બ્રિટનનાં ગુજરાતી મૂળના પ્રીતિ પટેલના પ્રધાનપદ પર જોખમ

બ્રિટનનાં પ્રધાન પ્રીતિ પટેલનો ફોટોગ્રાફ Image copyright PA
ફોટો લાઈન બ્રિટનનાં પ્રધાન પ્રીતિ પટેલ

બ્રિટનનાં પ્રધાન પ્રીતિ પટેલને આફ્રિકાથી પાછાં ફરવાનો આદેશ વડાપ્રધાને આપ્યો છે.

ઈઝરાયલના અધિકારીઓ સાથેની બેઠકોને પગલે સર્જાયેલા વિવાદને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું બીબીસી માને છે.

બીબીસીનાં રાજકીય સંપાદક લૌરા ક્યૂન્સબર્ગે કહ્યું હતું, આજે ''કોઈક ઘટના'' બનવાની આશા છે અને પ્રીતિ પટેલને પ્રધાનપદેથી પાણીચું આપવામાં આવે એ હવે ''લગભગ નક્કી" છે.

ઈઝરાયલના રાજકારણીઓ સાથેની પોતાની ઓગસ્ટની બેઠકો બાબતે પ્રીતિ પટેલે વડાપ્રધાનની સોમવારે માફી માગી હતી.

જોકે, હવે સપ્ટેમ્બરમાં યોજાયેલી મુલાકાતો વિશે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

બીબીસીના ડિપ્લોમેટિક સંવાદદાતા જેમ્સ લેન્ડેલે જણાવ્યું હતું કે બ્રિટનનાં ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી પ્રીતિ પટેલે તેમની યુગાન્ડાની મુલાકાત ટુંકાવીને બ્રિટન પાછા ફરવું પડ્યું છે.

પ્રીતિ પટેલને વડાપ્રધાને સોમવારે ઠપકો આપ્યો હતો. પ્રીતિ પટેલ રજાઓ દરમ્યાન ઈઝરાયલી અધિકારીઓ સાથે સંખ્યાબંધ બેઠકો યોજી હતી. તેની વિગત તેમની પાસેથી માગવામાં આવી હતી.

ઈઝરાયલી અધિકારીઓ સાથેની એ મુલાકાતની પરવાનગી વિદેશ વિભાગે આપી ન હતી.


Image copyright Reuters
ફોટો લાઈન બ્રિટનનાં પ્રધાન પ્રીતિ પટેલ

ઈઝરાયલના કબજા હેઠળના ગોલન હાઈટ્સ પ્રદેશમાં ઘવાયેલા સીરિયાના શરણાર્થીઓની સારવાર માટે બ્રિટન તરફથી સરકારી સહાય આપવાની પ્રીતિ પટેલની યોજના હતી.

આ યોજના બાબતે પ્રીતિ પટેલે વડાપ્રધાનને જણાવ્યું હતું કે કેમ તે સ્પષ્ટ નથી થયું. જોકે, અધિકારીઓએ પ્રીતિ પટેલની વિનતીને 'અયોગ્ય' ગણાવી હતી.

પ્રીતિ પટેલે સપ્ટેમ્બરમાં બે બેઠક યોજી હોવાનું પણ હવે બહાર આવ્યું છે. એ બેઠકોમાં સરકારી અધિકારીઓ હાજર ન હતા.

કોન્ઝર્વેટિવ ફ્રેન્ડઝ ઓફ ઈઝરાયલના પ્રમુખ લોર્ડ પોલક એ બન્ને બેઠકોમાં હાજર હોવાનું માનવામાં આવે છે.

પ્રીતિ પટેલ ઈઝરાયલના પબ્લિક સિક્યુરિટી પ્રધાન ગિલાડ એર્ડનને વેસ્ટમિન્સ્ટરમાં સાતમી સપ્ટેમ્બરે મળ્યાં હતાં.


ગિલાડ એર્ડને તેમની બેઠકો બાબતે બાદમાં ટ્વીટ્સ પણ કરી હતી.

પ્રીતિ પટેલ ઈઝરાયલના વિદેશ મંત્રાલયના અધિકારી યુવલ રોટેમને ન્યૂયોર્કમાં 18 સપ્ટેમ્બરે મળ્યાં હતાં.

પોતે કેટલી બેઠકો યોજી હતી અને એ પૈકીની કેટલી વિશે વિદેશ વિભાગને માહિતગાર કરવામાં આવ્યો હતો એ જણાવવાની ફરજ પ્રીતિ પટેલને આ સપ્તાહની શરૂઆતમાં પાડવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા