શું ટ્રમ્પ હજુ પણ રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતવા સક્ષમ છે?

ટ્રમ્પની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન ટ્રમ્પના સમર્થનમાં પડતી આવી છે અને તેમના ચૂંટણી પ્રચારની તપાસ પણ ચાલી રહી છે

શું ડોનાલ્ડ ટ્રમ્પ આજની તારીખમાં પણ અમેરિકન રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતી શકે તેમ છે?

ડોનાલ્ડ ટ્રમ્પના વિજયના એક વર્ષ બાદ તેમના રાજકીય કાર્યકાળ વિશે ઘણાં અંદાજ રજૂ કરી શકાય તેમ છે.

હિલેરી ક્લિન્ટન કરતા લગભગ 30 લાખ ઓછા મત મેળવવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી જીતી હતી.

ટ્રમ્પના હાથમાં અમેરિકાની કમાન આવ્યા બાદ ઉત્તર કોરિયા સાથેના સંઘર્ષ સહિતના ઘણા વિવાદો તેમની સાથે જોડાયા છે.

તમને આ પણ વાંચવું ગમશે

ટ્રમ્પના સમર્થનમાં પડતી આવી છે અને તેમના ચૂંટણી પ્રચારની તપાસ પણ ચાલી રહી છે.

બીજી તરફ ટ્રમ્પના સમર્થકોનો દાવો છે કે અર્થવ્યવસ્થાની હાલત સુધરી રહી છે અને સરહદની સુરક્ષાને વધુ સઘન કરવામાં આવી છે.

આ તમામ દાવાઓ અને ટીકાઓ વચ્ચે એક સવાલ એ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણી જો ફરી યોજવામાં આવે તો ટ્રમ્પ તે ચૂંટણી જીતી શકે?


પહેલું તારણ: ટ્રમ્પ મુશ્કેલીમાં છે

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રૉફેસર લિચમેને ટ્રમ્પના વિજયની આગાહી કરી હતી

નવેમ્બર 2016માં જાહેર થયેલા ચૂંટણીના આશ્ચર્યજનક પરિણામ બાદ ટ્રમ્પે પ્રૉફેસર લિચમેને એક હસ્તલિખિત ચિઠ્ઠી મોકલી હતી. જેમાં લખ્યું હતું, "પ્રૉફેસર, અભિનનંદન. તમે સાચા હતા".

23 સપ્ટેમ્બર, 2016ના 'વૉશિંગ્ટન પૉસ્ટ'ના એક લેખમાં પ્રૉફેસર લિચમેને લખ્યું હતું કે ટ્રમ્પ ચૂંટણી જીતશે.

પ્રૉફેસર લિચમેન આજે પણ તેવો દાવો કરી શકે તેમ છે?

તેઓ કહે છે, "ટ્રમ્પ વિશે ઘણી નકારાત્મક વાતો થઈ રહી છે, જેના આધારે હારની શક્યતા રજૂ કરી શકાય તેમ છે પરંતુ અત્યારે આ બાબતે કોઈ અનુમાન કરવું થોડું ઉતાવળભર્યું ગણાશે."

તેમનું કહેવું છે કે રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પની એવી કોઈ મોટી ઉપલબ્ધિ નથી જેના આધાર પર કહી શકાય કે આ કામ ટ્રમ્પે કર્યું છે, જો કે અમેરિકાની અર્થવ્યવસ્થા હાલ સારી સ્થિતિમાં છે.

પ્રૉફેસર લિચમેન કહે છે કે, ટ્રમ્પની નકારાત્મક છબીના કારણે નુકસાન થઈ શકે તેમ છે અને ટ્રમ્પની બદનામી પણ વધી રહી છે.

આ પ્રૉફેસરે ટ્રમ્પના મહાભિયોગની ભવિષ્યવાણી કરતું એક પુસ્તક લખ્યું છે અને પુસ્તકમાં તેમણે આપેલા તારણો બાબતે હજુ પણ તેઓ મક્કમ છે.


બીજું તારણ: ટ્રમ્પ ફરી જીતી શકે તેમ છે

Image copyright Getty Images
ફોટો લાઈન રશિયા સાથે ઘનિષ્ઠ સંબંધો હોવાના આક્ષેપ ટ્રમ્પ પર લાગતા રહે છે

'ધ ટ્રેફલગાર ગ્રુપ' નામની કંપનીનું મુખ્ય કાર્યાલય જ્યોર્જિયા રાજ્યના એટલાન્ટામાં છે. આ કંપની ચૂંટણીઓનો સર્વે કરે છે.

આ કંપનીએ ટ્રમ્પના વિજય અને મતની સરસાઈ વિશે પણ આગાહી કરી હતી.

ટ્રમ્પના એક વર્ષના કાર્યકાળને આ કંપની કઈ રીતે જોઈ રહી છે?

કંપનીના સીનિયર સ્ટ્રેટેજિસ્ટ રૉબર્ટ કેહલી કહે છે, "જો પરિસ્થિતિ પહેલાં જેવી રહી તો મને નથી લાગી રહ્યું કે ટ્રમ્પને કોઈ મુશ્કેલી આવે. ટ્રમ્પ ફરી ચૂંટણી જીતી શકે છે."

"ટ્રમ્પમાં એ પરિબળો હજુ પણ છે જે લોકોને જુસ્સો આપતાં રહે છે, આ લોકોએ જ તેમને ચૂંટ્યા હતા."

રશિયા સાથેના ઘનિષ્ઠ સંબંધોના આક્ષેપ ટ્રમ્પ પર લાગતા રહે છે.

તેના વિશે રૉબર્ટ કેહલી કહે છે, "હિલેરી ક્લિન્ટનના પણ રશિયા સાથે ઘનિષ્ઠ સંબંધો હતા, તેથી આ આરોપ સંતુલિત થઈ જાય છે."


ત્રીજું તારણઃ વધુ એક જીતની શક્યતા

Image copyright Getty Images
ફોટો લાઈન ટ્રમ્પના અપ્રુવલ રેટિંગમાં ઘટાડો નોંધાયો છે

'ગેલપ' નામની જાણીતી ચૂંટણી સર્વે સંસ્થા ગત 20 જાન્યુઆરીથી ટ્રમ્પની લોકપ્રિયતા પર દરરોજ સર્વે કરી રહી છે.

જે અંતર્ગત અમેરિકન મતદારોને રાષ્ટ્રપતિની કામગીરી પર સવાલો પૂછવામાં આવે છે.

જો કે સર્વેમાં મળનારા આંકડાઓ ખૂબ સારું પરિણામ આપી રહ્યા નથી.

ટ્રમ્પના અપ્રુવલ રેટિંગની સરેરાશ જૂન મહિનામાં 40 ટકા હતી જે ઑક્ટોબર મહિનામાં 33 ટકાએ પહોંચી હતી.

જો કે ગેલપના એડિટર-ઈન-ચીફ ફ્રેન્ક ન્યૂપોર્ટ એવું નથી માનતા કે આ પ્રકારની કોઈ કાલ્પનિક ચૂંટણી થાય તો ટ્રમ્પનો પરાજય થાય.


ચોથું તારણઃ ખાસ પ્રતિસ્પર્ધીની જરૂર

Image copyright Reuters
ફોટો લાઈન 'ટ્રમ્પને હરાવવા માટે ડેમોક્રેટિક પક્ષે અન્ય કોઈ ખાસ ચહેરો રજૂ કરવો પડશે'

ન્યૂ યોર્કની 'સ્ટોની બ્રુક યુનિવર્સિટી'માં પોલિટિકલ સાયન્સના પ્રૉફેસર તરીકે ફરજ બજાવનારા હેલમટ નોરપોથે પણ વર્ષ 2016માં ટ્રમ્પના વિજયની ભવિષ્યવાણી કરી હતી.

તેઓ કહે છે, "તેમનું રેટિંગ કથળી રહ્યું છે અને કોઈપણ અમેરિકન રાષ્ટ્રતિના કાર્યકાળના આ સમયગાળા દરમિયાનનું આ સૌથી ખરાબ રેટિંગ છે."

તો શું હવે ચૂંટણી થાય તો તેઓ હિલેરી ક્લિન્ટનને હરાવી શકશે?

પ્રૉફેસર નોરપોથ જવાબ આપતા કહે છે, "હું ફરી ટ્રમ્પના વિજયનો દાવો કરીશ, તેઓ હિલેરીને ફરી હરાવી શકે તેમ છે."


પાંચમું તારણઃ ટ્રમ્પ જો બિડેનને હરાવી શકે તેમ નથી

Image copyright Getty Images
ફોટો લાઈન જો બિડેન અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ છે

પ્રૉફેસર હેલમટ નોરપોથના સવાલનો જવાબ પ્રૉફેસર બાર્બરા પેરી આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન ટ્રમ્પને સારી હરિફાઈ આપી શકે તેમ છે.

'યુનિવર્સિટી ઑફ વર્જિનિયા'માં પ્રેસિડેન્શિયલ સ્ટડીઝના પ્રૉફેસર તરીકે ફરજ બજાવનારા બાર્બરા પેરી કહે છે, "જો આવતીકાલે ચૂંટણી થાય અને ટ્રમ્પ વિરુદ્ધ જો બિડેનને ચૂંટણી લડાવવામાં આવે તો મને લાગે છે કે જો બિડેન વિજય મેળવી શકે છે."

જો કે આ સંભાવનામાં એક મુશ્કેલી છે. બાર્બરા પેરીનું કહેવું છે કે વર્ષ 2020માં બિડેનની ઉંમર 77 વર્ષ થઈ જશે.

તો ટ્રમ્પ વિરુદ્ધ હિલેરીને ઉમેદવાર બનાવાવમાં આવે તો?

જવાબમાં બાર્બરા પેરી કહે છે, "હું માનું છે કે હિલેરી સામેની ચૂંટણી ટ્રમ્પ ફરી જીતી જશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો