પ્રેસ રિવ્યૂ : હિમાચલમાં મતદાન વેળા ઈવીએમ-વીવીપીએટીમાં ખામી સર્જાઈ

સામ પિત્રોડાની તસવીર Image copyright Getty Images

સંદેશમાં પ્રકાશિત અહેવાલ મુજબ સામ પિત્રોડા ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા માટે પાંચ દિવસ ગુજરાતમાં પ્રવાસ કરશે અને લોકોને મળશે.

તેમણે અમદાવાદમાં એક પત્રકાર પરિષદમાં અનામત મુદ્દે નિવેદન આપ્યું કે અનામત મળવી જોઈએ પરંતુ તેના વિના પણ આગળ વધી શકાય છે.

તેમણે કહ્યું,"અનામત એવો વિષય છે જે બધા જ માગે છે. જો કે પછાત લોકોને અનામત મળવી જોઈએ. અલબત્ત અનામત વિના આગળ ન વધી શકાય એવું નથી."

સામ પિત્રોડા તેમની પાંચ દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને જામનગરની મુલાકાત લેશે. જેમાં તે લોકોને મળીને વાર્તાલાપ કરશે, રજૂઆતો સાંભળશે અને કોંગ્રેસને ચૂંટણી ઢંઢેરા માટે મુદ્દા આપશે.


હિમાચલ ચૂંટણી : મતદાનના દિવસે ઈવીએમ-વીવીપીએટીમાં ખામી

Image copyright Getty Images

ફર્સ્ટપોસ્ટ વેબસાઇટ અને સંદેશના અહેવાલ અનુસાર હિમાચલ પ્રદેશમાં 68 બેઠકોની વિધાનસભા ચૂંટણી માટે ગુરુવારે મતદાનના દિવસે જ ઈવીએમ મશીન અને વીવીપીએટી વોટર વેરીફાઈડ પેપર ઑડિટ ટ્રેલ મશીનોમાં ખામી નોંધાઈ હતી.

હિમાચલના સિરમૌર જિલ્લામાં ઈવીએમ અને વીવીપીએટીમાં ખામી આવતાં મતદાન 20 મિનિટ મોડું શરૂ થયું હતું.

એક પત્રકાર રાઘવેન્દ્ર રાવે સંદેશને જણાવ્યું, "રાજ્યમાં 58 ઈવીએમ અને 102 વીવીપીએટીમાં ટેક્નિકલ ખામી બહાર આવતાં તેમને બદલીને મતદાન કરવામાં આવ્યું હતું."

અહેવાલ અનુસાર રાજ્યમાં 74 ટકા મતદાન નોંધાયું, જેમાં 337 ઉમેદવારોનાં ભાવિ ઈવીએમમાં સીલ થયાં.

ફર્સ્ટપોસ્ટના અહેવાલ અનુસાર મશીનોમાં ટેક્નિકલ ખામીને લીધે કેટલાક મતદાન કેન્દ્રો પર સમય કરતા પણ મોડે સુધી મતદાન ચાલું રહ્યું હતું.

રાજ્યનાં મુખ્ય ચૂંટણી કમિશનર પુષ્પેન્દ્ર રાજપૂતે જણાવ્યુ, "મશીનોમાં ખામી સર્જાવાના કેટલાક અહેવાલ નોંધાયા હતા અને અમે તરત જ આ મશીનો બદલી નાંખ્યા હતા. આ કારણે મતદાનને કોઈ જ અસર નથી થઈ."


આકાશવાણી અને દૂરદર્શનના પત્રકારો મને સવાલ ન કરે : સ્મૃતિ

Image copyright Getty Images

સંદેશમાં પ્રકાશિત વધુ અહેવાલ અનુસાર કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આકાશવાણી અને દૂરદર્શનના પત્રકારોને પત્રકાર પરિષદમાં કહ્યું કે તેમણે તેમને કોઈ પણ સવાલ ન પૂછવા જોઈએ.

ભાજપની જનસંપર્ક યાત્રા માટે અમદાવાદ આવેલા કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું, "મારા મંત્રાલય હેઠળ આવતા આકાશવાણી, દૂરદર્શનમાંથી અહીં કોઈ પણ હોય તો મને સવાલો ન પૂછે."

"હું સંબંધકર્તા પ્રધાન છું અને કોઈને એવું ન લાગવું જોઈએ કે મેં પ્રસારભારતીની કોઈ પાંખનો બિનજરૂરી લાભ મેળવ્યો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો