આ તસવીરો જોઈ તમને ચહેરાં પરના ડાઘ પ્રત્યે પ્રેમ જાગશે!

ફ્રેકલ્સ ધરાવતા લોકોની તસવીરો Image copyright BROCK ELBANK
ફોટો લાઈન બ્રોક એલબેન્ક નામના એક ફોટોગ્રાફર આ 'ફ્રેકલ' એટલે કે તલકાંને તદ્દન અલગ રીતે જુએ છે

મારા ચહેરા પર રહેલા 'ફ્રેકલ' (તલકાં, ચાઠાં અથવા ઘેરા કથ્થાઈ રંગના ડાઘ) બાબતે હું ખૂબ વધારે પ્રમાણમાં સચેત રહેતી હતી.

હું જ્યારે આઠ વર્ષની હતી ત્યારના ઊનાળાની ગરમીના દિવસો મને યાદ છે.

એક દિવસ હું મારા દાદાના બગીચામાં બેઠી હતી ત્યારે બળબળતી ગરમી હોવા છતાં મેં શર્ટ પર પહેરેલું પહેરણ ન ઉતાર્યું કારણ કે મારા ડાબા ખભા પર તલકાં હતા.

આવી જ બીજી એક ઘટના હજુ પણ મારી સ્મૃતિમાં છે. હું 14 વર્ષની હતી ત્યારે વર્ગખંડમાં મારી પાછળ બેઠેલી એક છોકરીએ કહ્યું હતું, "તારા કાન પર રહેલા 'ફ્રેકલ' એટલે કે તલકાં કેટલાં વિચિત્ર દેખાય છે"

તમને આ પણ વાંચવું ગમશે

મેક-અપ કરવા જેટલી પુખ્ત થઈ ત્યારથી હું મારા ચહેરા પરના બધા ડાઘ છૂપાવી શકે તેવા મેક-અપ ફાઉન્ડેશનની શોધ કરતી રહેતી હતી.

Image copyright BROCK ELBANK
ફોટો લાઈન બ્રોક એલબેન્કને મિત્રના દીકરાના શરીર પર રહેલાં તલકાં પરથી 'ફ્રેકલ્સ'ની પ્રેરણા મળી હતી

વર્ષો સુધી હું મેક-અપના વિવિધ થપેડા કરતી રહી અને ચહેરા પર ફેલાયેલા કથ્થાઈ ડાઘોને છૂપાવવા માટે સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરતી રહી.

બોયફ્રેન્ડને મળવા જવું એ પણ મોટી સમસ્યા હતી. મને વિચાર આવતો કે મારો સંપૂર્ણ મેકઅપ ઉતારીને હું ક્યારેય સ્વસ્થ થઈ શકીશ?

બોયફ્રેન્ડ સાથે હોઉં ત્યારે હું માત્ર આંખ પરનો મેકઅપ જ ઉતારતી અને એવી આશા રાખતી કે આ જ મારી કુદરતી ત્વચા છે તેવું બતાવીને હું બોયફ્રેન્ડને મૂર્ખ બનાવી શકીશ.

બ્રોક એલબેન્ક નામના એક ફોટોગ્રાફર આ 'ફ્રેકલ' એટલે કે તલકાંને તદ્દન અલગ રીતે જુએ છે. 'ફ્રેકલ્સ' નામના તેમના એક પ્રૉજેક્ટમાં તેમણે તલકાં ધરાવતા લોકોની તસવીરો ખેંચી છે.

Image copyright BROCK ELBANK
ફોટો લાઈન 'ફ્રેકલ્સ' પ્રોજેક્ટમાં તલકાં ધરાવતા લોકોને તલકાં દર્શાવતા પોઝ આપવાનું કહેવાયું હતું

ચહેરા અને શરીર પર રહેલા તલકાં દર્શાવતા પોઝ આપવાનું લોકોને કહેવામાં આવ્યું હતું.

કોમર્શિયલ અને ફેશન ફોટોગ્રાફીમાં સારી એવી નામના ધરાવતા બ્રોકે વર્ષ 2012માં ઓસ્ટ્રેલિયામાં વસવાટ દરમિયાન આ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી.

તેમના એક મિત્રના દીકરાની ત્વચા પર વિચિત્ર પ્રકારના તલકાં હતા, જેના પરથી તેમને આ પ્રોજેક્ટની પ્રેરણા મળી હતી.

આ પ્રોજેક્ટની શરૂઆતના સમાચારનો ફેલાવો થયા બાદ હજારો લોકો સ્વૈચ્છિક રીતે તેમાં ભાગ લેવા માટે તૈયાર થયા હતા.

Image copyright BROCK ELBANK
ફોટો લાઈન આ પ્રોજેક્ટમાં 6000થી પણ વધુ લોકોની અરજી આવી હતી

બ્રોક કહે છે, "મને 6000થી પણ વધુ લોકોની અરજી મળી હતી અને તેમાંથી મેં 177 લોકોની તસવીરો ખેંચી હતી."

"તેમાંના ઘણાં લોકોનું કહેવું છે કે તેમના દેખાવ પ્રત્યે તેમને ધિક્કાર છે."

હું પણ આવી જ લાગણી અનુભવતી હતી. એક વર્ષ પહેલા મેં મેકઅપ વગર બહાર જવાની હિંમત કરી હતી.

ગત વર્ષના સપ્ટેમ્બરમાં રજાઓ ગાળવા હું ફ્લોરિડા ગઈ હતી.

ગરમી હોવા છતાં ત્વચા પર ફાઉન્ડેશન લગાવી હું બહાર નીકળી હતી.

બહાર નીકળતા જ પરસેવો વળવાની શરૂઆત થઈ હતી. બહાર નીકળ્યાના એક કલાદ બાદ મારી ત્વચા ખૂબ તૈલી થઈ ચૂકી હતી.

મેકઅપ ચહેરા પરથી હટી રહ્યો હોય અને ચહેરા પર કચરો જમા થયો હોય તેવું લાગી રહ્યું હતું.

Image copyright BROCK ELBANK
ફોટો લાઈન બ્રોક એલબેન્કે 177 લોકોની ફોટોગ્રાફી આ પ્રોજેક્ટ હેઠળ કરી હતી

બીજા દિવસે પણ આવા અનુભવના કારણે મને લાગ્યું કે હવે મેકઅપ કરવાનું છોડી દેવું જોઈએ.

હું તદ્દન અશક્ત હોઉં તેવું અનુભવી રહી હતી. પછીના દિવસે મેકઅપ કર્યા વિના હું હોટેલ બહાર નીકળી હતી.

હું ખૂબ જ સ્વતંત્રતા અનુભવી રહી હતી. ત્વચા પર પાણી ઉડવાનો પણ કોઈ ડર નહોતો.

એક અઠવાડિયામાં મારાં તલકાંની સંખ્યા વધી ગઈ હતી પરંતુ હું ઘણું સારું અનુભવી રહી હતી.

ઘરે પરત આવ્યા બાદ મેં તલકાંને છૂપાવ્યા વગર બહાર નીકળવાનો નિર્ણય કર્યો કારણ કે છેલ્લાં 10 વર્ષથી હું તલકાં પર મેકઅપનું આવરણ કરી બહાર નીકળી રહી હતી.

મેકઅપ વિના હું મારી ઑફિસે પહોંચી અને રાહ જોઈ રહી હતી કે લોકો ક્યારે મને જોઈને ભયાનક ઉદગારો કરે અને મારા વિશે વાતો કરે, પરંતુ આવું કંઈ ન થયું.

Image copyright BROCK ELBANK
ફોટો લાઈન 'ફ્રેકલ્સ'માં ભાગ લેનારા મોટાભાગના લોકોનું કહેવું હતું કે શરીર પર રહેલાં તલકાં પ્રત્યે તેમને ધિક્કાર છે

ઘરે પરત આવી હું પથારીમાં સૂતી હતી ત્યારે મેં વિચાર્યું કે મારી અસલી ત્વચાને બહાર લાવવા માટે મેં આટલી રાહ શા માટે જોઈ?

બ્રોક કહે છે, "મને તલકાં હંમેશા મોહક લાગ્યા છે. મેં જે તલકાં ધરાવતા લોકોની ફોટોગ્રાફી કરી તેમાં સૌથી નાની વયની વ્યક્તિ 3 વર્ષની હતી અને સૌથી મોટી વયની વ્યક્તિ 73 વર્ષની હતી."

આ લોકોમાંથી મોટાભાગના લોકોએ બ્રોકને કહ્યું કે ત્વચા પરના તલકાંને સ્વીકારવા એ પણ એક પડકાર છે.

હું જેમ મોટી થઈ રહી છું તેમ મારા અસ્તિત્વનો સ્વીકાર કરી રહી છું.

હું ઈચ્છુ છું કે વધુને વધુ લોકો તેમના તલકાંને સ્વીકારે કારણ કે આ બાબત આપણને ખાસ બનાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો