધાનમંત્રી કાર્યાલયે પ્રીતિ પટેલ પાસે એ દરેક મુલાકાત અંગે માહિતી માગી છે કે જે તેમણે વિદેશી નેતાઓ સાથે કરી હોય.

પ્રેસ અસોસિએશનના રિપોર્ટ પ્રમાણે એવું પણ જાણવા મળ્યું છે કે પ્રીતિ પટેલે અન્ય બે ઇઝરાયલી નેતાઓ સાથે પણ પ્રોટોકોલ પરમીશન વિના મુલાકાત કરી હતી અને તેમાં બ્રિટનના કોઈ સરકારી નેતાઓ હાજર ન હતા.

બીબીસીના પોલિટીકલ એડિટરે જણાવ્યું છે કે અત્યારે આફ્રિકાની મુલાકાતે ગયેલા પ્રીતિ પટેલને પરત બોલાવી લેવામાં આવ્યાં હતાં. હવે તેમણે રાજીનામુ આપી દીધું છે.

પ્રીતિ પટેલ પર સતત દબાણ વધી રહ્યું હતું. ઓગસ્ટમાં તેમણે પારિવારિક રજાઓ ગાળવા દરમિયાન બિઝનેસ અને રાજકારણ સાથે સંકળાયેલા લોકો સાથે ગુપ્ત બેઠકો કરી હતી.

આ મુલાકાત દરમિયાન કોઈ રાજદૂત હાજર ન હતા. પ્રીતિ પટેલ સાથે ઇઝરાયલી કન્ઝર્વેટીવ પાર્ટીના એક પ્રભાવશાળી સમર્થક અને લૉબીઇસ્ટ લોર્ડ પોલાક પણ સામેલ હતા.


બૉરિસ જોનસનને મુલાકાત અંગે હતી જાણકારી?

Image copyright AFP
ફોટો લાઈન પ્રીતિ પટેલે જણાવ્યું છે કે તેમની બેઠક અંગે વિદેશ મંત્રી બૉરિસ જોનસનને માહિતી હતી

પ્રીતિ પટેલને અગાઉ દરેક મીટીંગ અંગે સ્પષ્ટતા આપવા આદેશ અપાયો હતો. તેમને એ પણ જણાવવા આદેશ અપાયો હતો કે તેમણે પોતાની મીટીંગ અંગે વિદેશ વિભાગને ક્યારે જાણકારી આપી હતી.

પ્રીતિ પટેલે ગાર્ડિયનને જણાવ્યું હતું કે તેમની યાત્રા અંગે વિદેશ મંત્રી બૉરિસ જોનસનને જાણકારી હતી. પરંતુ MPએ આ વાતને નકારી છે.

અગાઉ પ્રીતિ પટેલે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે આ યાત્રા દરમિયાન તેમણે 12 બેઠકો કરી હતી.

તે દરમિયાન તેમણે વડાપ્રધાન નેતન્યાહૂ સાથે મુલાકાત કરી હતી જેમાં તેમણે તેમની બ્રિટન યાત્રા સાથે સાથે ઇઝરાયલનાં સ્થાનિક રાજકારણ અને યૂકે-ઇઝરાયલ સંબંધો પર ચર્ચા કરી હતી.

પટેલે કહ્યું છે કે તેમણે ઇઝરાયલ સરકારના અન્ય વરિષ્ઠ લોકો સાથે પણ મુલાકાત કરી હતી. જેમાં ઇઝરાયલી મંત્રી ઇર્ડેન અને વિદેશ મંત્રાલયના અધિકારી યુવલ રોટમ પણ સામેલ હતા.

મહત્વનું છે કે પ્રીતિ પટેલ વર્ષ 2010થી બ્રિટનમાં સંસદ સભ્યનું પદ ધરાવે છે. તેઓ લાંબા સમયથી ઇઝરાયલનાં સમર્થક રહ્યાં છે અને ઇઝરાયલ કન્ઝર્વેટીવ ફ્રેન્ડ્સના પૂર્વ ઉપાધ્યક્ષનું પદ પણ સંભાળી ચૂક્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો